Get The App

માણસ અંદરથી કેટલો જીવતો છે એનું માપ કેમ નથી કઢાતું?

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
માણસ અંદરથી કેટલો જીવતો છે એનું માપ કેમ નથી કઢાતું? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- મનને 'વાસી' રાખીને જીવનમાં તાજગી અનુભવવાનું શક્ય જ નથી. આજનો માણસ અનેક વ્યસ્તતાઓને લીધે 'કામ કરતો નથી' પણ કામ પતાવે છે. 

આપણે માણસના આયુષ્યનું માપ કાઢી શકીએ છીએ પણ અંદરથી કેટલો તે જીવતો છે એનું માપ કેમ નથી કઢાતું ?

પ્રશ્નકર્તા : હરેશ પટેલ, ખોખરા અમદાવાદ બ્રિજ પાસે, મણિનગર, અમદાવાદ-૮.

રાત્રિના દસ વાગ્યાનો સમય છે. એક ભિખારી યુવક સુમધુર કંઠે ગાય છે :

''જીવતર ભોગવ્યું ઝાઝું

પણ જીવન આઘું રહ્યું, રે લોલ.''

ગાડી ઉપડવાની તૈયારી છે.

લોકોને ખુશ કરવા માટે કોઈ લોકપ્રિય ભજન કે ફિલ્મી ગીત ગાવાને બદલે આવું ગંભીર ગીત એ યાચક- યુગલે કેમ પસંદ કર્યું હશે ? મનમાં થયું કે એ બન્નેના કાળજાને કોરી ખાનાર વેદનાનો તાગ પામવા એમની સાથે વાત કરું, પણ એવામાં ગાડી ઉપડી અને 'જીવન આઘું રહ્યું રે લોલ'ની વ્યથા-કથા સાંભળવાની મારી ઈચ્છા અધૂરી જ રહી. પણ... પણ એ યાચક યુગલની 'વેદના' શું એમના એકલાની જ હતી ? એ વેદના તો આજના ભૌતિક્તા પ્રધાન યુગની માયાજાળમાં અટવાએલા માણસમાત્રની છે. માણસ પાસે 'જીવતર' છે, જન્મારો છે, પણ જીવનનો ધબકાર નથી, જીવનની સ્વાભાવિક્તા નથી ! નિરાંત નથી. પૉરો ખાવા માટે હેઠે હૈયે બેસી શકે એવી મોકળાશ નથી, 'જીવતર' છે, પણ 'જીવન' નથી !

માણસે જીવવું છે માટે શ્રમ કરવો પડે. કમાવું પડે. નોકરી, ધંધો કે વ્યવસાય કરવો પડે. પણ એ બધું માત્ર ધમણની જેમ શ્વાસોચ્છવાસની ક્રિયા કરવાના ઉપક્રમ માટે નથી, નથી જ. પરિણામે જીવતા રહેવાના ફાંફાંમાં જીવન પૂરું થઈ જાય છે એક ઉર્દૂ શેર મુજબ

''ઊમ્ર-એ-દરોજ (લાંબી)

લાયે થે ચાર દિન,

દો આરઝૂ મેં

કટ ગયે, દો ઈન્તેજાર મેં''

વળગણોથી મુક્ત થયા વગર જીવન-વાતાયનમાંથી મંદ-મંદ વહેતા વિમલ અને ખુશ્બોદાર વાયુનો આનંદ માણી શકાય નહીં.

આપણે 'ક્રિયાઓ'ના માણસ બની ગયા છીએ, જીવનના નહીં. પરિણામે દૈનિક 'રૂટીન' આપણા જીવનનો પર્યાય બની ગયું છે.

એક ઑફિસરને પોતાના ટેબલને ફ્લાવરથી સજાવી રાખવાનો શોખ. માળીને પણ સૂચના કે દરરોજ મહેક્તા ફૂલોનો ફ્લાવરવાઝ પોતાના ટેબલ પર મૂકવો.

એ ઑફિસરને મળવા વારાફરતી મુલાકાતીઓ આવે છે ને જાય છે. એમ સાંજનાં પાંચ વાગવા આવે છે.

ેએટલામાં ચપરાસી બારણું ખોલે છે અને એક વયોવૃદ્ધ મુલાકાતી એ 'બૉસ'ની ચેમ્બરમાં પ્રવેશે છે. બૉસ એમને બેસવાની સૂચના આપે છે.

એટલામાં કોઈનો ફોન આવે છે. પેલા વૃદ્ધ મુલાકાતીની કાને 'બૉસ'ની તેની સાથેના વાતચીતના શબ્દો પડે છે. 'હા યાર ! આજ તો ખૂબ કંટાળી ગયો છું કામથી. કોઈ બગીચામાં બેસીને ફૂલોની ખુશબો માણવાનું મન થાય છે !'

એ દરમ્યાન પેલો વૃદ્ધ મુલાકાતી 'સાહેબ'ના ટેબલ પરનાં ફૂલોની મહેક માણી રહ્યો હતો. ફોન પત્યો એટલે પેલા વૃદ્ધે કહ્યું : ''સાહેબ, તમારા કરતાં હું ઉમ્મરમાં મોટો છું એટલે આટલી વાત કરવાની છૂટ લઊં છું. તમે બગીચામાં ફરવા જવાની વાત કરતા હતા, પણ બગીચો તો સામેથી આવીને તમારા ટેબલ પર બેઠો છે ! કેવાં સુંદર મહેકતાં ફૂલો છે અહીં ફ્લાવરવાઝમાં ! બગીચા સાથેનો નાતો તોડીને તમને મહેક આપવા ફૂલો તમારા ટેબલ પર આવ્યાં છે. એમને નિરાશ ન કરશો. ફૂલોની મહેક મનમાં પહોંચે તો કામમાં કાંઈ ઓર જ બરકત આવે.''

