ઘણા લોકોને તક મળ્યા છતાં તેનો શા માટે તેઓ ઉપયોગ કરી શકતાં નથી?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- તક એ એવું પંખી છે, જે કલરવ નથી કરતું!
ક્યાં અગિયાર કારણોસર માણસ તક મળ્યા છતાં તેનો ઉપયોગ કરી શક્તો નથી ?
પ્રશ્નકર્તા : હારુન ખત્રી, વોરાવાડ, જામખંભળીઆ- ૩૬૧૩૦૫ (સૌરાષ્ટ્ર)
જીવન અનેક તકોથી ભરપૂર છે. જેનામાં અખૂટ આત્મ વિશ્વાસ હોય છે તે હંમેશાં એવું દૃષ્ટિબિંદુ ધરાવતો હોય છે કે મારે પાંખ વિના ઉડવાનું, મનૈ ગગન પડે છે નાનું.
જેઓ અનુકૂળ સંજોગોની રાહ જોતા બેસી રહે છે. તેઓ કદી કાંઈ કરી શકતા નથી. સત્ય અને ફરજને માર્ગે જેઓ આગળ વધે છે. તેમને માટે અનેક સોનેરી તકો પડેલી છે. પ્રાપ્ત થએલી તકનો જે ઉપયોગ કરી જાણે છે તે ખરો ડાહ્યો અને વિવેકી છે. ઉમેદવારી કર્યા વગર આપણે ઉસ્તાદ થવા માગીએ છીએ. અભ્યાસ કર્યા વગર પોતાને જ્ઞાાની સાબિત કરવા માગીએ છીએ.
સ્વ.કવિ હરિવંશરાયની કવિતાની એક ઉક્તિ છે -
'ગર્મ લોહા પીટ,
ઠંડા પીટને કો
બહુતેરા સમય પડા હૈ.'
લોખંડને ઘાટ આપવો હોય તો તેને ગરમ કરીને ટીપવું પડે. એ ઠંડુ થઈ જાય પછી ધાર્યો ઘાટ આપી શકાતો નથી.
મતલબ કે તક માટેની રાહ જોયા વગર તમે જ તક ઉત્પન્ન કરો. સોના જેવી તકો પણ સુસ્ત માણસોને ઉપયોગી થતી નથી જ્યારે ઉદ્યમશીલ માણસ તો સામાન્ય તકને પણ સોનેરી તક બનાવી શકે છે.
ઘણા માણસો ભ્રમમાં જીવે છે. તેઓ માને છે કે નશીબમાં હશે તેવું આપોઆપ મળી રહેશે પછી ધમપછાડા કરવાનો શો અર્થ ? આવા પ્રમાદી અને બહાનાખોર લોકોને તો નશીબ પણ ધિક્કારે છે.
'નીતિશતક'માં દુર્જનોને ગુણમાં દોષારોપણ કરતાં વર્ણવ્યા છે કે જો માણસ લજ્જાશીલ હોય તો તો દુર્જન તેને જડ ગણે છે. જો તેને વ્રતમાં રૂચિ હોય તો તેને દંભી ગણે છે. જો તે પવિત્ર હોય તો તેને પાખંડી ગણે છે જો તે શૂરવીર હોય તો તેને નિર્દય તરીકે વર્ણવે છે. જો તે મુનિ એટલે કે મનનશીલ હોવાથી મૌન ધારણ કરતો હોય તો તેને મૂર્ખ અને બુદ્ધિવિહીન ગણે છે જો તે પ્રિયવક્તા હોય તો તેને દીન લેખે છે. જો તે તેજસ્વી હોય તો તેને તેને ઘમંડી કહે છે. જો સારો વકતા હોય તો તેને વાચાળ ગણે છે. જો તે સ્થિર ચિત્તવાળો હોય તો તેને નિર્બળ ગણે છે. ગુણવાન લોકોનો એવો ક્યો ગુણ છે જેને દુર્જનો વખોડતા નથી.
