આજના જમાનામાં સત્ય બોલવામાં માલ નથી, એ સાચું છે?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- મનમાં ખટાશ હશે તો ખુશીનો આંબો મીઠી કેરીઓ આપી શકશે નહીં એટલે મનને સકારાત્મકતાના ખાતરથી ફળદ્રુપ રાખો, જીવન દેવતાને પલાયનવાદી લોકો પણ નથી ગમતા અને ઘમંડી લોકો પણ એટલે નિરાડંબર અને નમ્ર બનો.
આ જના જમાનામાં સત્યવાદી બનવામાં માલ નથી, કારણ કે લુચ્ચાઓ ભલા-ભોળા માણસને સહેલાઈથી છેતરી શકે છે, એ સાચું છે ?
પ્રશ્નકર્તા : ચાવડા અરવિંદ લવજીભાઈ ૧૧, જાગૃતિ સોસાયટી, ભોમેશ્વર મંદિર પાછળ, રાજકોટ-૩૬૦૦૦૬ (સૌરાષ્ટ્ર)
એક સોનેરી સલાહ એ છે કે તમે એટલા બધા મીઠા ન બનો કે લોકો તમને ચાવી જાય અને એટલા બધા કડવા ન બનો કે લોકો તમને થૂંકી નાખે. ભોળા બનવું એ સદ્ગુણ છે પણ ભોટ બનવું એ દુર્ગુણ છે. માણસે ઈશ્વરને સાથે રાખીને, માથે રાખીને જીવવું જોઈએ. પણ સાથે-સાથે સાવચેતી પૂર્વક પણ જીવવું જોઈએ. ઈશ્વરને સાથે રાખીને જીવવાના સાત ઉપાયો કયા ?
૧. દરેક નિર્ણયની યોગ્યતા અને ન્યાયોચિતતા વિશે તમારા શુધ્ધ અંત:કરણ સાથે ચર્ચા-વિચારણા કરી લો.
૨. તમારા લાભમાં વિચારાતો નિર્ણય બીજાને નુકસાન કર્તા તો નથી ને, એની ખાતરી કરી લો.
૩. તમારો નિર્ણય તમને સત્યથી દૂર તો નથી લઈ જતો ને, એની ચકાસણી કરી લો.
૪. તમારા નિર્ણયથી આર્થિક, સામાજિક વગેરે બાબતોમાં લાભ મળે પણ ઈશ્વરની નજરમાં તમે નીચા દેખાઓ, એવો નિર્ણય તો તમે નથી કરતાને એનું આત્મદર્શન કરી લો.
૫. તમે બોલો-ચાલો-વર્તો તેમાં તમારો અહંકાર વ્યક્ત ન થાય અને તમારું પોતાનું ગૌરવ અને બીજાની પ્રતિષ્ઠા પણ જળવાય તેનો પૂરો ખ્યાલ રાખો.
૬. નેકી નંદવાય નહીં અને ઈમાનદારીને ઈજા ન પહોચે, સંવેદનશીલતા અકબંધ રહે, અને સત્ય ઝંખવાય કે લજવાય નહીં તેનો ખ્યાલ રાખીને વર્તો.
૭. કેવળ આવેશ કે આવેગને પ્રાધાન્ય આપી. સુખ-દુ:ખમાં ઈશ્વરનો દોષ માની બળાપો વ્યક્ત ન કરો એ જરૂરી છે. આવા મનોવલણથી તમે જ પરિતાપ મુક્ત રહી શકશો. જિંદગી તમારી ઉપર મહેરબાન બને એ માટે જરૂરી છે. વધુ સમજદારી કેળવવા જ્ઞાાન વૃધ્ધિ કરો. સંકલ્પબળ તથા આત્મ વિશ્વાસને મજબૂત કરો. જીવનમાં પુસ્તકીઆ જ્ઞાાન અને વ્યાવહારિક જ્ઞાાનનો સમન્વય કરી તમારી દ્રષ્ટિને વિકસિત કરો.
મનમાં ખટાશ હશે તો ખુશીનો આંબો મીઠી કેરીઓ આપી શકશે નહીં. એટલે મનને સકારાત્મકતાના ખાતરથી ફળદ્રુપ રાખો.
જીવન દેવતાને પલાયનવાદી લોકો પણ નથી ગમતા અને ઘમંડી લોકો પણ નથી ગમતા એટલે નિરાડંબર અને નમ્ર બનો. જેનું કોઈ સમાધાન જ ન હોય એવી પરિસ્થિતનો પ્રસન્નતા પૂર્વક સ્વીકાર કરો, ઈન્કાર નહીં,
તમારે કેટલા પ્રમાણમાં ખુશ રહેવું એ તમારા હાથની વાત છે. પરિસ્થિતિના અવળા અર્થઘટન દ્વારા દુ:ખી થવાની જાળમાં ફસાશો નહીં તાત્કાલિક અને ત્વરિત લાભ ખાતર ઉદાત્ત જીવનમૂલ્યોની હોળી કરશો નહીં.
