Get The App

મારા ''હું' ને ઓળખવા અને 'હું'પણું દૂર કરવા શું કરવું જોઈએ?

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
મારા ''હું' ને ઓળખવા અને 'હું'પણું દૂર કરવા શું કરવું જોઈએ? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- માનવીએ એ વાતનો વિચાર કરવો જોઈએ કે - ''જગ ક્યા હૈ? કિસલિએ બના હૈ? ક્યોં વહ ઈતના આકર્ષક? મૈં ક્યા હૂં? દ્રશ્ય યા દર્શક?''

પ્રશ્નકર્તા : ઉપેન્દ્ર એચ. જોશી, ૮, વનમાળી ફાર્મ, માલપુર રોડ, મોડાસા. જિ. અરવલ્લી.

માણસ જાતનું અવમૂલ્યન કરે તે ખોટું છે, તેમ જાતનું 'અતિ' મૂલ્યાંકન કરે તે પણ ખોટું છે. મૂળ વાત આત્મદર્શનની છે. જગત વિશે વિચાર કરીએ ત્યારે માનવીએ એ વાતનો વિચાર કરવો જોઈએ કે

''જગ ક્યા હૈ ?

કિસલિયે બના હૈ ?

ક્યોં વહ ઈતના

આકર્ષક ?

મૈં ક્યા હૂઁ ?

દ્રશ્ય યા દર્શક ?''

''મૈં ક્યા હૂઁ''એ જિજ્ઞાસા જ માણસને આત્મ ઓળખના માર્ગનો પ્રવાસી બનાવે છે. એટલે અનુભવે કહેવામાં આવ્યું છે કે

''પગલું ભરતાં માનવી

કર પહેલો વિચાર

ક્યાંથી આવ્યા આપણે

ક્યાં પાછા ફરનાર''

પહેલાંના વખતમાં ભણવામાં એક કવિતા આવતી :

''મને કહો ને પરમેશ્વર

કેવા હશે ?

કેવા હશે ને ક્યાં

રહેતા હશે,

મને કહોને પરમેશ્વર

કેવા હશે ?''

આનો અંતિમ જવાબ આજ સુધી જગતને મળ્યો નથી કારણ કે જેમ બોબડા માણસને સ્વપ્ન આવે તે તેનું વર્ણન કરી શકતો નથી, તેમ પરમાત્મા વિશે પણ કશો અંતિમ જવાબ આપી શકાતો નથી.

એટલે ટૂંકમાં આ વાત સમજવાની છે કે ''આત્મા અને પરમાત્મા''

માણસ ઈશ્વરથી વિખૂટાં પડેલો જીવ છે. એટલે પોતાને કર્તા-હર્તા માને છે.

'બૃહદારણ્યક ઉપનિષદ'માં આત્મજ્ઞાન વિશે કહેવામાં આવ્યું છે કે ''આ શરીરમાં રહેતાં જ આપણે તેને (આત્માને) જાણી લઈ તો બરાબર છે. જો તેને નહીં ઓળખીએ તો હાનિ છે. જે તેને જાણી લે છે તે અમૃત (અમર) થઈ જાય છે પરંતુ અન્ય લોકોને તો દુઃખ જ પ્રાપ્ત થાય છે.''

ચાર વેદનો અભ્યાસ કરીને, અઢાર સ્મૃતિ ગ્રંથોનું વિવેચન કરીને પણ જો આત્માને ન ઓળખી શક્યા તો બધું વ્યર્થ છે - એ મંતવ્ય પણ વિચારણીય છે. 'કેન ઉપનિષદ' કહે છે કે તમે આ જન્મમાં આત્મતત્વને જાણી લીધું તો કુશળ છો. જો ન જાણ્યું તો તમારો વિનાશ જ છે. 'હું' અને 'હું'પણું બન્નેનું મૂળ કારણ માણસનું અભિમાન અને અહંકાર છે. બીજા શબ્દોમાં કહીએ તો માણસનું અજ્ઞાન છે.

ભક્ત નરસિંહ મહેતાનાં શબ્દો યાદ કરીએ તો ''હું કરું, હું કરું

એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જ્યમ

શ્વાન તાણે

આપણો ચિંતવ્યો

અર્થ કાંઈ નવ સરે''

ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને એ એમ માને છે કે ગાડાનો ભાર હું ખેંચું છું તેમ માણસ અજ્ઞાનને કારણે એમ માને છે કે હું સર્વ શક્તિમાન છું, મારે કોઈની જરૂર નથી, ઈશ્વરની પણ નહીં.

