Get The App

'બ્રેઇન ફોગ' એટલે શું? .

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
'બ્રેઇન ફોગ' એટલે શું?                                     . 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- માહિતી ગ્રહણ કરવાની અને તેનું વિશ્લેષણ કરવાની પણ મગજની એક ક્ષમતા હોય છે. ક્ષમતા બહારના બોજ સાથે કામ પાર પાડવામાં મગજ હાંફી જાય ત્યારે સ્વબચાવમાં 'બ્રેઇન ફોગ' ઉભું થાય

'મ ગજ બહેર મારી જવું' એટલે શું ખબર છે ?! ચાલીસીમાં પ્રવેશી ગયેલા તરત જ કહેશે 'હાસ્તો વળી, એ તો ખબર જ હોય ને !' પરંતુ, મોટાભાગના યંગસ્ટર્સને નહીં ખબર હોય કારણકે એ લોકો આ બાબત માટે બીજો શબ્દ વાપરે છે, 'બ્રેઇન ફોગ'. શબ્દોની પણ એક યાત્રા હોય છે, સમયની સાથે એ પણ પ્રચલિત અને લુપ્ત થતાં રહેતા હોય છે. પાંચ વર્ષ પહેલા મેલબર્ન ગયો ત્યારે 'નો વરીઝ' પ્રચલિત હતું અને હમણાં ગયો ત્યારે તેનું સ્થાન 'ઇઝી' એ લઈ લીધું છે. એ જ પ્રમાણે 'મગજ બહેર મારી જવું', 'સૂઝ ના પડવી', 'મગજ હેંગ થઈ જવું' અને હવે બ્રેઇન ફોગ ! કોવિડ કાળથી આ શબ્દ પ્રચલિત બનતો ગયો છે અને સાથે સાથે આ પરિસ્થિતિ પણ સામાન્ય બનતી ગઈ છે. કિશોરો અને યુવાનોમાં 'બ્રેઇન ફોગ'ની સમસ્યા રોજીંદી બનતી જઈ રહી છે. આ 'બ્રેઇન ફોગ' એટલે મગજનું વાદળછાયું વાતાવરણ, જેમાં તમારું મન શ્રેષ્ઠ રીતે કાર્ય નથી કરી રહ્યું. ધ્યાન કેન્દ્રિત કરવું, સ્પષ્ટ રીતે વિચારવું અથવા વસ્તુઓ યાદ રાખવી આ વાતાવરણમાં પડકારરૂપ બની જાય છે અને મન મૂંઝવણની સ્થિતિમાં સ્થિર થઈ જાય છે. 'બ્રેઇન ફોગ' સ્પષ્ટ રીતે વિચારવાની, ધ્યાન કેન્દ્રિત કરવાની અને માહિતીને યાદ રાખવાની તમારી ક્ષમતાને કેવી રીતે અસર કરી શકે છે એનો એક એપિસોડ બતાવું.

કલ્પના કરો કે તમારે આવતીકાલે એક મહત્વનું પ્રેઝન્ટેશન આપવાનું છે. તમે તેની તૈયારી કરવામાં અને તમારી વાતના મુદ્દાઓનું રિહર્સલ કરવામાં અઠવાડિયા ગાળ્યા છે. તૈયારીનાં સંતોષ અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમે આજે રાત્રે સુવા જાવ છો. પરંતુ, જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમને કંઈક અજુગતું લાગે છે. તમારું મન જાણે ધૂંધળું છે, અને એવું લાગે છે કે તમારા મગજમાં ગાઢ ધુમ્મસ સ્થિર થઈ ગયું છે. તમે તમારી પ્રસ્તુતિના મુખ્ય મુદ્દાઓને યાદ રાખવા માટે સંઘર્ષ કરો છો, અને તમે જે માહિતી-મુદ્દાઓ માટે ખૂબ મહેનત કરી છે તે અચાનક જ જાણે સમજની બહાર જતા રહ્યા હોય એવું લાગે છે. જેમ જેમ તમે તૈયાર થવાનો પ્રયાસ કરો છો, તેમ તેમ તમારી નોકરીની બેગ, તમારી કારની ચાવીઓ અને તમારો ફોન પણ ક્યાં મૂક્યો છે તે ભૂલી જાવ છો. કપડાં પહેરવા અને તૈયાર થવા જેવા સરળ કાર્યોને પૂર્ણ કરવામાં તમને સામાન્ય કરતાં વધુ સમય લાગે છે કારણકે તમારા વિચારો જ જાણે અટકી અટકીને ચાલી રહ્યા છે. જ્યારે તમે તમારી પ્રસ્તુતિની છેલ્લી વખત સમીક્ષા કરવા બેસો છો, ત્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. સ્લાઇડ્સ પરના શબ્દો એકસાથે અસ્પષ્ટ થઈ જાય છે અને તમારા વિચારો જાણે ધ્યેય વગર ભટકી રહ્યા છે. તમે માનસિક થાક અનુભવો છો અને તમારું મગજ ગોકળ ગાયની જેમ સુસ્ત ચાલે ચાલી રહ્યું છે. સમગ્ર પ્રેઝન્ટેશન દરમિયાન પણ તમે તમારા વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે સંઘર્ષ કરો છો, અને નિર્ણાયક ક્ષણોમાં તમારું મન ખાલી થઈ જાય છે. પ્રેક્ષકોના પ્રશ્નોના જવાબ આપવાનું તમને મુશ્કેલ લાગે છે. પછી ભલે તમે તમારા ધુમ્મસભર્યા મનમાં ક્યાંક ઊંડે બધા જ જવાબો જાણતા હોવ ! જરૂરી નથી કે દર વખતે મહા-એપિસોડ જ થાય ક્યારેક આ 'બ્રેઇન ફોગ'ના મિનિ વર્ઝન પણ જોવા મળે ! જેમકે, ફોન હાથમાં લીધો ને કોને કરવાનો છે એ ભુલી ગયા, વાત કરતા કરતા ક્ષણ-બે ક્ષણ બ્લેન્ક થઈ ગયા, લાંબો મેસેજ કે કાગળ પૂરેપૂરી સમજથી વાંચી ના શક્યા, અચાનક મન થાકી ગયું કે મંદ પડી ગયું વગેરે.

