Get The App

યુવાનો માટે આત્મ ઘડતરના ઉપાયો કયા કયા?

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
યુવાનો માટે આત્મ ઘડતરના ઉપાયો કયા કયા? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- સૌથી મહત્વની વાત છે જાત સાથે 'સંવાદ' કરવાની. આત્મદર્શનનો અરીસો માણસની જિંદગીને ઉજળી બનાવવાનો હાથવગો કીમિયો છે

યુવાનો માટે આત્મ ઘડતરના ઉપાયો કયા કયા ?

પ્રશ્નકર્તા : પીયૂષ દવે, સોલા રોડ, અમદાવાદ.

દરેક વડીલ એવું માનીને ચાલતા હોય છે કે યુવાન યોગ્ય માર્ગે ચાલતો નથી. એ ફેશનઘેલો છે. મોજ-શોખ પાછળ ધૂમ ખર્ચ કરે છે. વડીલો કે મા-બાપનું માન-સન્માન જાળવતો નથી. વાચન વિમુખ બની ગયો છે. યુવાનને થયું છે શું ?

આવી આક્ષેપબાજીથી યુવાન કંટાળી ગયો છે.

જંગલમાં એક દીવો ટમટમી રહ્યો હતો. તેમાં એક સંત શાન્તિથી બેઠા છે. લોકોને ધર્મોપદેશ આપીને થાકી ગયા છે. આજે એમણે યુવાનોને સુધારવા માટેનો ખાસ્સો ઉપદેશ આપ્યો છે ?

એમણે પોતાના ઉપદેશમાં કહ્યું હતું : ''હે યુવાન તને હવે કાંઈક સારી વાતચીતની જરૂર છે. તું રીતભાતની કાળજી રાખતો નથી. તેમ છતાં તને આ બાબતનું જરા પણ દુ:ખ નથી. તારે આદર્શોના અજવાળાની જરૂર છે. પડકારો ઝિલવાની તારી શક્તિ મંદ પડી ગઈ છે. ટી.વી.ની ચેનલો પર આવતી રમતો તારા મનને માર્ગભ્રષ્ટ બનાવી રહી છે. સંત પર્ણકુટીમાંથી બહાર આવ્યા. ંસંતે ત્યાં બેઠેલા યુવાને પૂછયું : હમણાં મોટેમોટેથી તું જ બડબડાટ કરતો હતો ?''

યુવાને કહ્યું : ''હા મહારાજ, અહીં જ તમારી ભૂલ થાય છે. તમે ઉપદેશકો યુવાનને સંભળાવો છો ઝાઝું, પણ યુવાનોની વાત સાંભળવાની તમને લોકોને ફૂરસદ નથી હોતી. એટલે મેં નક્કી કર્યું છે કે મારે મારી નબળાઈઓ દૂર કરવા મારી જાત સાથે જ વાત કરવી. જાતથી મોટો જગદ્ગુરૂ કોઈ નથી. હું મારી જાતને આશ્વસ્ત કરવા માગું છું કે હું વીર છું, બહાદુર છું અને યૌવન એ માટેનો ઉચિત સમય છે.'' પેલા સંતને યુવાને કહેલી વાત દીવાદાંડી સ્વરૂપ છે.

બાળકથી માંડી એ યુવાન બને ત્યાં સુધી તેની પર એ વાતનો મારો ચલાવવામાં આવે છે કે એ ઉત્તમ શ્રોતા બને. વર્ગમાં શિક્ષકને પ્રશ્ન પૂછે તો એની જિજ્ઞાસાને ગેરશિસ્ત કહી અપમાનિત કે દંડિત કરવામાં આવે છે. સ્કુલના આચાર્ય ઠપકો આપે તો એણે ચૂપચાપ સાંભળી લેવાનાં શિબિરોમાં 'વ્યક્તિત્વ ઘડતર'ને બહાને ઠલવાતાં સૂચનો એણે શ્રોતા ભાવે સ્વીકારી લેવાના.

યુવાન પલાયન કરે ત્યારે એની આપણે ચિંતા કરીએ છીએ, તેને બદલે તેને પલાયન કરવાનું મન જ ન થાય એવું વાતાવરણ શું પેદા ન થઈ શકે ? વડીલોને યુવાનો સાથે સંવાદનો સમય જ નથી. ભારતીય માનસનો ભાગ્યવાદે એવો ભરડો લીધો છે કે સંતાન બગડયું કે સુધર્યું તેમાં નસીબને જ ફાળો છે.

યુવાન દેશની તાકાત છે. આવતી હાલની દુનિયા યૌવનના આદર્શો જીવનશૈલી અનુસાર આકાર લેવાની છે. રામનારાયણ પાઠકે વર્ષો પહેલાં ઉચિત રીતે જ લખ્યું હતું કે -

''રૂઝવે જગનાં જખ્મો

આદર્યાંને પૂરા કરે

ચલાવે તંતૂ સૃષ્ટિનો

ધન્ય તે નવ યૌવન.''