તક મળી હોવા છતાં તકમાં દોષ જોવો એ કાયરતા છે. જેઓ પ્રમાદી છે, કર્મની ઉપેક્ષા કરે છે. કર્તવ્યો પ્રત્યે અનાસક્ત બને છે તેમને કોઈ તક ફળતી નથી. એક કહેવત અનુસાર વણાટ શરૂ કરો, ઇશ્વર તમને દોરો આપશે. તક મળ્યા છતાં તેનો ઉપયોગ ન કરી શકવાનાં અગિયાર કારણો છે. જેમ કે :
તક પ્રત્યેની શંકા
દ્વિધાગ્રસ્ત મન
પરિશ્રમ નહીં કરવાની વૃત્તિ
આળસ. બહાનાં ખોરી
શ્રદ્ધાનો અભાવ.
પુરુષાર્થની ઉપેક્ષા
નશીબમાં માનવાની પ્રબળ વૃત્તિ, કમજોરી
ધ્યેય વગરનું મન
જાત પ્રત્યેનો અવિશ્વાસ
અસંતોષી સ્વભાવ
તકને ઓળખવાની બિન આવડત. અહીં તક વિશેના કેટલાક મહત્ત્વના ઉદ્ગારોની નોંધ લઈએ.
ચાર વસ્તુઓ ફરી નથી આવતી. બોલેલો શબ્દ, છોડેલુંં તીર, વીતેલી જિંદગી અને ગુમાવેલી તક.
તક એ એક એવું પંખી છે જે કલરવ નથી કરતું.
એવું તમે ન માનશો કે તક તમારા દ્વાર પર આવીને બીજી વાર ખટ ખટાવશે.
તકની તકલીફ એક જ છે એ આપે છે તેના કરતાં જતી રહે છે ત્યારે મોટી લાગે છે.
આ જિંદગી પાસેથી આપણને જે ઉત્તમ પારિતોષિક મળી શકે તે એ છે કે કરવા જેવું કામ કરવા માટેની તક (પંચામૃત) શાયર બેફામે સાચું જ કહ્યું છે.
'સમયની એ જ સરતી
એક પળને તક કહે છે સૌ,'
સુભાગી જેને ઝડપી લે છે
દુર્ભાગી વિચારે છે.'
ડ્રાયડન કહે છે : ભલેને રુંઠેલું કિસ્મત પોતાની સર્વભયકારક વસ્તુઓ મારા પર છોડી મૂકે, પરંતુ મારો આત્મા એવો છે કે જે ઢાલની પેઠે સર્વ પ્રહારો સહન કરી શકે છે. અને વિશેષ પ્રહારો માટે તૈયાર રહે છે. માણસને સહેલાઈથી મળતા વિજયમાં રસ હોય છે એટલે વિશેષ તક માટે પ્રયત્ન કરતો નથી. સંક્ટ વેઠવાની વૃત્તિનો અભાવ પણ તકને સરી જવાનું નિમિત્ત બને છે. પ્રચંડ મુશ્કેલી વેઠનારા જ આ જીવનમાં કશુંક કરી શક્યા છે.
હિન્દીમાં એક કહેવત છે.
'જો મૌકા પાકર ખોએગા
વહ અશ્કોંસે મુંહ ધોએગા'
જે મળેલી તકને ગુમાવી બેસે છે એના નશીબમાં આંસુ સિવાય કશું જ હોતું નથી. સંપત્તિ મગજને પુષ્ટિ આપે છે જ્યારે વિપત્તિ મગજને મજબૂત કરે છે. જે લોકો તકનો લાભ લઈ શકતા નથી તેઓ મજબૂત નહીં. પણ મજબૂર છે. જોનનિલના શબ્દોમાં પતંગો પવનની સામે થઈને જ ઊંચે આકાશમાં જાય છે, પવન સાથે જતા નથી. માટી પગા માનવીઓ જીવનમાં કશું જ કરી શકતા નથી. કાયર લોકો સંજોગો પ્રતિકૂળ હોવાથી પોતે તકનો લાભ લઈ શકયા નહીં. એવી દલીલ કરે છે. જે પોકળ છે. માનવી શું કરે છે. તેનાથી તેનું માપ ન કાઢો પરંતુ તે શું આપે છે તેનાથી તેનું માપ નીકળશે. સહન શીલતાનો અભાવ અને ધૈર્ય ધારણ કરવાનું મનોબળ ધરાવનાર જ તકનાં લાભ લઈ શકે છે.