Get The App

પૈસો કઈ રીતે મેળવવો એના કરતાં પૈસો કઈ રીતે ન મેળવવો એ શીખવું વધારે મહત્વનું નથી?

Updated: Sep 20th, 2022


Google NewsGoogle News
પૈસો કઈ રીતે મેળવવો એના કરતાં પૈસો કઈ રીતે ન મેળવવો એ શીખવું વધારે મહત્વનું નથી? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- પૈસાને 'પાંખ' હોય છે, પણ 'આંખ' નથી હોતી. એટલે માણસ કેવા અશુદ્ધ સાધનોથી પૈસો મેળવે છે એ તે જોઈ શકતો નથી માટે ગેરમાર્ગે પૈસો મેળવનારને તે રોકી શકતો નથી

પ્રશ્નકર્તા :- ગુલાબ બી. હિન્ડોચા, રાણાવડવાળા, તા. રાણાવાવ, જિ. પોરબંદર (સૌરાષ્ટ્ર)

ધ ર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરુષાર્થોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. આ ચારેય 'ધર્મ'ને પ્રથમ સ્થાન આપ્યું છે અને એ પછી બીજું સ્થાન 'અર્થ' એટલે કે ધન અથવા પૈસાને. ધર્મ સંપત્તિની ઉપેક્ષા કરવાનો બોધ નથી આપનો પણ સંપત્તિ સન્મતિ, સદાચાર, શુદ્ધ સાધનો અને સન્નિતિપૂર્વક પ્રાપ્ત કરવાનો પ્રબોધ આપે છે.

પૈસાને આદર આપો, પણ તેને તમારા તન-મન-આત્માનો માલિક ન બનાવો,  કારણ કે પૈસો જ્યારે શાસક બને છે, ત્યારે ચારિત્ર્ય ખોઈ બેસે છે અને તેના ઘેલા બનેલાને પણ ડૂબાડે છે. ભગવાન વિષ્ણુએ પણ લક્ષ્મીજીને પોતાના મસ્તક પર વિરાજિત કરવાને બદલે ચરણ-કમળમાં સ્થાન આપ્યું હતું. આ પ્રતીકાત્મક બોધ આપણને એ જ સંદેશો આપે છે કે પૈસાને વિવેકહીન બુદ્ધિમાં સ્થાન આપશો નહીં તે અંત:કરણ અને ચારિત્ર્યને દૂષિત બનાવશે. પૈસાની ભૂખ માણસને ચારિત્ર્ય ભ્રષ્ટ બનાવે છે. પૂ. મારારિ બાપૂ જેવા સંત કથાકારો પણ પૈસાને તીર્થ સ્થાન માનવાને બદલે ધર્મ, જ્ઞાન અને ચારિત્ર્યશીલતાને પૂજ્ય માનવાનો ઉપદેશ આપે છે.

'અર્થ'નું જીવનમાં મહત્વ છે, પણ સુખેષણા માટે પાગલ બની અર્થની શુદ્ધતા સામે ખતરો ઉભો કરવાનું ધર્મ નથી કહેતો ગૃહસ્થાશ્રમમાં ધનની આવશ્યકતા છે કારણ કે બાકીના આશ્રમોને મદદરૃપ થવા માટેના કર્તવ્યો અદા કરવા માટે ધનની જરૃર પડે છે. પણ ભોગ-વિલાસવૃત્તિને પરિતૃષ્ટ કરવા માટે અ-ધર્મનું શરણું સ્વીકારી ધન સંચય કરવાનું ધર્મ નથી શીખવતો. રૃપીઓ પરસેવામાં સ્નાન કરીને વાપરો અને હરખાતે હૈયે ત્યાગના ગંગાજળમાં સ્નાન કરાવીને આપો અને શુધ્ધ મનથી વાપરો તેમાં જીવનની સાર્થકતા છે. પૈસાને ભોગવટાની છૂટ આપશો તો પૈસો જ તમને ભોગવી અને ભરખી જશે એ વાત માણસે શીખવી જોઈએ. પૈસા વિષયક મનને શુદ્ધતાની કેળવણી બે રીતે મળી શકે : ધર્મશાસ્ત્રોના વાચનથી અને સત્સંગ અને પવિત્ર તેમજ ચારિત્ર્યશીલ ઉપદેશકો, સંતો અને મહાપુરુષોના પ્રવચનો અને જીવન ચરિત્રોમાંથી.

