Get The App

જેટલા ઝડપથી સંબંધો બંધાય છે તેટલી જ ઝડપથી કેમ તૂટી જાય છે?

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
જેટલા ઝડપથી સંબંધો બંધાય છે તેટલી જ ઝડપથી કેમ તૂટી જાય છે? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- સંબંધ બંધાવા વિશે અને તૂટવા વિશે યાદ રાખવા જેવી સાત બાબતો. સંબંધ એ તીર્થભૂમિ છે, એ તીર્થભૂમિમાં દાતા બનીને વિહરી શકાય, અલબત્ત, અહંકારનાં જૂતાં બહાર રાખીને

* જેટલી ઝડપથી સંબંધો બંધાય છે, તેટલી જ ઝડપથી તે ટૂટી કેમ 

જાય છે ?

* પ્રશ્નકર્તા : હારૂન ખત્રી, વૉરાવાડ, જામખંભાળિયા (સૌરાષ્ટ્ર)

સંબંધ એટલે સારી રીતે બંધાવું મતલબ કે પ્રેમ, લાગણી, ત્યાગ, સહનશીલતા વગેરેને અપનાવીને સંબંધની રક્ષા કરવી.

માણસ સંબંધની આચાર સંહિતાથી અજાણ્યો હોય છે એટલે જ સંબંધમાં શાલીનતા જાળવવા પ્રત્યે સભાન નથી હોતો. સંબંધ એ નથી બંધન કે નથી અવરોધ સંબંધ નથી બોજ કે નથી શોષણ. સંબંધ તો છે જીવનનું રળતર. એટલે સંબંધને 'જીવન' માનવો જોઇએ, વળગાડ નહીં. તમારું મન શાન્ત અને સ્વસ્થ ન હોય તો સંબંધ પણ શાન્ત અને સ્વસ્થ ક્યાંથી રહેવાનો ? સંબંધ એ ભોગવવાની વસ્તુ નથી પણ જીવવાની વસ્તુ છે. માણસની અધિકાર પ્રિયતા એ સ્નેહ સરિતાને અવરોધની કાળમીંઢ ચટ્ટાન છે. સંબંધના સંત્રી બનવાની પ્રતિજ્ઞા સિવાય સંબંધીનું ગૌરવપૂર્ણ બિરુદ પ્રાપ્ત કરવાનો પરવાનો ન જ મળી શકે. પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે પણ સંબંધને આંચ નહીં આવવા દેવાની કર્તવ્ય નિષ્ઠાપૂર્વકની સમજ સંબંધની સાચી કસોટી છે.

સંબંધો બંધાવા વિશે અને તૂટવા વિશે યાદ રાખવા જેવી સાત બાબતો

૧. સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરો.

૨. સંબંધને પરિપકવ થવા દો.

૩. સંબંધમાં લાગણીને મહત્વ આપો માગણીને નહીં.

૪. સંબંધને 'સાધ્ય' બનાવો સાધન નહીં.

૫. સંબંધમાં ગણતરીને સ્થાન ના આપો. નહીં તો સંબંધ ટકશે નહીં.

૬. સંબંધમાં લોભ, લાલચ, અહંકાર અને ઉશ્કેરાટને સ્થાન ન આપો.

૭. જેટલા અંશે નમ્રતા, જતું કરવાની વૃત્તિ અને ક્ષમાભાવ તેટલા અંશે સંબંધ ટકવાની અને સુદ્રઢ થવાની શક્યતા વધુ સંબંધીને શરમાવું પડે એવું એક પણ કાર્ય ન કરતા.

અહીં શ્રી મુકુલ કલાર્થીએ ટાંકેલા એક પ્રસંગનું સ્મરણ થાય છે. તદનુસાર એક દિવસ રામતનુ લાહિંડી, જેઓ બંગાળના સમાજ સુધારક અને નખશિખ સજ્જન હતા, તેઓ રસ્તેથી પસાર થઇ રહ્યા હતા. એમની પાછળ થોડે દૂર એક મિત્ર પણ ચાલી રહ્યો હતો.

થોડેક આગળ જતાં એ મિત્રે જોયું કે રામતનુ બાબુ જે ફૂટપાથ પરથી ચાલતા હતા. ત્યાંથી ઝપાટાભેર ઉતરીને રસ્તાની સામી બાજુની ફૂટપાથ પર ચાલ્યા ગયા. અને ધીમી ગતિએ ચાલવા લાગ્યા. આ જોઈ પેલા મિત્રને નવાઈ લાગી કે રામતનુબાબુ એકદમ સામી બાજુએ કેમ ચાલ્યા ગયા ? અને મિત્ર પણ ઝડપથી ચાલીને રામતનુ બાબુની સાથે થઇ ગયો.

ચાલતાં-ચાલતાં તેણે રામતનુ બાબુને પૂછ્યું : તમે એકદમ સામેની ફૂટપાથ છોડીને આ બાજુ કેમ આવી ગયા ? રામતનુ બાબુએ સામેના એક સંબંધીને બતાવીને કહ્યું : 'આ મારા સંબંધીએ મારી પાસેથી પૈસા લીધા છે. એ પરત કરવાના વાયદા કરે છે પણ આર્થિક મુશ્કેલીને કારણે વાયદો પાળી શક્તો નથી. હું એને શરમમાં નાખવા માગતો નથી. કારણ કે એમાં જ સંબંધની શાન છે. પેલા મિત્રએ કહ્યું : 'એમાં આપે શરમાવા જેવી વાત ક્યાં છે ? શરમ તો પેલા માણસને આવવી જોઇએ.'

