Get The App

ચિકિત્સકમાં સંદેહ હોય ત્યારે સારવારની અસરકારકતા ઘટી જાય છે!

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ચિકિત્સકમાં સંદેહ હોય ત્યારે સારવારની અસરકારકતા ઘટી જાય છે! 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- ચિકિત્સકની ક્ષમતામાં અનુભવ, ડહાપણ, આધ્યાત્મિક્તા, વ્યક્તિ તરીકેની તેની ઉત્કૃષ્ટતા, કૃતજ્ઞાતાભાવ, અન્યની તકલીફો પરત્વે સહાનુભૂતિ, પ્રકૃતિમાં વિશ્વાસ વગેરે પણ ખુબ મહત્વના છે

'ત મારી લાલ દવા પીએ એટલે બધું સારું થઈ જ જશે' આ વાક્ય મેં નાનપણમાં અનેકવાર સાંભળ્યું છે. મારા દાદા ફેમિલી ડૉકટર હતા અને તેમના દર્દીઓ તેમને અવારનવાર આવું કહેતા. લાલ દવા આપશે એટલે સારું થઈ જ જશે એવો દ્રઢ વિશ્વાસ એ ધરાવતા. એ જમાનામાં જનરલ પ્રેક્ટિશનરની દવાઓમાં ગોળીઓ ઉપરાંત સિરપનું ખાસ્સું ચલણ હતું. દર્દીઓ દવા લેવા ખાલી બાટલીઓ પણ સાથે લઈને આવતા અને ડૉકટર માપસરની પ્રવાહી દવાઓ ભેગી કરીને સીરપ ડિસ્પેન્સ કરતા. આંગળીના વેઢે અને ભાગ્યે જ થતી લેબોરેટરી કે એક્સ-રેની તપાસો કરતા લોકોએ ડૉકટરના નિદાન અને સારવારમાં અનેકગણો વધુ વિશ્વાસ રહેતો. 'તમારો હાથ અડશે એટલે સારું થઈ જ જશે' એવું માત્ર કહેતા નહીં પણ દ્રઢતાથી માનતા ! મેડિકલમાં અભ્યાસ દરમ્યાન મેં દાદાજીને પૂછયું'તુ કે કઈ રામબાણ લાલ દવા તમે આપતા ત્યારે તેમણે મને એક આજના સમયમાં અપ્રસ્તુત લાગે તેવી વાત કહી 'દવાના કેમિકલ્સ કરતા ડૉકટર અને દવા પ્રત્યેનો વિશ્વાસ વધુ ચમત્કારિક પરિણામ આપે છે.' મેં તરત જ તેમને કહ્યું 'તમારી વાત મને બરાબર સમજાય છે, અમારી હોસ્પિટલમાંથી અપાતી લાલ-પીળી મલ્ટીવિટામીન અને બી-કોમ્પ્લેક્સની ગોળીઓ વગર બીમારીની મૂળ ગોળીઓ ચાલુ હોવા છતાં રોગનો ફરી ઊથલો આવવાના અનેક કિસ્સાઓ મેં જોયા છે!' જુના ડૉકટરે આપેલી જ દવાઓ નામ બદલીને આપવાથી દર્દી સારો થઈ જાય ત્યારે સમજવું કે દવા નહીં પણ નવા ડૉકટર પરનો વિશ્વાસ કામ કરી રહ્યો છે. ટૂંકમાં, બીમારી કોઈપણ હોય, સાધ્ય કે અસાધ્ય, સારવારમાં દવાઓ અને ડૉકટર પરનો વિશ્વાસ હંમેશા દર્દીના હિતમાં હોય છે, વિશ્વાસ હશે કે ફાયદો થશે તો ફાયદો જ થશે, શંકા-ડર હશે કે આડ-અસર થશે તો જવલ્લે જ જોવા મળતી આડ-અસર પણ થશે ! ચિકિત્સાનું આ મનોવિજ્ઞાાન છે પછી એ કોઈપણ ચિકિત્સા હોય, કોઈપણ થેરેપી હોય.

