ગરીબીમાં સખ્ત સંઘર્ષ કરનાર અમીરીમાં નાની તકલીફ પણ કેમ સહન કરી શકતો નથી?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ''હે ગરીબી, હું તને નમન કરું છું. કારણ કે હું બધાંને જોઈ શકું છું પણ મને કોઈ જોઈ શકતું નથી.'' અમીરોનાં મન અને તન કમજોર હોય છે તેથી તેઓ પીડા કે વેદના સહન કરી શકતા નથી
* પ્રશ્નકર્તા : હારુન ખત્રી, વોરાવાડ, જામખંભાળિયા, પિનકોડ ૩૬૧૩૦૫ (સૌરાષ્ટ્ર)
માણસ સુંવાળપની શોધ કરનાર સુખેષણા ભોગવતો જીવ છે. એને સુખો જોઈએ છે પણ સુખો માટે ભોગવવાં પડતાં વાસ્તવિક કષ્ટો સહેવાની એની તૈયારી નથી હોતી.
ગરીબ શબ્દનો અર્થ થાય છે અકિંચન (નિર્ધન), દીન, કંગાળ, દુ:ખી, બાપડો, નમ્ર, રાંક, ઠંડા સ્વભાવનો, ઘર માટે પણ ફારસીમાં ગરીબખાનું શબ્દ વપરાય છે. ગરીબનવાજ એટલે ગરીબો પર કૃપા કરનાર, ગરીબોનો મદદગાર, ગરીબના બેલી થવું આર્થિક રીતે અત્યંત કમજોર માણસને ગરીબ ગણવામાં આવે છે. માણસ સ્વાવલંબી ન બને તો ગરીબ જ રહે. ગરીબનાં અનેક કારણો હોઈ શકે. જેમ કે પ્રમાદ, બેરોજગારી, કોઈ દ્વારા શોષણ, પડકારો ઝિલવાની દાનતનો અભાવ. અમીરી આછકલા બનવા માટે નહીં પણ ખાનદાની દેખાડવા માટે હોય છે.
ફર્સ્ટક્લાસના ડબ્બામાં બેઠેલા સાહેબને ખુશ કરવા ખાતર એક ગરીબ જેવા દેખાતા માણસને કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશતો રોક્યો અને સહેજ તોછડાઈ ભર્યા સ્વરમાં કહ્યું ''જરા, વાંચો તો ખરા, આ ડબ્બો ફર્સ્ટક્લાસનો છે. એમાં વી.આઈ.પી. લોકો મુસાફરી કરતા હોય છે. તમારા જેવા ઓર્ડિનરી નહીં : જોડેનો ડબ્બો સેકંડ ક્લાસનો છે તેમાં જઈ બેસો.'' પેલા માણસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ બતાવી એટલે અંદરથી સાહેબે હૂકમ કર્યો ''એમને અંદર આવવા દો, પેલો માણસ ડબ્બામાં પ્રવેશ્યો એટલે બૂટ સાથે બર્થ પર કાયા પહોળી કરી સૂતેલા સાહેબે આંખનો ઈશારો કર્યો.'' સામે બેસો.
''પણ મારી જગ્યા અહીં છે. જુઓ આ બર્થ નંબર - કહી પેલા મુસાફરે ટિકિટ દેખાડી.
પણ સાહેબ એકના બે ન થયા. એમણે કહ્યું તમારો નંબર અહીં હોય તેથી શું ? તમારે સમજવું જોઈએ કે તમારી હૈસિયત અહીં મારી પાસે બેસવાની છે ખરી ?''
