mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગોચર-અગોચર - દેવેશ મહેતા

ગોચર વિશ્વની પાછળ છુપાયેલું છે અદ્રશ્ય, અનંત એવું અગોચર વિશ્વ !

Updated: Feb 28th, 2018

તમે દ્રષ્ટા બનીને જગતને જુઓ છો એટલે એના વાસ્તવિક સ્વરૃપને જોઇ શકતા જ નથી. એનું બદલાઇ ગયેલું સ્વરૃપ જ જુઓ છો !

ગોચર-અગોચર - દેવેશ મહેતા 1 - image

'ગોચર વિશ્વ'ની પાછળ છુપાયેલું છે 'અગોચર વિશ્વ'. અગોચર વિશ્વ અપાર, અફાટ અને અનંત છે. ગોચર એટલે નરી આંખે જોઇ શકાય અને ઈન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય એવું અગોચર એટલે નરી આંખે જોઇ ન શકાય અને ઈન્દ્રિયોથી ગ્રહણ ન કરી શકાય એવું. આપણે જે જોઇએ અને જાણીએ છીએ તે બહુ મર્યાદિત છે અને સાપેક્ષ હોય છે. જે છે એને આપણે એના વાસ્તવિક સત્ય સ્વરૃપે આપણે જોઇ જ શકતા નથી અને જાણી પણ શકતા નથી.

સામાન્ય રીતે આપણે એમ બોલીએ છીએ કે મેં તડકાને જોયો. પણ આપણે આંખથી જે તડકો જોઇએ છીએ એ શું છે ? એ તડકો નથી. તડકાને આપણે જોઇ શકતા જ નથી. સૂર્યકિરણોના પ્રભાવથી અસર પામેલા પદાર્થો વિશેષ સ્તર પર ચળકવા લાગે છે તે પદાર્થની ચમક છે. સૂર્યના કિરણો જે આ ચળકાટનું મુખ્ય કારણ છે તે આપણી દ્રષ્ટિથી પર છે. આકાશમાં આખા સૌર મંડળને પ્રકાશિક કરનારો તડકો ખરેખર તો સૌર મંડલીય વર્ણક્રમ (સોલર સ્પેક્ટ્રમ) છે.

વૈજ્ઞાાનિક શબ્દોથી મૂલવીએ તો એ ઊર્જાતરંગોનો એક વિશાળ પટ છે. આ વિશાળ પટમાં લગભગ ૧૦ અબજ પ્રકારના રંગો હોય છે. પણ એમાંથી આપણી આંખો 'લાલથી માંડીને જાંબુડી' સુધીના એક એક રંગ સપ્તકને અને એના રંગસંમિશ્રણને જ જોઇ શકે છે. બાકીના રંગો આપણા માટે અગોચર અદ્રશ્ય અપરિચિત રહી ગયેલા છે. તે કેવા હશે એની કલ્પના પણ થઇ શકે એમ નથી.

આધુનિક વૈજ્ઞાાનિક સાધનોના ઉપયોગથી હવે આપણે કેટલાક સૂક્ષ્મ કિરણોને જોવા સમર્થ બન્યા છીએ. ઈન્ફ્રારેડ અને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણે એવું ઘણું જોઇ શકીએ છીએ જે નરી આંખથી જીવનભર ક્યારેય જોઇ શકાતું નથી. તમે કોઇને પૂછો કે આકાશ અને સમુદ્રનો રંગ કયો ? તો તે બેધડક કહી દેશે કે તેમનો રંગ આસમાની (આછો ભૂરો) છે. એ જ રીતે કોઇને પણ પૂછવામાં આવે કે ઘાસ અને વૃક્ષના પાંદડાનો રંગ કયો ? તો તે જવાબ આપશે કે તેમનો રંગ લીલો છે. આપણને બધાને એ એકસરખું દેખાય છે એટલે આપણે એને સાર્વત્રિક સત્ય માની લઇએ છીએ.

