Get The App

નજદીકી વ્યક્તિઓની વિચારધારા, સંવેદનાઓ, પસંદગીઓથી તમે વાકેફ છો?!

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
નજદીકી વ્યક્તિઓની વિચારધારા, સંવેદનાઓ, પસંદગીઓથી તમે વાકેફ છો?! 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- વ્યક્તિના વર્તનને મૂલવવામાં કે સમજવામાં લાગણીઓ ઓછી અને બુદ્ધિ-લોજીક વધુ કામ આવતું હોય છે. 

ઘ ણો સમય થયો, આપણે મારા કાલ્પનિક પાત્ર બુધલાલની વાત નથી કરી. ચાલો બે રમુજી વાત બુધાલાલના નામે ચઢાવી આજની વાત શરૂ કરીએ.

'માતા પતિ આત્મહત્યા કરવા ગયા છે, મને બહુ ચિંતા થાય છે, હું શું કરું ?! ' બુધાલાલની પત્નીએ તેમના ડોક્ટરને ફોન કરીને પૂછ્યું.

અચાનક પુછાયેલા આવા પ્રશ્નથી ડોક્ટર પણ થોડા મૂંઝાયા 'મને થોડું વિગતે સમજાવો તો હું તમને એ બાબતમાં કંઈ કહી શકું'

'ખાસ એવું કંઈ બન્યું નથી. સવારના પહોરમાં અમારી વચ્ચે ઝગડો થયો અને ગુસ્સામાં, તારા ત્રાસથી આત્મહત્યા કરવા જાઉં છું એવું બોલતા બોલતા છત્રી લઈને ઘરમાંથી નીકળી ગયા' બુધાલાલની પત્નીએ કહ્યું.

'છત્રી લઈને ?!' મૂંઝાયેલા ડોક્ટરથી પુછાઇ ગયું.

'સર મેં પણ એમને એ જ પૂછ્યું'તુ, તો એ ઓર ગુસ્સે થઈ ગયા કે હા તું તો એમ જ ઇચ્છે છે કે આવા વરસાદી વાતાવરણમાં હું છત્રી વગર જાઉં અને બીમાર પડું.

બુધાલાલ ગુસ્સામાં ધુંઆપુંઆ થતા જઈ રહ્યા હતા અને તેમના એક મિત્રએ રોક્યા 'આમ ગુસ્સામાં કઈ તરફ બુધાલાલ ?!'

'રેલવેના પાટે, આત્મહત્યા કરવા' બુધલાલે રોકાયા વગર જ કહ્યું.

'પણ ટિફિન લઈને ?!' મિત્રએ એમના હાથમાં ટિફિન જોઈને પૂછ્યું. બુધાલાલ ગુસ્સામાં એની પર તાડુક્યા 'તો શું ટ્રેન મોડી પડે તો ભૂખ્યો મરી જાઉં ?!'

શું બે માંથી એક પણ કિસ્સામાં બુધાલાલ આત્મહત્યા કરે ?! તમે કહેશો આ કોઈ પૂછવા જેવો પ્રશ્ન છે, જીવનની છેલ્લી ઘડીઓમાં સામાન્ય શરદી કે ભૂખથી ડરતો માણસ આત્મહત્યા કરવાની હિંમત ક્યાંથી લાવશે ?! એના ઇરાદામાં જ લોચો છે, બાકી મરવા જતા માણસને છત્રી થોડી યાદ આવે ?! ભૂખની ચિંતા થોડી સતાવે ?!! અહીં આત્મહત્યાની વાત કરતા તેમણે સાથે લીધેલી છત્રી કે ટિફિન વધુ મહત્વની વાત કરી જાય છે. વાતનો મર્મ સરળ છે, તમારા શબ્દો કરતા તમારું વર્તન વધુ મહત્વનું છે. મોટાભાગની વ્યક્તિઓ શબ્દોની માયાજાળમાં એવી ફસાઈ જતી હોય છે કે વ્યક્તિનું વર્તન મૂલવવામાં સહેલાઈથી થાપ ખાઈ જાય છે. લાગણીઓમાં અટવાયેલી રહેતી વ્યક્તિઓ શબ્દોમાં વધુ આસાનીથી ફસાઈ જાય છે. વ્યક્તિના વર્તનને મૂલવવામાં કે સમજવામાં લાગણીઓ ઓછી અને બુદ્ધિ-લોજીક વધુ કામ આવતું હોય છે. લાગણીઓ ઉપર કબજો જમાવીને બેઠેલા શબ્દો વ્યક્તિને તર્ક કરતા અટકાવે છે, સરવાળે શબ્દોમાં કહેવાયેલું અને વર્તનમાં ના દેખાયેલું પણ સાચું માનવાની મન હંમેશા ભૂલ કરે છે. હકીકતમાં તો જે શબ્દમાં કહેવાય છે તે વર્તનમાં ના દેખાતું હોય તો તેની વિશ્વસનીયતા સંશય પેદા કરનારી હોય છે.

