અધિકાર, હક અને હઠવાળું માનસ ધરાવતી વ્યક્તિ સ્વફરજ ચૂકી જાય તે કેટલા અંશે યોગ્ય?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- અત્યારે ઘોર કળિયુગ ચાલી રહ્યો છે તેની સાબિતીઓ કઇ ? બિનકળિયુગી માણસ બની સ્વફરજ પ્રત્યે નિષ્ઠાવાન રહેવાના સાત ઉપાયો કયા?
* અધિકાર, હક અને હઠવાળું માનસ ધરાવતી વ્યક્તિ સ્વફર ચૂકી જાય તે કેટલા અંશે ઉચિત ?
* પ્રશ્નકર્તા : રક્ષિત યુ. વૉરા, 'ક્ષિતિજ', સી-૧૦૨ કબીર પેરેડાઈઝ મુ.પો. સરગાસણ તા. જિ. ગાંધીનગર (ગુજરાત)
માણસને કરણી કરતાં 'કથની'માં વધુ રસ હોય છે. પોતાની જાતનું નિરીક્ષણ કરતાં અન્યના વર્તનને ટીકાપાત્ર ગણવાનું તેને વધુ યોગ્ય લાગે છે. માણસ ઇચ્છે છે કે બીજો માણસ પોતાના અધિકાર હક અને હઠને છોડી દે, પણ આ બધાં માનસિક દૂષણો ત્યજવા પોતે તૈયાર હોતો નથી. જીવનની સાચી સમજ એમાં સમાયેલી છે કે-
'ના જિંદગી, ભાઈ
વિલાસ ભોગ,
કર્તવ્યનો એ
અધિસાર યોગ'
માણસ અધિકાર માટે લડે તેવો અભિપ્રાય ધરાવે તેમાં કશુ જ ખોટું નથી પણ અધિકાર 'સર્વહિતાય' અને 'સર્વ સુખાય' હોય તે જરૂરી છે. અધિકારનો આશય વિવેકશૂન્યતા નથી. સામેની વ્યક્તિને નુકસાન પહોંચાડયા સિવાય 'ત્યાગીને ભોગવી જાણો'. ઇશાવાસ્ય ઉપનિષદની આ સલાહ અધિકાર ઘેલા લોકોએ યાદ રાખવા જેવી છે. માણસનું મોટું સૂત્ર છે : 'મારા સિવાય' સર્વ માણસોએ ઇમાનદાર રહેવું જોઇએ, મારા સિવાય દરેક માણસે હઠનો ત્યાગ કરવો જોઇએ, એક મારા સિવાય દરેકે ફરજનિષ્ઠા દાખવવી જોઇએ, એક મારા સિવાય - આવી કાયર અને સ્વાર્થપ્રેરિત દ્રષ્ટિ આપણને કોઠે પડી ગઈ છે.
ગંગાઘાટે ૩-૪ યાત્રાળુ માજીઓ સ્નાન કરી રહી છે. ભાંગી તૂટી સંસ્કૃત ભાષામાં શ્લોકોનું ઉચ્ચારણ કરે છે. શ્લોકગાન પૂરું થયા બાદ 'સમાજ જ્ઞાન'ની ચર્ચામાં તેઓ પરોવાય છે. હિન્દી ધારાવાહિકોમાં જોવા મળે છે તેવી ઘરેણાંથી લદાયેલી આ સાસુઓ નથી. તેમણે ગળામાં રુદ્રાક્ષની માળા કે કંઠી ધારણ કરેલી છે. ધારાવાહિકોની સાસુઓ અને આ યાત્રાળુ માજીઓની વાતોમાં એક જ સામ્ય છે : 'વહુ કહ્યામાં નથી' કેટલીક સાસુઓ બિચારી અને દબાયેલી છે. તો કેટલીક વહુઓ ઇંટનો જવાબ પથ્થરથી આપે તેવી હોય છે. 'અબળા'નહીં પણ પ્રબળા છે.
પેલી સાસુઓ એક જ વાક્ય ઉચ્ચારે છે. શું કરીએ, ઘોર કળિયુગ આવ્યો છે. રાજા રાજા નથી રહ્યો ને પ્રજા પ્રજા નથી રહી. નહીં તો આટલું બધું પતન હોય ? હિંસા, હત્યા, લૂંટ, બળાત્કાર, દગો, પ્રપંચ ! આ નેતાઓ નથી કરતા કે નથી પ્રજાને કરવા દેતા ! સંસદ કે વિધાનસભામાં ગેરશિસ્ત કોઠે પડી ગઈ છે. એમને કોણ સમજાવે કે પ્રજાપ્રતિનિધિ તરીકે તમને માત્ર તમારા અને તમારા જ અધિકારો વટ ને હઠ પોષવા તમને સંસદ કે વિધાનસભામાં નથી મોકલ્યા.
પ્રશ્ન એ છે કે માણસની કર્તવ્યનિષ્ઠાને ભૂલાવી દેનાર કળિયુગ આવ્યો છે કે પછી આપણે જ તેને સન્માનપૂર્વક આવકાર્યો છે.
એક દ્રષ્ટાંત કથા મુજબ એક વખત શ્રીકૃષ્ણ ભગવાને પાંડવોને કહ્યું કે હવે 'કળિયુગ' આવવાનો છે એટલે તમારે તપ કરવા જવું પડશે. જો મારી વાત ગળે ન ઉતરતી હોય તો જંગલમાં એક આંટો તમે પાંચેય ભાઈઓ મારી આવો અને ત્યાં જે દેખાય તેનું વર્ણન પાછા ફર્યા બાદ મને કહી સંભળાવશો.
