Get The App

જીવનમાં આદર્શવાદ એટલે શું? એને અપનાવવા કેવો દ્રષ્ટિકોણ વિકસાવવો પડે?

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
જીવનમાં આદર્શવાદ એટલે શું? એને અપનાવવા કેવો દ્રષ્ટિકોણ વિકસાવવો પડે? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- આદર્શવાદીની નજર હંમેશાં સૂર્ય તરફ હોવી જરૂરી છે. આકાશ કદી નીચે આવવાનું નથી પણ આદર્શવાદીએ સૂર્યને નજર સમક્ષ રાખી ઉચ્ચ દ્રષ્ટિ, તેજસ્વિતા અને નમ્રતા દાખવવી જરૂરી છે

* જીવનમાં આદર્શવાદ એટલે શું?

પ્રશ્નકર્તા : ઉત્સવ દવે, સાયંસ સીટી રોડ, અમદાવાદ.

હાયર સેકંડરીના સત્રાંત કાર્યક્રમ હતો. વિદ્યાર્થીઓ ઉમળકાભેર પોતાના શિક્ષકોનું અભિવાદન કરતા હતા. વર્ગ શિક્ષક દરેક વિદ્યાર્થીને તેના મકસદ (ધ્યેય) અને આદર્શો વિશે પૂછતા હતા.

એક વિદ્યાર્થીએ શિક્ષકને કહ્યું : 'સર' હું આદર્શવાદી બનવા ચાહું છું પણ આદર્શ વિશેના મારા ખ્યાલો સ્પષ્ટ નથી. આપ મને આદર્શો વિશે થોડીક માહિતી આપશો ?

મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સંદર્ભે વાત કરતા કહેતા હતા. ''સરકારી નોકરી, મબલખ કમાણી બેન્ક ઓફિસર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એરોપ્લેનના પાયલટ, રાજકીય નેતા વગેરે વિશે. શિક્ષકે પેલા પ્રશ્નકર્તા વિદ્યાર્થીને આદર્શ વિશેની સમજ આપતાં કહ્યું. 'બેટા, આદર્શ શબ્દને સામાન્ય રીતે નેમ, ધ્યેય, નમૂનારૂપ વર્તન, ઉચ્ચ ભાવના વગેરે સ્વરૂપે આપણે મૂલવીએ છીએ. ઉદાત્ત અને મહાન તથા મંગલમય અને પરોપકારી જીવન જીવનારને સમાજ આદર્શ પુરૂષ માને છે. જીવનમાં શ્રેષ્ઠ બાબતોનું તન-મન-ધનથી પરિપાલન કરવાની દ્રઢ પ્રતિજ્ઞાા અને સંયમપૂર્વક જીવવાનો આગ્રહ એનું નામ આદર્શવાદ.''

શિક્ષકે મુક્ત મને આદર્શ અને આદર્શવાદ વિશે વાતો કરી. એમણે કહ્યું કે જિંદગી અનેક પ્રલોભનોથી ભરેલી છે. એવાં પ્રલોભનો પ્રત્યે વિવેકશક્તિ વિકસાવવી અને સંયમ દ્રષ્ટિથી તેનો પ્રયોગ કરવાની ભાવનાનો આદર્શવાદમાં સમાવેશ થાય છે.

આદર્શ એ કોઈએ લાદેલું નહીં પણ એક સ્વયં સ્વીકૃત વ્રત છે. એ વ્રતના પરિપાલકનો માર્ગ મોટે ભાગે કંટકછાયો જ હોઈ શકે.

