Get The App

ટેકનોલોજી સારી કે ખરાબ નથી,અસલી ખેલ વાપરનારાના દિમાગનો

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
ટેકનોલોજી સારી કે ખરાબ નથી,અસલી ખેલ વાપરનારાના દિમાગનો 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- ગૂગલ કે એઆઈ માહિતી અને જ્ઞાન ચોક્કસ આપશે પરંતુ બુદ્ધિ તો પોતાની જ વાપરવી પડશે અને તો જ આપણે તેની પાસેથી અસરકારક કામ લઈ શકીશું

હ મણાં એક ડોક્ટર મિત્રના કિલનિકના ઉદ્વાટન પ્રસંગે હું કેટલાક અન્ય ડોક્ટરો સાથે વાત કરી રહ્યો હતો, ત્યાં એક ડોક્ટર મિત્રનો મોબાઈલ રણક્યો. મિત્રએ ધીમા અવાજે વાત કરવા માંડી અને પછી થોડીક ક્ષણો બાદ 'હવે મને ના પૂછતા, તમારે જે કરવું હોય તે કરો' એમ કહીને મોબાઈલ કટ કરી નાખ્યો, પરંતુ તેના છેલ્લા વાક્યનો ટોન એટલો મોટો હતો કે આજુબાજુના લોકોનું પણ ધ્યાન તેની તરફ ગયા વગર ના રહ્યું ! 'શું થયું બાપુ ?!' તેની બાજુમાં ઉભેલા ડોક્ટર-મિત્રએ એના ખભે હાથ મુકતા પૂછ્યું.

'અરે,યાર આ ગૂગલ તો લોહી પીતું'તુ એમાં હવે ઓગસ્ટ એઆઈ સાહેબ આવી પહોંચ્યા છે મેથી મારવા ! સવારે એક દર્દીના સગાને બ્લડ-રિપોર્ટ્સ મેસેજ કરવાનું કહ્યું તો રિપોર્ટ્સનું ઓગસ્ટ એઆઈએ કરેલું એનાલિસિસ મોકલ્યું, સાથે શું કરવાનું તે અંગેની ઇનસાઈટ-જાણકારી પણ મોકલી અને હવે મને કહે છે કે તેણે સૂચિત કરેલી દવાઓ લખી આપજો !! પોતાનું ફ્રસ્ટ્રેશન વર્ણવતા એણે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો અને વાત બદલી 'છોડ, આ તો હવે રોજનું છે. બોલ બીજું શું ચાલે છે ?!' ઘડીભરનો અણગમો બાજુએ મૂકીને બધા બીજી વાતોએ વળગ્યા.

એક મનોચિકિત્સક તરીકે તબીબ-મિત્રની અકળામણ હું સમજી શકું છું. ગૂગલ અને એઆઈના જોરે વ્યક્તિઓની દાકતરી વધતી જાય છે. મારી દ્રષ્ટિ આમા કંઈ ખાસ આશ્ચર્ય પામવા જેવું કે અકળાવા જેવું નથી. ટેકનોલોજીની આ કમાલ છે, સ્માર્ટ કેમેરા ફોને દરેકને ફોટોગ્રાફર, કેરીઓકેએ દરેકને ગાયક, યુટયુબે દરેકને મોટિવેટર અને ટિકટોક જેવા એપ્સે દરેકને એક્ટર બનવાનો મોકો નથી આપ્યો ?! બસ, એ જ રીતે ગૂગલ, ઓગસ્ટ કે એઆઈ દરેકને ડોક્ટર બનવાનો મોકો આપી રહ્યા છે. હું તો હંમેશાથી કહેતો આવ્યો છું કે ટેકનોલોજી સારી કે ખરાબ, યોગ્ય કે અયોગ્ય, ઉપયોગી કે દુરૂપયોગી હોતી નથી, અસલી ખેલ એને વાપરનારા દિમાગનો છે. વાપરનારનું મગજ નક્કી કરશે તેનો શું ઉપયોગ કરવો. રાઈફલનો ઉપયોગ અને તેની પાછળનો હેતુ સૈનિક અને આતંકવાદી માટે તદ્દન ભિન્ન નથી હોતો ?! શસ્ત્ર તો એક જ છે પરંતુ તેને વાપરનારું દિમાગ અલગ છે અને એ પ્રમાણે તેનો વપરાશ છે ! આતંકવાદીના હાથમાં રાઈફલ જોઈને રાઈફલ બનાવનારને ગાળો ના આપી શકાય પરંતુ એ આતંકવાદીને ઇશ્વર સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી શકાય. ગૂગલ કે ઓગસ્ટ માહિતી અને જ્ઞાન ચોક્કસ આપશે પરંતુ બુદ્ધિ તો પોતાની જ વાપરવી પડશે અને તો જ આપણે તેની પાસેથી અસરકારક કામ લઈ શકીશું. બાકી, તમે તમારી બુદ્ધિ ના દોડાવી તો એની પાસે તો તમારી બુદ્ધિને એક ખૂણામાં આરામ કરવા મોકલી દે એવા અનેક એલ્ગોરિધમ્સ છે જ ! નુકશાન એનું બિલકુલ નથી અને તમારું થાય તો એમાં એને કોઈ મતલબ નથી ! એણે આપેલી માહિતીથી તમારું શું થયું એને ખબર નથી, એને લેવાદેવા પણ નથી ! ધારો કે એણે તમને કોઈ દવાની આડઅસર વિશે ભડકાવ્યા અને તમે દવા બંધ કરી દીધી. હવે આ સંજોગોમાં તમારા રોગે ઉથલો માર્યો તો તમે એને જઇને ફરિયાદ કરશો ?! એને તમારું શું થયું એ જાણવામાં કે હવે આગળ શું એ વિચારવા માટે પ્રોગ્રામ નથી કરવામાં આવ્યો.

