સૂર્યનો મીનમાં પ્રવેશ તમારા જીવન પર શું અસર થશે?
- ગ્રહ ગતિ-દેવજ્ઞા
- સૂર્ય મીન રાશિમાં પ્રવેશે પછી એક મહિનો કોઈ શુભ કાર્ય થતા નથી. આ સમયગાળાને મીનારક કમુરતા કહેવામાં આવે છે
ओम आकृष्णेन रजता वर्तमानो निवेशयन्नमृतं मर्त्यण्च ।
हिरण्येन सविता रथेन देवो याति भुवनाति पश्यन ।।
તે નો અર્થ એવો થાય છે કે સૂર્ય દેવ અંધકારયુક્ત અંતરિક્ષપથમાં ભ્રમણ કરે છે. તેઓ દેવો તથા મનુષ્યો પાસે યજ્ઞાાદિ કર્મો કરાવે છે. સમસ્ત લોકોને જોતા-જોતા સ્વર્ણિમ રથ પર આગળ વધે છે. આ મંત્ર યજુર્વેદમાં છે. મનુષ્ય જીવનમાં સૂર્યનું જે સ્થાન છે તે જ જ્યોતિષશાસ્ત્રમાં છે.
સૂર્ય આત્મા, પિતા, આત્મવિશ્વાસ, શક્તિ, રોશની, અનુશાસન, આરોગ્ય, શિસ્ત, સરકાર, નેતૃત્વ, નેત્ર, તેજ, આદર, યશ, પરાક્રમ, ધૈર્ય, ઉત્સાહ, સ્વાસ્થ્ય, મેડિકલ સાયન્સ, ડૉક્ટર, રાજસત્તા, સિવિલ સર્વિસીઝ, રાજસી ઠાઠ, બોસ, લાગવગ, અહમ, સોનું, ઘઉં, મસ્તિષ્ક, હૃદય, હાડકાં, કરોડરજ્જુ, મંદિર વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં સૂર્ય બળવાન હોય ત્યારે આ બધા કારકત્વો ફળિભૂત થાય છે અને તેનાથી વિપરીત સ્થિતિ હોય તો તેને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે.
આવા સૂર્ય મહારાજ તા.૧૪મીએ બપોરે ૧૨.૫૭ વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. અહીં તે ૧૩મી એપ્રિલે રાતે ૦૮.૫૫ સુધી રહેશે. સૂર્ય મીન રાશિમાં પ્રવેશે પછી એક મહિનો કોઈ શુભ કાર્ય થતા નથી. આ સમયગાળાને મીનારક કમુરતા કહેવામાં આવે છે. જોકે આ દરમિયાન શાંતિ કાર્યો ચોક્કસથી થતા હોય છે. સૂર્યનું મીનમાં ગોચર કઈ રાશિના જાતકને કેવી અસર કરશે તે જોઈએ.
મેષ: તમારી કુંડળીમાં સૂર્ય ૧૨મા સ્થાનમાંથી પસાર થઈ શેશે. તે પાંચમા સ્થાનનો માલિક બને છે. તમારા સંતાનો અથવા પિતા તમારાથી દૂર જાય. તમે આધ્યાત્મમાં રુચિ કેળવશો.
વૃષભ: તમારી કુંડળીમાં સૂર્ય ૧૧મા સ્થાનમાંથી પસાર થશે. તે ચોથા સ્થાનનો માલિક બને છે. માતાપિતાથી લાભ થશે. તમારી યશ-કીર્તિમાં વૃદ્ધિ થશે. તમે વધુ સામાજિક બનશો.
મિથુન: તમારી કુંડળીમાં સૂર્ય ૧૦મા સ્થાનમાંથી પસાર થશે. તે ત્રીજા સ્થાનનો માલિક બને છે. રાજનીતિ અને સરકારી નોકરીમાં લાભ થશે. ટ્રાવેલિંગ કરવાથી ફાયદો થશે.
કર્ક: તમારી કુંડળીમાં સૂર્ય નવમા સ્થાનમાંથી પસાર થશે. તે બીજા સ્થાનનો માલિક બને છે. ધનમાં વૃદ્ધિ થશે. ભાગ્ય તમારો સાથ આપશે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે.
સિંહ: તમારી કુંડળીમાં સૂર્ય આઠમા સ્થાનમાંથી પસાર થશે. તે પ્રથમ સ્થાનનો માલિક બને છે. તમે ગુપ્ત સાધના કે રીસર્ચમાં રુચિ લેશો. જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે.
કન્યા: તમારી કુંડળીમાં સૂર્ય સાતમા સ્થાનમાંથી પસાર થશે. તે બારમા સ્થાનનો માલિક બને છે. ભાગીદાર કે પત્ની જોડે અહમ ન ટકરાય તેનું ધ્યાન રાખજો. અન્યથા જુદા થવાનું આવશે.
તુલા : તમારી કુંડળીમાં સૂર્ય છઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે. તે ૧૧મા સ્થાનનો માલિક બને છે. હાથમાં આવેલા પૈસા દેવું ભરવામાં જતા રહે. વાદ-વિવાદથી બચીને રહેવું. આરોગ્ય સાચવવું.
વૃશ્ચિક: તમારી કુંડળીમાં સૂર્ય પાંચમા સ્થાનમાંથી પસાર થશે. તે ૧૦મા સ્થાનનો માલિક બને છે. યશ કીર્તિમાં વૃદ્ધિ થશે. વિદ્યા અભ્યાસથી લાભ થાય. સરકાર કે રાજનીતિથી લાભ થાય.
ધન: તમારી કુંડળીમાં સૂર્ય ચોથા સ્થાનમાંથી પસાર થશે. તે નવમા સ્થાનનો માલિક બને છે. આત્મવિશ્વાસમાં કમી અનુભવાશે. મન અશાંત રહેશે. ઘરમાં અહમનો ટકરાવ થાય.
મકર: તમારી કુંડળીમાં સૂર્ય ત્રીજા સ્થાનમાંથી પસાર થશે. તે આઠમા સ્થાનનો માલિક બને છે. તમારા ભાઈ-બહેનના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. ્રટ્રાવેલિંગ કરવાનું ટાળવું.
કુંભ: તમારી કુંડળીમાં સૂર્ય બીજા સ્થાનમાંથી પસાર થશે. તે સાતમા સ્થાનનો માલિક બને છે. જીવનસાથી કે ભાગીદાર સાથે વિવાદ ન કરવો. પરિવારના સભ્યો સાથે વિવાદ ટાળવો.
મીન: તમારી કુંડળીમાં સૂર્ય પ્રથમ સ્થાનમાંથી પસાર થશે. તે છઠ્ઠા સ્થાનનો માલિક બને છે. કાર્યમાં વિઘ્ન આવે. ક્રોધ ન કરવો. અભિમાન ન કરવું. સેવા કાર્યો કરવાથી લાભ થશે.