આદર્શનો માર્ગ એ શૂરાનો માર્ગ છે, 'હરિનો માર્ગ' છે તેમાં કાયરતાને સ્થાન નથી. આદર્શવાદ અપનાવનારને ઘણું બધું સહેવું પડે. ઘણા બધાનો ત્યાગ કરવો પડે. જરૂર જણાતાં સર્વસ્વનું બલિદાન આપવું પડે. આદર્શ એ ઉત્તમ જીવનદ્રષ્ટિ છે અને એનો પુરસ્કાર 'વાહવાહી' નહીં પણ આત્મ તુષ્ટિ-આત્મસંતોષ છે. આદર્શ એ 'આત્મ સન્માન' વિષય છે, એની લાજ માણસે જાતે જ જાળવવાની હોય છે. ઊંચા ખડક પરથી નીચે વહેવા મથતું ઝરણું સાહસ કરે છે કોઈની સલાહની પરવા કરતું નથી. આદર્શવાદી પણ કશી ગણતરી મુજબ જરૂરી સાહસ કરવા તૈયાર થાય છે. આદર્શ એટલે સામાન્ય માનવી તરીકે જીવી ખાવાને બદલે ઉત્તમ વ્યક્તિ બનવાનો અને તદુનાસાર સ્વયં સ્વીકૃત પ્રયોગ કરવાની ઉદાત્ત ભાવના. આવી જીવનદ્રષ્ટિ વિશે કાકા સાહેબે કહ્યું છે તેમ 'જીવન શુદ્ધિ' અને જીવન સમૃદ્ધિ આદર્શને વરેલી વ્યક્તિના જીવનમાં કામ ચોરી, હરામખોરી, અને અપ્રામાણિકતા તેના જીવનમાં નહીં હોય. આચાર-વિચાર અને વાણીમાં શુદ્ધતાનો આગ્રહ હશે, અશુદ્ધિનો ક્યારેય નહીં. આદર્શવાદીની વૃત્તિ 'મધુકર' જેવી હશે. એ સર્વ ઠેકાણેથી મધુરૂપ ઉત્તમ ગુણો ગ્રહણ કરશે પણ વિષયુક્ત બાબતોને પોતાના જીવનમાં સ્થાન નહીં આપે કે પ્રવેશવા નહીં દે.

જગત આખામાં પારાવાર કીચડ જોવા મળે છે. માણસ કોઈ પણ ભોગે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા મથે છે એમાં મહાત્મા ગાંધીએ કહેલી 'સાધન શુદ્ધિ'નો પણ આદર્શમાં સમાવેશ થાય છે. આદર્શવાદી સ્વાર્થ ખાતર પોતાના સિદ્ધાંતો પરત્વે બાંધછોડ કરતો નથી. આજના સંજોગોમાં જેને આપણે 'પ્રેક્ટીકલ' કહીએ છીએ એવી સમાધાનવૃત્તિ સિદ્ધાંતના ભોગે પણ સેવતો નથી. એટલે આદર્શવાદી પરિવાર, સમાજ કે પોતાના સગાં-વહાલાંને મિત્રોમાં અપ્રિય બની જાય છે.

સિદ્ધાંતવાદીએ પોતાના જીવનમાં ઉત્તમ ભાવનાઓમાં રંગે રંગાવું પડે. 'ગુણગ્રહણ' અને 'ગુણવિકાસ'નો માર્ગ અપનાવવો પડે. જીવનને સદ્ગુણોની મહેકથી મધમધતું રાખવા માટે ભારે પરિશ્રમ કરવો પડે તો એ માટે આદર્શવાદીનું મન મક્કમ હોય છે. શહીદવીર ભગતસિંહ અને તેમના સાથીઓનું ધ્યેય અંગ્રેજો સામે ક્રાન્તિકારી બનવાનું હતું. સરફરોશીની ભાવના હતી. બિસ્મિલે એટલે લખ્યું હતું 'જાન જાએ તો જાયે, પર હિન્દ આઝાદ હો જાયે.' આવાં રાષ્ટ્રપ્રેમને કારણે જ એમણે અંગ્રેજો પાસે દયાની ભીખ માગવાને બદલે ફાંસીના માંચડે લટકી જવાનું બહેતર માન્યું હતું. ઘણા બધાં લોકોએ નોકરી છોડી 'કાળાપાણી'ની સજા વહોરી લીધી અને મૃત્યુદંડની પણ પરવા ન કરી. જેલમાંથી ગોપાલ લાલા સાન્યાલને સુભાષચંદ્ર બોઝે લખેલા પત્રમાં ઉલ્લેખ્યું હતું. જગતમાં બધું જ ક્ષણભંગુર છે કેવળ એક જ વસ્તુ નષ્ટ નથી થતી અને વસ્તુ છે ભાવના કે આદર્શ, આપણા આદર્શો જ આપણા સમાજની આશા છે. આદર્શ પ્રાપ્તિ સંપૂર્ણ સમર્પણની પૂર્ણતા પર અવલંબે છે.