કેવી મજાની વાત. 'ફૂલો સામે હોય અને ફાઈલોના ગંજ હેઠળ દબાએલો માણસ એની નોંધ સુદ્ધાં ન લે તો જીવન ભાર રૂપ જ બની જાય ને! પોતાના સસરાજી ઑફિસેથી આવ્યા છે પુત્રવધૂ નાનકડા બાળકને તેમની ગોદમાં બેસાડીને શાકભાજી લેવા ગઈ. અડધો કલાક પછી એ પાછી ફરી ત્યારે એ બાળક જોર-જોરથી રડતું હતું અને દાદાજી તેના માથામાં પડેલા જખ્મની પાટાપીંડી કરી રહ્યા હતા. એમણે સામેથી કહ્યું કે વહુ બેટા વાંક મારો છે એ બાળક મારી ગોદમાં હતો અને હું અખબારના શેરમાર્કેટના સમાચાર વાંચવામાં મશગૂલ હતો.'

વિનયશીલ પુત્રવધૂ ચૂપ રહી. પણ એ ધારત તો કહી શકત કે અરે ભલા માણસ ! આવું દેવદૂત જેવું બાળક તમારી ગોદમાં હોય અને તમારું મન સેર બજારના આંકડામાં ખોવાએલું રહ્યું ? બાળકને વહાલથી રમાડયું હોત તો તમારો આખા દિવસનો થાક ઉતરી જાત. બગીચામાં જવાની આવશ્યક્તા પણ ન રહેત.

જીવનમાં આનંદની અનેક ક્ષણો આપણી પ્રતીક્ષા કરતી હોય છે પણ આપણું સંસારગ્રસ્ત મન એ ભવ્ય ક્ષણોને આવકારી શકતું નથી... હવામાં શબ્દો ગૂંજતા રહે છે... 'જીવતર આઘું રહ્યું રે લોલ.' માણસને જીવનનો સહજ આનંદ જોઈતો હોત તો એ સુલભ છે પણ માણસને ભોગજન્ય સુખ જોઈએ છે. પૈસો અને સુવિધાઓ જોઈએ છે. ટેબલ પરની ડિશા માણસને જમી ગઈ અને માણસ ભૂખ્યો ને ભૂખ્યો. 'રસ' હોય પણ કસ ના હોય એવું ભોજન શા ખપનું ? જીવનમાં નરવા રહેવું હોય તો હળવા અને ગરવા રહેવું પડે. ઘડીઆળનો કાંટો માણસ ચલાવે છે દોડાવે છે.

'નિવૃત્ત થએલો એક માણસ કહે છે પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થયા એટલે હવે આનંદનો મોકો મળશે.' આનંદ એ રાહ જોવાનો વિષય જ નથી. સામે આપેલી તકને ઝડપી લઈને જીવી લેવાનો પડકાર છે. આપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એવાં બે કમ્પાર્ટમેન્ટમાં જિંદગીને વહેંચવાની ભૂંલ કરીએ છીએ એટલે બન્નેમાંથી એકનેય પૂરો ન્યાય આપી શકતા નથી. પ્રવૃત્તિ એવી રીતે કરો કે તમારું મન ધારો ત્યારે નિવૃત્તિનો અનુભવ કરી શકે.

જોનસને નોંધ્યું છે કે જીવનમાંથી અસંતોષનો ક્લેશ અને દુ:ખ દૂર કરવા માણસ બહાર ફાંફા મારે છે તેમ અંદરથી પોતાની જાતને અજવાળા મથતો હોત તો જિંદગી અને જગતનું સ્વરૂપ કાંઈક નોખું-અનોખું જ હોત.

મનને 'વાસી' રાખીને જીવનમાં તાજગી અનુભવવાનું શક્ય જ નથી ! આજનો માણસ અનેક વ્યસ્તતાઓને લીધે 'કામ કરતો નથી' પણ કામ 'પતાવે' છે માણસ યંત્રભોગી બની સ્વાભાવિક્તાથી અનેક ગણો દૂર ચાલ્યો જાય છે. પ્રવાસમાં જાય ત્યારે પણ જે તે પ્રદેશની વાનગીઓ માણવાને બદલે ગુજરાતી ખાણું ક્યાં મળશે એની તપાસમાં એને વધુ રસ હોય છે. પરિવર્તનને નકારે તે 'જડ' અને પરિવર્તનને આવકારે તે જીવંત. માણસ પાસેથી તેનું મનુષ્યત્વ છિનવાઈ રહ્યું છે એ માણસ જુએ છે છતાં જીવનશૈલી અને જીવનની તાસીર તથા તસવીર બદલવા સક્રિય નથી.

ડૉ. ગાઈલ્ડે ઉચિત જ કહ્યું છે કે મનુષ્યનું સરેરાશ આયુષ્ય વધ્યું, એ સામું પણ જેને તમે જીવતો જુઓ છો તે અંદરથી કેટલો બધો મરી ગયો છે, તેનું માપ કાઢવું મુશ્કેલ છે. મહોબ્બતને બદલે નફરતના સોદાગર બનીએ તો આપણા હાથમાં નિરાશા સિવાય કશું જ ન આવે.

'જીવનનું સાચું સુખ' પુસ્તક જીવનના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાની વાત કરે છે. જીવન-નિર્ઝરના તાજાં તથા સ્વચ્છ પાણી પીવાને બદલે ભોગના ખાબોચિયાના મેલા પાણીથી આપણે તૃષા છિપાવવા મથીએ છીએ.


Google NewsGoogle News