ક્લિનિકલ જજમેન્ટ કે ક્લિનિકલ ડાયાગ્નોસિસ નકામું થઈ જશે!
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- 'યુઝ ઈટ ઓર લુઝ ઈટ'ના ન્યાયે, ઘણા ડૉકટરો ક્લિનિકલ એક્યુરસી પણ ગુમાવી રહ્યા છે અને વધુ પડતા તપાસો પર અવલંબિત થઈ રહ્યા છે
ગ ત સપ્તાહે આ કોલમમાં મેં લખ્યું હતું કે મારી દ્રષ્ટિએ છેલ્લા દસકામાં દર્દીઓનો વિશ્વાસ અને તબીબોનો હીલિંગ પાવર ક્રમશ: ઘટી રહ્યો છે. ઘણા પ્રતિભાવો મળ્યા કારણ કે વિષય જટિલ અને ચર્ચાસ્પદ હતો. આ પ્રતિભાવોનો સાર એ હતો કે વાત વર્ષો પહેલા હતી એવી સરળ નથી રહી. સાચું, વર્ષો પહેલા વાત સરળ હતી, તબીબે પોતાનું જ્ઞાન, આવડત અને અનુભવને કામે લગાડીને શક્ય તેટલી અસરકારક સારવાર કરવાની હતી, અને બીજી બાજુ, દર્દીએ તબીબને પોતાનો સાચો મદદગાર સમજીને સારવારમાં વિશ્વાસ રાખવાનો હતો. આજે ચારે બાજુ ફેલાયેલા ઉપભોગતાવાદ, વેપારી માનસ અને હેલ્થ-કેરમાં અનેક એજન્સીઓના પ્રવેશને કારણે આ વાતાવારણ સંપૂર્ણ બદલાઈ ગયું છે. ડૉકટર-પેશન્ટ સંબંધો ધરમૂળથી બદલાઈ ગયા છે અને હજી વધુ બદલાઈ રહ્યા છે. આ પ્રતિભાવોમાં મને ઘણાએ એક 'ફોરવર્ડેડ મેની ટાઈમ્સ' એટલે કે વાઈરલ એવો મેસેજ મોકલ્યો. ચાલીસથી વધુ વર્ષની પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિસ બંધ કરવાનો પોતાનો નિર્ણય તબીબી સમુદાયને જણાવતો એક યુગલનો આ મેસેજ છે. તેમણે પોતાની પ્રેક્ટિસ બંધ કરવાના મુદ્દાઓ આ મેસેજમાં રજૂ કર્યા છે. તેમણે પોતાનું આત્મનિરીક્ષણ કરતા નોંધ્યું છે કે પોતે તબીબી વ્યવસાયમાં ઘણા સિનિયર હોવા છતાં તેમના દર્દીઓની સારવારમાં એવું કંઈ વિશેષ કામ નથી કરી રહ્યા, પોતાનાથી જુનિયર તબીબોને કંઈ શીખવી નથી રહ્યા અને તેમણે ફરજિયાત કામ કરતા રહેવું પડે તેવી તેમની કોઈ આર્થિક જરૂરિયાતો નથી !