પણ એ સત્ય નથી. વિજ્ઞાાનીઓએ ઈન્ફ્રા રેડ કિરણોનો ઉપયોગ કરીને એના ફોટા પાડયા ત્યારે ખબર પડી કે આકાશ અને સમુદ્રનો રંગ આસમાની નહીં પણ ઘેરો કાળો છે અને ઘાસ તથા પાંદડાનો રંગ લીલો નહીં પણ સફેદ છે ! આપણને જે રંગ દેખાય છે તે તો વાતાવરણ સાથે કિરણોનું વ્યતિકરણ થયા પછી ઉદ્ભવેલું વિવર્ત સ્વરૃપ છે !

જેવું રંગ વિશે બને છે એવું રૃપ, આકાર વિશે પણ બને જ ને ? એવું એના ગોચર અનુભવ વિશે પણ બને જ ! એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના પંદરમા અધ્યાયમાં કહે છે- ' રૃપમસ્યેહ તથોપલભ્યતે (એનું કોઇ ચોક્કસ રૃપ જોવામાં આવતું નથી)'. આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ કહે છે- ‘The observer alters the observed (દ્રષ્ટા દ્રશ્યને બદલી કાઢે છે)' તમે દ્રષ્ટા બનીને જગતને જુઓ છો એટલે એના વાસ્તવિક સ્વરૃપને જોઇ શકતા જ નથી. એનું બદલાઇ ગયેલું સ્વરૃપ જ જુઓ છો ! વેદાંતનો 'વિવર્તવાદ' પણ આ જ હકીકત રજૂ કરે છે.

થોડા વખત પૂર્વે એક અદ્ભુત ઘટના બની હતી. અમેરિકાએ ક્યુબામાં રખાયેલી રશિયન મિસાઇલોના ફોટાઓ ઈન્ફ્રારેડ કેમેરાથી અવકાશયાનમાં રહીને ખૂબ ઊંચેથી લીધા ત્યારે તેમાં સળગતી સિગારેટોના ફોટાઓ પણ હતા. એ ફોટાઓ ત્યાંના કર્મચારીઓએ ૨૪ કલાક પહેલાં જે સિગારેટ સળગાવી હતી એના હતા ! અવકાશયાનમાંથી એ ફોટાઓ લેવાયા ત્યારે ત્યાં સિગારેટો પણ નહોતી કે એ કર્મચારીઓ પણ નહોતા !

એ જોઇને વિજ્ઞાાનીઓને વિસ્મય થયું હતું કે વર્તમાનમાં એ વસ્તુ અસ્તિત્વમાં ન હોવા છતાં એના ફોટા કેવી રીતે પડી ગયા ? એવી જ ઘટના ટ્રેવર જેમ્સની સાથે પણ બની. તેણે ઈન્ફ્રારેડ મુવી માટે વપરાતા કેમેરા IR 135 થી મોજાવે રણપ્રદેશના આકાશની સ્થિતિની ફિલ્મ ઉતારી ત્યારે એમાં એવા પક્ષીઓના ફોટા આવી ગયા હતા જે દુનિયામાં કોઇએ એ પહેલાં કદી જોયા જ નહોતા ! એ જોયા પછી બે પ્રશ્નો ઉપસ્થિત થયા.

શું એ પંખીઓ અત્યારે પણ અસ્તિત્વ ધરાવતા હશે પણ આપણી આંખો એમને જોવા શક્તિમાન ન હોવાથી આપણી જાણ બહાર રહી ગયા હશે ? બીજો પ્રશ્ન એવો પણ થાય કે અત્યારે અસ્તિત્વ ધરાવતા જ ના હોય પણ ભૂતકાળના આયામમાંથી એના ફોટા પડી ગયા હોય. જેમ પેલી સિગારેટ વર્તમાનમાં એ વખતે ત્યાં પ્રજ્વલિત ન હોવા છતાં એના ફોટા પડી ગયા હતા. આવા પ્રાણીઓ કે માનવીઓને આપણે 'પ્રેત છાયા' પણ કહી જ શકીએ ને ?