ધુમ્મસનું ઉભું થવું, એની ઘનતા એનો સમય એ બધું તાપમાન, ભેજ અને હવાની હિલચાલના નાજુક સંતુલન પર આધાર રાખે છે, તેમ 'બ્રેઇન ફોગ' પણ ધણા પરિબળો પર આધારિત છે. મગજને ચકરાવે ચઢાવે તેવી પ્રવૃત્તિઓ કે જીવનશૈલી આ પરિબળોમાં મુખ્ય છે. રાતની અપૂરતી અને કસમયની ઊંઘ, મલ્ટી-ટાસ્કિંગ, સતત મોબાઈલ-કોમ્પ્યુટરને વળગેલા રહેવું, માનસિક તણાવ (સ્ટ્રેસ), અજંપો અને ઓવર-થિંકિંગ બ્રેઈન ફોગ ઉત્પન્ન કરતા સામાન્ય કારણો છે. અન્ય કારણોમાં વિટામિન્સની ઊણપ, કેટલાક રોગો, દવાઓ, અંત:સ્ત્રાવોના ફેરફારો વગેરેનો સમાવેશ કરી શકાય. હવે વિચારો કે આ તો આપણી જીવનશૈલી બની ગઈ છે, ખાસ કરીને યુવાનોની, 'બ્રેઇન ફોગ'ના થાય તો જ નવાઈ ને ?! મોટાભાગની વ્યક્તિઓનું મગજ માહિતીના ઢગલામાં અટવાયેલું હોય અથવા એક સાથે અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય ત્યારે વર્તમાનમાં રહેવું અઘરું જ હોય અને સ્વાભાવિક છે કે આ સંજોગોમાં સમયની માંગ પ્રમાણે મગજ કામ ના આપે. કલાકો મોબાઈલ સ્ક્રોલ થતો રહે અને નવી નવી માહિતીઓ મગજ પર ધોધમાર વરસાદની જેમ વરસતી રહે ત્યારે મગજના આંટા આવી જાય એ સામાન્ય છે. માહિતી ગ્રહણ કરવાની અને તેનું વિશ્લેષણ કરવાની પણ મગજની એક ક્ષમતા હોય છે, ક્ષમતા બહારના બોજ સાથે કામ પાર પાડવામાં મગજ હાંફી જાય ત્યારે સ્વબચાવમાં 'બ્રેઇન ફોગ' ઉભું થાય, નેટ પર યૂઝર્સના ધસારાને કારણે સાઈટ ક્રેશ થઈ જાય એમ ! મગજ માટે આ 'ફોગ' મિનિ- વેકેશન જેવું છે, એ આરામ કરીને રિકવર થાય અને પાછું સતેજ થઈને દોડવા માંડે. હવે આવું વારંવાર થાય તો સ્વાભાવિક છે કે મગજની ક્ષમતામાં ખાસ્સો ઘટાડો થાય અને પાછી તેની ચિંતા ઉભી થાય એ વધારામાં !

આમ જોવા જાવ તો 'બ્રેઇન ફોગ'ના ઉકેલમાં કંઈ નવું નથી, ઉકેલ સરળ છે જો સ્વીકારવામાં અને અનુસરવામાં આવે તો ! સાતથી નવ કલાકની પૂરતી ઊંઘ, ટેકનોલોજીનો સંયમિત ઉપયોગ, સમયનું યોગ્ય આયોજન, સ્ટ્રેસ-મેનેજમેન્ટ, નિયમિત કસરત, ધ્યાન-વર્તમાનમાં રહેવાનો મહાવરો, સ્વસ્થ જીવનશૈલી વગેરે. કોને ખબર આજે ચાલી રહેલા સંશોધનો શું તારણ પર આવશે. આજે 'બ્રેઇન ફોગ' છે, કાલે 'ડિજિટલ ડિમેન્શિયા' અને પછી 'અલ્ઝાઇમર્સ' થશે ?! કારણકે, ત્રણે'યમાં મગજની અવસ્થા તો મહદઅંશે સરખી જ છે, ફરક માત્ર કામચલાઉ અને કાયમીનો છે !

પૂર્ણવિરામ 

'બ્રેઇન ફોગ' એટલે મગજને જોઈતો આરામ ના મળે ત્યારે મગજે ધરાર લઈ લીધેલો આરામ !


Google NewsGoogle News