નિર્ણય લેવામાં તકલીફ પડે છે તો તમારો બુધ નબળો છે!
- ગ્રહ ગતિ-દેવજ્ઞા
જી વનનું સૌથી મહત્ત્વનું પાસું છે, ડીસિશન મેકિંગ. નિર્ણય લેવાની ક્ષમતા. ત્યાં જે માણસ પાછો પડે તે જીવનમાં પાછો પડી જાય છે અને ત્યાં જે ફાવી જાય તે સફળ થઈ જાય છે. સફળતા એ સાચા નિર્ણય લેવાની કળા સિવાય બીજુ કશું નથી. સાચા નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. બુધ. કારણ કે બુધ એ બુદ્ધિનો કારક છે. બુધ અને બુદ્ધિ ઓલમોસ્ટ એકસમાન ધ્વનિવાળા શબ્દો છે.
જ્યોતિષશાસ્ત્રમાં બુધને પ્રિન્સનું સ્ટેટસ આપવામાં આવેલું છે. કારણ કે બુદ્ધિશાળી માણસને બધા માન આપે છે. અને દરેક ક્ષેત્રના લોકોને બુદ્ધિની જરૂર છે. બુદ્ધિધન એવો પણ આપણે ત્યાં એક શબ્દ છે. અર્થાત બુદ્ધિ ધનથી જરાય કમ નથી. બુદ્ધિથી ધન પેદા કરી શકાય છે, ધનથી બુદ્ધિ પેદા કરી શકાતી નથી.
બુધ શીખવું, સમજવું, જાણવું, ભણાવવું, લખવું, વાંચવું, એકાઉન્ટિંગ, વકીલાત, લેખન, વાણી, ચતુરાઈ, ગણિત, જ્યોતિષ, વેપાર, ખગોળશાસ્ત્ર, પત્રકાર, સમાચાર, કાગળ, પ્રિન્ટિંગ, જર્નલિસ્ટ, મિત્ર, મામા, કાકી, મામા-માસીના સંતાનો, નૃત્ય, વાયવ્ય દિશા, નાભિ, પક્ષીની ભાષા, તીર્થયાત્રા, રસિકતા, હાસ્ય, વ્યાપાર, કોમ્યુનિકેશન, પરિવહન વગેરેનો કારક છે. બુધ જન્મ કુંડળીમાં બહુ જ મહત્ત્વનો ગ્રહ છે. એવું કહેવાય છે કે જેનો બુધ બગડયો એનું બધું જ બગડયું. કારણ કે બુદ્ધિ વિના આ જગતમાં કશું થઈ શકતું નથી. મજબૂત બાવડાંવાળા લોકો બુદ્ધિશાળી લોકોને ત્યાં નોકરી કરતા હોય છે.
તમારી બુદ્ધિ જેટલી શાર્પ તમારી સિદ્ધિઓ એટલી જ અધિક. જો તમે તર્ક કરી શકો છો તો તમારો બુધ બળવાન છે, જો તમે ગણિતમાં હોશિયાર છો તો તમારો બુધ બળવાન છે, જો તમને મિમિક્રી અને કોમેડી ગમે છે તો તમારો બુધ બળવાન છે. જો તમે સારા વેપારી છો તો તમારો બુધ બળવાન છે. જો તમે તમારા જીવનના નિર્ણયો આવેશમાં નહીં, પણ ટાઢા કલેજે સમજી વિચારીને લો છો તો તમારો બુધ બળવાન છે.
તમે બોલીને બફાટ કરો છો તો તમારો બુધ નબળો છે, તમે શું કરવું - શું ન કરવું એની દ્વિધામાં રહો છો તો તમારો બુધ નબળો છે, બોલતી વખતે તમારી જીભ ઝલાય છે તો તમારો બુધ નબળો છે. જો તમારું બાળક ભણવામાં નબળું હોય તો તેનો બુધ નબળો હશે. જો તમને કશુંક યાદ રાખવામાં મુશ્કેલી પડે છે તો તમારો બુધ નબળો છે.
શરીરમાં મગજ, ચેતાતંત્ર, કાન, નાક, શ્વાસનળી, નાભિ, ગરદન, ફેફસા અને ચામડી પર બુધનો પ્રભાવ જોવા મળે છે. બુધ નબળો હોય તેમને આ અંગો સંબંધિત રોગ સતાવી શકે છે. આંચકી આવતી હોય તો બુધ પીડિત હશે, ચામડીના રોગ થતા હોય તો બુધ પીડિત હશે, ગરદન દુ:ખતી હોય તો બુધ પીડિત હશે. કોવિડ થયો હોય એવા દરદીઓની કુંડળી તપાસતા મોટા ભાગનાનો બુધ પીડિત જોવા મળ્યો છે.
બુધ કુમાર અવસ્થાનો ગ્રહ છે, બુધ પ્રધાન કુંડળીવાળા જાતકો મોટી ઉંમરે પણ ટીનેજર જેવા દેખાતા હોય છે. તેમના ચહેરા પર ફ્રેશનેસ હોય છે. તેઓ પોતાના વાક્ચાતુર્યથી સહુને પ્રભાવિત કરે છે. વાત-વાતમાં તર્ક કરે છે. બુધ નબળો હોય તેવા જાતકો ખોટા નિર્ણયોની હારમાળા રચીને હેરાન થાય છે. તેમની સાથે છેતરપિંડી થઈ શકે છે, તેમનું શોષણ થઈ શકે છે.
બુધ એટલે ઘરનો ડ્રોઇંગ રૂમ, બુધ એટલે પોસ્ટ ઑફિસ, બુધ એટલે બાળકોનું પ્લે ગ્રાઉન્ડ. ઘરનો ડ્રોઇંગ રૂમ અસ્તવ્યસ્ત હોય તો સમજી લેવું કે ત્યાં રહેતા લોકોનો બુધ પીડિત છે. જો કોઈ ઘરમાં બાળકો દુ:ખી હોય તો સમજી લેવું કે તેમના માતાપિતાનો બુધ પીડિત છે. જે જાતકનો બુધ પીડિત હોય તે ખરાબ શ્રોતા હોય છે. તે તમને સાંભળતો જ નથી અને પોતાનો જ કક્કો ખરો કર્યે રાખે છે. જે જાતકનો બુધ પીડિત હોય તેને સમજાવવો એટલે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું.
સંતુલિત જીવન જીવવા માટે, સફળ થવા માટે બુધ સારો હોવો અનિવાર્યતા છે. નીચે મુજબના ઉપાય કરીને બુધને મજબૂત કરી શકાય છે.
૧) દર બુધવારે ગાયને ઘાસ નાખો. ૨) દર બુધવારે કિન્નરોને દાન કરો. કિન્નર પૃથ્વી પરના બુધ છે. તેમને કરેલું દાન ડાયરેક્ટ બુધ પાસે પહોંચશે અને તમને બુધના બ્લેસિંગ્સ મળશે. ૩) રોજ એકાદી પઝલ સોલ્વ કરવાની આદત પાડો. ૪) અઠવાડિયામાં બેથી ત્રણ વખત મગ ખાવ. ૫) ઓમ બું બુધાય નમ: આ મંત્રની રોજ એક માળા કરો.
૬) રોજ થોડો સમય લીલા કલરને જુઓ, તેનું ધ્યાન ધરો.