દુ:ખ માણસને ભેગાં કરાવે તથા સુખ નોખા કરાવે, આવું કેમ?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- આજના જમાનામાં માણસનું મન અને હૃદય બદલાઈ ગયા છે એના જીવનમાંથી ત્યાગ, સહિષ્ણુતા અને પરોપકારની લાગણી વિલુપ્ત થઈ રહી છે આજનો માણસ આત્મકેન્દ્રી બની ગયો છે
* દુ:ખ માણસને ભેગાં કરાવે તથા સુખ નોખા કરાવે, આવું કેમ ?
* પ્રશ્નકર્તા : ચાવડા અરેવિંદ લવજીભાઈ ૧૨ જાગૃતિ એપાર્ટમેન્ટ, ભોમેશ્વર મંદિરની પાછળ, રાજકોટ-૬ (સૌરાષ્ટ્ર)
મા નવજીવન દુ:ખોનું આશ્રય સ્થાન છે. દુ:ખ માણસને આંજે પણ છે અને માંજે પણ છે. કોઈ પણ માણસનું જીવન સદાય દુ:ખોથી છલકાતું હોય એવું બનતું નથી. ભાગ્યવાદીઓની ભાષામાં કહીએ તો સુખ અને દુ:ખના ચક્રો ચાલતાં રહે છે. એટલે નરસિંહ મહેતા જેવા તત્વજ્ઞાો કહે છે કે,
'સુખ-દુ:ખ મનમાં ન આણીએ,
ઘટ સાથે રે ઘડીઆં
ટાળ્યાં તે કોઈના નવ ટળે,
રઘુનાથનાં જડીઆં.'
દુ:ખને એકલા-અટૂલા આવવાનું ગમતું નથી એ પોતાની ફોજ કે પલટન લઈને જ આવે છે. દુ:ખનું કેલેન્ડર નથી હોતું એ તિથિ કે તારીખ જોયા વગર જ ત્રાટકે છે. દુ:ખ આક્રમક છે એ ભલભલાનાં હાજા ગગડાવી મૂકે છે. દુ:ખ માણસની ધીરજ અને સહનશીલતાની કસોટી કરે છે. માણસને હચમચાવી મૂકે છે. એની આશાઓ છીનવી લેવાની દુ:ખને આદત છે. દરેક માણસને લાગે છે કે એનું દુ:ખ મોટું છે.
એક દ્રષ્ટાંત કથા મુજબ લોકોએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ ! અમને ભાગ્ય પરિવર્તનની તક આપો. ભગવાને કહ્યું : કાલે સવારે તમારા દુ:ખનું પોટલું અમુક ઠેકાણેના ઢગલામાં મૂકી આવજો. અને સાંજે એ ઢગલામાંથી મન ગમતું સુખનું પોટલું લઈ આવજો.
માણસો હરખમાં આવી ગયા પોતાના દુ:ખનું પોટલું તૈયાર કરી પેલા ઢગલામાં મૂકી આવ્યાં.
સાંજે પેલા ઢગલામાંથી પોતાને ગમતાં સુખનાં પોટલાં ફેંદવા લાગ્યાં. દરેક પોટલામાં સુખ-દુ:ખો હતાં. બધાં પોટલાં ફંકોસ્યા બાદ માણસને લાગ્યું કે બીજા કરતાં પોતાનું દુ:ખ ઓછું છે અને તેઓ પોતાના નશીબનું પોટલું જ પાછું લઈ આવ્યાં. દુ:ખ એ અભિશાપ નથી. દુ:ખ માણસને જીવવાની દ્રષ્ટિ આપે છે. કસોટીમાં ટકી રહેવાનું આત્મબળ જાગૃત કરે છે. દુ:ખ એ માણસની માણસાઈ જગાડી શકે છે.
માણસ અનાસકત રહે તો પરમાત્માની કૃપા વહેલા મોડા તેની પર ઉતરે જ.
સુખ માટે ભિખારી ન બનાય, એ માટેની લાયકાત વિકસાવવી પડે.