ત્રણે'ય વાતોનો ખૂબ ઊંડો અર્થ તારવી શકાય એમ છે. સિનિયર થતા તબીબે દર્દીઓની સારવારમાં એવું શું વિશેષ કામ કરવાનું હોય છે. મારી દ્રષ્ટિએ સિનિયર થતા તબીબે પોતાના વર્ષોના અનુભવ અને એમાંથી તારવેલા ડહાપણનો દર્દીઓની સારવારમાં થિયરી કરતા વધુ ઉપયોગ કરવાનું વિશેષ કામ કરવાનું હોય છે. દરેક દર્દીની સારવાર તબીબ માટે એક શિક્ષણ પણ છે અને તેના જરૂરી ચિંતનના આધારે તેમનામાં એક અંગત વિઝડમ વિકસતું જાય છે, જે થિયરી કરતા અલગ હોઈ શકે છે. શક્ય છે, પોતાના આ ડહાપણ પાછળ અનુભવ સિવાય બીજો તર્ક એ રજુ ના પણ કરી શકે. પરંતુ આ બાબત પ્રેક્ટિસમાં લાગુ કરવી અઘરી બનતી જઈ રહી છે. વધુને વધુ લોકો અનુભવ કરતા વિવિધ તપાસોમાં રસ ધરાવતા થયા છે. નિષ્ણાતના ક્લિનિકલ અભિપ્રાય કરતા રિપોર્ટમાં વધુ વિશ્વાસ આવે છે. અનુભવ બાજુમાં રાખીને સાબિતી ઈચ્છતો એક મોટો વર્ગ ડૉકટરોને દર્દીની તપાસ કરાવી લેવાનું સૂચન આપતો કે દબાણ કરતો રહે છે, સરવાળે હવે ડૉકટર પણ જોખમ લેવાને બદલે બધી તપાસો કરાવી લેવાનું વલણ ધરાવે છે. એક જમાનામાં ડૉકટર તબીબી નિદાનમાં મૂંઝાય ત્યારે જ એક્સ-રે કે લેબોરેટરી તપાસોની મદદ લેતા, હવે એની મદદ લીધા વગર કરાયેલા નિદાનની કોઈ વેલ્યૂ રહી નથી ! એથી'ય કમનસીબ બાબત એ છે કે આ પ્રકારના અભિગમને કારણે, 'યુઝ ઈટ ઓર લુઝ ઈટ'ના ન્યાયે, ઘણા ડૉકટરો તો ક્લિનિકલ એક્યુરસી પણ ગુમાવી રહ્યા છે અને વધુ પડતા તપાસો પર અવલંબિત થઈ રહ્યા છે. તપાસો કરાવ્યા વગર નિદાન પર આવવું તેમના માટે અશક્ય બનતું જઈ રહ્યું છે. આ સંજોગોમાં ક્લિનિકલ જજમેન્ટ કે ક્લિનિકલ ડાયાગ્નોસિસ આવનારા સમયમાં સંપૂર્ણ નકામી વસ્તુ થઈ જાય તો નવાઈ નહીં ! આજે અવનવી તપાસો અને તેના સાધનો સતત વિકસી રહ્યા છે તે સારી વાત છે પરંતુ તેની સાથે ધંધાદારીઓના મગજ પણ દોડી રહ્યા છે તે ચિંતાની વાત છે અને તેથી જ, તપાસની જરૂર હતી કે નહીં તે વિષયમાં દર્દી કે તેના સગા પ્રશ્નાર્થમાં અને ડૉકટરો તેના સમર્થન કે જસ્ટિફિકેશનમાં વ્યસ્ત રહેતા જોવા મળે છે. આ ઉપરાંત, ઈન્સ્યોરન્સ એજન્સીઓ પણ અનેક જાતની તપાસો પર જ પૈસા ચુકવે છે, એમાં ડૉકટરના અનુભવ કે ક્લિનિકલ જજમેન્ટનું મૂલ્ય શૂન્ય થઈ રહ્યું છે. આટલું ઓછું હોય તેમ ગૂગલ, સોશિયલ મીડિયા અને ઉટપટાંગ સલાહકારોને આધારે તબીબના વર્ષોના અનુભવને અવગણતા કે અપમાનિત કરતા અનેક કિસ્સાઓ રોજિંદા છે. વર્ષો સુધી આધુનિક તપાસો કે સાધનો વગર અનેક રોગોનું સચોટ નિદાન કરી ચૂકેલી પેઢી એના છેલ્લા તબક્કામાં છે ત્યારે આવું વાતાવરણ સિનિયર તબીબોને પોતે કંઈ ખાસ વિશેષ નથી કરી રહ્યા એવો અહેસાસ કરાવે તે સહજ કુદરતી છે. પોતાના અનુભવ અને ડહાપણ સામે પ્રશ્ન કરતા કે શંકા કરતા લોકોની સારવારમાં કંઈ વિશેષ કરવું એ અસંભવ બનતું જાય છે એવા માહોલમાં આ આત્મનિરીક્ષણ ખોટું નથી.
