મહત્વનું શું? વિચારશક્તિ કે દાનત શુદ્ધિ?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- જેમ જેમ માણસના જીવનમાંથી 'સાધના' લોપાતી જાય તેમ તેમ તેના જીવનમાંથી સત્વશીલતા, શાલીનતા અને સંયમશીલતા વિલોપાતાં જાય છે
દાનત શુદ્ધિના પાંચ માપદંડ કયા?
''પૂછો નહીં કહાં હૂં,
પર ખુશ નહીં જહાં હૂં
હોના નહીં જહાં થા
મૈં આજકલ વહાં હૂઓમ''
આજના માણસની મનોવેદના
પ્રશ્નકર્તા : અસિત પટેલ, સેટેલાઈટ એસ.જી. રોડ વિસ્તાર, અમદાવાદ.
એક ઝુંપડા પાસેથી પસાર થતી કાર ફૂટપાથ પર ચઢી ગઈ અને એક ગરીબ માણસના ઝુંપડાને અથડાઈ. માથે છાપરું. કડકડતી ગાત્રો થીજાવી દે તેવી ઠંડી. તાપણાની આસપાસ બેઠેલા ગરીબ લોકો કારને ધસી આવતી જોઈ ભાગ્યા. ઘરનો મુખ્ય માણસ ખૂણામાં ખસીને ઉભો રહ્યો.
એટલામાં પેલો કાર માલિક પેલા ગરીબ માણસ પાસે આવ્યો અને કહ્યું : ''લો આ સો રૂપિયા, ઝુંપડું રિપેર કરાવી લે જે.''
''શેઠ અમારે મન તો ઝુંપડું એ જ વૈભવશાળી બંગલો. ઘાસ-પાંદડાં એકઠાં કરીને અમે જાતે તૈયાર કર્યાનો આનંદ જ અલગ હોય છે. પૈસા આપની પાસે રાખો. બેફામ ગતિએ આપના દ્વારા ચલાવાતી ગાડીનો ભોગ બનનાર બીજાં કોઈ ઝુંપડાવાસીને આપવા કામમાં આવશે.'' મને કારમાલિક ચાલતો થયો.
આનંદનું ઉદ્ગમસ્થાન ક્યાં ? કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોર કહે છે : ઉપભોગમાં આનંદ નથી પણ સર્જનના પુરૂષાર્થમાં આનંદ છે. નાળિયેર વેપારીની દુકાને પણ મળી શકે અને નાળિયેરીના વૃક્ષ પર પણ. કોઈ સાહસિક માણસ હાથ-પગ છોલાઈ રહ્યા છતાં નાળિયેર તોડી લાવે, એને છોલીને કાચલી કાઢે, એનું મધુર રસ પીવે અને ટોપરૃં ખાય તેવો આનંદ દુકાનેથી ખરીદેલા નાળિયેરમાંથી ન જ મળે. જીવન એ સાધના છે. સિદ્ધી માટેની દોડ નથી. આજના માણસ પાસે નથી ચિત્તશુદ્ધિ કે નથી વિત્તશુદ્ધિ. પૈસાદાર માણસ પાસે છે કેવળ વિલાસવૃત્તિ. પૈસો માણસને બહેકાવે, કેવળ વિહાર અને વિલાસ કરે તો પૈસો પ્રતિષ્ઠા અને મહેક ગુમાવી બેસે. 'નાના દિલના કહેવાતા 'મોટા' માણસોએ આ જગતમાં સંસ્કારવૃદ્ધિને બદલે વિકારવૃદ્ધિ ફેલાવી છે.'
આજે તમામ પ્રકારની નોકરીઓમાં કે સેવાના ક્ષેત્રોમાં બરકત કેમ નથી ? કારણ કે માણસ નોકરી કે સેવાના ક્ષેત્રોના વિહાર અને આરામની જગા સમજે છે. કાર્યમાંથી આધ્યાત્મિક્તા સમાપ્ત થઈ ગઈ છે. એક કર્મચારી રિસેસની પંદર મિનિટ અગાઉ બહાર જવાની તૈયારીમાં હતો. એવામાં એક ગરીબ માણસ એક મહત્વના કાગળમાં સહી કરાવવા આવ્યો. ટૂંકો ને ટચ ડ્રાફટ હતો. પણ એ કર્મચારીએ કાગળ પકડવાની ધરાર ના પાડી અને કહ્યું : ''કેન્ટીનમાં મારા મિત્રો મારી રાહ જોતા હશે. તમે લોકો તો નવરાધૂપ છો.'' ''સાહેબ, મેં મારી નોકરીમાંથી વીસ મિનિટની રજા લીધી છે એટલે ઓગણસમી મિનિટે મારે કામ પર હાજર થવું પડે.'' પેલા ગરીબ મજૂરે કહ્યું બકબક કરી મારો કીમતી સમય ન બગાડ. - કહી કર્મચારી ચાલ્યો ગયો.
આજના જીવનમાં યાંત્રિક્તાએ ભરડો લઈ લીધો છે. કર્મને કોઈ દેવ માનવા તૈયાર નથી. ''આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે.'' માનવીય સ્પર્શ વગરનું કાર્ય 'વેઠ' બની શકે છે 'વૈતરુ' બની શકે છે, લપ બની શકે છે. પ્રસન્ન ચિત્તે કામ કરતા માણસો દુર્લભ બનતા જાય છે. જીવનનો સહજ સાક્ષાત્કાર કરવાની તાકાત આપણામાંથી નામશેષ થઈ રહી છે. એક માણસ ટેબલ પર ફાઈલોના ઢગલા વચ્ચે આરામથી ખુરશી પર ઊંઘતો હતો. કોઈ કામસર તેને મળવા આવ્યું. આજે હું સી.એલ પર છું. કેજ્યુઅલ રજા માણવાનું ઉતમ સ્થાન ઑફિસ છે. એલ.ટી.સી.ની સગવડ માણસને કામ બાદ ફ્રેશ થવા મળે છે પણ વગર થાકે ફ્રેશ થવામાં રસ ધરાવતાં લોકોથી વિહારધામો ઉભરાય છે.