આત્માને, પોતાની જાતને ઓળખવા માટેના ઉપાયો છે :

૧. આત્મદર્શન

૨. આત્મા-પરમાત્મા વિશેનું સમ્યક્ જ્ઞાન

૩. સત્સંગ અને સદવાચન

૪. સંતો સાથેનું જિજ્ઞાસુ તરીકે મિલન

૫. સતત આત્મચિંતન

આને પરિણામે જીવનમાં એક નમ્રતા અને વિવેકશક્તિ જન્મે છે, જે 'હું' દૂર કરવામાં મદદરૂપ થાય છે.

સ્વામી રામતીર્થ કહે છે :

''ખંજર કી ક્યા મજાલ

કિ ઈક જખ્મ કર દે

તેરા હી ખ્યાલ કિ

ઘાયલ હુઆ હૈ તૂ''

અહંકાર મુક્તિ માટે ઉપયોગી થઈ શકે એવા પાંચ ઉપાયો :

૧. માણસને અહંકારનું દૂષિત શિક્ષણ ઘરમાંથી જ મળે છે, જેને સામાજિક જીવનમાં પ્રગાઢતા પ્રાપ્ત થાય છે એટલે બાળ ઉછેરમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

૨. અહંકાર વૃદ્ધિમાં પ્રદર્શન પ્રિયતા અને મોટામાં ખપવાની લાલચ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ખુશામતખોરો પોતાના સ્વાર્થ ખાતર મોટા લોકોના અહંકારને થાબડતા હોય છે તેથી સમાજમાં સંયમ અને સદાચારની માત્રા વધારવી જોઈએ. સમાજ સમક્ષ અનુકરણીય આદર્શો પ્રસ્તુત થવા જોઈએ.

૩. પૈસો, સત્તા અને પૂજાવાના કોડ માણસને અહંકારી બનાવે છે. ધાર્મિક પુરુષો અને રાજકારણીઓ પણ અહંકારથી મુક્ત નથી હોતા. મોટા માણસો જેટલા અંશે પ્રતિષ્ઠાભૂખથી અળગા રહેશે તેટલા અંશે સમાજનું વાતાવરણ સ્વસ્થ અને સ્વચ્છ રહેશે. લોકો લગ્ન સમારંભો કે ઉત્સવ-ઉજવણીઓમાં ધનશક્તિનંસ વરવું પ્રદર્શન કરી અહંકારનો દુષ્પ્રચાર કરતા હોય છે, જે સર્વ રીતે યોગ્ય નથી. લગ્ન સમારંભો સાદગીથી ઉજવાય અને નવરાત્રિ જેવા પવિત્ર તહેવારને મોંઘાદાટ વસ્ત્રો દ્વારા 'દેખાડો' કરવાની વૃત્તિથી દૂર રહેવું.

૪. માણસની આત્મદર્શનની આદત તેના અંતઃકરણને અહંકારમુક્ત રાખવામાં મદદરૂપ થઈ શકે. માણસે પોતાના દૈનિક જીવનને તટસ્થતાપૂર્વક તપાસી અહંકારના શેતાનને દૂર હડસેલવો જોઈએ.

૫. છીછરાપણું અને આડંબર પ્રિયતાનું સમાજમાં સામ્રાજ્ય નાબૂદ થાય એ માટે નૈતિક મૂલ્યો અને સદાચારનો પ્રચાર-પ્રસાર કરવામાં ધ્યેયનિષ્ઠ, પવિત્ર સામાજિક સંસ્થાઓની સક્રિયતા જરૂરી.

પોતાની જાતનો તાગ મેળવ્યા બાદ અહંકાર અને 'હું'પણાનો દૂષિત ભાવ ઉદાત્ત સંકલ્પ દ્વારા જ નાબૂદ થઈ શકે. માણસને કોઈ બાહ્ય વ્યક્તિ કે શક્તિ સુધારી શકે નહીં. 'ગર્વ કિયો સો નર હાર્યો' એ વાત યાદ રાખી સંતોષી જીવન જ માણસને સાચો આનંદ આપી શકે. દ્રઢ પ્રતિજ્ઞા વગર કશું સિદ્ધ થતું નથી એટલે 'હું'પણું દૂર કરવા જીવનમાં નમ્રતા અને વિવેકશક્તિનો ઉપયોગ જ સાચા અર્થમાં મદદગાર બની શકે.


Google NewsGoogle News