રામતનુએ કહ્યું : 'તમારી વાત સાચી છે પણ એ મારો સંબંધી છે. મારે કારણે એણે જૂઠું બોલવું પડે એ મને પસંદ નથી. એટલે હું તેની નજર ચુકાવીને આ બાજુ આવતો રહ્યો.'

ધન્ય છે રામબાબુ લાહિડીની સંબંધની આન અને શાન સાચવવાની ભાવનાને. માણસ ધરતી પર પ્રથમ શ્વાસ લે છે ત્યારથી સંબંધ ચક્ર શરૂ થઇ જાય છે. કેટલાક સંબંધો ફરજિયાત હોય છે અને કેટલાક મરજિયાત લોહીના સંબંધો અને લાગણીના સંબંધો. સંબંધ એટલે જ અપેક્ષા એવું ઘણાનું ગણિત હોય છે એટલે સંબંધ થકી કશું પામવાની વૃત્તિ મહત્વની બની જાય છે જે સંબંધ માટે વિઘાતક છે. વિમલાતાઈએ એટલે જ કહ્યું છે કે સંબંધિત થવું એ જીવન છે. સાચો સંબંધ તો છે : વ્યક્તિ, વસ્તુ, પદાર્થ જે રીતે છે તેની સાથે યથાર્થ રીતે વ્યવહાર કરવો. વ્યવહાર અને વર્તન એવી રીતે કરવાં કે જેથી વ્યક્તિ કે કાર્યને જરા પણ નુકસાન ન થાય. સામેની વ્યક્તિના ગુણદોષ જાણી માત્ર ગુણનું જ સ્મરણ કરવાથી સંબંધ ટકવાની સ્વચ્છ આબોહવા તૈયાર થાય છે. તમે મકાન બાંધો છો તેમાં ભીંત પણ હોય છે અને દરવાજો પણ. ભીંતમાંથી તમે માથું પછાડીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરો તો પણ પ્રવેશી શકશો નહીં. એને માટે દરવાજો જોઇએ. સંબંધોમાં પણ વ્યવહાર કરવાનો કયો દરવાજો છે એ તમારે શોધી કાઢવું પડે છે. કારણ કે પ્રત્યેક સંબંધીનું સંપર્ક બિન્દુ અલગ અલગ હોય છે. સંબંધીને આપણે ન આપી શકીએ ઉષ્મા કે ન આપી શકીએ સમર્પણની મહેક તો પછી સંબંધમાં તાજગી ક્યાંથી રહે ? સંબંધના સમુચિત વિકાસ માટે સંબંધને લાગણીની હવા, આત્મીયતાનું પાણી અને ઉત્સર્ગનો પ્રકાશ જોઇએ. જે સંબંધમાં અંતરનાં અમી પ્રાપ્ત થતાં નથી એમાં યાંત્રિકતા પ્રવેશે છે, એમાં ઉલ્લાસ નહીં પણ અવસાદ હોય છે બરકત નથી હોતી પણ બળાપો હોય છે. માણ્યાની મધુરપ નથી હોતી પણ અપેક્ષાઓની અધૂરપનો હાહાકાર હોય છે. એમાં પ્રેમ નહીં પણ વહેમ જ શાસન કરતો હોય છે.

સંબંધ નથી રડતો કે નથી રડાવતો. નથી સડતો કે નથી એળે જતો. નિરંતર વિકાસ અને દ્રષ્ટિકોણની ઉર્ધ્વતા એ સંબંધનો જીવનમંત્ર છે. આ વાત નહીં સમજવાને કારણે જેટલા જલ્દી સંબંધો બંધાય છે, તેટલા જલ્દી તૂટી જાય છે. સંતો એટલે જ સલાહ આપે છે કે તમારો પોતાનો મદ તોડજો પણ સ્નેહીઓનો સ્નેહ કદી તોડશો નહીં.

સંબંધોમાં પ્રવેશતી જડતા, ગણતરીબાજુ અને પ્રપંચ લીલાઓ સામાજિક જીવનને કલુષિત બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. માણસને નિસ્વાર્થ સંબંધ પામવો ગમે છે પણ નિસ્વાર્થ સંબંધ પ્રદાન કરવાનું નથી ગમતું. 

સંબંધ એ શરૂઆતમાં કાચી કેરી હોય છે એમાં મીઠાશ આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી પડે છે. સંબંધમાં ઉતાવળ એ ખતરનાક વસ્તુ છે. માણસને ઉતાવળે આંબા પકવવામાં રસ હોય છે એટલે એવી દ્રષ્ટિને કારણે સંબંધો લાંબા ટકતા નથી.

આજના યુગમાં માણસ સંબંધમાં લાગણી અને પ્રેમને બદલે 'ઉપયોગિતા'ને મહત્ત્વ આપે છે. પ્રેમના ક્ષેત્રમાં લૂંટારાનું નહીં પણ કોઈ ઉદાત્ત ધ્યેય માટે ખુવાર થવાની તૈયારીનું મહત્વ છે.

સંબંધ એ તીર્થભૂમિ છે, એ તીર્થભૂમિમાં દાતા બનીને વિહરી શકાય. અલબત્ત અહંકારનાં જૂતાં બહાર રાખીને. ગણતરીનો અંગારવાયુ (કાર્બન ડાયોકસાઇડ) જેટલા રોજિંદા જીવનમાં ઠલવાતો રહે છે તેટલા પ્રમાણમાં 'ઓક્સિજન' ઉમેરાતો નથી એટલે જ સંબંધમાં તાજગી પ્રવેશતી નથી. સંબંધમાં ધિક્કારને સ્થાન જ નથી. સંબંધને ખાબોચિયું બનાવી દઇએ તો પછી પ્રસન્નતાના સાગરમાં મોજ માણવાનું આપણે લલાટે ક્યાંથી લખાય?


Google NewsGoogle News