Get The App

વિચારોનો ઉપચાર વિચારો નથી, વિચારવાની પદ્ધતિમાં બદલાવ છે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
વિચારોનો ઉપચાર વિચારો નથી, વિચારવાની પદ્ધતિમાં બદલાવ છે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- મનોદશા બદલવા વિચારોનું રિપ્લેસમેન્ટ નહીં પણ ટ્રાન્સફોર્મેશન થવું જરૂરી છે. રિપ્લેસમેન્ટ એકને ઉઠાડીને બીજાને બેસાડવાની વાત છે, જ્યારે ટ્રાન્સફોર્મેશન બેસવાની સમગ્ર વ્યવસ્થા જ બદલી કાઢવાની વાત છે. 

ચા લો આજે પાછા બુધાલાલને યાદ કરીએ. બુધાલાલ રોજ સાઈકલ ઉપર પોતાના કામે જતા. એમના રોજના રસ્તામાં એ સ્મશાન પાસેથી પસાર થતાં. કામ પર જતી વખતે તો આરામથી પોતાની ધૂનમાં ત્યાંથી પસાર થઈ જતાં પરંતુ રાત્રે કામ પરથી પાછા ફરતા સમયે સ્મશાન પાસે ખૂબ ભય અનુભવતા. ભૂત-પ્રેતાત્મા વગેરેના વિચારોથી તે અત્યંત ભયભીત રહેતા, ઝડપથી એ રસ્તો પસાર કરવાના ચક્કરમાં ઘણીવાર સાઈકલ પણ ડગમગી જતી અને તે ઓર ભયભીત થઈ જતા. રોજનો આ ક્રમ અને રોજનો આ ડર, બુધાલાલ ત્રાસી ગયા હતા, એવામાં તેમને ખબર પડી કે ગામમાં એક તાંત્રિક આવ્યા છે અને એ ભૂત-પ્રેતાત્મા વગેરેનું નડતર દૂર કરે છે. બુધલાલ તો પેડલ મારતા સડસડાટ ઊપડયા તાંત્રિક પાસે, એકી શ્વાસે પોતાની બધી રજૂઆત કરી. તાંત્રિકે પોતાની બાજુમાં મૂકેલા એક થેલામાંથી તાવીજ કાઢ્યું, પોતાની મુઠ્ઠીમાં એને બંધ રાખીને કંઈક બબડીને હળવી ફૂંક મારી. પછી, બુધાલાલના હાથમાં એ તાવીજ મુકતા કહ્યું આ તારી પાસે રાખજે, કોઈ ભૂત-પ્રેતાત્મા તારી આગળ-પાછળ પણ નહીં ભટકી શકે. બુધાલાલ તો નીડરતા અને આત્મવિશ્વાસનો શ્વાસ ભરીને ત્યાંથી રવાના થયા. તાંત્રિકનું તાવીજ તો અસરકારક નીકળ્યું, બુધાલાલનો ડર છૂમંતર થઈ ગયો. બે-ચાર દહાડા તો એ રાજપાઠમાં રહ્યા પરંતુ પછી એમના મગજમાં નવો વિચાર ઘૂસ્યો-આ તાવીજ ખોવાઈ જશે તો ?! જે તાવીજથી ભૂત-પ્રેતાત્મા દૂર રાખ્યા હતા તે ખોવાઈ જશે પછી પ્રેતાત્મા વેર વાળ્યા વગર નહીં રહે તે વિચારે તેમના શરીરમાં ભયની કંપારી છૂટી ગઈ. હવે પરિસ્થિતિ અવી છે કે એક ભયગ્રસ્ત વિચારોમાંથી છુટેલા બુધાલાલ બીજા ભયગ્રસ્ત વિચારોમાં સપડાયા, વિચારો બદલાયા પરંતુ ભયની લાગણીઓ તો ત્યાંની ત્યાં જ રહી. પહેલા ભૂત-પ્રેતના વિચારોથી ડર પેદા થતો હતો, હવે તાજવીજ ગુમાવી દેવાના વિચારોથી ડર પેદા થવા માંડયો ! બુધાલાલના વિચારો બદલાયા પરંતુ મનોદશા તો એની એ જ રહી. શું આવું સૌના રોજિંદા જીવનમાં જુદા જુદા સ્તરે નથી બનતું ?! ગુટખા છોડવા મસાલા ચાલુ કર્યા, દારૂ છોડવાના ચક્કરમાં બિયર કે કફ સીરપ પર વળગ્યા, બજારનો સટ્ટો છોડવા આઈપીએલ કે જંગલી રમી પર અટક્યા, એકલતા દૂર કરવા ઓનલાઈન ડેટિંગ પર ચઢ્યા, તણાવ ઓછો કરવા રિલ્સ પર ચોંટી ગયા, ફોમો દૂર કરવા સોશિયલ મીડિયાને ફંફોસતા રહ્યા વગેરેના મૂળમાં પણ મનની આ જ વૃત્તિ રહેલી છે. એવું નથી કે નકારાત્મક બાબતોમાં જ આ હાલ છે સકારાત્મક બાબતોનું વળગણ પણ એટલું જ હોય છે. હ્ય્દય રોગના ડરથી પીડાતી વ્યક્તિ એરોબિક એક્સરસાઈઝ કરવા માંડે પછી હ્ય્દયનો ડર ઓછો અને એકપણ દિવસ કસરત ચૂકી ના જવાય એના ડરથી પીડાવા માંડે. કોઈ કારણસર કસરતનું રૂટિન ના જળવાય તો બેચેની-ગભરાટ થઈ જાય અને એ ના થાય તો પણ મનમાં એ સંબંધિત વિચારો તો ચાલ્યા જ કરે. આવા સંજોગોમાં સામાન્ય ચોકસાઈને વળગણ (ઓમ્બેસન્શ)માં બદલાતા વાર નથી લાગતી. જે વ્યક્તિ તટસ્થપણે પોતાના વિચારોનું પૃથક્કરણ કરી શકે છે તેને મનનું આ અવલંબન અનેક નાના-મોટા સ્તરે દેખાશે, સમજાશે. 