પૈસો કઈ રીતે મેળવવો એના શિક્ષણ માટે અનેક સ્વાર્થી માણસો તમારો શિકાર કરવા માટે અત્ર-તત્ર-સર્વત્ર જોવા મળશે. 'ધનવાન' બનવાના નૂસખા શીખવનારા અનેક પણ શુધ્ધ-વિશુધ્ધ રીતે ધન કમાવાનું 'જ્ઞાનવાન' ચારિત્ર્ય ઘડતર શીખવનારા અલ્પ પ્રમાણમાં મળશે. એવો માણસ જ સદગુરૃ બની શકે, જે અનાસકત, શુભાશયી, મન-વચન-કર્મથી પવિત્ર અને જેની કથની અને કરણીમાં સામ્ય હોય.

આજના સમાજમાં દુરાચાર અને દુષ્ટાચાર વધી રહેલો છે, કારણ કે ભૌતિક સુખોને જ જીવનનું ધ્યેય લોકોએ માની લીધું છે, આત્મિક સુખો માટે તપસ્વી બનવાને બદલે આર્થિક સુખો માટે જપસ્વી બનવાનું લોકોને વધુ પસંદ છે. ચાર્વાકવાદ લોકપ્રિય બની ગયો છે અને જીવનમાં સાત્વિકતા, પરોપકાર અને પવિત્રતા ગૌણ બની ગયા છે. પહેલાં માણસ દ્વારા માણસાઈ એ સરનામું માણસનું ગૌરવ વધારતું આજે માણસ મારફત ધનલિપ્સાં, સત્તાલિપ્સા અને ભોગ લિપ્સા એ જ માણસનું સરનામું બની ગયું છે.

ભગવાન 'લાચાર' છે. ઉપાયહીન છે, કારણ કે માણસને સદ્દવર્તન અને સદાચારનો સંદેશો પાઠવવા ટપાલી નથી. ભગવાનને 'કોમ્યુટ' કરેલી, કમ્પોઝ કરેલી ભાષા નથી આવડની કારણ કે ભગવાનને પવિત્ર હાથ અને શુધ્ધ 'હાર્ટ'ની ભાષા ગમે છે. આજનો માણસ 'વ્હોટ્સ એપ' દ્વારા વિશ્વ સાથે કમ્યુનિકેશન કરી શકે છે પણ જાત સાથે વાત કરવા ચાર શબ્દો લખવાની એને ફૂરસદ નથી. સારા માણસ બનવા માટે કોઈના ટયૂશનની જરૃર નથી. તમે જ તમારા ટયૂટર છો અને તમે જ તમારા શિક્ષક. બસ: જાતને બે જ શબ્દો શીખવવાના છે 'મનુર્ભવ'.

ધન એ ભૂખાળવો દર્દી છે. જેમ ધન આવતું જાય તેમ તેની ભૂખ વધતી જાય છે.

વિનોબા ભાવેએ એક સરસ દષ્ટાન્ત આપ્યું છે. તદ્દનુસાર ધનની રમત ફુટબોલ જેવી હોવી જોઈએ. ફુટબોલની રમતમાં દડો (બોલ) ખેલાડી પોતાની પાસે રાખવા નથી ઈચ્છતો ને દડાને ફેંકી દે છે. પૈસાને પણ એવી રીતે ત્યજતા જાઓ કે સમાજરૃપી શરીરમાં તેનો પ્રવાહ વહેતો રહે. અને સમાજનું આરોગ્ય કાયમ માટે સચવાય.

કબીરના શબ્દોમાં જેમ નાવડીમાં પાણી ભરાવા માંડે તો બન્ને હાથે નાવડીમાંથી પાણી ઉલેચતા રહો નહીં તો નૌકા ડૂબી જશે તેમ ઘરમાં પણ પૈસો  વધવા માંડે તો બન્ને હાથે ઉલેચીએ, એ ડાહ્યા માણસનું કામ. તિજોરીને ત્રણ કામો સોંપી શકાય.

૧. પૈસાને આવકારવાનું

૨. પ્રાપ્ત કરેલા પૈસાની રીત અને નામ-સરનામું પૂછવાનું

૩. પૈસાનો કરકસર રીતે વહીવટ કરી વધારાના પૈસાનો વિદાય સમારંભ યોજવાનું.

માણસ પૈસો કેવી રીતે એકઠો કર્યો, એ બાબતમાં મૌન પાળે છે પણ પ્રતિષ્ઠા મેળવવા માણસ પોતાનાં મોંફાટ વખાણ સાંભળી ખુશ થાય છે. 'મહાભારત'માં સાચું જ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ધનનો દાસ છે, પણ ધન કોઈનુંય દાસ નથી.

