જિંદગીમાં પડકારો ઝીલવા કેટલીક બાબતો મિત્રની જેમ મદદરૂપ થઈ શકે
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- મહર્ષિ અરવિંદ કહેતા કે સંજોગો સુખના હોય કે દુ:ખના, હાનિના હોય, હર્ષ કે શોકના, તે બધા જ ઈશ્વરે મારા કલ્યાણ માટે સર્જ્યા છે, એવી મારી શ્રદ્ધા અખંડ રહે
જિંદગીમાં પડકારો ઝીલવા કઈ બાબતો મદદરૂપ થઈ શકે ?
પ્રશ્નકર્તા : માનિતા (માર્ગી) દિવ્યાંગ પંડયા ૩૦૩, સાયોના તિલક-૨ ચાંદલોડીઆ અમદાવાદ
નોકરી માટેનો ઈન્ટરવ્યૂ આપી ઘેર આવેલા પુત્ર અને પિતા વચ્ચેનો સંવાદ 'કેવો રહ્યો આજનો ઈન્ટરવ્યૂ દીકરા ? નોકરી મળવાની શક્યતા લાગે છે ?' ઈન્ટરવ્યૂ આપીને આવેલા પુત્રને તેના પિતા પૂછે છે.
''ઈન્ટરવ્યૂ કેવો રહ્યો એ તો ઈન્ટરવ્યૂ લેનાર જાણે. આપણે બંધા ઈન્ટરવ્યૂ આપીને આવ્યા છીએ. લાગ્યું તો તીર નહીં તુક્કો.'' પુત્ર બેફિકરાઈથી જવાબ આપે છે !
માત્ર ઉપર છલ્લા પ્રયત્નો કરવાનો મહારોગ આઝાદી પછી આપણા દેશના તમામ ક્ષેત્રોને લાગૂ પડયો છે. માણસ પ્રત્યેક સ્થળને પડાવ માને છે અને 'પડયા રહેવું' એને જન્મસિદ્ધ અધિકાર માને છે.
એક માણસે એક કર્મચારીને પૂછયું : ''તમે સરકારી નોકરી કરવાનું કેમ પસંદ કરો છો ?''
એ કર્મચારીએ નફ્ફટાઈપૂર્વક જવાબ આપ્યો : ''કારણ કે એમાં કર્મચારીને કાઢી મૂકવાનું મુશ્કેલ હોય છે.'' આવી દૂષિત મનોવૃત્તિવાળા લોકો શ્રદ્ધા વગર જ કામ કરતા હોય છે. એમના કામમાં સમર્પણનો ભાવ હોતો નથી. એકાગ્રતા અને નિષ્ઠા વગર જ તેઓ કામ કરતા હોય છે. કર્મ એ દેવતા છે, એટલે એનું પૂજન થાય, ઉપેક્ષા નહીં. મશગૂલ થયા વગર કર્મનું ફૂલ ક્યારેય મહેકતું નથી. બોદો આત્મવિશ્વાસ એ પરાજયની પૂર્વ તૈયારી છે. માણસને કુદરતે આપેલાં તમામ સાધનો વાપરવાની છૂટ છે પછી માણસ 'ગરીબ' કેવી રીતે ?
જગત ભર્યું-ભર્યું લાગતું નથી, કારણ કે 'અંદરથી ખાલી' લોકોની ભીડ વધી રહી છે. બધું જ ચાલે છે પણ શ્રદ્ધા વિહોણું, નિષ્ઠા વિહોણું, અંદરના ઓજસ વિહોણું, બેઠકો કે મિટીંગમાં એટલે જ કોઈકનો સ્વાર્થનો ઝંડો વિજેતા બની તો જતો હોય છે.
એકઠા થયેલા લોકો કાં તો શોરબકોર કરે છે, કાં તો નિષ્ક્રયતાપૂર્ણ આરામ. 'ચર્ચા' થાય છે, પણ 'વિચારણા' થતી નથી.