યૌવનને કોઈ ઘડી શકે નહીં સિવાય કે એની પોતાની જાત. રાજકારણીઓ યુવાનોને પોતાના ઉત્કર્ષનો કાચો માલ માની બેઠા છે. પ્રચાર એટલે હલકટ વાણી-વિલાસ નહીં પણ આચાર અને વિચારમાં વાકસંયમ. જાહેર સભામાં બેઠેલો યુવાન અનુકરણીય આદર્શ મેળવવાને બદલ ક્ષુદ્ર વક્તાઓની વાકલીલા ચૂપચાપ સહન કરી લેવાની. આજકાલ સંઘર્ષ કર્યા વગર શિખરે વિરાજિત થવાની સંખ્યા વધતી જાય છે. લક્ષ્યવેધ કર્યા સિવાય સત્તાની દ્રૌપદીને હાંસલ કરવા માટે અનેક મૂરતીઆ બેચેન છે. એમના દુષ્પ્રભાવથી બચવું એ આજના યુવાન માટે મોટી સમસ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિને માનવમાંથી મહામાનવ માની લેવો એ પ્રજાની વિવેકશક્તિનું દેવાળું છે. એવો 'મોટો માણસ' પોતાનો ભાગ્યવિધાતા બનશે. એવા ભ્રમમાં યુવાનો પણ રાચતા હોય છે.

પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વની છાપ ઉપસાવવા માટે આલ્બર્ટ હ્યુબર્ટે આપેલી સલાહ દરેક વ્યક્તિએ, દરેક યુવાને ધ્યાનમાં લેવા જેવી છે. તદનુસાર તમે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે ચહેરાને સહેજ ઊંચો રાખો. કપાળ ઊંચું રાખો. તમારા ફેફસાંમાં ઊંડો શ્વાસ લઈ શુદ્ધ હવાથી ભરી દો. સૂર્યનો પ્રકાશ તમારી આંખોમાં સમાવી લો. તમારા મિત્ર કે સ્વજનને હસતે ચહેરે વધાવો. જ્યારે હાથ મિલાવો ત્યારે માત્ર યાંત્રિક ક્રિયા તરીકે નહીં પણ ઉષ્માભર્યું દિલ ઠાલવી દો. એક પળ પણ તમારા દુશ્મન વિશે વિચારવામાં બગાડશો નહીં. એ વાતનો પાકો નિર્ણય કરી લો કે તમારે શું કરવું છે. પછી કોઈની દોરવણીની અપેક્ષા રાખ્યા સિવાય કોઠા સૂઝથી કાર્યમાં ખૂંપી જાઓ. તમારે જે અદ્ભુત મહાન કરવું છે તેના જ વિચારો મનમાં રાખ્યા પછી જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ તમને એ અનુભવ થતો જશે કે તમારી આકાંક્ષાને પરિપૂર્ણ કરવાના માર્ગમાં આવતી તકોને તમે સ્વાભાવિક રીતે, બિલકુલ સભાન બન્યા સિવાય ઝડપી લો. તમે તમારા મનમાં તમે જેવી સશક્ત વ્યક્તિ બનવા ઈચ્છતા હો, તેવી વ્યક્તિનું ચિત્ર કલ્પી લો. અને પછી જુઓ કે તમારામાં આપોઆપ એક નવા માણસનો જન્મ થઈ રહ્યો છે. તમે એમ માનો કે મારા વિચારો સર્વોપરિ છે માટે મારે મારા મનને મજબૂત બનાવવું જોઈએ. યોગ્ય રીતે વિચારવાની મનને તાલીમ આપો સાહસ, નિષ્કપટતા અને ધૈર્ય ભાવનાને કેળવતા રહો. આપણે ધારીએ તેવી વ્યક્તિ બની શકીએ છીએ. એ નિ:શંક છે. યુવાનો માટે આત્મઘડતરના કોઈ ઉપાયો છે ખરા ? હા, અવશ્ય છે.

૧. રાત્રે સૂતા પહેલાં આખા દિવસની ઘટનાઓ યાદ કરી તમારી ઈચ્છા સામે તમે ક્યાં હારી ગયા છો એનું આત્મદર્શન કરો.

૨. તમે બગડી ગયેલા, ઊંધા રસ્તે ચઢી ગયા છો એવું કદાપિ ન માન્તા. તમારામાં ઉન્નત થવાની ભરપૂર શક્યતાઓ અને શક્તિ છે એવું તમારી જાતને ઠશો.

૩. શિક્ષકો કે મા-બાપે તમને ઠોઠ ગણ્યા એવું કદાપિ ન માનશો.

૪. તમારી જાતને લાડ લડાવવાને બદલે યોગ્ય શિસ્ત માટે મનને તૈયાર કરો.

૫. પરીક્ષાઓનું પરિણામ એ જ માત્ર સફળતાનો માપદંડ નથી. જીવનનાં અનેક ક્ષેત્રો તમને સાદ કરી રહ્યા છે, એમ માનો.

૬. આવેગોને સમજીને તેને નિયંત્રિત કરવાનું શીખી લેવું જરૂરી છે.

૭. સૌથી મહત્વની વાત છે જાત સાથે સંવાદ કરવાની આત્મદર્શનનો અરીસો માણસની જિંદગીને ઉજળી બનાવવાનો હાથવગો કીમિયો છે.

૮. તમે કોઈએ તમારા વિશે બાંધેલી ધારણા કે આક્ષેપોથી વિચલિત ન થશો. આ જગત આક્ષેપશૂરું છે. તેજસ્વીના તેજને હણવું એ પરંપરા યુગોથી ચાલતી આવે છે.


Google NewsGoogle News