એક મકાનમાલિક ભાડુઆતને પૂછે છે : તમે મકાનનો કબ્જો મને બરાબર ચાર વાગ્યે આપી દેશોને ? મેં પાંચ વાગ્યાથી મકાન બીજાને વધુ ભાડાથી ભાડે આપી દીધું છે. એની પાસેથી ત્રણ માસનું ભાડું અને પંદર હજાર રૂપિયા ડિપોઝિટના લીધા છે. એટલે તો હું કુટુંબ સાથે ફરવા જવાનો છું. આ માણસની વૃત્તિને ચિત્તશુદ્ધિ કહેવાય? આજના માણસની મનોવૃત્તિ પેલા મકાનમાલિક જેવી છે. મનને એક મિનિટ પણ ખાલી રાખવા માગતા નથી.
જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે તેમ આપણે મનને એક ક્ષણ માટે પણ ખુલ્લું કે ખાલી રાખી શકતા નથી જીવનને સમજવા માટે ટેવો, પૂર્વગ્રહો, વિચારસરણીઓથી મુક્ત થઈને ખુલ્લા ચિત્તે વિચારવું જોઈએ. જે મન કોઈ ઘટના બન્યા પછી એ કદાપિ સુખાધિકાર માણી શકતો નથી. મનનું ખુલ્લાપણું એ જીવન છે અને ભાગેડુંપણું એ મૃત્યુ છે.
પર્લબર્કની એક નવલકથામાં એક ગ્રામીણ યુવતી પરણીને સાસરે જાય છે. બહુમાળી ટાવરમાં છઠ્ઠે માળે બે રૂમ અને રસોડાનું સાંકડું મકાન. એના ફ્લેટની ઉપર બીજા છ માળ છોકરીને તો ખુલ્લા આકાશમાં તારા ગણતાં ગણતાં સુવાની ટેવ. કુદરતી જીવનની એ ઉપાસક. એને શહેરમાં ગોઠતું નથી!
આપણે પણ મન અને દાનતથી ખુલ્લી સ્થિતિઓ આનંદ લઈ શકીએ એવી વૃત્તિ હોવી જોઈએ. પૈસો માણસને એ.સીની કેદમાં ઓરડામાં પૂરી રાખે છે પણ પવનની કુદરતી લહેરખીને 'સ્ટે ઓર્ડર' આપે છે. અસલીપણાની ઓળખ ગુમાવીને આપણે નકલીપણાની જંજાળમાં એટલા બધા ફસાયા છીએ કે આપણને અસલીપણું એક મજાક લાગે છે. સહજ અસલીપણું ધરાવતા માણસને લોકો 'કન્ટ્રી' માને છે. અપરાધો પારાવાર વધી રહ્યા છે અને માણસાઈમાં ઓટ વધી રહી છે. પશુબળ વધે પણ આત્મશક્તિ અને દિલની પવિત્રતા ઘટે તેવા દેહધારીને માનવ કોણ કહે? એક હિન્દી કવિતામાં કવિ ગિરિજાશંકર શુકલ કહે છે :
''દિલ મિલા અપાર પ્રેમ સે
ભરા તુઝે,
ઈસલિયે કિ
પ્યાસ જીવ માત્ર કી
બુઝે !
વિશ્વ હૈ તૃષિત મનુષ્ય અબ બન હું પણ
ફિર મહાન બન,
મનુષ્ય
ફિર મહાન બન.''
જેમ જેમ માણસના જીવનમાંથી 'સાધના' લોપાતી જાય તેમ તેમ તેના જીવનમાંથી સત્વશીલતા, શાલીનતા અને સંયમશીલતા વિલોપાતાં જાય છે. તમારી જાતને પાંચ પ્રશ્નો પૂછી જુઓ.
૧. કોઈના દુ:ખ દર્દ કે મૃત્યુના પ્રસંગે ખરેખર આઘાત પામી તમે ઈમાનદાર આંસુ સાર્યાં છે ખરાં ?
૨. તમારી સેવામાં કામ કરતા નોકર-ચાકર, ડ્રાઈવરના કુટુંબના દુ:ખ-દર્દમાં કદી ડોકિયું કર્યું છે કે ખરું ?
૩. પરસેવો પાડયા વગરનો રૂપિયો તમને શું નામંજૂર છે ?
૪. તમે કશી જ માગણી સિવાયની પ્રભુ પ્રાર્થના કરો છો ખરા ? સત્યનિષ્ઠા ધરાવો છો ?
૫. પ્રેમ, સેવા, ઈમાનદારી, વફાદારી જેવા ઉદાત્ત તત્વો તમારી જિંદગીનું આવક બળ છે ? નોકરી કે સેવા સ્થળને તમે દેવમંદિર માની શુદ્ધ દિલથી કામ કરો છો ખરા ?
દરેક માણસને પૂછો તો એ કહેશે : ''પૂછો નહીં કહાં હૂં પર ખુશ નહીં જહાં હું હોના જહાં નહીં થા મૈં આજકાલ વહાં હૂં.''