સૂર્યનું મકરમાં ભ્રમણ : તમારા જીવન પર શું અસર થશે ?
- ગ્રહ ગતિ-દેવજ્ઞા
जपाकुसुम संकाशं काश्यपेयं महदयुतिं
तमोरिसर्व पापध्रं प्रणतोस्मि दिवाकरं
જે જપના પુષ્પ જેવા તેજસ્વી છે, જે કાશ્યપ ષિના પુત્ર છે, જે તમામ પાપોનો નાશ કરનારા છે, તેવા સૂર્યદેવને હું પ્રણામ કરું છું.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને રાજા માનવામાં આવે છે. સૂર્ય આત્મા, પિતા, આત્મવિશ્વાસ, શક્તિ, રોશની, અનુશાસન, આરોગ્ય, શિસ્ત, સરકાર, નેતૃત્વ, નેત્ર, તેજ, આદર, યશ, પરાક્રમ, ધૈર્ય, ઉત્સાહ, સ્વાસ્થ્ય, મેડિકલ સાયન્સ, ડૉક્ટર, રાજસત્તા, સિવિલ સર્વિસીઝ, રાજસી ઠાઠ, બોસ, લાગવગ, અહમ, સોનું, ઘઉં, મસ્તિષ્ક, હૃદય, હાડકાં, કરોડરજ્જુ, મંદિર વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં સૂર્ય બળવાન હોય ત્યારે આ બધા કારકતત્વો ફળિભૂત થાય છે અને તેનાથી વિપરીત સ્થિતિ હોય તો તેને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે.
આવા સૂર્ય મહારાજ ૧૫મી જાન્યુઆરીએ રાતે ૦૨.૩૫ વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. મકર રાશિ પૃથ્વી તત્ત્વ રાશિ છે, શનિ અગ્નિ તત્ત્વ ગ્રહ છે. મકરમાં સૂર્યનો અગ્નિ વ્યવસ્થાબદ્ધ બને છે. અગ્નિ જ્યારે વ્યવસ્થાબદ્ધ બને ત્યારે ઉત્તમ પરિણામ આપતો હોય છે. આ આ સમયમાં સરકારો, વ્યવસ્થાઓ વધારે મજબૂત થાય. સેવા કાર્યોમાં વધારો થાય. મહેનત કરીને ખાનારા લોકોને બળ મળે. વિવિધ રાશિના જાતકોના જીવન પર તેની શું અસર થશે તે જોઈએ.
મેષઃ તમારી કુંડળીમાં સૂર્ય ૧૦મા સ્થાનમાંથી પસાર થશે. તે પાંચમા સ્થાનનો માલિક બને છે. તમારાં યશ-કીર્તિ વધે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. અભ્યાસમાં અને કારકિર્દીમાં સફળતા મળે. સરકારી કામો અટકતા હોય તે થઈ જાય. તમારા સંતાનોની પ્રગતિ થશે.
વૃષભઃ તમારી કુંડળીમાં સૂર્ય નવમા સ્થાનમાંથી પસાર થશે. તે ચોથા સ્થાનનો માલિક બને છે. તમે ધાર્મિક યાત્રા કરી શકો છો. તમારા પિતાના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. લાંબા અંતરની યાત્રા કરવામાં, પિતાની સાથે સમય વિતાવવામાં તમે સુખનો અનુભવ કરશો.
મિથુનઃ તમારી કુંડળીમાં સૂર્ય અષ્ટમ સ્થાનમાંથી પસાર થશે. તે ત્રીજા સ્થાનનો માલિક બને છે. તમારા નાના ભાઈ-બહેનના જીવનમાં ઉતાર ચડાવ આવી શકે છે. તમારા જીવનના કેટલાક ગુપ્ત રહસ્યો ઉજાગર થઈ શકે છે. આધ્યાત્મમાં તમારી રુચિ વધી શકે છે.