મને આ સંદર્ભમાં હંમેશા મારા કેટલાક વ્યસની દર્દીઓ યાદ આવે છે. હું જ્યારે એમને વ્યસન કે તેની સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓ માટે દવા લખી આપું ત્યારે એ મને પૂછે કે 'દવા કઇં આડઅસર તો નહીં કરે ને ?!' અને કેટલાક તો વળી દવાઓ આડઅસર કરશે એમ કહીને દવા લેવા જ તૈયાર ના થાય ! એમના શબ્દોને મૂલવીએ તો એવું લાગે કે પોતાની તબિયત અને શરીરની કેટલી ચિંતા હશે એમને ?! પરંતુ એમનું વ્યસની વર્તન સાવ ઉલટી જ વાત કરી રહ્યું છે, વ્યસનની આડઅસરની ચિંતા એમને નથી સતાવતી ! દારૂથી લીવર-કિડનીનું જે થવું હોય તે થાય પરંતુ દવાની લીવર-કિડની પર અસર ના થવી જોઈએ ! બોલો, આત્મહત્યા કરવા જતા છત્રી કે ટિફિન લઈ જવાની આ વાત ના થઈ ? આવી વ્યક્તિની વ્યસન છોડવાની દાનત ઉપર સંદેહ ના થાય ?!

કોઈપણ વ્યક્તિને જાણવા માટે એની વાતો કે વર્તનને મુલવવું એ બહુ ઉપરછલ્લો રસ્તો છે. એનાથી વ્યક્તિ ઉપર ઉપરથી ઓળખાય એમ બની શકે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું કે વાતો-વર્તનમાં દંભ કરવો હોય એટલો કરી શકાય, સામેના વ્યક્તિને આસાનીથી છેતરી શકાય. કોઈપણ વ્યક્તિની વાતો કે વર્તનને ધ્યાનમાં રાખીને તેને જાણવાનો દાવો કરવો એ નાદાની છે. ઘણી વ્યક્તિઓને આવી નાદાનીની ખુબ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. આફતાબના કિસ્સામાં શ્રદ્ધાએ ચુકવેલી કિંમત તાજેતરનું મોટું ઉદાહરણ છે. વ્યક્તિને જાણવા માટે એના વિચારોને સમજવા બહુ જરૂરી છે. માત્ર વાણી-વર્તનથી વિચારો સમજવા જટિલ છે વિચારો સમજવા માટે વ્યક્તિના વ્યવહારો માન્યતાઓ, વિચારધારા, વાંચન, મનન-ચિંતન વગેરે અંગે સમજવું જરૂરી છે. જે તે વ્યક્તિ સાથે લાંબો કે ગુણવત્તાભર્યો સમય ગાળ્યા વગર આ શક્ય નથી. આનો અર્થ એમ થયો કે જેની સાથે ખાસ સમય ના ગાળ્યો હોય કે કોઈ નજદીકી નના હોય તેવી વ્યક્તિ અંગેના કોઈના અભિપ્રાયની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ હોય છે. ખરેખર તો દરેક વ્યકિતત્વને સમજવા માટે તેની ઉપરના આવરણો સમજતા જવા પડે. વાણી,વર્તન, વ્યવહાર, વિચારો, લાગણીઓ વગેરે આ આવરણો છે.

જે વ્યક્તિઓ આપણા અંગત છે, જેમની સાથે આપણે લાગણીઓથી જોડાયેલા છીએ અને જેમની સાથે આપનો રોજબરોજનો પનારો છે, તે વ્યક્તિઓને જાણવા જરૂરી છે. શાંત-સુખી જીવન જીવવા માટે આ પાયાની જરૂરિયાત છે. મેં અનેક એવા વ્યક્તિઓ જોયા છે કે એક છત હેઠળ રહેવા છતાં એકબીજાના વિચારોથી અજાણ હોય. તેમની વિચારધારા (આઈડીયોલોજી) કે પસંદગીઓ (ચોઈસિસ) થી પણ અજાણ હોય ! 

આ સંજોગોમાં તેમના સહજીવન ઉપરથી ગમે તેટલા આકર્ષક લાગતા હોય પરંતુ અંદર એક ખાલીપો, એક અસંતોષ વિસ્તરતો જતો હોય છે. પતિ-પત્ની કે સંતાન-માતાપિતા વચ્ચેના સંબંધોમાં પડેલી ખાઈ પાછળ આ પરિબળ બહુ મહત્વનો ભાગ ભજવે છે. જોડે રહેતા કે કામ કરતા લોકો એકબીજાના વિચારો જાણવાની તસ્દી પણ ના લે તો એકબીજાને જાણવાની કે તેમના વિષે અભિપ્રાય આપવાની વાત કરે એ તદ્દન ઉપરછલ્લી વાત હોઈ શકે. તમારા માટે જે વ્યક્તિઓ મહત્વની છે, જેમની સાથેના વ્યવહારો તમારા જીવન ઉપર અસર કરતા હોય છે તેવી તમામ વ્યક્તિઓના વિચારોને સમજવાનો અભિગમ કેળવવો જોઈએ. તેમની સાથે ગાળેલો સમય અને એ વ્યક્તિઓ પરત્વેનો તમારો નોન-જજ્મેન્ટલ વ્યવહાર આ બાબતમાં તમને મદદરૂપ થઈ શકે.

પૂર્ણવિરામ :

વ્યક્તિને જાણવા અને ઓળખવામાં ફરક છે. જાણવા માટે વ્યક્તિના વિચારો-સંવેદનાઓ સમજવી જરૂરી છે. ઓળખ તો માત્ર દેખાવ કે નામથી પણ બની જતી હોય છે.


Google NewsGoogle News