વૃદ્ધાશ્રમ માટે દાન આપવું એ ગૌરવ લેવા જેવું કે શરમ અનુભવવા જેવું?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- વૃદ્ધાશ્રમની આવશ્યકતા ઉભી થાય એ સ્થિતિ એ વાતની સાક્ષી છે કે માણસ જાત 'સભ્ય' બની, પણ 'સંસ્કારી' બની નથી!
* વૃદ્ધાશ્રમ માટે દાન આપવું એ ગૌરવ લેવા જેવું કે શરમ અનુભવવા જેવું ?
પ્રશ્નકર્તા : ચાવડા અરવિંદ લવજીભાઈ, ૧૧ જાગૃતિ સોસાયટી, ભોમેશ્વર મંદિર પાછળ, રાજકોટ-6 (સૌરાષ્ટ્ર)
ભતૃહરિએ 'નીતિશતક'માં કહ્યું છે તેમ ધનની ત્રણ ગતિ છે દાન, ભોગ અને વિનાશ. જે આપતો પણ નથી અને ભોગવતો પણ નથી તેની તૃતીય અવસ્થા એટલે કે વિનાશ થાય છે.
દાનને ધર્મ એટલે કે કર્તવ્ય માનવામાં આવ્યું છે. દાનના અનેક પ્રકાર હોઈ શકે. જેમકે : જ્ઞાાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચાર દાન, કીર્તિદાન, ધર્મદાન, અહિંસાદાન, ઉપદેશદાન, ધનદાન, ભૂમિદાન, મંદિરદાન, પ્રાણદાન, વિવાહદાન અને અભયદાન.
દાનનાં છ અંગો બતાવવામાં આવ્યાં છે. દાતા, પ્રતિગ્રહીતા, શ્રદ્ધા, ધર્મ, દેશ અને કાળ.
જે ધન બીજાને પીડા કરીને પ્રાપ્ત કરેલું ન હોય, પોતાના પરસેવાની કમાણીમાંથી આપવામાં આવેલું હોય તે દાન ઉત્તમ દાન છે. દાન એ એક પ્રકારનો ત્યાગ છે, અને તેમાં નમ્રતા, અહંકારહીનતા અને કરુણાને મહત્ત્વનું સ્થાન છે. દાન દાનપાત્ર એટલે કે દાન આપવા લાયક વ્યક્તિને જ અપાય તે પુણ્યદાયક બને છે. જે દાન લેવા માટે યોગ્ય હોય છતાં તે ન લે તેના સત્કાર્યની ભગવાનને ચોપડે નોંધ લેવામાં આવે છે.
દાનના ભગવદ્ગીતામાં ત્રણ પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. સાત્વિક દાન, રાજસીદાન અને તામસીદાન. આ ત્રણેયમાં સાત્વિકદાન એ ઉત્તમ દાન છે જ્યારે જે જે દાન અયોગ્ય સ્થળ કાળમાં દેવાય, કુપાત્રને દેવાય, તિરસ્કાર અને અનાદરથી આપવામાં આવે તે તામસીદાન છે.
ઋગ્વેદમાં કહ્યું છે કે સંપન્ન એ સુપાત્ર યાચકને કાંઈને કાંઈ દાન આપવું જોઈએ. અથર્વવેદ તેનાથી બે ડગલાં આગળ વધીને કહે છે કે સેંકડો હાથો વડે ધન એકઠું કરો અને હજારો હાથો વડે તે વિતરિત કરો. ધર્માત્મા પુરૂષ યશ ખાતર કે પોતાની ઉપર ઉપકાર કરનારને સ્વાર્થવશ દાન કરે તે ઉત્તમદાન નથી. પંચતંત્રમાં કહેવામાં આવ્યું છે કે બુદ્ધિશાળી લોકો સંસારમાં ગૌદાન, પૃથ્વીદાન અને અન્નદાનને પણ એટલંર શ્રેષ્ઠ નથી માનતા, જેટલું અભયદાનને શ્રેષ્ઠ માને છે. આચાર્ય રામચંદ્ર શુકલના મતાનુસાર સાચા દાનના બે પ્રકારો છે : શ્રદ્ધાવશ આપવામાં આવેલું છે તે અને બીજું દયાવશ આપવામાં આવેલું તે.
મહાકવિ સંત તુલસીદાસ કહે છે
''તુલસી પંછિન કે પિયે,
ઘટે ના સરિતા નીર,
દાન દિયે ધન ના ઘટે,
જો સહાય રઘુવીર''
કબીરે સાચું જ કહ્યું છે કે જે દાન સહજ રીતે મળે તે ઉત્તમ, માગવાથી મળે તે પાણી સમાન અને જે ખેંચતાણ પૂર્વક મળે તે રક્ત બરાબર.