કર્કઃ તમારી કુંડળીમાં સૂર્ય સપ્તમ સ્થાનમાંથી પસાર થશે. તે બીજા સ્થાનનો માલિક બને છે. તમારા ધનમાં વૃદ્ધિ થશે. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે અહમનો ટકરાવ ન થાય તેનું ધ્યાન રાખવું. વાણી પર સંયમ રાખવો. તમારા આત્મ વિશ્વાસમાં કમી આવી શકે છે.
સિંહઃ તમારી કુંડળીમાં સૂર્ય છઠ્ઠા સ્થાનમાંથી પસાર થશે. તે પ્રથમ સ્થાનનો માલિક બને છે. તમે તમારા શત્રુઓને પરાજિત કરશો. તમે સેવા કાર્યો તરફ વળશો. તમને એસિડિટી થઈ શકે છે. તમે વાદ-વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરશો. નોકરી કરતા જાતકો માટે ઉત્તમ સમય.
કન્યાઃ તમારી કુંડળીમાં સૂર્ય પાંચમા સ્થાનમાંથી પસાર થશે. તે બારમા સ્થાનનો માલિક બને છે. તમારા સંતાનોનું ધ્યાન રાખવું. શેરબજારમાં નુકસાની થઈ શકે છે. અભ્યાસ અર્થે પ્રવાસ થઈ શકે છે. તમારા સંતાનો લાંબા અંતરની યાત્રા કરે એવું પણ બની શકે.
તુલાઃ તમારી કુંડળીમાં સૂર્ય ચોથા સ્થાનમાંથી પસાર થશે. તે એકાદશ સ્થાનનો માલિક બને છે. તમારા આત્મ વિશ્વાસમાં કમી આવી શકે છે. મન બેચેન રહે એવું બને. તમે મિલકતની ખરીદી કરી શકો છો. ઘરના સભ્યો પર ગુસ્સો કરવાનું ટાળજો.
વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં સૂર્ય ત્રીજા સ્થાનમાંથી પસાર થશે. તે ૧૦મા સ્થાનનો માલિક બને છે. તમે કારકિર્દી અર્થે ટ્રાવેલિંગ કરી શકો છો. નાના ભાઈ-બહેન પર તમારું વિશેષ ફોકસ રહેશે. વેપાર અને માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. જોબ ચેન્જ થઈ શકે છે.
ધનઃ તમારી કુંડળીમાં સૂર્ય બીજા સ્થાનમાંથી પસાર થશે. તે નવમા સ્થાનનો માલિક બને છે. તમારા ધનમાં વૃદ્ધિ થશે. તમે પરંપરાનું પાલન કરશો. પરિવારના સભ્યો પર ગુસ્સો કરવાનું ટાળજો. તમારું ફોકસ ધન, કુટુંબ અને વાણી પર રહેશે. તમારી વાણીમાં આક્રમકતા આવશે.
મકરઃ તમારી કુંડળીમાં સૂર્ય પ્રથમ સ્થાનમાંથી પસાર થશે. તે આઠમા સ્થાનનો માલિક બને છે. તમારા જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. તમારો આત્મ વિશ્વાસ વધશે. તમને બીજાની અંડરમાં કામ કરવું ગમશે નહીં. તમને ગૂઢ જ્ઞાન કે રીસર્ચમાં રસ વધશે. તમારી નેતૃત્વ શક્તિ ખીલશે.
કુંભઃ તમારી કુંડળીમાં સૂર્ય બારમા સ્થાનમાંથી પસાર થશે. તે સાતમા સ્થાનનો માલિક બને છે. તમારા જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર તમારાથી અલગ થઈ જશે અથવા લાંબા અંતરની યાત્રા પર જશે. તમને રાતે નિંદર ઓછી આવશે. આધ્યત્મમાં તમારી રુચિ વધશે.
મીનઃ તમારી કુંડળીમાં સૂર્ય ૧૧મા સ્થાનમાંથી પસાર થશે. તે છઠ્ઠા સ્થાનનો માલિક બને છે. તમને નોકરીમાં લાભ મળશે. તમને તમારા શત્રુઓથી ફાયદો થશે. તમે લોનના બિઝનેસમાં આગળ વધી શકો છો. તમારી લોકપ્રિયતા વધશે. તમે મળતાવડા અને સામાજિક બનશો.