સત્ય એ અમોધ શક્તિ છે તેને જોવા દ્રષ્ટિ જોઈએ. સત્યનો હંમેશાં વિજય થાય છે પણ એ માટે મૂલ્ય ચૂકવવાની તૈયારી રાખવી પડે છે. મનુ સ્મૃતિ કહે છે - સત્ય બોલો, પ્રિય બોલો, અપ્રિય ન બોલો. પ્રિય અસત્ય પણ ન બોલો. - આ સનાતન ધર્મ છે. મહાભારતના 'વનપર્વ'માં વ્યાસજી કહે છે જેનાથી પ્રાણીઓનું અત્યંત હિત થતું હોય વાસ્તવમાં તે જ સત્ય છે. એનાથી વિપરીત જેનાથી કોઈનું અહિત થતું હોય તે અધર્મ છે. ધર્મની આ સૂક્ષ્મતા છે. સત્યની આરાધના ભક્તિ છે એ માટે ગમે તેટલો મોટો ત્યાગ કરવો પડે તો તે કરતાં અચકાવું જોઈએ નહીં, સત્યનો માર્ગ સરળ છે, પણ એ અગ્નિપથ છે એટલે સત્યના ઉપાસકે એ માટેની તૈયારી રાખવી પડે.
વિશ્વાસે વહાણ ચાલે, પણ ખડકોનો પહેલેથી અંદાજ હોવો જોઈએ. કેટલાક માણસોનો અસત્ય એ જ બિઝનેસ હોય છે. તેઓ પોતાનો શિકાર બનાવવા ભલા-ભોળા માણસોની યાદી બનાવતા હોય છે. માણસ સ્વાર્થ, લોભ અને લાલચ ખાતર સત્યનો વિચાર કોરાણે મૂકી સ્વાર્થ દ્રષ્ટિને મહત્વ આપે છે. જે માણસની બુધ્ધિને મોતીઓ આવ્યો હોય તે સત્યને જોઈ શકતો નથી.
પંડિત મદનમોહન માલવિયાના શબ્દોમાં સાચું તપ એ છે કે જેમાં પોતાના સમાજિક બંધુઓનું દુ:ખ આપણને સ્પર્શે, સાચો યજ્ઞા એ છે જેમાં સ્વાર્થની આહુતિ આપવામાં આવે. સાચું જ્ઞાાન એ છે જેમાં પરમાર્થને પ્રથમ સ્થાન હોય અને સાચી ઈશ્વર સેવા એ છે જેમાં દુ:ખી જીવોની સહાયતા કરવામાં આવે.
મૌલાના રૂમ (ફારસી ચિંતક) કહે છે તું તારા હોઠને બંધ રાખ, નેત્રને બંધ રાખ, કાનને બંધ રાખ. આટલું કર્યા છતાં તને સત્યનું ગૂઢ તત્વ પ્રાપ્ત ન થાય તો મારી મશ્કરી કરજે.
સત્યવાદી સંસાર રૂપી જળમાં કમળની જેમ અલિપ્ત રહે છે. બાહ્યશુધ્ધિ જળથી થાય છે અને આંતરિક શુધ્ધિ સત્ય બોલવાથી થાય છે એ વાતનો વિચાર કરી માણસે આંતરિક શુદ્ધિને જીવનમાં પ્રાથમિકતા અપાવી જોઈએ. સત્યને છેતરપીંડી સાથે લેવા દેવા નથી. શરદબાબૂ કહે છે તેમ સંસારમાં મોટા ભ ાગનાં સત્યો માત્ર સમય અનુસારનાં હોય છે. ચિરકાલીન સત્ય તો તે સંસાર બહારની વસ્તુ છે. કટુ સત્ય મધુર અસત્ય કરતાં બહેતર છે 'રહીમ દોહાવલી' માં રહીમ કહે છે .
''અબ રહીમ મુસકિલ પરી,
ગાઢે દોઉં કામ,
સાંચે સે તો જગ નહીં,
જૂઠે મિલે ન રામ.''
જૂઠના માર્ગે પ્રાપ્તિ એ પ્રાપ્તિ નથી પણ નુકશાન છે. સદાચારનાં ત્રણ આધાર છે - અદમ્યતા, સુકર્મ અને પવિત્રતા સદાચાર માટેનો કોઈ રાજમાર્ગ નથી હોતો.
'ચેતીને ચાલજો સંસારમાં' એ સલાહ હંમેશાં યાદ રાખવા જેવી છે. લુચ્ચાઓની જમાત છે. તેઓ માણસને છેતરવાના નૂસ્ખા અજમાવતા હોય છે. એટલે એવા લુચ્ચા માણસોની જાળમાં ન ફસાવું એ પણ આત્મસન્માનની વાત છે. ઈર્ષાનો અભાવ ક્ષમા, શાન્તિ, પ્રિયવાણી અને ક્રોધનો ત્યાગ એ સાચા અર્થમાં સદાચાર છે પણ એવા સદાચારનું પાલન આંખો બંધ રાખીને ન જ કરાય કે દુનિયામાં લુચ્ચાઓ મોટી સંખ્યામાં છે અને ભલા માણસો પ્રમાણમાં અલ્પ સંખ્યામાં હોય છે એટલે ભલમનસાઈ એ ભોગ આપવાની વસ્તુ નથી.