આપણે બિનજરૂરી સ્પર્ધાત્મક થતા જઇ રહ્યા છીએ
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- આપણે કેટલા સ્પર્ધાત્મક કે કોમ્પિટિટિવ બની ગયા છીએ ?! મઝા કે હળવાશ મેળવવાની પ્રવૃત્તિઓમાં પણ સ્પર્ધા, જીત, સરખામણી, ફોલોઅર્સ, પ્રશંસા, ગ્રેડસ વગેરે કેટલી સહજતાથી ભળી ગયા છે !
'અ રે યાર જોઇને તો રમો !' વાતોના ઉત્સાહમાં મેં ભૂલથી એક ખોટા પત્તાની ઉત્તર કરી દીધી અને મારા યુવાન પાર્ટનરે મને સૉર્ટ ઓફ ખખડાવી નાખ્યો. મારી એ ભૂલને કારણે અમારે પોઇન્ટ અને બાજી બંને ગુમાવવા પડયા. અમે કુટુંબીઓ હમણાં ગયેલા દિવાળી વેકેશનમાં ભેગા થઇને 'કાળી તીરી' રમતા હતા. જીતવાની લ્હાયમાં બધા એકબીજા ઉપર છણકા કરતા હતા, હાઈ ટોન અને સ્ટ્રોંગ રિએકશન્સ સાથે ! ઘડીભર માટે વાતાવરણ એવું તણાવગ્રસ્ત થઇ જતું કે જાણે દરેક જણ જીતવા માટે જ રમી રહ્યા હોય, એક એક પોઇન્ટ માટે મરણિયા !
***
'ઘર પર સિરીઝ કરી કે નહીં ?!' મેં એક સંબંધીને મેં દિવાળીની સાંજે પૂછ્યું.
'એક મિનિટ આ કોલ કટ કરો અને વિડીયો કોલ કરો' એમણે તરત કહ્યું અને મેં ફેસટાઈમ વિડીયો કર્યો. એમણે ફોનનો કેમેરા એમની સોસાયટીના ત્રણ-ચાર ઘર પર ફેરવ્યા બાદ પોતાના ઘર પર સ્થિર કર્યો અને બોલ્યા 'લોકોએ થોડી ઘણી લગાવી છે પણ આપણે બધું ઝાકઝમાળ કરી દીધું, લગ્નની જેમ શણગારી દીધું ! ઘરે આવો, ઘરની અંદર તો આના કરતા વધુ દિવાળીની રોનક છે' એમના અવાજના રણકામાં એક સેન્સ ઓફ અચિવમેન્ટ જેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું.
***
'તમે મસ્ત ગાવ છો, તમે 'ફલાણા' એપ પર છો ?!' મને પહેલીવાર ગાતો સાંભળીને એક સ્નેહીએ પૂછ્યું.
'ના, હું તો જસ્ટ એમ જ મારી મસ્તી માટે ગાઉ છું' મેં કહ્યું.
'તમે તો ખાસ્સું સારું ગાવ છો, એ એપમાં તમને ઘણા ફોલોઅર્સ મળી શકે. તમે બીજા સાથે ગાઈ શકો, બીજા તમારી સાથે ગાઈ શકે અને તમારા ગાવાને ગ્રેડ પણ મળે' એમણે મને એપ વિષે થોડી વધુ માહિતી આપી.
'એપનો ઉદ્દેશ સારો છે પરંતુ મારા જેવા મનની મઝા માટે ગાતા વ્યક્તિએ 'ફોલોઅર્સ', 'ગ્રેડ' કે બીજા ચક્કરમાં કેમ પડવું જોઇએ ?!' મેં સ્પષ્ટતા કરી.
****
દિવાળીના અઠવાડિયામાં મારી સાથે બનેલી આ ઘટનાઓમાં તમને કંઇ સામ્ય જણાય છે ?! સ્વાભાવિક છે કે અહીં વર્ણવી છે તો કંઇક સામ્ય તો હશે જ ને, હા છે, પણ એ મારુ ચિંતન છે, જોઇએ તમે સંમત થાવ છો કે નહીં ! આ પ્રસંગો વાગોળતા મને એક વિચાર આવ્યો કે આપણે કેટલા સ્પર્ધાત્મક કે કોમ્પિટિટિવ બની ગયા છીએ ?! મઝા કે હળવાશ મેળવવાની પ્રવૃત્તિઓમાં પણ સ્પર્ધા, જીત, સરખામણી, ફોલોઅર્સ, પ્રશંસા, ગ્રેડસ વગેરે કેટલી સહજતાથી ભળી ગયા છે ! આપણી નાની નાની મઝાઓમાં પણ જાણે-અજાણે આ બધાની બેકડોર એન્ટ્રી થઇ જ જાય છે અને સરવાળે, ક્યારે આ પ્રવૃત્તિઓ હળવાશ આપવાને બદલે એક છૂપો તણાવ પેદા કરવા માંડે તે કહેવું મુશ્કેલ બની જાય છે. એવું લાગે છે કે સ્પર્ધા કે જીતના ભાવ વગર, ફોલોઅર્સના અંગુઠા કે પ્રશંસાના બે શબ્દ વગર આનંદ કેવી રીતે મેળવવો એ જાણે ભૂલતા જઇ રહ્યા છીએ. સોશિયલ મીડિયાએ આપણને શેરિંગના નામે એક છુપી સ્પર્ધામાં જોતરી દીધા છે, આપણી હરીફાઈની વૃત્તિ પ્રબળ બનતી ગઇ છે. આ બિનજરૂરી સ્પર્ધાત્મકતા દરેકના મનમાં, વત્તે-ઓછે અંશે, 'લોકો લઇ ગયા અને અમે રહી ગયા' (ફિઅર ઓફ મિસિંગ આઉટ - ફોમો)ની ભાવનાને સપાટી પર લાવવામાં સફળ થઇ રહી છે. કોઇને કશું છૂટી જાય એ ગમતું નથી, મનમાં કો'ક ખૂણે પોતાની જાણ બહાર પીડતું રહે છે. બીજાની સરખામણીએ કંઇપણ ઉત્તમ હોય કે બતાવવાની હોડ છે અને ધારો કે ના હોય તો પણ બતાવવાનું એક છળ કૌશલ્ય પણ છે ! આટલું ઓછું હોય એમ અન્ય માધ્યમો, જાહેરાતો, સમાચારો વગેરે પણ વિવિધ રીતે આપણમાં સ્પર્ધાત્મકતા ઉભી કરતા રહેતા હોય છે. દરેકના મનમાં જાગ્રત કે અજાગ્રત સ્તરે એક હરીફાઈ ચાલી રહી છે અને તે આપણી લાગણીઓ, વિચારો અને સંતુષ્ટિ પર અસર પેદા કરી રહી છે. ઘણું હોવા છતાં કંઇક ખૂટતું હોવાનો ભાવ આપણને વત્તે-ઓછે અંશે પીડી રહ્યો છે !