તો શું ગૂગલ, ઓગસ્ટ કે તેના જેવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ ન કરવો ?! ટેકનોલોજી તો આપણી સગવડ અને સેવા માટે છે, જો એ તમારી સમજમાં આવતી હોય તો તેનો યોગ્ય ઉપયોગ કરવો જ જોઈએ. પરંતુ ઉપયોગ યોગ્ય છે કે નહીં એ દરેક વ્યક્તિએ પોતાની બુદ્ધિથી વિચારવાનું હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ ક્યાં નથી કરવાનો અને ક્યાં કરવાનો છે એ બંને બાબતોની સ્પષ્ટ સમજ હોય તો જ તમે એ વસ્તુનો યોગ્ય ઉપયોગ કરી શકો છો. તબીબી ક્ષેત્રના સંદર્ભમાં જોઈએ તો ગૂગલ કે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તમારા રોગનું જાતે નિદાન કરવામાં, દવાઓ અંગે ખણખોદ કરવામાં, સારવારની પસંદગી કરવામાં, તમારા ડોક્ટરને ચેલેન્જ કરવામાં, તેમનું જ્ઞાન ચકાસવામાં કે તેમને સારવાર અંગે સલાહ-સૂચનો આપવામાં ના કરવો જોઈએ. જો તમારે આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવો જ હોય તો રોગ થવા પાછળના કારણો-પરિબળો જાણવા, તમારા રોગના સ્વભાવ અંગે જાણકારી મેળવવા, રોગ કેવી રીતે અને કયા કારણોસર આગળ વધતો કે વકરતો હોય છે તે જાણવા, રોગની સારવારમાં દવાઓ સિવાય તમે બીજું શું કરી શકો છો તેની માહિતી મેળવવા, રોગને ઝડપથી કાબૂમાં લાવવા જીવનશૈલીમાં શું ફેરફારો કરવા જોઈએ તે જાણવા, તમારા જેવા જ રોગથી પીડાતા અન્ય રોગીઓની કોઈ કોમ્યુનિટી-સપોર્ટ ગુ્રપ્સ હોય તો તેની માહિતી મેળવવા, સેલ્ફ-હેલ્પના વ્યવહારુ પગલાંઓ અંગે જાણવા વગેરે માટે ઉપયોગ કરો.

દોઢેક વર્ષ પહેલા એક કોલેજના કાર્યક્રમમાં હું જ્યારે આ જ સંદર્ભમાં વાત કરતો હતો. ત્યારે એક વિદ્યાર્થીએ ખૂબ નિખાલસતાથી મને પૂછ્યું હતું 'આજના સમયમાં તો એ જ ખબર નથી પડતી કે, ડોક્ટર પર ભરોસો રાખવો કે ગુગલ પર?!' અને મેં કહ્યું'તું કે તમારી સમસ્યાનું સમાધાન અને સારવાર જોઈતી હોય તો ડોક્ટર ઉપર, નહીંતર ગુગલ પર ! ગુગલ સમાધાન ઓછું અને સંદેહ વધારે પેદા કરે છે. દવા તો મળે નહીં અને વધુ દસ બીમારીઓની ના જોઈતી જાણકારી મગજમાં ઘુસી જાય !! અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી. ગૂગલ કે ચેટ જીપીટીને અનુભવ ઉપલબ્ધ નથી પરંતુ તમારા ડોક્ટર પાસે છે. ડોક્ટર અને ટેકનોલોજી બંને તમારા અને તમારા જેવા અન્ય દર્દીઓના ડેટામાંથી શીખે છે પરંતુ બંને વચ્ચેના એનાલિસિસમાં ફરક છે. ટેકનોલોજી પાસે એલ્ગોરિધમ્સ છે, જ્યારે ડોક્ટર પાસે પ્રજ્ઞા છે. દરેક દર્દીના અનુભવની સાથે નિષ્ણાતની પોતાની સૂઝ, આવડત અને ચોક્સાઈ મુજબ આ પ્રજ્ઞા સતત વિકસતી રહે છે. તમારે એ નક્કી કરવાનું રહે છે કે સતત વિકસતી પ્રજ્ઞાનો ભરોસો કરવો કે ડેટાબેઝનો ?!

પૂર્ણવિરામ

ગૂગલના જોરે તમારી સારવારમાં એટલી બુદ્ધિ ના લગાવવી કે સારવાર કરનાર નિષ્ણાત પોતાની બુદ્ધિ વાપરવાની જ બંધ કરી દે!


Google NewsGoogle News