આખી પ્રકૃતિનો માનવીએ કબજો કર્યો છતાં પણ એના જીવનમાં સંતોષ કે શાંતિ કેમ નથી?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- શાંતિનું સરનામું ઇચ્છાઓ નહીં પણ સંયમ છે. માણસ પોતે અશાંત રહી બીજાની શાન્તિમાં દખલ કરે છે.
આખી પ્રકૃતિનો માનવીએ કબજો કર્યો છતાં પણ એના જીવનમાં સંતોષ કે શાન્તિ કેમ નથી ?
* પ્રશ્નકર્તા : વસંત સોની, શુકન-૪, પરિશ્રમ ટાવર સામે, નારણપુરા, અમદાવાદ
મનુષ્ય સ્વભાવથી જ અધિકારપ્રિય છે. એણે પ્રકૃતિ પર કબ્જો જમાવવા પ્રકૃતિના રહસ્યો ખોલવાની કોશિશ કરી. મનુષ્યે રેલવેની, વિમાનની, વીજળીના ગોળાની, રેડીઓ, ટેલિવિઝન, કોમ્પ્યુટર, મોબાઇલ, લેપટોપ, ઇન્ટરનેટ અને સ્વાસ્થ્ય માટે હિતકારક અને રોગો સામે લડવાની શકિત આપતી દવાઓની શોધ કરી. માણસ પ્રકૃતિથી હાર્યો નથી, પણ પ્રકૃતિ પર વિજય મેળવવા માટે સતત મથતો રહ્યો છે. માણસ અસંતુષ્ટ પ્રાણી છે. જેમ-જેમ એને વધુ મળે તેમ-તેમ વધુ પ્રાપ્ત કરવાની એની નેમ રહી છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાએ પ્રસન્નતાનું રહસ્ય જણાવતાં વર્ણવ્યું છે કે 'પામ્યો પ્રસન્નતા તેનાં દુ:ખો સહુ નાશ પામતાં' અસત્ પદાર્થોની સત્તા નથી અને સત્નો અભાવ નથી. પણ માણસ 'સમત્વ' ધારણ કરી શકતો નથી મતલબ કે જે કાંઈ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય તેમ જ તેનું ફળ અનુકૂળ કે પ્રતિકૂળ મળે તેમાં સમાન ભાવ રાખવો એનું નામ જ સમત્વ. માણસ કર્મ કરવા કરતાં ફળની પ્રાપ્તિને વધુ મહત્વ આપે છે. પરિણામે કર્મ કરવામાં નિષ્ઠાવાન રહી શકતો નથી. ફળની આસકિત મુખ્ય બનતાં કર્મને અન્યાય થાય છે. અને ધાર્યું ફળ ના મળે તો માણસ દૈવ કે દેવને એ માટે જવાબદાર ઠેરવે છે. આ એક પ્રકારનું અજ્ઞાન જ છે.
ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે, તે બુદ્ધિને સ્થિર કરી સુખ પ્રાપ્તિનો માર્ગ જ ચીંધે છે. માણસની ઈન્દ્રિયો વશમાં હોય તો જ તેની બુદ્ધિ સ્થિર થઈ શકે છે. મન અહંકારી હોય, કામ-ક્રોધ- મદ- મોહ, લોભ વગેરેથી ખદબદતું હોય તો કદાપિ શાન્તિની અનુભૂતિ થઈ શકે નહીં. વિષયોનું (સાંસારિક સુખો) ચિંતન કરનારના મનમાં તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયની કામનાઓ ઉત્પન્ન થાય છે. અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે. સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે. સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત્ જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે. અને બુદ્ધિનો નાશ થવાથી માણસનું પોતાની સ્થિતિથી પતન થાય છે.
પરંતુ સ્વાધીન અંત:કરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ-દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંત:કરણની આધ્યાત્મિક પ્રસન્નતા પામે છે. અંત:કરણ પ્રસન્ન થતાં તેનાં સર્વ દુ:ખોનો અભાવ થઈ જાય છે. જે માણસે મન અને ઈન્દ્રિયોને જીત્યાં નથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ તે અયુક્ત માણસના અંત:કરણમાં ભાવના પણ નથી હોતી. ભાવનાહીન માણસને શાન્તિ મળતી નથી અને શાન્તિ વગર સુખ ક્યાંથી મળે ?
જીવનમાં શાન્તિની શોધનું ક્ષેત્ર વિશાળ છે. વ્યક્તિગત અને અંગત જીવનમાં શાન્તિ, પારિવારિક જીવનમાં શાન્તિ, સમાજ અને સામાજિક જીવનમાં શાન્તિ, આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે શાન્તિ, રાજનીતિ અને રાજકારણમાં શાન્તિ, વૈશ્વિક શાન્તિ - આ તમામ ક્ષેત્રોમાં શાન્તિ, પ્રેમ, સેવા એકતા અને બંધુત્વની ભાવના, ઉદારતા અને સહિષ્ણુતાનું આગવું મહત્વ છે.