વિચારોને જબરદસ્તીથી હટાવવા ઈચ્છતા દરેક વ્યક્તિનો આ હાલ છે. એક ડાળી છોડીને બીજી ડાળી પકડતાં વાંદરાની જેમ આપણું મન એક વિચાર છોડીને બીજા વિચારને વળગે છે, થોડો સમય એક વિચારથી છૂટયાની હળવાશ અનુભવાય પણ પછી બીજો વિચાર વળગી પડયાની અનુભૂતિ થાય ! મનને અવલંબિત રહેવાની ટેવ છે, એને વિચારોનું વળગણ થતાં વાર નથી લાગતી અને તેમાં ય જે વિચારોથી-પ્રવૃત્તિથી હળવાશ અનુભવાય, ભયમુક્ત કે આનંદમાં રહેવાય તેના ઉપર તો ખાસ અવલંબન-ડિપેન્ડન્સ થઈ જાય ! માણસની આદતો અને વ્યસનો પાછળની આ માનસિકતા છે.

મારી વાતનો એવો અર્થ ના કાઢતાં કે વિચારોને અટકાવવા કે તેનાથી છુટકારો મેળવવા પોઝિટિવ કે સારા વિચારો કરવા સલાહભર્યા નથી. સામાન્ય વિચારો માટે તે ચોક્કસ મદદરૂપ થઈ પરંતુ વધુ પડતા વિચારો (ઓવરથિંકિંગ), ભયગ્રસ્ત વિચારો, લાગણીજન્ય વિચારો, વિચારોના વળગણ(ઓબ્સેસન્સ) વગેરે કિસ્સાઓમાં મનોદશા એની એ જ રહે છે. આ સંજોગોમાં વિચારો બદલાય છે પરંતુ પરિવર્તિત નથી થતાં. એક વિચારને ધકેલીને બીજો વિચાર ગોઠવાય છે. પહેલા કોક બીજા વિચારો હતા, હવે કોક  બીજા વિચારો છે પરંતુ મનોદશા તો એ જ છે. મનોદશા બદલવા વિચારોનું રિપ્લેસમેન્ટ નહીં પણ ટ્રાન્સફોર્મેશન થવું જરૂરી છે. રિપ્લેસમેન્ટ એકને ઉઠાડીને બીજાને બેસાડવાની વાત છે, જ્યારે ટ્રાન્સફોર્મેશન બેસવાની સમગ્ર વ્યવસ્થા જ બદલી કાઢવાની વાત છે. મનોદશામાં બદલાવ વિચારોમાં ફેરફાર લાવવા જેવી ઉપરછલ્લી ક્રિયાથી નહીં પરંતુ વિચારોમાં પરિવર્તન આણવા જેવી મજબૂત બાબતોથી આવે છે. મનોદશામાં અસલી બદલાવ માત્ર વિચારો બદલવાથી નહીં, વિચારવાની પધ્ધતિમાં બદલાવ લાવવાથી આવે છે. મારી આટલી વાતથી એ તો સ્પષ્ટ સમજાઈ ગયું હશે કે વિચારોનો ઉપચાર વિચારો નથી, વિચારવાની પદ્ધતિમાં બદલાવ છે. વિચારોને જબરદસ્તીથી હટાવવાની કે ધકેલવાની જરૂર નથી, માત્ર એના સાક્ષી બનવાની જરૂર છે. તમે જેવા તટસ્થતાથી વિચારોને જોવા માંડયા કે પરિવર્તનની પ્રક્રિયા સૂક્ષ્મ સ્તરે આપોઆપ શરૂ થઈ ગઈ. વિચારોના સાક્ષી બનવાથી વિચારો પ્રત્યે જાગૃતિ 

કેળવાય છે, તેની ધારાથી પરિચિત થવાય છે, નોન-જજમેન્ટલ રહેવાનો મહાવરો થાય છે. બસ, એટલું જ કરવાનું છે વિચારોને તમારાથી અલગ કરીને જોવાના છે. તમે વિચાર નથી એનાથી ભિન્ન છો એટલી સમજણ કેળવવાની છે. ના તેનો પક્ષ લેવાનો છે, ના એનો વિરોધ કરવાનો છે, એના નિષ્પક્ષ સાક્ષી બનીને રહેવાનું છે. વાંચવામાં સરળ લાગતી આ વાત તમારો સતત જાગૃત પ્રયાસ માંગી લે છે. સમજી શકાય એવું છે કે દરેક ક્ષણે કે દરેક વિચારે સાક્ષી બનીને રહેવું એ તો લાંબી સાધના માંગી લે એવી વાત છે પરંતુ રોજ દસ મિનટનો સાક્ષીભાવ પણ તમને વૈચારિક તંદુરસ્તી આપી શકે. હઠીલા, હેરાન કરતા વિચારો પ્રત્યે થોડી ક્ષણોનો સાક્ષીભાવ પણ તમારા વિચારોમાં પરિવર્તનની શક્યતા ઉભી કરી શકે.

પૂર્ણવિરામ

વિચારોનો સહયોગ કરવાથી વિચારો જડતા પ્રાપ્ત કરે છે પરંતુ તેના સાક્ષી બનવાથી તે પરિપક્વતા પ્રાપ્ત કરે છે.


Google NewsGoogle News