આપણા દેશનો ઇતિહાસ દાતાઓના યશ પ્રકાશથી ઉજ્જવળ છે. મહાદાની કર્ણે દાનધર્મ નિભાવવા ખાતર યાચક બનીને આવેલા ઇન્દ્રને પોતાનાં કવચ કુંડળ ઉતારીને આપી દીધાં હતાં.
દેવોની વિનંતીને માન આપીને ઋષિ દધીચિએ પોતાનાં અસ્થિ દાનમાં આપી દીધાં હતાં. બલિરાજા પણ મહાદાની હતા. રતીદેવ પોતાના ડાબા અંગનું માંસ કાપીને દાન આપી દાતા ધર્મ નિભાવ્યો હતો. વસ્તુપાળ-તેજપાળે દેલવાડાનાં દેરાસરમાં લખલૂંટ દાન આપ્યું હતું.
કોઈ પણ પવિત્ર અને નિસ્વાર્થ દાન કદાપિ શરમાવા જેવું ન જ હોઈ શકે. વૃદ્ધાશ્રમ સ્થાપવા અને ચલાવવાં પડે તે સામાજિક કલંક છે. પરિવારો સ્વજનો અને વડીલો પ્રત્યે કરુણાશીલ, પ્રેમાળ અને સેવાવ્રતી નથી રહ્યાં તેનો આ પુરાવો છે.
આજનો માણસ આત્મકેન્દ્રી અને લોભી છે. એમાં સ્વાર્થની માત્રા બેહદ વધી ગઈ છે. માણસ ધનને જ ધર્મ માનતો થઈ ગયો છે અને સ્વાર્થ ખાતર ન્યાય, નીતિ અને સેવાભાવનાની જ ઉપેક્ષા કરે છે. આવા દાતાઓનું દાન પણ નિસ્વાર્થ પૂર્ણ નથી યશ ખાતર, પોતાની પ્રતિષ્ઠા અને નામના ખાતર તેઓ શરતી દાન આપે છે. એવા પાખંડી દાતાઓની સંખ્યા વધી રહી છે. તેઓ પૂજાય છે, માન-સન્માન પ્રાપ્ત કરે છે અને ચૂંટણીઓનો ચક્રવ્યૂહ ભેદી શકે છે.
વર્ષો પહેલાં શાહપુર, કમળશીની પોળ પાસે, અમદાવાદમાં એક મ્યુનિસિપલ સ્કૂલના દરવાજે લખેલું હતું : એક શ્રમજીવી નાગરિકના દાનમાંથી આજે એનું નવું નામકરણ થઈ રહ્યું છે પણ પેલો શ્રમજીવી નાગરિક જેણે પરસેવાની કમાણીમાંથી દાન કર્યું હતું તે વંદનીય જ છે.
વૃદ્ધાશ્રમ માટે દાન આપવું એ ઉત્તમકાર્ય છે, ગૌરવ લેવા જેવી બાબત છે પણ સમાજમાં વૃદ્ધાશ્રમો ચલાવાં પડે એ સ્થિતિ કોઈ પણ રીતે યોગ્ય નથી. વૃદ્ધ લાચારને વૃદ્ધાશ્રમમાં તગેડી મૂકવામાં આવે, તેના પેન્શન કે આર્થિક લાભોના ચેકમાં સહી કરાવી લેવામાં આવે તે શરમજનક છે. સંયુક્ત કુટુંબો નામશેષ થઈ રહ્યાં છે અને યુગલો પણ આત્મકેન્દ્રી બની વડીલો પ્રત્યેના કર્તવ્યોની ધરાર ઉપેક્ષા કરી રહ્યાં છે. તેમણે એવો વિચાર કરવો જોઈએ કે આવતી કાલે તેઓ પણ વૃદ્ધ થવાનાં છે. તેમની સાથે તેમનાં સંતાનો આવો અપમાનજનક વ્યવહાર કરશે તો શી દશા થશે ? વૃદ્ધાશ્રમ ચલાવનારે પણ પોતાને માનવસેવા ખાતર મળેલું દાન બળ્યાં-જળ્યાં, દુ:ખથી દાઝેલા વૃદ્ધાશ્રમ વાસીઓની સેવામાં વાપરવું જોઈએ. અને તેમની સેવાને દેવમંદિરમાં ભગવાનની પૂજા જેટલું મહત્ત્વ આપવું જોઈએ. દાન શુદ્ધ ભાવનાથી અપાય તો તે પુણ્યદાયક બની શકે છે. વૃદ્ધાશ્રમ ચલાવવાં પડે એ જ સમાજ માટે કલંકનો વિષય છે. વૃદ્ધાશ્રમની આવશ્યકતા ઉભી થાય એ સ્થિતિ એ વાતની સાક્ષી છે કે માણસજાત સભ્ય બની પણ સંસ્કારી બની નથી.