Get The App

જન્મ કુંડળીના આધારે જાણો તમે કયા વ્યવસાયમાં આગળ વધશો?

Updated: Aug 22nd, 2023


Google NewsGoogle News
જન્મ કુંડળીના આધારે જાણો તમે કયા વ્યવસાયમાં આગળ વધશો? 1 - image


- ગ્રહ ગતિ-દેવજ્ઞા

આ જકાલ સૌથી વધારે કન્ફ્યુઝન લોકોમાં તેમના પ્રોફેશનને લઈને જોવા મળે છે. કઈ લાઇનમાં આગળ વધવું તેની સૂઝ પડતી નથી અને તેના કારણે તેઓ ખૂબ પરેશાન થતા હોય છે. જો જાતકને ખબર પડી જાય કે પરમ કૃપાળુ પરમાત્માએ તેને કયા વ્યવસાય માટે બનાવેલો તો તે જીવનમાં ઘણું બધું હાંસલ કરી શકે છે. એટલું જ નહીં, તે સ્ટ્રેેસ મુક્ત જીવન જીવી શકે છે. તો આજે આપણે કુંડળીના આધારે વ્યવસાય કઈ રીતે નક્કી કરવો તેના વિશે વાત કરીશું.

કુંડળીમાં વ્યવસાય નક્કી કરવા માટે ૧૦મું અને ૧૧મું આ બે સ્થાન ખૂબ મહત્ત્વનાં છે. ૧૦મું સ્થાન કર્મ અથવા કારકિર્દીનું છે અને ૧૧મું સ્થાન આવક અથવા લાભનું છે. ૧૦મા સ્થાનના માલિકને આપણે કર્મેશ અને ૧૧મા સ્થાનના માલિકને આપણે લાભેશ તરીકે ઓળખીશું.

(૧) જે જાતકની જન્મ કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ એટલે કે ૧૦મા અને ૧૧મા સ્થાનના માલિકો પ્રથમ સ્થાનમાં બેઠા હોય તે જાતક સેલ્ફ એમ્પ્લોઇડ બનશે. અથવા મોટા સત્તાધીશને ત્યાં નોકરી કરશે. સેલ્ફ ડેવલોપમેન્ટ, હેલ્થ, ન્યુટ્રિશન વગેરે સંબંધિત વ્યવસાય પણ કરી શકે છે.

(૨) જે જાતકની કુંડળીમાં લાભેશ અથવા કર્મેશ બીજાં સ્થાનમાં બેઠા હોય તે ખાણીપીણી, રેસ્ટોરાં, બાલ મંદિર, નાણાં ક્ષેત્ર, સૌંદર્ય પ્રસાધન, સોનું, ઘરેણા, કીમતી રત્નો, ફંડ મેનેજમેન્ટ, સ્ટોક બ્રોકર, અનાજ, ફૂલ, ડેકોરેશન, કપડાં, બેંક, ફેમિલી બિઝનેસ, વાણી વગેરે ક્ષેત્રોમાં આગળ વધી શકશે.

(૩) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ ત્રીજાં સ્થાનમાં બેઠા હોય તે સાહસ સંબંધિત વ્યવસાય, કોમ્યુનિકેશન સંબંધિત વ્યવસાય, અકાઉન્ટન્ટ, ક્લર્ક, લેખક, પત્રકાર, એન્કર, ટ્રાવેલિંગ, રેલવે, પોસ્ટ આફિસ, એક્ટિંગ, નાટક, ડાન્સ, સોશિયલ મીડિયા, માર્કેટિંગ, એસઇઓ, ડિજિટલ મીડિયા, ઇલેક્ટ્રિસિટી, વાયર, ઇલેક્ટ્રોનિક્સ વગેરે સંબંધિત વ્યવસાયમાં આગળ વધી શકે છે.

(૪) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ ચોથાં સ્થાનમાં બેઠા હોય તે જાતક રિયલ એસ્ટેટ સેક્ટર, શિક્ષણ, ફર્નિચર, વાહન, આરામ આપનારી ચીજ વસ્તુઓ, બાંધકામ, બિલ્ડિંગ મટિરિયલ, ખેતીવાડી, બાગાયતી ખેતી, જળ સંબંધિત વ્યવસાય, ખાણ સંબંધિત વ્યવસાય, બોરવેલ, વોટર ટેન્ક, પ્લમ્બર, ડેરી અને ડેરીના ઉત્પાદનો, મત્સ્ય ઉદ્યોગ, પશુ પાલન વગેરે વ્યવસાયમાં આગળ વધી શકે છે.

