Get The App

મળ્યાના સંતોષ કરતાં ચૂકી ગયાની યાદમાં અસંતુષ્ટ રહેવાની મનની આદત

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
મળ્યાના સંતોષ કરતાં ચૂકી ગયાની યાદમાં અસંતુષ્ટ રહેવાની મનની આદત 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- જીવનમાં સંતુષ્ટિ અને ખુશી તમારી સ્થિતિ કે પરિસ્થિતિમાંથી નથી પેદા થતી, તમારા દ્રષ્ટિકોણ કે અભિગમથી પેદા થાય છે. 

એં શીનો દાયકો મારો કોલેજકાળ હતો. એક એવો સમય જ્યારે વિશ્વ વિશાળ અને મર્યાદિત બંને લાગતું હતું, જેમાં દરેક અનુભવ જીવન માટે પાઠ શીખવવાની ક્ષમતા ધરાવતો. તે સમયે બહુ ઓછા વિદ્યાર્થીઓ પાસે પોતાનું વાહન રહેતું. મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજ જવા-આવવા માટે મ્યુનિસિપલ લાલ બસની મુસાફરી કરતા. કોલેજ સમયે ઉપડતી  અને યુનિવર્સિટી જતી બસો હકડેઠઠ ભરેલી હોય. અમે બધા મિત્રો, મણિનગર સ્ટેશનથી શરુ થતી અને વિદ્યાર્થીઓમાં સૌથી ઊંચું સ્ટેટસ ધરાવતી સાઈઠ નંબરની બસ પકડતા. સાઈઠ નંબરનો વટ એવો કે જેવી બસ સ્ટેન્ડ પર મૂકાય કે આંખના પલકારામાં બધી બેઠકો ફુલ, ભલે ને પછી ઊપડવાની હજી દસ મિનીટની વાર હોય! રોજ એવું બને કે બસ ઉપડે ત્યારે એકાદ-બે વિદ્યાર્થીઓ તો બસ છૂટી જશે તેની લ્હાયમાં બસ સાથે દોડતા, બારણાનો દંડો પકડીને જેમ તેમ પગથિયે ઉભા રહેવાની જગ્યા બનાવતા અને લગભગ આખી મુસાફરી અડધી અંદર અને અડધી બસની બહાર પુરી કરતાં!

ચાલો, હવે આ મુસાફરી પર એક મનોવૈજ્ઞાાનિક લેન્સ ઝૂમ કરીએ. આ મુસાફરી દરમ્યાન બેઠેલા, ઉભા રહેલા અને બસના પગથિયે રહેલા વિદ્યાર્થીઓની મનોદશામાં શું ફેર હશે ?! બેઠેલો વિદ્યાર્થી સંભવતઃ સંતોષની લાગણી અનુભવે છે. આ વ્યક્તિ શાંતિથી સંતુષ્ટ હશે, એમ માનીને કે તેને તેની સમયની પાબંદી અને યોગ્ય સમય વ્યવસ્થાપનનું વળતર મળ્યું છે. તે યોગ્ય સમયે ઘરેથી નીકળ્યો, ધીરજપૂર્વક લાઈનમાં ઉભો રહ્યો અને મુસાફરી માટે આરામદાયક બેઠક સાથે પુરસ્કૃત થયો. સંતોષની આ લાગણી અહંકારના સૂક્ષ્મ સ્ટ્રોક સાથે સંકળાયેલી છે - એવી માન્યતા કે તેનું આયોજન અને અમલ દોષરહિત હતા, અને તે હવે જે આરામ માણી રહ્યો છે એ માટે તે લાયક છે. ઉભો રહેલો વિદ્યાર્થી મનોમન અફસોસ અને હતાશાની મિશ્રિત લાગણીઓ અનુભવતો હશે વહેલા આવી ગયા હોવા છતાં'ય બેસવાની જગ્યા ના મળી. શક્ય છે, ઘરેથી થોડા મોડા નીકળ્યા હોવાનો પસ્તાવો પણ તેને થતો હોય! જ્યારે જે પગથિયે લટકી રહ્યો છે તેના મનમાં તો એક હાશકારો હશે કે બસ મળી ગઈ, મોડું થયું - દોડાભાગી થઈ પણ દંડો હાથમાં આવી ગયો અને કોલેજનો સમય સચવાઈ ગયો! એનો મતલબ એવો થયો કે સૌથી વધુ હળવાશ અને સુખ પગથિયે ઊભેલો અનુભવતો હશે, એના કરતા થોડો ઓછો સુખી બેઠેલો હશે, તે માનતો હશે કે તેને તો જગ્યા મળવાની જ હતી કારણ કે તેણે રૂટિનનું પરફેક્ટ આયોજન કર્યું હતું. ઊભેલો સૌથી વધુ દુખી હશે, થોડાક મોડા પડયાનો અફસોસ અને બેઠેલાની ઈર્ષ્યા, તેને બસ મળી ગયાના સંતોષનો અનુભવ તો છોડો, વિચાર સુદ્ધા નહીં આવે! આદ્યાત્મિક નજરે કહું તો પગથિયે ઊભેલો ગ્રેટીટયૂડ કે કૃતજ્ઞાતા અનુભવતો હશે કે ભલે લટકતા, પણ મુસાફરી તો કરી શક્યો, બેઠેલો પોતાના અહમને પંપાળતો - હક્કનું મળ્યું છે એ વિચારે પોરસાતો હશે અને અંદર ઊભેલો પોતાના નસીબ અંગે સંદેહ સેવતો, ભીતર નકારાત્મકતા પાથરી રહ્યો હશે.

