Get The App

દોસ્તી, મિત્રતા, ભાઈબંધી કેવી હોવી જોઇએ ? મિત્રતાનું મૂલ્ય આંકી શકાય ખરૂં ?

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
દોસ્તી, મિત્રતા, ભાઈબંધી કેવી હોવી જોઇએ ? મિત્રતાનું મૂલ્ય આંકી શકાય ખરૂં ? 1 - image


- ગુફતેગુ-ડૉ. ચંન્દ્રકાન્ત મહેતા

- મૈત્રી એ ઘીનો દીવો છે, ફાનસ કે વીજળીનો ગોળો નહીં. તેમાં પવિત્ર ઉષ્મા અને આત્મીયતા હોય છે. એવી મૈત્રી 'મૂલ્યવાન' હોય તેની કિંમત આંકી શકાય નહીં

દોસ્તી, મિત્રતા, ભાઈબંધી કેવી હોવી જોઇએ ? મિત્રતાનું મૂલ્ય આંકી શકાય ખરૂં ?

રક્ષિત ઉષાકર વૉરા, (જી કેપિટોલ ફ્લોરા, મુ.પો. સરગાસણ, તા. જિ. ગાંધીનગર, ગુજરાત)

માણસના જીવનમાં મૈત્રીનું આગવું મહત્વ છે. પણ મૈત્રી શબ્દ વિશાળ છે. તેમાં ઔપચારિક સંબંધની વાત પણ આવી જાય અને અંતઃકરણની આત્મીયતાનો સમાવેશ પણ થઇ શકે. એટલે જ કહેવાયું છે કે

'શેરી મિત્રો સો મળે,

તાળી મિત્ર અનેક

જેમાં સુખ-દુઃખ વહેંચીએ

તે લાખોમાં એક'

કહેવા ખાતર તો અનેક મિત્રો મળે પણ અંગ્રેજીમાં કહ્યું છે તેમ ' A Friend in Need, is a friend indeea' ' હિન્દીમાં આ જ વાત કહેવી હોય તો

'વિપત્તિ કસૌટી જો કસે,

સોહિ સાંચો મિત્ત'

રાજકવિ ભતૃહરિએ સાચો મિત્ર કેવો હોય તેનાં લક્ષણો ગણાવતાં કહ્યું છે કે -

સન્મિત્રનું પહેલું લક્ષણ છે તે મિત્રને પાપ કરતાં રોકે છે. મિત્ર ભ્રષ્ટાચારી હોય, લાંચરૂશ્વત કે હિંસાખોરીમાં અટવાયો હોય તો તેને સુધારી પાપ કરતાં રોકે છે. એટલું જ નહીં એના હિત માટે યોજના કરે છે.

મિત્ર સાથે આત્મીય સંબંધો હોઈ માણસ પોતાની રહસ્યમય વાતો પણ મિત્રને ઉમળકાભેર કરતો હોય છે - એ વિશ્વાસ સાથે કે મિત્ર તે વાત ગુપ્ત રાખશે. પણ દગાબાજ મિત્રો એવું રહસ્ય જાણી મિત્રનું શોષણ કરે છે. આ મહાપાપ છે. મિત્ર પોતાના મિત્રના જે કોઈ કે જે કાંઈ મહાન ગુણો હોય તેને પ્રગટ કરે છે. એનો પ્રચાર કરે છે અને મિત્રની શાનમાં અભિવૃદ્ધિ કરે છે. મિત્ર આપત્તિમાં હોય ત્યારે તેનો સંગ કે સાથ છોડી દેવાને બદલે તેને દિલથી મદદરૂપ થાય છે અને જરૂરિયાત મુજબ તેને તન-મન-ધનથી સાથ અને સહકાર આપે છે. આવા મહાન ગુણોની સંપત્તિ ધરાવનાર જ સાચો મિત્ર કહેવાય.

પૌરાણિક પ્રાચીન કથાઓમાં શ્રીકૃષ્ણ અને અર્જુન તથા શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીકથાઓ પ્રચલિત છે. 'તારો મને સાંભળશે સથવારો રે' એ ભજન-ગીતમાં ગાવામાં આવ્યું છે કે -

'જ્યાં લગી આભમાં

સૂર્ય ચંદ્ર તણો

અમર રહેશે ઝબકારો રે

તારો મને સાંભળશે

સથવારો રે'

એવું જ કૃષ્ણ-સુદામાની દોસ્તીનું સ્મરણ કરતું ગીત

'તને સાંભરે રે ?

મને કેમ વિસરે રે'

એ મૈત્રી કેટલી સન્નિષ્ઠ હતી અને અમીર-ગરીબના ભેદ વિહોણી હતી તે યાદ કરતાં કૃષ્ણ-સુદામા સંવાદ કરે છે.

'કામ દીધું ગોરાણીએ

તને સાંભરે રે'

હાજી, લઇ આવો ને

કાષ્ટ મને કેમ

વિસરે રે !