લોકશાહીને વરેલા અને દેશબાંધવને સમાન માનવાની પ્રતિજ્ઞાવાળા દેશમાં એક શિક્ષિત નાગરિક કાયદેસરની ટિકિટ ધરાવતા અન્ય નાગરિકના કાયદેસરના અધિકારને સ્વીકારતો ન હોય તો દક્ષિણ આફ્રિકામાં રંગભેદના બહાના હેઠળ મહાત્મા ગાંધીજી સાથે દુર્વ્યહાર કરનાર અંગ્રેજના વર્તનને આપણે કયા મોંઢે વખોડીશું ? એક યહૂદી કહેવત મુજબ ઈશ્વર ગરીબોને પ્રેમ કરે છે પણ પૈસો એ પૈસાદારને જ આપે છે. એક રશિયન કહેવત મુજબ જો પૈસાદારો એમનું મોત બીજાઓને ભાડે રાખીને કરાવી શકતા હોત તો સુભાષિત મુજબ હે ગરીબી, હું તને નમન કરું છું, કારણ કે હું બધાંને જોઈ શકું છું, પરંતુ મને કોઈ જોઈ શકતું નથી. (પંચામૃત)
ગરીબી ઘણી વાર લલાટના લેખને કારણે પણ ભોગવવી પડતી હોય છે. જો કેરડાના વૃક્ષની શાખા પર પાંદડું થતું નથી તો તેમાં વસંત ઋતુનો શો દોષ ? જો ઘુવડ દિવસે જોઈ શકતું નથી તો એમાં સૂર્યનો શો દોષ ? જો ચાતક પંખીના મુખમાં વરસાદની ધારા પડતી નથી તો એમાં મેઘનો શો વાંક ? બ્રહ્માએ પ્રથમથી જ જે લલાટે લખ્યું હોય તેને ભૂંસી નાખવા કોણ સમર્થ છે. (જાતિશતક) દ્રવ્યની પ્રશંસા કરતાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ જાતિઓ ભલે રસાતાળમાં જાઓ, ગુણોનો સમુદાય તેના કરતાં પણ નીચે જાઓ, સદાચરણ પર્વતની ભેખડ પરથી નીચે પડો, કુલીનતા અગ્નિથી બળીને ભસ્મ થઈ જાઓ, શત્રુરૂપી શૌર્ય પર વ્રજ તૂટી પડો, એમને તો કેવળ દ્રવ્ય જ પ્રાપ્ત થાઓ, જેમને મન એક વગર સઘળા ગુણો ઘાસના તણખલા બરાબર છે. જેની પાસે પૈસો હોય છે તે જ માણસ કુલીન ગણાય છે, પંડિત ગણાય છે, શાસ્ત્રજ્ઞા ગણાય છે, ગુણસ, વક્તા અને સુંદર ગણાય છે. સર્વગુણો સુવર્ણને આશ્રયે રહેલા છે (જાતિશતક)
ગરીબીમાં જે માણસ લાચાર રહેતો નથી. એ સંકલ્પ કરે છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ હું વિચલિત થવાનો નથી. અને તેથી તે ગરીબી સામે લડી શકે છે. ગરીબી તેને હરાવી શકતી નથી. ગરીબી સામે લડવા માટે તે જરૂરી કઠોરતા કેળવી લે છે.
અમીરીમાં માણસ સાહ્યબી ભોગવવા ઈચ્છુક હોય છે. એનું મન દુ:ખી રહેવામાં માનતું નથી. સુંવાળપ શોધવાની એની ટેવને કારણે દુ:ખનાં વાદળો જોઈ એ હચમચી ઉઠે છે. એના આત્મબળમાં કમી આવતી હોય છે. પરિણામે દુ:ખો સામે એ લાચાર બની જાય છે.
અમારા પિતાશ્રી નાનપણમાં અમને બે તાવ (ફીવર) ની વાત કહેતા, ભાદરવા મહિનામાં બે તાવએ નક્કી કર્યું કે આપણે ધરતી પર જઈ બે માણસના શરીરમાં પ્રવેશવું છે. એક તાવે ખેડૂતના શરીરમાં પ્રવેશ કર્યો, જ્યારે બીજાએ અમીર શેઠના શરીરમાં
ખેડૂતને તાવ જેવું વરતાતાં એણે નક્કી કર્યું કે આજે બપોરા કરવા નથી. ભૂખ્યા રહી સખત મજૂરી કરવી છે જેથી શરીરની ગરમી નીકળી જાય. પાણી પણ પીવું નથી. અને એણે મોડી રાત સુધી ખેતર ખેડયું. તાવને ન મળ્યું ખાવાનું કે ન મળ્યું પાણી !
બીજો તાવ એક અમીર શેઠના શરીરમાં પ્રવેશ્યો. એણે પોતાના પી.એને.કહ્યું : ''મને સહેજ તાવ જેવું લાગે છે !'' બસ, પી.એ. ડોક્ટરને ખબર આપી. ઘરવાળાંને સૂચના આપી કે શેઠ સાહેબ ઘેર આવી રહ્યાં છે એમને તાવ જેવું જણાય છે એટલે સૂકો મેવો, ફળફળાદિ, જ્યૂસ બધું તૈયાર રાખો.''
અને શેઠ ઘરે પહોંચ્યા ત્યારે ભારે આગતા-સ્વાગતા થઈ. સૂકો મેવો અને જ્યૂસ તેમણે ખાવાનું પસંદ કર્યું. તાવ એક દિવસમાં પાછો ફરવાનો હતો, પણ જાત જાતનું ખાવાનું મળવાને કારણે એણે અઠવાડિયું ખેંચી નાંખ્યું.
અઠવાડિયા પછી બન્ને તાવ ભેગા મળ્યા. ખેડૂતના તાવે કહ્યું કે હું તો ભૂખ્યો-તરસ્યો રહ્યો. ન મળ્યું કશું ખાવાનું કે ન મળ્યો જ્યૂસ-બ્યૂસ.
બીજા તાવે કહ્યું કે મને તો શેઠના શરીરમાં લહેર પડી ગઈ. ખાવું-પીવુંને જલસા! અમીરોનાં શરીર અને મન કમજોર હોય છે. તેથી તેઓ પીડા સહન કરી શકતાં નથી. સુંવાળપ તેમનું હીર-ખમીર છીનવી લે છે. પરિણામે આત્મબળ નબળું પડી જતું હોય છે. અમીરો વેદના સહન કરવામાં એટલે જ નબળા સાબિત થતા હોય છે.