ચંદ્રનું જન્મ કુંડળીના બાર સ્થાન અને રાશિઓમાં ફળકથન
- ગ્રહ ગતિ-દેવજ્ઞા
ઋ ગવેદમાં ૧૦મા મંડળમાં પુરુષસૂક્ત અંતર્ગત એક શ્લોક આપવામાં આવેલો છે.
चन्द्रमा मनसो जाताश्चक्षो सूर्यो अजायत ।
श्रोत्रांवायुश्च प्राणश्च मुखादग्निरजायत ।।
અર્થાત વિરાટ પુરુષના મનમાંથી ચંદ્રમા, નેત્રમાંથી સૂર્ય, કાનમાંથી વાયુ તથા પ્રાણ અને મુખમાંથી અગ્નિનું પ્રાકટય થયું. આમ પ્રચ્છન્ન રીતે વેદમાં જ કહી દેવામાં આવ્યું છે કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. એટલે જ ભારતીય જ્યોતિષને વૈદિક જ્યોતિષ કહેવામાં આવે છે. એના મૂળ વેદમાં છે.
નવેય ગ્રહોમાં સૌથી મહત્ત્વનો ગ્રહ ચંદ્રને માનવામાં આવે છે. કારણ એ જ, ચંદ્ર મનોકારક છે. ચંદ્ર જન્મ કુંડળીમાં જે રાશિ અને જે સ્થાનમાં બેઠો હોય તે પ્રમાણેના ગુણ જાતકની અંદર જોવા મળે છે.
૧. જે જાતકની કુંડળીમાં ચંદ્ર મેષ રાશિમાં અથવા પહેલા સ્થાનમાં બેઠો હોય તે ખૂબ ચંચળ હોય. તે શાંતિથી પગવાળીને બેસી શકે નહીં. તે આક્રમક હોય. તેઓ એક્ટિવિસ્ટ નેચરના હોય. ક્યારેક અભિમાની પણ બની જાય. તેઓ રમત-ગમતમાં સારું પરફોર્મ કરે. તેઓ આવેશી હોય, સ્ફૂર્તિલા હોય. કોઈ પણ કાર્ય માટે સદા તત્પર અને અગ્રેસર રહે. તેઓ સ્વાભિમાની હોય છે. તેમના માતા હાર્ડ વર્કિંગ હોય છે.
૨. જે જાતકની કુંડળીમાં ચંદ્ર વૃષભ રાશિમાં અથવા બીજા સ્થાનમાં બેઠો હોય તેવા જાતકો પરિવાર પ્રેમી હોય છે. તેમનું મન મજબૂત હોય છે. તેમને નમકીન સ્વાદ પ્રિય હોય છે. તેઓ કોઈ પણ કાર્યમાં પૈસાનો વિચાર સૌથી પહેલા કરે છે. તેમને માતાથી લાભ થાય છે. તેમની વાણી મૃદુ હોય છે. તેમનામાં આખલા જેવી શક્તિ હોય છે. તેઓ ખૂબ મહેનત પણ કરે છે. અને ખૂબ જલસા પણ કરે છે.
૩. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર મિથુન રાશિમાં હોય અથવા ત્રીજે હોય તેવા જાતકો વાચાળ હોય છે. તેમને વાતો કરવી ખૂબ ગમે છે. તેઓ કળા, લેખન, કોમ્યુનિકેશન વગેરેમાં નિપુણ હોય છે. તેમને ગપ્પા મારવા ગમે છે. તેઓ સોશિયલ મીડિયામાં સારું નામ કમાઈ શકે છે. માનસિક શાંતિ મેળવી શકતા નથી. તેમને માતાથી દૂર જવાનું થાય છે. તેમને ટ્રાવેલિંગ કરવું, નાની ઉંમરના લોકો સાથે રહેવું ખૂબ ગમે છે.
૪. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર કર્ક રાશિમાં અથવા ચોથા સ્થાનમાં બેઠો હોય તેવા જાતકો ચંચળ હોય છે. લાગણીશીલ હોય છે. વતન પ્રેમી હોય છે. તેમને અંત:પ્રેરણા થાય છે. તેઓ જલ્દી ક્યાંય વ્યક્ત થતા નથી. કારણ કે તેમને હર્ટ થવાનો ભય સતાવે છે. તેમને માતાનું સુખ ખૂબ સારું મળે છે. તેઓ બિલકુલ તેમના મમ્મી જેવા હોય છે. તેમને લોકોની કેર કરવી ખૂબ ગમે છે. તેઓ શત્રુ પર છુપા પ્રહાર કરે છે.
૫. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર સિંહ રાશિ કે પાંચમા સ્થાનમાં હોય તેમનો સ્વભાવ રાજા જેવો હોય છે. તેઓ ઉદાર મનના હોય છે. સંબંધો રાખનારા હોય છે. તેઓ ક્રોધી હોય છે. તેમની વાણી આક્રમક હોય છે. તેમને માતાનું સુખ ખૂબ સારું મળે છે. તેમને સરકારથી કે નેતાઓથી વિશેષ લાભ મળે છે. તેઓ પોતાના લોકોની રક્ષા કરનારા અને તેમના માટે ત્યાગ કરનારા હોય છે. તેઓ આળસુ પ્રકૃતિના હોય છે.