ઘણી વાર એવો પ્રશ્ન પૂછાય છે કે શું માણસનો આદર્શ સિદ્ધ થયો ખરો ? આ વિશે પંડિત નહેરૂએ નોંધ્યું છે કે કોઈ પણ આદર્શમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. એના કારણે માણસ ઉચ્ચ ધ્યેય સાથે બંધાએલો રહે છે. માણસ ભલે સૂર્ય સુધી પહોંચી ન શકે પણ તેની નજર આકાશભણી જોવા ટેવાયેલી હોવી જરૂરી છે. આકાશ નીચે આવવાનું નથી એટલે આદર્શવાદીએ ઉચ્ચ દ્રષ્ટિ, તેજસ્વિતા અને નમ્રતા કેળવવી જરૂરી છે.

ક્રાન્તિવીર બાબા પૃથ્વીસિંહ આઝાદ માણસની ઉચ્ચ દ્રષ્ટિને સ્વપ્નો સાકાર કરવા જરૂરી માને છે. માણસમાં મુસીબતોનો સામનો કરવાની તાકાત છે. પણ તે સ્વાર્થ, મોહ અને લોભ-લાલચનો શિકાર બની આદર્શોને અલવિદા કરી દે છે માણસના મનમાં બીજો પ્રશ્ન ઉભો થાય કે આદર્શવાદી જીવનમાં સુખેથી રહી શકે ખરો ? આદર્શવાદીની સુખની ભાવના લોકકલ્યાણ માટે સમાજમાં વિખરાઈ જવાની રહે છે. એને અંગત સુખની પરવા હોતી નથી. સાદગીને જ સર્વસ્વ માને છે. મહાત્મા ગાંધીએ ચરખો (રેંટિઓ) ચલાવી પોતાની સાદગી સાર્થક કરી દેખાડી તો સરદાર વલ્લભભાઈએ દેશી રાજ્યો એક કરી પોતાના આદર્શવાદી વર્તનને સાર્થક બનાવ્યું. લાલા હરદયાલ જેવા આદર્શવાદીઓ કહેતા કે હું આદર્શોથી ચલિત થઈને જીવવા કરતાં આદર્શની નજીક રહીને મરવાનું વધુ પસંદ કરીશ. આદર્શવાદીએ પ્રેમ, સમદ્રષ્ટિ, સહનશીલતા, ત્યાગ, સમર્પણ, બીજાંનાં દુ:ખ-દર્દોને સમજવાની વૃત્તિ અને જીવનની કસોટીઓમાંથી નીડર રહેવાની ભાવના સ્વીકારવી પડે.

વાલ્મીકિજીએ એક જ લીટીમાં ભગવાન રામનો કેવો સરસ પરિચય આપ્યો છે. કે રામ બે પ્રકારની વાતો કદીયે કરતા નથી. ભોલા બાબાની પ્રેરક વાણી છે -

''બાહર નહીં સુખ હૈ,

સુખ-સિંધુ ભીતર હૈ ભરા,

નર મૂઢ બાહર ખોજતા,

જ્યાં હિરન કસ્તૂરી ભરા.''


Google NewsGoogle News