આજે વાતાવરણ એવું ડહોળાયું છે કે વિશ્વાસની વાત હાસ્યાસ્પદ બનતી હોય છે. સંબંધ માત્ર દર્દી અને ડૉકટરનો નથી રહ્યો, ઘણાએ વચ્ચે ઘૂસ મારી છે. પહેલા દાદાજી હતા અને તેમના દર્દીઓ હતા, બાકી કશું દ્રશ્યમાં ન હતું. આજે દ્રશ્યમાં, સીધેસીધા દેખાય કે ના દેખાય પરંતુ, ડૉકટર અને દર્દી ઉપરાંત સારવારમાં મોટી હોસ્પિટલો અને કોર્પોરેટ હાઉસિસ છે, આધુનિક સગવડો અને પંચતારકીય ઈન્ટિરિયર્સ છે, માર્કેટિંગ એજન્સીઓ છે, રિલેશનશિપ્સ મેનેજરો છે, વીમા કંપનીઓ અને તેના એજન્ટો છે, અનેક હેલ્થ લાયસન્સ સાથે સંકળાયેલ એજન્સીઓ અને અધિકારીઓ છે, ફાર્મા કંપનીઓ-લેબોરેટરીઓ છે, હેલ્થ-કેર સાથે સંકળાયેલી આઈટી ઈન્ડસ્ટ્રી છે, તગડી ફી વસુલ કરીને ડૉકટરો તૈયાર કરતી કોલેજો છે, સરકારી યોજનાઓ છે, અધકચરી માહિતી આપતું ગુગલ છે... - લિસ્ટ ખૂબ લાંબુ છે. આ લિસ્ટ સમજાય તો એ પણ સમજાવું જોઈએ કે હવે તમારા સ્વાસ્થ્યની સંભાળ અને સારવાર માત્ર ડૉકટરના હાથમાં નથી, અનેક હાથ આની પાછળ કાર્યરત છે - આખી હેલ્થ-કેર ઈન્ડસ્ટ્રી !! જેટલો મોટો સેટ-અપ તેટલા વધુ હાથ. તાજેતરની ઘટનાઓએ આ વાતાવરણને વધુ ડહોળ્યું છે. આ સંજોગોમાં માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો વિશ્વાસ કેટલો કારગત નિવડે તે કહેવું મુશ્કેલ છે.

મારી દ્રષ્ટિએ છેલ્લા દસકામાં દર્દીઓનો વિશ્વાસ અને તબીબીઓનો હીલિંગ પાવર ક્રમશ: ઘટી રહ્યો છે. વધુને વધુ દર્દીઓ સારવારમાં સંદેહ રાખી રહ્યા છે, ડૉકટરના અભિપ્રાયને શંકાથી મૂલવી રહ્યા છે. ક્લિનિકલ નિદાન કે અનુભવ દ્વારા કરાયેલા નિદાનની કિંમત રહી નથી, તપાસો દ્વારા થાય એ જ નિદાન સાચું એવું લોકો માની રહ્યા છે. દાયકાઓથી, સવાર-સાંજ દર્દીઓ તપાસતા રહેતા નિષ્ણાતો પણ પોતાના અનુભવને બાજુ પર રાખીને દર્દીઓની શંકાઓના સમાધાન માટે લેબોરેટરી અને રેડિયોલોજી તપાસો કરાવવા મજબૂર છે. એક જમાનાની સીધી-સાદી ક્લિનિકલ પ્રેક્ટિકસની જગ્યા આજે એવિડન્સ બેઝ્ડ પ્રેક્ટિસે લઈ લીધી છે અને પરિણામે સારવાર ખર્ચાળ બનતી જઈ રહી છે. આટલું ઓછું હોય તેમ, ડૉકટરની દરેક સલાહ અને સારવાર ગૂગલ દ્વારા ચકાસતો એક વર્ગ ઊભો થયો છે. નિષ્ણાતોની સલાહ ઉપર શંકાઓ રાખીને અન્યના અભિપ્રાયો લેવાનું ચલણ વધ્યું છે. એક કરતા વધુ તબીબનો અભિપ્રાય લેવામાં કંઈ ખોટું નથી પરંતુ અહીં નિષ્ણાતનો અભિપ્રાય પડકારવામાં નોન-મેડિકલ લોકો અને ગૂગલનો સમાવેશ પણ રોજિંદો થતો જાય છે. જ્યારે તમને તમારા ચિકિત્સક કે તેમણે આપેલી સારવારમાં સંદેહ રહેતો હોય છે ત્યારે તમારી સારવારની અસરકારકતા લગભગ ત્રીસ ટકા જેટલી ઘટી જાય છે, સંશોધકો આ અસરને 'પ્લેસિબો ઈફેકટ્સ' કહે છે, જે સંપૂર્ણ રીતે દર્દીના વિશ્વાસ ઉપર નિર્ભર હોય છે. સરવાળે, ચિકિત્સક કે સારવારમાં ઘટતા જતા વિશ્વાસના કારણે દર્દીના પક્ષે નુકસાન વેઠવાનું આવે છે એમ સમજીએ તો ખોટું નહીં.

