જ્યોતિષશાસ્ત્રની મદદથી આયુષ્ય કઈ રીતે જાણવું?
- ગ્રહ ગતિ-દેવજ્ઞા
- મન મજબૂત હોય તો જ્યોતિષશસ્ત્ર દ્વારા સચોટ આયુષ્ય જાણી શકાય છે. પરાશર ઋષિએ તેની ગણતરી માટે અનેક મેથડ આપી છે
આ જે આપણે આયુષ્ય નિર્ધારણ વિશે વાત કરીશું. 'હું કેટલું જીવીશ એ જાણવાની દરેકને ઉત્કંઠા હોય છે.' જો મન નબળું હોય તો તે જાણવું હિતાવહ નથી. પણ મન મજબૂત હોય તો જ્યોતિષશસ્ત્ર દ્વારા સચોટ આયુષ્ય જાણી શકાય છે. પરાશર ઋષિએ તેની ગણતરી માટે અનેક મેથડ આપી છે. જેમ કે પિંડાયુ, અંશાયુ, નિસર્ગાયુ, અષ્ટકવર્ગ આયુ. આ ગણતરીઓમાં જે જવાબ આવે છે તે સત્યની બિલકુલ નજીકનો હોય છે. આ ગણતરીઓ ખૂબ લાંબી અને જટિલ છે. આજે તેની વાત નથી કરવી. આજે એક એવી ટેકનિકની વાત કરવી છે જેના થકી એક ઝાટકે જાતકનું અંદાજિત આયુષ્ય કહી શકાય અને જો અનુભવી જ્યોતિષી હોય તો જટિલ ગણતરી વિના થોડી જ મિનિટમાં જાતકનું આયુષ્ય કહી બતાવે.
જ્યોતિષ શાસ્ત્રમાં આયુષ્યને ત્રણ વિભાગમાં વહેચવામાં આવ્યું છે. અંશાયુ, મધ્યાયુ અને પૂર્ણાયુ. ૩૨ વર્ષ સુધીનું આયુષ્ય અલ્પાયુ ગણાય છે. ૩૨ વર્ષથી ૬૪ વર્ષ સુધીનું આયુષ્ય મધ્યાયુ ગણાય અને ૬૪થી વધુનું આયુષ્ય પુર્ણાયુ ગણાય છે.
જન્મ કુંડળીમાં ૧, ૪, ૭, ૧૦ કેન્દ્ર સ્થાન કહેવાય છે. ૨, ૫, ૮, ૧૧ પણફર સ્થાન કહેવાય છે. ૩, ૬, ૯ અને ૧૨ એપોક્લિમ સ્થાન કહેવાય છે. જે જાતકની જન્મ કુંડળી તમારા હાથમાં છે તે અલ્પાયુ ભોગવશે, મધ્યાયુ ભોગવશે કે પૂર્ણાયુ તે જાણવા માટે તેનો લગ્નેશ, અષ્ટમેશ અને દશમેશ તપાસો.
લગ્નેશ કેન્દ્રમાં બેઠો હશે તો પૂર્ણાયુ, લગ્નેશ પણફરમાં બેઠો હશે તો મધ્યાયુ, લગ્નેશ એપોક્લિમમાં બેઠો હશે તો અલ્પાયુ. એ જ રીતે અષ્ટમેશ અને દશમેષને તપાસો. અષ્ટમેશ લગ્નમાં બેઠો હશે તો પૂર્ણાયુ, અષ્ટમેશ પણફરમાં બેઠો હશે તો મધ્યાયુ અને અષ્ટમેશ એપોક્લિમમાં બેઠો હશે તો અલ્પાયુ. એ જ રીતે દશમેશને તપાસો. દશમેશ કેન્દ્રમાં પૂર્ણાયુ, પણફરમાં મધ્યાયુ અને એપોક્લિમમાં અલ્પાયુ.
ત્રણે ગ્રહોમાં જે આયુ આવે તે નોંધી લો. ત્રણેની જે આયુષ્ય આવે તેની સરેરાશ કાઢી લો. એટલું અથવા એની આસપાસનું આયુષ્ય જાતકને મળશે. લગ્નેશ, અષ્ટમેશ અને દશમેશ ત્રણમાંથી બે ગ્રહો જે આયુષ્ય આપતા હોય તે પણ જાતકને મળવાની શક્યતા વધારે. બંને રીતે ચેક કરી લેવું.
કોઈ પણ જાતકનું મૃત્યુ કાં તો સાડા સાતીમાં, કાં તો અઢી વર્ષની પનોતીમાં અથવા દશા માલિક સાથે શનિના સંબંધથી થાય છે. જે સરેરાશ આયુષ્ય આવે છે તે સમયમાં આવો કોઈ સંબંધ બને છે કે નહીં તે ચેક કરી લેશો એટલે કન્ફર્મ આયુષ્ય ખબર પડી જશે.
એક ઉદાહરણ જોઈએ. એક જાતકની કુંડળીમાં લગ્નેશ એપોક્લિમમાં, અષ્ટમેશ એપોક્લિમમાં અને દશમેશ પણ એપોક્લિમમાં બેઠો છે. તેનો અર્થ એ થયો કે તે જાતક ૩૨ વર્ષ કે તેનાથી ઓછું જીવશે. હવે કેટલા વર્ષ તે એક્ઝેટ જાણવું હોય તો બીજી મેથડનો ઉપયોગ કરો. જે ગ્રહની દશા હોય તે જન્મ કુંડળી સ્થિત ગ્રહ સાથે ગોચરનો શનિ ક્યારે સંબંધ બનાવે છે તે ચેક કરો. એ પણ જોઈ લો કે સાડા સાતી કે અઢી વર્ષની પનોતી ક્યારે આવે છે. જે સ્થિતિ સૌથી ખરાબ હશે એ સમયમાં જાતકનું મૃત્યુ થશે.
ઉદાહરણ બે જો કોઈ જાતકની કુંડળીમાં એક ગ્રહ અલ્પાયુ અને બે ગ્રહો પૂર્ણાયુ આપે છે તો તેની એવરેજ કાઢવી. એવરેજ પૂર્ણાયુ અથવા તેની આસપાસની આવે. ત્યાર પછી દશા માલિકના ગોચરના શનિ સાથેના સંબંધ અને સાડાસાતી-ઢૈયાની ગણતરી કરી વધુ નજીક પહોંચવાનો પ્રયત્ન કરવો.
ચેતવણીઃ આયુષ્ય જોવાથી મનમાં ચિંતા ઊપજી શકે છે. તમારું મનોબળ મજબૂત ન હોય તો તમારું કે તમારા પરિવારજનોનું આયુષ્ય જોવું નહીં. કોઈ પણ વ્યક્તિનું આયુષ્ય જોવો ત્યારે સેવા, દાન અથવા પ્રભુભક્તિ જરૂરથી કરો. કોઈનું આયુષ્ય જાણવું એટલે ઈશ્વરની ગુપ્ત દુનિયામાં પ્રવેશવું. જો તમે આધ્યાત્મિક યોગ્યતા ધરાવતા હશો નહીં તો તમને નેગેટીવ વિચારો સતાવશે. આયુષ્ય જાણ્યા પછી તમામ વાદ-વિવાદ સમાપ્ત કરી ભગવાનની શરણમાં જાવ. દુઃખ ભૂલી આનંદથી જીવો. હસો.