'રામાયણના અયોધ્યા' કાંડમાં વાલ્મીકિ કહે છે : સદાય સુખ દુ:ર્લભ છે. સુખનાં ઉદ્ભવ સ્થાનો ક્યાં ? વેદ વ્યાસના મતાનુસાર ''નિરોગી રહેવું, ઋણી ન હોવું, પરદેશમાં રહેવાનો વારો ન આવવો પોતાની વૃત્તિથી જીવિકા ચલાવવી અને નિર્ભયતા પૂર્વક જીવવું - આ છ બાબતો મનુષ્યલોક માટે સુખનો વિષય છે. આસક્તિહીન માટે બે બાબતો સુખદાયક: પૂર્ણ આસક્તિહીનતા અને ધનનો નિયમિત સ્રોત. કુલીન વ્યક્તિઓ સાથેનો સંબંધ, બુદ્ધિશાળી લોકો સાથેની મિત્રતા અને સ્વજાતીય મનુષ્યો સાથેનો મેળ રાખનાર દુ:ખી થતો નથી. દુ:ખી માણસ સુખની ઈચ્છા કરે છે અને સુખી માણસ વધુ સુખની અપેક્ષા રાખે છે હકીકતમાં દુ:ખો પ્રત્યેનો ઉપેક્ષાભાવ જ માનસિક શાન્તિનો કીમિયો છે.'' 'સુબોધ કથાસાગર'માં 'મારે કાંઈ ન જોઈએ' શીર્ષકથી એક દ્રષ્ટાન્ત-કથા આલેખવામાં આવી છે. તદનુસાર -
એક સન્યાસી મહાત્મા હતા. તેઓ એટલા બધા પવિત્ર હતા કે દેવો વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે, 'આપણે આવી અવસ્થા ક્યારે પામીશું ?' દેવોએ ઈશ્વર પાસે જઈને કહ્યું કે આ મહાત્માને વરદાન આપવું જોઈએ. ઈશ્વરે કહ્યું : 'ભલે, તેને શું જોઈએ છે તે પૂછો.'
આથી દેવોએ મહાત્માને પૂછ્યું : ''તમારા સ્પર્શથી રોગીઓના રોગ મટી જાય એવી સિધ્ધિ જોઈએ છે ?''
મહાત્માનો જવાબ : ''ના એ કામ ઈશ્વરનું છે.''
'તો પછી પાપીઓનો ઉધ્ધાર કરવાનું અને કમાર્ગે જનારને સન્માર્ગે ચડાવવાની સિધ્ધિની જરૂર છે.' દેવોનો પ્રશ્ન.
મહાત્માએ કહ્યું : ''ના, ના. હું લોકોને આકર્ષી લઉં તો લોકો ઈશ્વરથી વિમુખ થઈ જાય.''
દેવાએ પૂછ્યું : ''વારુ, તમારે શાની જરૂર છે ?''
''કશું જ નહીં ઈશ્વરની કૃપા મારા પર રહેવા દો.'' મહાત્માનો ઉત્તર.
દેવોએ ભારપૂર્વક કહ્યું : ''અમારો ફેરો નિષ્ફળ ન જાય એ માટે અમે વગર માગ્યે પરાણે તમને કાંઇક આપીશું.''
મહાત્માએ કહ્યું : ''ભલે, હું માગું છું કે, મને ખબર ન પડે એ રીતે મારા હાથથી સુકૃત્યો થાય.''
દેવોએ કહ્યું : ''તથાસ્તુ'' આ મહાત્માની અનાસક્તિ એ જ સૌથી મોટો સદ્ગુણ છે. કોની સાથે રહેવું અને કોની સાથે ન રહેવું એ માણસના મનની વાત છે. પણ સામાન્ય રીતે લોકો દુ:ખમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બને છે પરંતુ સુખની બાબતમાં માણસ આત્મકેન્દ્રી બને છે. સ્વાર્થી બને છે અને માત્ર ને માત્ર પોતાનો જ વિચાર કરે છે તેથી તેના જીવનમાં ભોગેષણા વધુ હોય છે અને ત્યાગની ભાવના અલ્પ. આજના જમાનામાં માણસનું આખું મન અને જીવન બદલાઈ ગયું છે. તેના જીવનમાં અંગત સુખની એષણા વધારે છે. આવી મનોવૃત્તિમાં માણસ બીજાની પરવા કરતો નથી. સગાં-વહાલાંને પણ ત્યજી દે છે. આ છે આજના જીવનની તાસીર અને તસ્વીર. સુખો માણસના દિલ-દિમાગને સીમિત-સાંકડું બનાવે છે એ જ આજના જીવનની કરૂણતા છે.