કેવા ગ્રહોયોગ હોય તો શેરબજારમાં સફળતા મળે?
- ગ્રહ ગતિ-દેવજ્ઞ
'સ્કેમ ૧૯૯૨'માં વેબ સીરિઝમાં ડાયલોગ છે કે, 'શેરબાઝાર એક ઐસા કૂઆ હૈ, જો પૂરે દેશ કી પૈસો કી પ્યાસ બુઝા સકતા હૈ.' આ અધૂરું સત્ય છે. શેર માર્કેટ ટ્રેડિંગ એક ઝીરો સમ ગેમ છે. તમે કમાવ છો તો સામા છેડે કોઈક ગુમાવી પણ રહ્યું છે. ક્યાંક એ ગુમાવનારા તો આપણે નથીને? આપણે તે જોવું રહ્યું. શેરબજારનો પૈસો નસીબનો પૈસો છે. નસીબદારને જ તે મળે છે, પણ ખાલી નસીબનો પૈસો નથી. તે એનાલિટિકલ એબિલિટી અને ક્વિક ડીસિશન મેકિંગનો પણ પૈસો છે. તે બુધ આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ તર્ક કરાવે છે અને ઝડપથી નિર્ણયો લેવાની સૂઝ આપે છે. શેરજારમાં રોકવા માટે નાણા જોઈએ અને જ્યારે પ્રોફિટ થાય ત્યારે નાણાં ખિસામાં પણ આવવા જોઈએ. તે ગુરુ આપે છે. અર્થાત્ ગુરુ તમને ફાઈનાન્શિયલ સરપ્લસ આપે છે.
શેર માર્કેટ માટે શનિ મહત્ત્વનો ગ્રહ છે. કારણ કે શનિ ભાગીદારીનો કારક ગ્ર્રહ છે. શેરબજાર શું છે? આફ્ટર ઓલ તમે જ્યારે કોઈ શેર ખરીદો છો ત્યારે કોઈ કંપનીમાં ભાગીદારી ખરીદો છોને? ભાગીદારીનું સુખ તમને શનિ આપે છે. તમારી પાસે રિલાયન્સના શેર હોય તો દીકરા-દીકરીનું ઠેકાણું કરતી વખતે વટથી કહી દેવાનું કે હું મુકેશભાઈનો ભાગીદાર છું. પછી ભલેને રીલાયન્સમાં તમારું રોકાણ ૦.૦૦૦૦૦૧ ટકા હોય. ટેકનિકલ રીતે તમે સાચા જ છો. કારણ કે તમારી પાસે રીલાયન્સના શેર છે. જોક્સ અપાર્ટ, શેરબજારમાં સફળ થવા માટે શનિ, ગુરુ અને બુધ સારા હોવા આવશ્યક છે. શનિ ધીરજનો કારક છે. લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો કારક છે. શનિ કર્મનોકારક છે. જ્યાં સુધી તમારી પાસે પૂર્ર્વ જન્મના અને આ જન્મના પુણ્યકર્મનું ભાથું નહીં હોય ત્યાં સુધી શનિ તમને નસીબનો પૈસો ખાવા દેશે નહીં.
એ સિવાય પણ એક ગ્રહ સારો હોવો જરૂરી છે. તે છે ચંદ્ર. ચંદ્ર સ્થિર રાશિમાં હોવો આવશ્યક છે. માર્કેટનું એક મહત્ત્વનું પરિબળ સેન્ટિમેન્ટ છે. ડહોળાતા સેન્ટિમેન્ટ્સમાં વચ્ચે જેનું મન સ્થિર રહી શકે તે શેરબજારમાં પૈસા કમાઈ શકે. ચંદ્ર સ્થિર રાશિમાં બેઠો હોય તેવા જાતકોને બજારમાં જલ્દી સફળતા મળે છે. તમારી કુંડળીમાં આ પ્રકારના યોગ હોય તો તમે શેરબજારમાં સફળ થઈ શકશો.
૧) બીજું સ્થાન ધનનું છે. પાંચમું સ્થાન શેર-સટ્ટાનું છે. જન્મ કુંડળીના શુભ સ્થાનમાં બીજા અને પાંચમા સ્થાનના માલિકની યુતિ હશે તો તમે શેર માર્કેટથી ધનવાન બનશો.
૨) પાંચમા સ્થાનનો માલિક ગુરુ સાથે બેઠો હશે તેની શેરબજારમાં બલ્લે-બલ્લે થઈ જશે.
૩) ૧૧મા સ્થાનનો માલિક ગુરુ સાથે બેઠો હશે તેવા જાતકને શેરબજારમાં ધોમ રૂપિયો મળશે.
૪) ગુરુ અને શનિની શુભ સ્થાનમાં યુતિ હશે તેવા જાતકને શેરબજારમાં ખૂબ ધન પ્રાપ્ત થશે.
૫) અષ્ટક વર્ગમાં પાંચમા સ્થાનમાં ૨૮ કે તેનાથી વધારે પોઇન્ટ હશે તો બજારમાં તમારું પાનું ચાલશે.
૭) અષ્ટક વર્ગમાં સપ્તમ સ્થાન અને લાભ સ્થાનમાં ૨૮ કે તેનાથી વધારે પોઇન્ટ હશે તો પણ શેરબજારમાં તમારું ઘોડું દોડશે.
૮) પાંચમા અને ૧૦મા સ્થાન વચ્ચેનો સંબંધ પણ શેરબજારમાં નાણાં રળી આપે છે.
શેરબજારમાં સફળતા માટે આઠમું સ્થાન મજબૂત હોવું પણ જરૂરી છે. કારણ કે આઠમું સ્થાન બીજાથી થતો ધનલાભ દર્શાવે છે.
રાકેશ ઝુનઝુનવાલાની કુંડળીમાં ગુરુ અને શનિની યુતિ કેન્દ્ર સ્થાનમાં બને છે. શનિ પંચમ સ્થાનનો માલિક બને છે, જે ગુરુ સાથે યુતિમાં છે. આથી તેમને શેરબજાર અભૂતપૂર્વ ફળ્યું. તેમની કુંડળીમાં અષ્ટમેષ સ્વગૃહી છે અને સપ્તમેષ લાભ સ્થાનમાં બેઠો છે. લાભેશ પર ગુરુની દ્રષ્ટિ છે. આમ તેમની કુંડળીમાં ઉપરની લગભગ તમામ શરતો મેચ થાય છે.
તમારો બુધ પીડિત હોય, પણ ગુરુ શનિ સારા હોય તો તમે શેરબજારમાં લાંબા ગાળાના ઇન્વેસ્ટર બની જાવ. કોઈ શેરમાં બે-પાંચ કે ૧૦ વર્ષ માટે પૈસા રોકી દો. તમે જરૂરથી પૈસા કમાશો. આખા દેશની પૈસાની પ્યાસ ડેઇલી ટ્રેડિંગ નહીં, પણ ઇન્વેસ્ટમેન્ટ જરૂર બુઝાવી શકે છે.