શ્રદ્ધાશીલ માણસ કામમાં કેવો ખૂંપી જતો હોય છે, કેવી માનસિક સ્વસ્થતા જાળવતો હોય છે તેના ઉદાહરણ રૂપ ડયૂક ઓફ વેલિંગ્ટનના જીવનનો એક પ્રસંગ છે. તદનુસાર ડયૂટ ઓફ વેલિંગ્ટનના ગ્રંથાલયમાં એક માણસ રિવોલ્વર સાથે પ્રવેશે છે. ડયૂક તો તેના કામમાં મશગૂલ હતો. આજુબાજુ શું ચાલી રહ્યું છે, તેનો તેને કશો જ ખ્યાલ નહોતો. ''ઊંચું જુઓ મિ. ડયૂક. મારું નામ છે એપોલિયન'' - છતાં ડયૂક એ વાતની નોંધ લીધા સિવાય કામ ચાલું રાખે છે.
એટલામાં પેલા આગંતૂકે કહ્યું : ''મિ. ડયૂક સાંભળો છો ? તમને મારી નાખવા માટે મને અહીં મોકલવામાં આવ્યો છે.''
ડયૂકે હસતાં-હસતાં એ માણસને કહ્યું : 'મને મારી નાખવા માટે તમે અહીં આવ્યા છો ? એ તો બહુ જ ખરાબ કહેવાય.'
''હા, અચૂક તમને જાનથી ખતમ કરવા માટે અને એ કામમાં વિલંબને સ્થાન નથી. એ કામ મારે આજે જ પતાવવાનું છે, સમજ્યા મિ. ડયૂક ?'' - પેલો માણસ ઝનૂનપૂર્વક કહી રહ્યો હતો.
''ભલે, તમારે મને મારી નાખવાનું કામ આજે જ પતાવવાનું છે, એમ ને ?'' ડયૂકે પ્રશ્ન કર્યો
''એવું ચોક્કસ ટાઈમટેબલ મને આપવામાં આવ્યું નથી પણ મેં વિચાર્યું કે તમે હાજર હો, એટલે એ કામ પતાવીને જ જાઉં.'' - પેલા હિંસા માટે તત્પર બનેલા માણસે ચોખવટ કરી.
'પરંતુ આજે તમને મને મારી નાખવામાં બહુ જ તકલીફ પડશે. હું બહુ જ કામમાં છું અને કેટલાક મહત્વના પત્રો લખવાના બાકી છે. એમ કરો ને, કાલે આવજો. હું મરવા માટે તૈયાર હોઈશ.' - કહી ડયૂક પાછા પોતાના કામમાં પરોવાઈ ગયા.
ડયૂકની કામ પ્રત્યેની લગન, દ્રઢતા અને નિષ્ઠા જોઈ પેલો હિંસક માણસ હતોત્સાહ થઈ ગયો અને કશું જ બોલ્યા સિવાય એ વિદાય થઈ ગયો !