ધનને ઉપવાસની આદત નથી પણ બારે માસ મિષ્ટાન્ન આરોગવાની આદત છે. મિષ્ટાન્નના પૈસા માણસે કેવી રીતે મેળવ્યા એની પળોજણમાં ધન ક્યારેય પડતું નથી.

ધનથી માણસનું હ્ય્દય વિશાળ બનવું જોઈએ, પણ વિશાળ બનવાને બદલે સંકુચિત બને છે. પરિણામે સરળ દાન કે પરોપકાર માટે ધન વાપરતાં તે અત્યંત હરખાતો નથી.

તુલસીદાસ કહે છે સત્કર્મ કરતાં ધન ઘટવાની ચિંતા ન કરશો :

''તુલસી પંખીન કે પીએ,

ઘટે ન સરિતા નીર,

ધર્મ કરે ધનના ઘટે,

સહાય કરે રઘુવીર''

ધન 'બળ'થી પણ મેળવી શકાય, 'છળ' થી પણ મેળવી શકાય અને 'કળ'થી પણ મેળવી શકાય. બુધ્ધિમાનો બુદ્ધિનો ઉપયોગ 'કળ' તરીકે કરે છે. પૈસો પ્રાપ્ત કરવાની કળા તેઓ જાણે છે પણ મોટા ભાગના લોકો પરિવારને સંતુષ્ટ અને ખુશ રાખવા પૈસાનો ઉપયોગ કરે છે પણ પરહિત કાજે રૃપિયાનો ઉપયોગ કરતાં અનુદાર બને છે. હા, કીર્તિખાતર પૈસો આપતાં આનંદ અનુભવે છે. પોતાનું નામ કોઈ શૈક્ષણિક, ધાર્મિક કે આરોગ્ય લક્ષી સાથે જોડાય તેવી શરત અને આગ્રહથી દાન કરે છે. વર્ષો પહેલાં શાહપુરમાં જીવણ કમળશીની પોળ પાસેની મ્યુનિસિપલ સ્કૂલમાં દાતાએ પોતાનું નામ લખાવવાને બદલે માત્ર એટલું જ લખેલું જોવા મળ્યું :

 એક શ્રમજીવી નાગરિક શાળા. એ વાંચ્યુ ત્યારે મને એ અજ્ઞાતદાતાને નમન કરવાની ભાવના પ્રગટી હતી.

પૈસાને 'પાંખ' હોય છે, પણ 'આંખ' નથી હોતી. એટલે માણસ કેવા અશુધ્ધ સાધનોથી પૈસો મેળવે છે એ તે જોઈ શકતો નથી માટે ગેરમાર્ગે પૈસો પ્રાપ્ત કરનારને રોકી શકતો નથી.

પૈસો અશુધ્ધ કે દુષ્કર્મોથી પ્રાપ્ત ન કરવો એ શીખવું જરૃરી છે. ટેક્સચોરી, શોષણ, શ્રમજીવીને ઓછો પગાર અને ભ્રષ્ટાચારનો આશરો લઈ ગેરકાયદેસર કામ કરાવી તેવી મંજૂરીઓ દ્વારા પૈસો કમાવો, ભાવમાં અને માલની ક્વોલિટીમાં છેતરપીંડી કરવી વગેરે એવા અનેક ગેરમાર્ગો છે જેનાથી માણસો તવંગર બની જાય છે. 

પૈસો કમાવાનાં માર્ગદર્શન વર્ગો ચાલે છે તેવું સાહિત્ય પણ પ્રકાશિત થતું રહે છે પણ પૈસો કઈ રીતે ન મેળવવો એનું સાહિત્ય પ્રકાશિત કરવામાં કોઈને રસ હોતો નથી. એટલે માણસના અંત:કરણ જેવો કોઈ માર્ગદર્શક નથી. પાપ કરનાર કે ખોટી રીતે ધન કમાનારનું પહેલું કાર્ય અંતરાત્માના અવાજને કચડી નાખવાનું હોય છે. સંયમ અને વિવેકને પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે. ચારિત્ર્ય નિષ્કલંક રાખવાનું માનસિક વ્રત અને પરિગ્રહવૃત્તિથી મુક્ત રહીને જ પવિત્ર માર્ગે ધન કમાવાનાં માર્ગ અપનાવી શકાય.


Google NewsGoogle News