જીવનમાં સુખી અને સફળ થવા માટે મનોવિજ્ઞાનીઓ અને સંશોધકોએ અનેક કોશન્ટ (quotient) આગળ ધર્યા છે દા.ત. આઈક્યૂ, ઇક્યુ, એચક્યુ વગેરે આમ તો યાદી બનાવવા જોઇએ તો લગભગ અડધી આલ્ફાબેટના નામે કોશન્ટ છે પરંતુ સરવાળે આપણી ક્ષમતાઓનું આ વર્ગીકરણ છે. કોઈ એક ક્ષમતા નહીં પણ આ ક્ષમતાઓનો સમૂહ તમને સુખી કરવામાં કે સફળતા અપાવવામાં મદદરૂપ કે અડચણરૂપ બની શકે. મારે આ ક્ષમતાઓમાં કે વિવિધ કોશન્ટસની યાદીમાં એક કોશન્ટ ઉમેરવો છે - કોમ્પિટિશન કોશન્ટ (CQ) તમારામાં રહેલી સ્પર્ધાત્મકતા અને તેની તમારી લાગણીઓ પર થતી અસરનું માપ. તમે કોઈપણ નાની-મોટી બાબતોમાં કેવી હરિફાઈવૃત્તિ ધરાવો છો, કેટલી ઝડપથી સ્પર્ધામાં ઉતરી પડો છો અને તેના પરિણામ પ્રત્યે કેટલા અને કેવા લાગણીશીલ બની જાવ છો વગેરે બાબતો ઉપર તમારા સુખ-સંતોષનો બહુ મોટો આધાર હોય છે. એક મનોચિકિત્સક તરીકે આ બાબતને હું મૂલવી શકું છું. દરેક બાબતમાં હરીફાઈ કરવા તત્પર રહેતી વ્યક્તિઓ સતત અસંતોષ અને રઘવાટ અનુભવીત રહે છે.
ઊંચો કોમ્પિટિશન કોશન્ટ (CQ) ધરાવતી વ્યક્તિઓ જાણે-અજાણે અન્ય વ્યક્તિઓના વર્તન કે ઉપલબ્ધીઓને એક પડકાર તરીકે લઇ લેતી હોય છે અને તેને પછાડવા પ્રયત્નશીલ રહેતી હોય છે. જેમ કે, આ પ્રકારની વ્યક્તિ વાહન હંકારતી હોય અને કોઈ અન્ય ચાલાક એને ઓવરટેક કરી જાય તો એ તરત જ પોતાના વાહનની સ્પીડ વધારીને હરીફાઈમાં લાગી પડે છે અને એવું ના કરી શકે તેમ હોય તો મનોમન ખટકો તો અનુભવે જ.
આપણે ત્યાં વસ્તી વિસ્ફોટને કારણે દરેક ક્ષેત્રમાં હરીફાઈનો સામનો તો કરવો જ પડે છે. એ સંજોગોમાં જો આપણે હળવાશ આપતી પ્રવૃત્તિઓ, માત્ર મઝા કરવા માટેની પ્રવૃત્તિઓ કે રમતો, નિજાનંદ કે શોખ માટેની બાબતો વગેરેમાં હરીફવૃત્તિને ઉકસાવતા જઈશું તો કેટલા તણાવગ્રસ્ત થઇ જઈશું એ વિચાર્યું છે ? હળવાશને હળવી જ રહેવા દો અને એમ પણ દરેક વખતે, દરેક બાબતે જીતવું કે પુરસ્કૃત થતા રહેવું એ જરૂરી નથી.
આપણી દરેક પ્રવૃત્તિને અંગુઠા, તાળીઓ કે સ્માઇલીઓની જરૂર નથી. 'મઝા' આ બાબતોની મોહતાજ નથી. માત્ર 'મઝા' પણ એક ઉદ્દેશ હોઈ શકે છે એ યાદ રાખવાનું, જો ભૂલી ગયા તો તણાવને અને તમારે દોસ્તી પાક્કી !
પૂર્ણવિરામ :
જેમ લસણ ડુંગળી વાનગીઓના નૈસર્ગિક સ્વાદને દબાવી દે છે તેમ બિનજરૂરી સ્પર્ધાત્મકતા પ્રવૃત્તિની મઝા દબાવી દે છે.