માણસનું કાર્ય શ્રદ્ધાના રસાયણના ઉમેરણ અનુસાર જ પાર પડતું હોય છે એટલે કહેવામાં આવ્યું છે કે ''શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્'' સફળતા એ મારો જન્મસિદ્ધ જ નહીં, વિશ્વસિદ્ધ અધિકાર છે, એવો પ્રબળ આગ્રહ જ સફળતાનો મહેલ ચણવાનું નિમિત્ત બનતો હોય છે. શ્રદ્ધાનો વિવેક અને વિચાર સાથે નાતો કાપી નાખવામાં આવે તો તે માત્ર આવેશ કે અંધશ્રદ્ધા બની જતી હોય છે. શ્રદ્ધા સ્વાશ્રયી બનાવી શકે, કુશંકા પરાશ્રયી બનાવી શકે, કુશંક પરાશ્રયી. માણસ દ્વિધામાં રહે તો તો 'દુવિધા મેં દોનોં ગયે, માયા ન મિલી ન રામની સ્થિતિ સર્જાય એ સ્વાભાવિક છે.'' મોટે ભાગ લોકો શ્રદ્ધાનો અર્થ ભાગ્ય કે ઈશ્વરને ભરોસે જીવવું અને ઈશ્વરની કૃપાદ્રષ્ટિ પર આધાર રાખી પોતે નિષ્ક્રિય રહેવું એવું અર્થઘટન કરતા હોય છે. એટલે જ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે આધુનિક જગત પહેલાંના જગત કરતાં જુદું છે. પહેલાં દરેક વસ્તુ નિશ્ચિત ્ગતિએ ધીરે ધીરે ચાલતી હતી. આજે એક દિવસ એક શતાબ્દી જેવો થઈ ગયો છે. જોતજોતામાં કેટલાં બધાં સામ્રાજ્ય નષ્ટ થઈ ગયાં ? કોણ કહી શકે કે સમયને નથી હોતી ? પીડા અને પ્રતિકૂળતાને સમયે માણસે શ્રદ્ધાપૂર્વક પરિસ્થિતિનો સામનો કરવા આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. જેઓ સુખ સુખ સાગરને કિનારે છબછબિયાં કરવાને બદલે ગરજતા સાગરનાં તોફાની મોજાં વચ્ચે જિંદગીનું ગીત શોધવા નીકળી પડયા છે, જેઓ પગના ફોલ્લાની પરવા કર્યા સિવાય નવી કેડીઓ તલાશવા અને કંડારવામાં નીકળી પડયા છે, જેમણે સંપત્તિરૂપી માતાની સલામત ગોદમાં દૂધ પીવાને બદલે વિપદા રૂપી પૂતનાની ગૌદમાં દુગ્ધપાન કરી હસતાં-હસતાં પોતાનું ધ્યેય સિદ્ધ કર્યું છે, જેમણે ભસ્મીભૂત આઘાતોનું કાજળ પોતાની આંખમાં સુરમો બનાવીને આંજ્યું છે, જેમણે જીવનપાત્રને નિષ્ફળતાની પલટણમાં ઘૂમતા રહેવાને બદલે એકલપંથી બનવામાં પાછીપાની કરી નથી તેઓ જ પોતાની જાત તથા જગતને કશુંક આપી શક્યા છે. સાંસ્કૃતિક વિકાસના દરેક તબક્કે જીવવાનું બળ તો શ્રદ્ધા માતાએ જ પૂરું પાડયું છે. મહર્ષિ અરવિંદ કહેતા કે સંજોગો સુખના હોય કે દુ:ખના, હાનિના હોય, હર્ષના કે શોકના તે બધા જ સંજોગો ઈશ્વરે મારા કલ્યાણ માટે સર્જ્યા છે એવી મારી શ્રદ્ધા અખંડ રહે.
જિંદગીમાં પડકારો ઝીલવા માટે કઈ પાંચ બોબતો મિત્રની જેમ મદદરૂપ થશે ?
૧. તમે તમારા ભાગ્યના વિધાતા છો, એ વાત યાદ રાખી મદદ માટે બેબાકળા ન થશો.
૨. આગળ વધવાની ઉતાવળમાં પાછળ રહી જવાની સ્થિતિનું જાતે નિર્માણ ન કરશો.
૩. આંખ ઉઘાડી રાખી ચાલશો તો તમને સાદ કરતા અનેક માર્ગો નજરે પડશે.
૪. શ્રદ્ધાનો પાલવ અવશ્ય પકડી રાખશો, પણ શ્રદ્ધાને જ આત્વિશ્વાસપૂર્ણ હીંચકામાં ઝૂલતી રાખવાની દોરી તો તમારા હાથમાં જ રાખજો.
૫. પોતાનું મુલ્ય ન સમજે તે મામૂલી. તમે મામૂલી નથી, જગન્નિયતાનું મૂલ્યવાન્ સર્જન છો. એમ સમજી કર્મયોગી બનવાનું ક્યારેય ન ભૂલતા.