બીજા પક્ષે, ચિકિત્સકે પણ આ વિશ્વાસનું ફળ ભોગવવું પડે છે. મારું દ્રઢ માનવું છે કે દરેક ચિકિત્સક પાસે તેનો આગવો 'હીલિંગ પાવર' - 'દર્દીને સાજા કરવાની ક્ષમતા' હોય છે. ચિકિત્સકની આ ક્ષમતા માત્ર તેના જ્ઞાાન ઉપર જ આધારિત નથી હોતી પરંતુ એમાં અનુભવ, ડહાપણ, આધ્યાત્મિક્તા, વ્યક્તિ તરીકેની તેની ઉત્કૃષ્ટતા, કૃતજ્ઞાતાભાવ, અન્યની તકલીફો પરત્વે સહાનુભૂતિ, પ્રકૃતિમાં વિશ્વાસ વગેરે પણ ખૂબ મહત્વના છે. એકસરખી શૈક્ષણિક લાયકાત ધરાવતા તબીબોની સફળતામાં ભિન્નતા આ બધી જ બાબતો પર આધારિત છે. ચિકિત્સકની પોતાની ઑરા, વાઈબ્સ વગેરે તેના હીલિંગ પાવરનો અંદાજો આપતા હોય છે. દરેક ચિકિત્સકે તેની કારકિર્દીના પ્રત્યેક તબક્કે હીલિંગ પાવર મજબૂત બને તે માટે પોતાની સમગ્ર ઊર્જા પર કામ કરતા રહેવું પડે છે. પરંતુ કમનસીબે આજના શો-બાજીના જમાનામાં અને અવિશ્વાસ-ભયથી ભરપુર વાતાવરણમાં ચિકિત્સકની ઊર્જા દર્દીઓની સારવાર સાથે અન્ય બાબતોમાં પણ વહેંચાયેલી રહે છે. પરિણામે, એક સમયે માત્ર સારવારમાં સક્રિય રહેતી ઊર્જા આજે બીજી અનેક બાબતોમાં વહેંચાયેલી રહે છે અને તેનાથી ડૉકટર તથા દર્દી, બંનેને ગેરલાભ થાય છે.

ચર્ચા અવિરત ચાલે એવી છે, એકબીજા પર અનેક દોષારોપણ થઈ શકે એમ છે, પરંતુ એમાં આપણી ઊર્જા ખર્ચવાનો કોઈ ખાસ લાભ નથી. વાતાવરણ ગંભીર રીતે ડહોળાયેલું છે તેની ના નહીં પરંતુ દરેકે પોતે વિચાર કરવાનો છે, પ્રશ્નની જટિલતા સમજવાની છે અને બધા જ પરિબળો ધ્યાનમાં રાખવાના છે.


Google NewsGoogle News