જે માણસ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને તૃષ્ણા વિનાનો થઈને વિચરે છે તેને જ શાન્તિ પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના તૃતીય અધ્યાયમાં જણાવ્યા અનુસાર શ્રેષ્ઠ પુરુષો જે જે આચરે છે, અન્ય માણસો પણ તે મુજબનું આચરણ કરતા હોય છે. એટલે માણસે ઉદાત્ત જીવન દ્વારા અનુકરણીય આદર્શોનું દ્રષ્ટાંત પૂરું પાડવું જોઈએ. યજુર્વેદમાં શાન્તિ માટેની કામના વ્યક્ત કરતાં કહેવામાં આવ્યું છે કે સ્વર્ગ, અંતરિક્ષ અને પૃથ્વી શાન્ત હો. જલ ઔષધિ, વનસ્પતિ, વિશ્વ દેવ, પરબ્રહ્મ અને સમગ્ર સંસાર શાન્તિરૂપ બને. જે પોતે જ શાન્તિ છે, તે મારી અંદર શાન્તિકારક નીવડે. 'મૈત્રેયી ઉપનિષદ'ના મતાનુસાર ચિત્ત શાન્ત થઈ જતાં શુભાશુભ કર્મ નષ્ટ થઈ જાય છે. પ્રશાન્ત મનવાળો માણસ આત્મામાં સ્થિત થઈ અક્ષય શાન્તિ અને આનંદની સ્થિતિ પ્રાપ્ત કરે છે. જે માણસ સંપૂર્ણ કામનાઓનો પરિત્યાગ કરી, મમતારહિત, અહંકાર રહિત અને સ્પૃહા રહિત વર્તન કરે છે તેને શાન્તિ પ્રાપ્ત થાય છે. પોતાની અંદર શાન્તિ પ્રાપ્ત થતાં સમગ્ર સંસારમાં શાન્તિનું દર્શન થાય છે. અકબર ઇલાહાબાદીનો શાન્તિ વિષયક આ શેર રસ પ્રદ છે :-
દો મુરાદે (ઇચ્છાઓ)
મિલી ચાર તમન્નાએં,
હમને ખુદ કલ્બ (હૃદય) મેં
આરામ કો રહને ન દિયા.
શાન્તિનો અર્થ સન્માનજનક શાન્તિ, અપમાનજનક રીતે શાન્ત રહેવું એ માણસની શાનની વિરુદ્ધ છે. શાન્તિનું સરનામું ઈચ્છાઓ નહીં પણ સંયમ છે. અશાન્ત માણસ પોતે અશાન્ત રહી બીજાની શાન્તિમા દખલ પેદા કરે છે. કોઈ પણ દેશમાં અશાન્તિ જન્મે છે, તો તેની અસર બીજા દેશોમાં પણ પડે છે. એટલે શાન્તિને વરદાનદાયક દેવી ગણી તેની ઉપાસના કરવી જોઈએ.
વ્યક્તિગત કે અંગત જીવનમાં સ્વચ્છંદતા અશાન્તિ જન્માવે છે. તેની અસર પારિવારિક જીવનમાં થાય છે. પરિવારની શાન્તિ ભોગ આધારિત નથી પણ ત્યાગ આધારિત છે. પરિવારો અશાન્ત રહે તો સમાજ અને સામાજિક જીવનની શાન્તિ જોખમાય છે. અને સામાજિક શાન્તિ ખાતર પણ માણસે, પરિવારોએ અંગત જીવનમાંથી અહંકાર, દંભ અને વેરવૃત્તિ તથા ઇર્ષ્યાખોરીનો ત્યાગ કરી ક્ષમાને મહત્વ આપવું જોઈએ.
સામાજિક જીવનમાં પણ જાતિવાદ, જ્ઞાતિવાદ અને પોતાના સમાજ કે જ્ઞાતિને ઉત્તમ માનવાનુનં પ્રલોભન છોડવું જોઈએ. સર્વધર્મ સમભાવ જ ધર્મ અને સંપ્રદાયોને ઉદાત દ્રષ્ટિકોણ બક્ષી શકે છે. સંપ્રદાયોએ અનુસરણકર્તાઓની વૃદ્ધિથી અલિપ્ત રહી સામાજિક જીવન માટે આદર્શરૂપ વર્તન અને વ્યવહાર કરવો જોઈએ. કવિ દિનકર કહે છે :
જ્યાં સુધી મનુષ્યની સામાજિક વ્યવસ્થા સમતામૂલક નહીં હોય ત્યાં સુધી શાન્તિ સ્થપાશે નહીં :
'શાન્તિ નહીં તબ તક
જબ તક ભાગધેય ન સમહો,
ઔર કિસીકો બહુત અધિક હો,
ઔર કિસીકો કમ હો.''
રાજકારણમાં અરાજકતા, અંધાધૂંધી અને બિનતંદુરસ્ત ભાવના વૈશ્વિક સમસ્યાઓ સર્જે છે. પરિણામે દેશ-દેશ, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની દુશ્મની સર્જાય છે. એનાં માઠાં પરિણામો આપણે આજના વિશ્વમાં જોઈ શકીએ છીએ ! વિશ્વ વિનાશના આરા તરફ જઈ રહ્યું છે. એટલે માનવજાતિએ શાન્તિ માટે યાદ રાખવું પડશે કે -
''દિલ મિલા અપાર પ્રેમ સે
ભરા તુઝે,
ઇસલિયે કિ પ્યાસ
જીવ માત્ર કી બૂઝે !
વિશ્વ હૈ તૃષિતા
મનુષ્ય અબ ન બન કૃપણ
ફિર મહાન બન મનુષ્ય
ફિર મહાન બન.