અમેરિકન ભૌતિકવિજ્ઞાાની અને ક્લાસિકલ મિકેનિક્સની ટેક્ષ્ટબુકના લેખક હર્બર્ટ ગોલ્ડસ્ટિન (Herbert Goldstein : 1922-2005) એમના સંશોધન નિબંધ (પ્રોપેગેશન ઓફ શોર્ટ રેડિયો વેવ્ઝ)માં દર્શાવે છે કે વાયુમંડળમાં વ્યામા અપ્રવર્તનાંક પ્રવણતાના સ્તરની પાછળ અદ્રશ્ય અગોચર વિશ્વ રહેલું છે જે આપણી સાથે જોડાયેલું છે અને દ્રશ્યમાન પદાર્થોની જેમ આપણી પર અસર પણ કરે છે. આ વિશ્વ વર્તમાન વૈજ્ઞાાનિક સાધનોથી દેખાતું નથી પણ થોડા વખતમાં જ ઈન્ફ્રા રેડ કેમેરા જેવા એનાથી વધારે શક્તિમાન સાધનો બનાવીશું જેનાથી તે જોવા સમર્થ બની જઇશું.

ફ્રાંસના સેતોરિયર નામના વિજ્ઞાાનીએ એમના પુસ્તકમાં એક અચરજભરી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. વિજ્ઞાાનીઓનું એક જૂથ પેરિસની એક પ્રાચીન પ્રતિમાનો અભ્યાસ કરી રહ્યું હતું. ત્યાં અચાનક એમની આંખો સામેથી જ એ મૂર્તિ અદ્રશ્ય થઇ ગઇ.

એટલું જ નહીં, એની જગ્યાએ એક બીજી અત્યંત વિશાળ કદની મૂર્તિ ત્યાં પ્રગટ થઇને ગોઠવાઇ ગઇ. વિજ્ઞાાનીઓનો સમુદાય હતો એટલે કોઇ દ્રષ્ટિભ્રમ, જાદુ કે હાથચાલાકી થઇ હોય એવી કોઇ સંભાવના નહોતી. જૂની મૂર્તિનું શું થયું અને તે ક્યાં ગઇ તથા આ નવી મૂર્તિ ક્યાંથી કેવી રીતે અદ્રશ્ય રીતે ત્યાં આવી ગઇ એનું રહસ્ય કોઇ ઉકેલી શક્યું નહોતું.

મનીલામાં રહેતા કોર્નેલિયો ક્લોજા નામનો બાર વર્ષનો યુવક વિજ્ઞાાનીઓ અને સંશોધકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બધાની નજર સામેથી જ તે અવારનવાર અદ્રશ્ય થઇ જતો. ઘણીવાર તે દિવસો સુધી અદ્રશ્ય રહેતો. પોલીસ કર્મચારીઓની, ઘરના લોકોની સતત દેખરેખ હેઠળ હોવા છતાં, ઓરડામાં તેને પૂરી દીધો હોવા છતાં એ અદ્રશ્ય થઇ જતો. એને પૂછવામાં આવતું ત્યરે તે કહેતો - 'એક સુંદર પરી મારી સાથે રમવા આવે છે.

થોડો સમય રમ્યા બાદ તે મારો હાથ પકડીને મને લઇ જાય છે. તે મને અહીંથી લઇ જાય છે ત્યારે મારુ વજન એકદમ ઓછું થઇ જાય છે. હું રૃ જેવો સાવ હળવો બની ગયો હોઉં એવું લાગે છે. પછી હું કોઇ બીજા લોકમાં પહોંચી જઉં છું. એ નાની પરી જ મને અહીં પાછો મૂકી જાય છે.' કોર્નેલિયાના રહસ્યને પણ કોઇ ઉકેલી શક્યું નહોતું.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

 

                                          


 

Gujarat