સ્કંધે કુહાડા ધર્યા

તને સાંભરે રે

હાજી કાપ્યું મોટું

થડ, મને કેમ

વિસરે રે'

ભલે સ્વાર્થ પ્રેરિત હોય પણ કર્ણ અને દુર્યોધનની મૈત્રી પણ યાદગાર હતી. 'રશ્મિરથી' ખંડ કાવ્યમાં કવિ દિનકરે વર્ણવ્યું છે તેમ -

'મૈત્રી કી બડી સુખદ છાયા

શીતલ કો જાતી હૈ કાયા

ધિક્કારપાત્ર હોગા વહનર

જો પાકર ભી ઐસા તરુવર

જો દૂર ખડા કટવાતા હૈ

પર આપ નહીં કટ

જાતા હૈ'

એટલું જ નહીં કર્ણ કહે છે

'ધરતી કી હૈ ક્યા બિસાત

વૈકુંઠ યદિ લગ જાયે હાથ

તો કુરુપતિ કે ચરણોમાં

ધર દૂં'

અને અંતિમ ક્ષણ સુધી કર્ણ દુર્યોધન સાથેની મૈત્રીનું ઋણ અદા કરતો રહે છે.

મૈત્રીનો વિકાસ એ ઉતાવળનો વિષય નથી. તેને ધીરે ધીરે વિકસવા દેવી જોઇએ. મૈત્રી એ તપસ્યા છે. તેનું ફળ પ્રાપ્ત કરવાની ઉતાવળ મૈત્રી માટે વિઘાતક બની શકે છે.

મૈત્રીને માણસો સ્વાર્થના ત્રાજવે તોળે છે. મિત્રે નવ્વાણું કામ કર્યાં હોય પણ એક કામ તે ન કરી શકે તો માણસ મૈત્રી સંબંધ તોડી નાખવા તૈયાર થઇ જાય છે. આવી મૈત્રી એ તકલાદી અને તકવાદી હોય છે. આઘાત સહેવાની તૈયારી જ મિત્ર પ્રત્યે ક્ષમાભાવ કેળવવાની દ્રષ્ટિ આપે છે. મૈત્રી અહંકારશૂન્ય હોવી જોઇએ. ઘણીવાર એક સમયનો મિત્ર મોટો પદાધિકારી કે પ્રધાન બની જાય, ત્યારે જે તે સમયના મિત્રને ભૂલી જાય છે. એક માણસ સ્વાનુભવ વર્ણવતાં કહી રહ્યો કે મારો એક સમયનો મિત્ર મોટો માણસ બની ગયો ત્યારે હું તેને મળવા ગયો. પણ ઠંડો આવકાર ! મેં તેની સાથે ભૂતકાળનાં સ્મરણો યાદ કર્યા, ત્યારે પેલા 'મોટા માણસે' કહ્યું 'મને ભૂતકાળ યાદ રાખવાની ટેવ નથી. ઓ.કે. બાય' કહી તે બીજા ખંડમાં જવા ઉભો થયો.

મૈત્રી એ ઘીનો દીવો છે. ફાનસ કે વીજળીનો ગોળો નહીં. તેમાં મૈત્રીની સાચી ઉષ્મા અને આત્મીયતા હોય છે. એવી મૈત્રી મૂલ્યવાન હોય છે તેની કીમત આંકી શકાય નહીં.

જિંદગીમાં પડકારો ઝિલવા માટે મિત્રની જેમ મદદરૂપ થઇ શકે, એવી પાંચ બાબતો કઇ ?

૧. તમે તમારા ભાગ્યવિધાતા છો એ વાત બરાબર પણ તમારા ભાગ્ય નિર્માણમાં મિત્રો પણ ફાળો છે, એ વાત યાદ રાખજો.

૨. આગળ વધવાની ઉતાવળને વશ થઇ પાછળ રહી જવાની સ્થિતિનું જાતે નિર્માણ ન કરતા.

૩. મૈત્રીનું ઋણ અદા કરવા સદાય તત્પર રહેજો.

૪. આંખ ઉઘાડી રાખીને ચાલશો તો તમારી રાહ જોતા અનેક રસ્તાઓ તમારી નજરે પડશે.

૫. તમારી મૈત્રીનું મૂલ્ય ન સમજે એવા મિત્ર તરફ ધિક્કાર ભાવ ન રાખતાં ક્ષમાભાવ દાખવજો.

હકીકતમાં મૈત્રી એ એટલી મહાન વસ્તુ છે કે તેનું મૂલ્ય રૂપિયા પૈસા કે સત્તાથી આંકી શકાય નહીં. મૈત્રીનું મૂલ્ય બસ મૈત્રી જ છે. એવો એકાદ મિત્ર મળી જાય તો યાદ રાખજો કે તમે જિંદગી તરી ગયા. તમારી મૈત્રીનું મૂલ્ય ન સમજી તમને 'મામૂલી' માને એના જેવો મિત્રદ્રોહી બીજો કોઈ નથી. સાચી મૈત્રીને પરમાત્મા પણ આશીર્વાદથી ધન્ય બનાવે છે.


Google NewsGoogle News