કલોલ માટલી ગરબાનું અનોખું આકર્ષણ
ડેરોલ સંસ્કૃતિના જતનમાં પણ સમૃદ્ધ છે. અહીં પાંચ-સાત પેઢીથી પરંપરાગત રીતે ઉજવાતા માટલી ગરબાનું મહત્વ છે
કલોલના ડેરોલ ગામમાં દશેરા પર્વ નિમિતે પાછલી પાંચ પેઢી પર્યત પરંપરાગત રીતે જળવાયેલા માટલી ગરબાએ ગામની સંસ્કૃતિ અને શ્રધ્ધાનું કેન્દ્ર છે.
માટલીમાં ગરબાની જ્યોત પ્રગટાવી એ માટલી ગરબો શિર પર ઉપાડીને મહિલાઓ, પુરૃષો યુવા-યુવતીઓ સહિત આખુ ગામ જ્યારે એક જ કુંડાળે માટલી ગરબા રમે છે ત્યારે આકર્ષણનું કેન્દ્ર જમાવે છે.
નવ દિવસની નવરાત્રી પછી દશેરાને દિવસે ગામના ચોકમાં માટલી ગરબાનું આયોજન થાય છે. ગ્રામજનો માટલી ગરબા રમતા મુકવાની વર્ષ દરમ્યાન અંગત રીતે માનતા રાખતા હોય છે.
આસ્થા પ્રમાણે લોકો દશેરાની સાંજે ઘરેથી માટલી લઈને આવે છે. માટલી એટલે કે ગરબામાં અનાજ ભરીને અંદર દિવો પ્રગટાવી, તેના ઉપર ફૂલોથી સજાવેલો કળશ ગોઠવાય છે. દીવો પ્રગટાવીને પરિવાર અને ગરબાની સંખ્યા જેટલા તેડાવેલા ભાઇઓ- બહેનો શિર પર ગરબો ઉપાડીને ગામના ઝાંપે અંબે માતાનાં મંદિરના આગળના ચોકમાં હરોળ બંધ એકત્ર થાય છે.
જ્યાં નવરાત્રીનાં આયોજન મુજબ એક જ કુંડાળે આખુ ગામ શિર પર માટલી ગરબા ઉપાડીને રાસ રમે છે. એક જ કુંડાળે મોટી સંખ્યામાં ઝગમગતાં દિવડાઓ સાથે રમાતા માટલી ગરબાને જોવા આસપાસના લોકો ડેરોલમાં ઉમટી પડે છે.