૬. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર કન્યા રાશિ કે છઠ્ઠા સ્થાનમાં બેઠો હોય તેઓ ખૂબ સારા વિશ્લેષક હોય છે. તેમનામાં સાચું અને ખોટું પારખવાની શક્તિ હોય છે. તેમને પ્રોબ્લેમ સોલ્વ કરવા ગમે છે. તેઓ સારા, શિક્ષક, એન્જિનિયર કે તબિબ બને છે. તેઓ નાસ્તિક ટાઇપના હોય છે. જે વાત તાર્કિક સિદ્ધ ન થાય તેમાં તેઓ વિશ્વાસ કરતા નથી. તેઓ સારા ગણિતજ્ઞા બની શકે છે. તેઓ પરફેક્શનના આગ્રહી હોય છે.
૭. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર તુલા રાશિ કે સાતમા સ્થાનમાં બેઠો હોય તેવા જાતકો સંબંધો સાચવવાની કળામાં હોશિયાર હોય છે. તેઓ વ્યવહાર દક્ષ હોય છે. તેઓ જીવનમાં સંતુલન પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહે છે. તેઓ દરેક બાબતમાં તોલમાપ કરે છે. તેઓ ક્યારેય છેતરાતા નથી. તેઓ મળતાવડા હોય છે. તેમને હરવું-ફરવું ગમે છે. એકલા રહી શકતા નથી. બીજાના વખાણ કરી તેમને પોતાના કરી લે છે.
૮. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર વૃશ્ચિક રાશિ કે આઠમા સ્થાનમાં બેઠો હોય તેવા જાતકોને જલ્દી કળી શકાતા નથી. તેઓ ઓવરથિંકિંગ કરે છે. તેમનું મન બેચેન રહે છે. તેમના માતા કરતા પિતા વધારે લાગણીશીલ હોય છે. તેમને જીવનમાં અનેક ઉતાર-ચડાવ જોયા હોય છે. તેમને ગુપ્ત જ્ઞાાન, રીસર્ચ, જાસૂસી વગેરેમાં રુચિ હોય છે. તેમને રહસ્યમય બાબતોમાં રસ પડે છે. માનસિક શાંતિ મળતી નથી.
૯. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર ધન રાશિ કે નવમા સ્થાનમાં બેઠો હોય તેવા જાતકોને ધર્મ, ઉચ્ચ અભ્યાસ અને વિદેશ પ્રવાસમાં રસ હોય છે. તેમને ઘોડે સવારી કરવી ગમે છે. તેઓ લક્ષ્યવેધી હોય છે. ધાર્યા નિશાન પાર પાડે છે. તેઓ સારા શિક્ષક બની શકે છે. પરદેશ સાથે જોડાઈને કામકાજ કરી શકે છે. તેમના માતા તેમના માટે પિતાની ગરજ સારે છે. તેઓ પિતા અને ગુરુ માટે લાગણીશીલ હોય છે.
૧૦. જે જાતકોની કુંડળીમાં ચંદ્ર મકર રાશિમાં કે ૧૦મા સ્થાનમાં બેઠો હોય તેવા જાતકો મહેનતુ હોય છે. પ્રેક્ટિકલ હોય છે. ચહેરાથી ભોળા હોય છે, પણ મનથી નહીં. તેઓ કર્મમાં વિશ્વાસ રાખનારા હોય છે. તેઓ સત્તા પ્રેમી હોય છે. તેઓ શક્તિશાળી માતાનું બાળક હોય છે. તેમના ઘરમાં તેમના મમ્મીનું વધારે ચાલે છે. તેમને કારકિર્દીના સ્થળ પર રહેવું વધારે ગમે છે. ઘરે રહેવું જરા પણ ગમતું નથી.
૧૧. જેમની કુંડળીમાં ચંદ્ર ૧૧મા સ્થાનમાં કે કુંભ રાશિમાં હોય તેમને તેમના માતાથી લાભ થાય છે. આવા જાતકો મળતાવડા હોય છે. તેમને સામાજિક રહેવું વધારે ગમે છે. તેઓ મોટી સંસ્થાઓમાં કામ કરે છે. તેમને મિત્રો વચ્ચે રહેવું ગમે છે. સમાજમાં તેમની છાપ લાગણીશીલ વ્યક્તિ તરીકેની પડે છે. તેમને સંગ્રહ કરવો ગમે છે. તેઓ વૈજ્ઞાાનિક અભિગમવાળા અને ભૌતિકવાદી હોય છે. માનવતાવાદી હોય છે.
૧૨. જેમની કુંડળીમાં ચંદ્ર ૧૨મા સ્થાનમાં કે મીન રાશિમાં હોય તેવા જાતકો એકાંતપ્રિય હોય છે. બૌદ્ધિક હોવાની સાથોસાથ લાગણીશીલ પણ હોય છે. તેઓ શરીરથી કમજોર હોય છે. ૩૨ વર્ષ સુધી તેઓ જીવનમાં શું કરવું એ બાબતે કન્ફ્યુઝ હોય છે. તેમને આશ્રમ જવું, વિદેશ જવું, એકાંતમાં રહેવું વધારે ગમે છે. તેમને પાણી કે સમુદ્રની નજીક રહેવું વધારે ગમે છે. તેઓ આધ્યાત્મમાં રુચિ ધરાવતા હોય છે.