પાંડવો વનમાં પહોંચી ગયા ત્યાં સઘળાં દ્રશ્યો જોઈ પાછા ફરી કૃષ્ણને કહેવા માંડયું.
યુધિષ્ઠિરે કહ્યું કે આમ તો હાથી એક સૂંઢવાળો હોય છે પણ મેં બે સૂંઢવાળો હાથી જોયો. શ્રીકૃષ્ણે કહ્યું કે બે સૂંઢવાળો હાથી એટલે કળિયુગના અમલદારો, જે ફરિયાદી અને બચાવકર્તા બન્ને પાસેથી પૈસા પડાવશે.
ત્યારબાદ ભીમે કહ્યું કે મેં જંગલમાં એક ગાય જોઈ, જે વાછરડીને ધાવતી હતી. તેનું રહસ્ય સમજાવતાં શ્રીકૃષ્ણે કહ્યું કે કળિયુગમાં મા-બાપો સંતાનો પર હક જમાવી એમની કમાણી પર જીવવાનું પસંદ કરશે.
'અર્જુન, તમે જંગલમાં શું જોયું ?' શ્રીકૃષ્ણે અર્જુનને સામેથી પ્રશ્ન કર્યો. અર્જુને કહ્યું : 'મેં એક પક્ષી જોયું જેના મુખમાં શાસ્ત્રગ્રંથ હતો અને તે મડદા પર બેઠું હતું.'
શ્રીકૃષ્ણે તેનું રહસ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે પંડિતો શાસ્ત્રોનું અધ્યયન કર્યા છતાં પોતાનું કર્તવ્ય ભૂલી ગમે તેવું દાન લેતાં સંકોચ નહીં રાખે. ત્યારબાદ નકુળે વર્ણન કરતાં કહ્યું કે મેં ત્રણ કૂવા જોયા, જેમાં વચ્ચેનો કૂવો ખાલી હતો. બાકીના બે ભરેલા હતા. ભગવાન કૃષ્ણે એ વાતની સ્પષ્ટતા કરી કે કળિયુગમાં પોતાના કુટુંબના સંબંધોમાં ઓટ આવશે અને માણસ કુુુટુંબીજનો કરતાં ધનાઢ્યો અમીરો સાથેના સંબંધોને વધુ મહત્વ આપશે.
છેલ્લે સહદેવે કહ્યું કે મેં એક પહાડ પરથી શિલા ગબડતી જોઈ, તે મોટા પથ્થરોનું નિકંદન કાઢતી નીચે આવી. પણ એક તણખલાએ તેને અટકાવી દીધી.
કૃષ્ણ ભગવાને સમજાવ્યું કે જે પથ્થર ઉપરથી નીચે પડયો તે ધર્મ હતો. પરમાત્માના નામ સ્મરણથી તે નીચે આવતાં અટકી ગયો.
આજે એ વાત સમજવાની જરૂરી છે કે ધર્મના નામે થતી પ્રવૃત્તિઓને બેફામ રીતે પ્રસરતી અટકાવવાની જરૂર છે. નાગરિકો માનવતાયુક્ત બને, અંગત સ્વાર્થને ત્યજે અને પોતાને મોટા માનવાને બદલે કર્તવ્ય નિષ્ઠાને મોટી ગણે તેવું ચિંતન કરે અને તદનુસાર વર્તન કરે તે જ ઉચિત છે. દરેક યુગમાં મુઠ્ઠીભર માનવો એવા હતા જેમણે જનકલ્યાણ ખાતર પોતાના સર્વસ્વનું બલિદાન આપ્યું હતું. તેમના બલિદાનોથી જ માનવતા કલંકિત થતી અટકે છે. આજે જિદ્દી નહીં પણ ત્યાગી, અધિકાર ઘેલા નહીં પણ કર્તવ્યનિષ્ઠ અને સેવાવ્રતી માણસોની જરૂર છે. દરેક યુગમાં એવા માણસો જન્મ્યા છે જેમની જિદ અને હઠ તથા સત્તાપ્રિયતાએ યુદ્ધો દ્વારા પાયમાલી નોંતરી છે. એ રાવણ હોય કે દુર્યોધન, શિશુપાલ હોય કે કંસ તેમણે માત્ર પોતાનો અને પોતાનો જ વિચાર કરી દુનિયાને પાયમાલીની આગમાં જલતી રહેવા ધકેલી દીધી. તેમની ફરજ નિષ્ઠાના અભાવે જ જગતમાં અરાજકતા સર્જી છે.
તો શું બિનકળિયુગી માણસ અને કર્તવ્યનિષ્ઠ ઇન્સાન બનવાના કોઈ જ ઉપાયો નથી ? છે, નીચે દર્શાવેલા સાત ઉપાયો અજમાવી જુઓ :
૧. પ્રત્યેક સવારની શરૂઆત પ્રાર્થનાથી કરો. પરમાત્માને વિનંતી કરો કે દસે દિશાઓમાંથી પવિત્રતાનું તમને દાન કરે.
૨. મળેલા જીવનને અભાવોને કારણે અભિશપ્ત માનવાને બદલે જીવનનો આદર કરો.
૩. જીવનમાં સંતોષને સર્વોપરિ સ્થાન આપો.
૪. સેવાની ભાવનાથી જ સત્તાના ક્ષેત્રોમાં પ્રવેશો.
૫. મન વચન અને કર્મ પર સત્યનો પહેરો રાખો.
૬. ઘરને 'ભોગાલય' નહીં 'પ્રેમાલય' અને સંસ્કારધામ બનાવો.
૭. માનવતા અને શુદ્ધ આચરણથી મોટો કોઈ ધર્મ નથી એ વાત સદાય સ્મરણમાં રાખો.