(૫) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ પાંચમા સ્થાનમાં બેઠા હોય તે સ્ટોક માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ, તંત્ર-મંત્ર, બાળકો સંબંધિત વ્યવસાય, રાજદ્વારી, સચિવ, સલાહકાર, મંત્રી, ગેઝેટેડ અધિકારી, સ્ટેમ્પ વેન્ડર, નોટરી, મેનેજર, પુરોહિત વગેરે સંબંધિત વ્યવસાયમાં આગળ વધી શકે છે.

(૬) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ છઠ્ઠા સ્થાનમા બિરાજમાન હોય તેઓ પોલીસ, આર્મી, સુરક્ષા, કાયદા અને ન્યાય સંબંધિત વ્યવસાય, મેડિસિન, ડાક્ટર, સર્જન, આરોગ્ય સંબંધિત વ્યવસાય, ગેરકાયદે પ્રવૃત્તિ, બોક્સિંગ, ફાઇટિંગ, વિવાદ સંબંધિત વ્યવસાય, લોન, ક્રેડિટ કાર્ડ, ફાઇનાન્શિયલ ટેકનોલોજી, ધીરાણ મંડળી વગેરે વ્યવસાયમાં આગળ વધી શકશે.

(૭) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ સાતમા સ્થાનમાં બેઠા હોય તેઓ મેરેજ, મેરેજ હોલ, વેડિંગ પ્લાનર, મહિલા સંબંધિત વ્યવસાય, ડિસ્ટ્રિબ્યુટર, ભાગીદારી, રોડ સંબંધિત વ્યવસાય જેવા કે આરટીઓ, ટોલબૂથ, ટ્રાવેલિંગ વગેરે વ્યવસાયમાં આગળ વધી શકશે.

(૮) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ આઠમા સ્થાનમાં બેઠા હોય તેઓ દવા, ઇન્સ્યોરન્સ, ચાઇલ્ડ ડિલેવરી, શરાબ, ખનન, સંશોધન, સર્જરી, ગુપ્તવિદ્યા, રેકી, ધ્યાન, આધ્યાત્મ, જ્યોતિષ વગેરે ક્ષેત્રમાં આગળ વધી શકે છે.

(૯) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ નવમા સ્થાનમાં બેઠા હોય તેઓ ધર્મ આધારિત વ્યવસાય, પ્રોફેસર, ગુરુ, શ્રાઇન બોર્ડ, મંદિર, ટ્રાવેલિંગ, ઉચ્ચ શિક્ષણ, પિતા સંબંધિત વ્યવસાય, નાણાં ક્ષેત્ર અથવા વિદેશ સાથે સંબંધિત વ્યવસાયમાં આગળ વધી શકે છે.

(૧૦) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ ૧૦મા સ્થાન સાથે સંકળાયેલા હોય તેઓ સરકારી નોકરી અથવા જાહેર જનતા સાથે સંબંધિત કામમાંથી પૈસા કમાઈ શકે છે.

(૧૧) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ ૧૧મા સ્થાનમાં બેઠા હોય તેઓ ઉદ્યોગ, નાણાં ક્ષેત્ર, સ્ટોક માર્કેટ, ઉડ્ડયન, વિશ્લેષણ સંબંધિત નોકરી, મોટી સંસ્થાઓ વગેરે વ્યવસાયમાંથી અરથ ઉપાર્જન કરી શકે છે.

(૧૨) જે જાતકની કુંડળીમાં કર્મેશ અથવા લાભેશ ૧૨મા સ્થાનમાં બેઠો હોય તેઓ આધ્યાત્મ, ધ્યાન, હાસ્પિટલ, દવા, લેબ ટેકનિશિયન, જેલ સંબંધિત વ્યવસાય, વિદેશી નોકરી, ઇમિગ્રેેશન, પાસપોર્ટ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, સમુદ્રી ઉત્પાદનો, પોર્ટ, મર્ચન્ટ નેવી, નેવી, વહાણવટુ, માછલી, તેલ ક્ષેત્રો વગેરે સંબંધિત વ્યવસાયમાં આગળ વધી શકે છે.


Google NewsGoogle News