આમ જોવા જઈએ તો બસ પ્રવાસનું આ સંસ્મરણ એક વ્યાપક મનોવૈજ્ઞાાનિક સત્યને સમજાવી શકે એમ છે, જે તાજેતરમાં જ પુરી થયેલી ઓલિમ્પિક ગેમ્સના સંદર્ભમાં મારા મનમાં તાજું થઈ આવ્યું. મેડલ વિનર્સનું મનોવિજ્ઞાાન, ખાસ કરીને જેઓ પોડિયમ પર ઊભા હોય છે, તે અમારી બસની સવારી જેવા જ ડાયનેમિક્સને પ્રતિબિંબિત કરે છે. ગોલ્ડ મેડલ જીતનાર બેઠેલા વિદ્યાર્થી જેવો છે. તે સુવર્ણ ચંદ્રકને પોતાની મહેનત  અને નિષ્ઠાનું ફળ ગણી, તેના ઉપર પોતાનો અધિકાર અને શ્રેષ્ઠતા માનીને પોરસાતો હશે. કાંસ્ય પદક મેળવનાર, લટકીને મુસાફરી કરનાર વિદ્યાર્થી જેવો છે. ચંદ્રક ગુમાવવા કરતા કાંસ્યની ઉપલબ્ધિ તેને સુવર્ણ કરતા પણ વધુ સંતોષ આપી શકે. ચંદ્રકની ઉપલબ્ધિમાં સામેલ થઈ ગયાને પોતાનું સદનસીબ સમજીને કૃતજ્ઞાતા અનુભવતો હશે. પરંતુ સિલ્વર મેડાલિસ્ટ વિશે વિચારો, એ બેઠેલાની બાજુમાં ઊભેલા વિદ્યાર્થી જેવો છે. એને ચંદ્રક જીત્યાના આનંદ કરતા સુવર્ણ ચંદ્રકની તક ગુમાવાનો અફસોસ વધુ તીવ્રતાથી પીડતો હશે. આ સંજોગોમાં તેને હરોળમાં ઉભા રહ્યાની કૃતજ્ઞાતા કરતા પ્રથમ સ્થાને ના ઉભા રહ્યાનો અફસોસ ચારે તરફથી ઘેરી વળે એ માનવ મનની લાક્ષણિકતા છે.

આ વાતોમાંથી આપણા માનસની એક ઊંડી સમજ તારવી શકાય એમ છે. હાંસલ ના કરી શકનાર કરતા સર્વોચ્ચ હાંસલ કરતા ચૂકી ગયેલાની હતાશા વધુ ઘેરી અને પીડાદાયક હોય છે. છેક પહોંચ્યા પછી પણ પહોંચવાથી વંચિત રહી જનારને અફસોસ કોરી ખાય છે. જ્યારે કોઈ સાંકડાં અંતરથી સર્વોચ્ચ સિદ્ધિ ગુમાવે છે, ત્યારે તેમનો અફસોસ ઊંડો અને લાંબા ગાળાનો હોય છે. નિષ્ફળ ના થયા પરંતુ સંપૂર્ણ રીતે સફળ પણ ના થયાનો રંજ અલગ જ હોય છે. આપણા મનને જે પામી શક્યા કે મેળવી શક્યા તેના સંતોષ કરતા જે ચૂકી ગયા તેનું સ્મરણ કરતા રહેવાની આદત છે. આ જ સ્મરણની પીડા સોશિયલ મીડિયા પરના ફોટા, સ્ટેટસ કે રીલ જોઈને રહી ગયાની લાગણીઓ અનુભવતા, ઈર્ષ્યા કરતા કે ફોમો થી વ્યથિત લોકોની પણ હોય છે.

મુદ્દાની વાત એ છે કે જીવનમાં સંતુષ્ટિ અને ખુશી તમારી સ્થિતિ કે પરિસ્થિતીમાંથી નથી પેદા થતી, તમારા દ્રષ્ટિકોણ કે અભિગમથી પેદા થાય છે. સફળતાના ગણિતમાં ઉપલબ્ધિ તો હિમશિલાના ટોચ જેવી ઉપરછલ્લી છે. જેમ હિમશીલાનો સાચો આધાર તેના પાણીમાં છૂપાયેલા તેના સાત ગણા ભાગ ઉપર હોય છે તેમ સફળતાથી મળતી સંતુષ્ટિ અને ખુશીનો સાચો આધાર તો જે કંઈ પણ પ્રાપ્ત થયું છે તેના પ્રત્યે આભાર વ્યક્ત કરવાની ભાવના ઉપર છે.

પૂર્ણવિરામ

સફળતાનો સાચો સંતોષ ટોચ પર પહોંચવાથી નથી મળતો, ચઢાણ કરી શક્યા તે બાબત પ્રત્યે કૃતજ્ઞાતા ભાવ (ગ્રેટીટયૂડ) રાખવાથી મળે છે.


Google NewsGoogle News