આજે સામાન્ય માહોલ એવો છે કે બધાને બધી ખબર છે, કોઈને'ય શીખવું નથી પરંતુ બધાને શિખવાડવું છે. સાવ સાચી વાત તો એ છે કે શીખવાની ધગશ ઓછી થઈ રહી છે. મારી દ્રષ્ટિએ ત્રણ-ચાર દસકાના અનુભવ દરમ્યાન્ લાખ્ખો દર્દીઓની સારવાર કરીને બેઠેલો દરેક ચિકિત્સક પોતે જ જીવતી-જાગતી યુનિવર્સિટી છે, તેની પાસેથી જે અલભ્ય શીખવા મળે તે પુસ્તકોમાંથી મેળવવું અશક્ય છે. પરંતુ કમનસીબે આજે આ વાત સમજનાર વિદ્યાર્થીઓ કેટલા છે ?! સાચા અર્થમાં સિનિયર્સ પાસેથી શીખવા માંગતા અથવા સિનિયર્સના અનુભવને અમૂલ્ય ગણાતા જુનિયર્સ ઓછા નથી થઈ રહ્યા ?! શીખવા કરતા કમાવાની ઉતાવળ નથી થઈ રહી ?! આમ પણ સિનિયર્સ ક્લિનિકલ સ્કિલ શીખવી શકે પરંતુ જ્યારે સારવાર જ 'એવિડન્સ બેઝ્ડ' થવા માંડી છે
ત્યારે દર્દી અને નિષ્ણાત બંને તપાસ આધારિત નિદાન-સારવારમાં જ વિશ્વાસ ધરાવતા થયા છે, તે સંજોગોમાં પણ શીખવવું અઘરું બની રહ્યું છે.
અને ત્રીજું, ફરજિયાત કામ કરતા રહેવું પડે એવી જરૂરિયાત બે પ્રકારના સિનિયર ડૉકટર્સને રહે છે, હોસ્પિટલ કે સાધનોમાં જેના વધુ પડતા નાણા રોકાયેલા છે અને જેણે પોતાની પાછલી પેઢીને સેટ કરવાની છે. બાકીના નિષ્ણાતોમાં કમાવવા કરતા બૌદ્ધિક સંતોષ (ઈન્ટેલેક્ચ્યુઅલ સેટિસ્ફેકશન), પ્રવૃત્તિમાં રહેવું અને પોતાનામાં વિશ્વાસ રાખતા વ્યક્તિઓની નિષ્ઠાથી મદદ કરવી એ વધુ પ્રાથમિક્તા ધરાવે છે. તમારા નામે કોઈ લોન-દેણું ના હોય અને તમારે પેઢીની માફક વ્યવસાય આગળ ધપાવવાનો ના હોય તો પ્રેક્ટિસ છોડવાનો વિચાર આત્મમંથનમાં ઉદ્ભવી શકે છે.
વાતો તો ઘણી છે, અપવાદો પણ ઘણા હશે પરંતુ આજની વાતનું તાત્પર્ય એ છે કે જો ચિકિત્સક પોતાનો સંપૂર્ણ અનુભવ નિચોવીને સારવાર કરવાના બદલે રક્ષણાત્મક-એવિડન્સ બેઝ્ડ સારવાર કરવા મજબૂર બને તો દર્દી તેના અનુભવની કુશળતાથી વંચિત રહી જશે અને જુનિયર્સ તેના પ્રેક્ટિકલ જ્ઞાનથી !!
પૂર્ણવિરામ :
કુશળ ડૉકટરની સારવારમાં વિજ્ઞાન (સાયન્સ) કરતા કલા (આર્ટ) વધુ હોવી જોઈએ.