Get The App

જીવનને સંતુલિત રાખવા માટે કઈ અઢાર બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
જીવનને સંતુલિત રાખવા માટે કઈ અઢાર બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- આજના માણસ કરતાં પહેલાંનો માણસ વધુ સુખી હતો. કારણ કે એ બુદ્ધિ અને ભાવનાનું સંતુલન રાખી શકતો હતો. બુદ્ધિ અંગેના ભ્રમે આજે માણસને અહંકારી, દંભી, આત્મકેન્દ્રી અને વિતંડાવાદી ગણતરીબાજ બનાવી દીધો છે

શું આજનો માણસ 'સમતોલપણું' ગુમાવી બેઠો છે ? એને બધું 'અરજન્ટ' જોઈએ છે ?

પ્રશ્નકર્તા : પ્રમોદ આર. શાહ, દક્ષિણ બોપલ એરિયા, બ્રિજ નીચે, અમદાવાદ

એક ભાવનાશાળી શિક્ષક વર્ગમાં આવ્યા. વિદ્યાર્થીઓને 'દેવતા' ગણી નમસ્કાર કર્યા અને કહ્યું : ''હું પ્રામાણિક છું'' આ વાક્યને ભૂતકાળમાં બદલો.

એક વિદ્યાર્થીએ ઉભા થઈને જવાબ આપ્યો : સર, આ વાક્ય પોતે જ ભૂતકાળ છે. મારા દાદાજી કહેતા હતા કે માણસની પ્રામાણિકતા હવે ભૂતકાળનો વિષય બની રહી છે.

શિક્ષક દાદાજીની વાત પર આફરીન થઈ ગયા. કેવું મોટું સત્ય દાદાજીએ વેદના સહ ઉચ્ચાર્યું હશે ? માણસને આચાર સંહિતા શીખવવી પડે એ માણસાઈનું અપમાન છે. માણસ સાચા અર્થમાં ઈન્સાન બને તે માટે ભૂતકાળથી જ કેટલાક વણલખ્યા નિયમો પ્રચલિત છે. આપણા પૂર્વજોને મનુષ્ય સત્યનિષ્ઠ, ઈમાનદાર, ચારિત્ર્યશીલ, ભાવનાશાળી અને કર્તવ્ય નિષ્ઠ બને એ ખપતું હતું તેથી કથા-વાર્તા-દ્રષ્ટાંતો વગેરેમાં આ બધા સદ્દગુણોને વણી લેવામાં આવ્યા. સંપત્તિ અને સન્મતિ બન્નેના ત્રાજવામાં સન્મતિનું પલ્લું સદાય ભારે રહે એ માટે ત્યાગ અને બલિદાનનો જય જયકાર કર્યો. માણસ એક તરફી વિલાસી અને મોહાંધ જીવન જીવવાને બદલે જીવનમાં સમતોલપણાને નજર સમક્ષ રાખી સમુન્નત બનાવવાનો પ્રયત્ન કરે એ જ શ્રેયસ્કર છે. મનુષ્યત્વનો જયજયકાર કરતાં ઉપનિષદમાં કહ્યું છે કે મનુષ્યથી શ્રેષ્ઠ આ દુનિયામાં કશું જ નથી. 'મનુષ્ય જબ જોર લગાતા હૈ પથ્થર પાની બન જાતા હૈ.'

એક જમાનામાં ધનવાન કરતાં જ્ઞાનવાન અને ખાનદાન પૂજાતો હતો. થોડામાં જીવનનો ગુજારો કરવામાં નાનમ માનતો નહોતો. શ્રેય અને પ્રેયનું તેના જીવનમાં સહજ સંતુલન રહેલાં સુભાષિતકારો બેધડક લખતા કે, નીતિને જાણનારો ભલે નિંદા કરે કે વખાણ કરે, ભલે લક્ષ્મી ચાલી જાય કે પ્રાપ્ત થાય, આજે જ મરણ થાય કે યુગો પછી થાય, પણ ધીર પુરુષો ન્યાયયુક્ત માર્ગથી કદી વિચલિત થતા નથી ! આઝાદી પહેલાં જેમના નામના સોગંદ લઈ શકાય એવા પવિત્ર રાજકારણીઓ હતા. મરણ પસંદ કરે પણ અપયશ હરગિજ નહીં એવી ખુમારી હતી. આજે માણસ પોતાની ભ્રષ્ટતા-અશિષ્ટતાનો બચાવ કરતાં શરમાતો નથી. વાણી અને વર્તનમાં સમતોલપણાની ધરાર ઉપેક્ષા કરતાં કહે છે કે દુનિયામાં કોણ ઈમાનદાર છે કે હું ઈમાનદારી દાખવું? બીજાને સફળતાપૂર્વક મૂર્ખ બનાવવાની આવડત આજે ડહાપણ ગણાય છે. 'મોટા' બનવું હોય તો અસત્ય ઉચ્ચારી મીડિયાની 'હેડલાઈન'માં રહો. ખોટા સિક્કાનું ચલણ વધતું જાય છે કદાચ એક વખત એવો પણ આવી શકે કે ખોટો સિક્કો જ સ્વીકૃત થઈ જાય અને સાચા સિક્કાનો કોઈ ભાવ ન પૂછે.

એક મોટા પણ ઈમાનદાર સરકારી અધિકારીનો છોકરો સાયકલ પર સ્કૂલે જતો હતો જ્યારે પેલા અધિકારી કરતાં નીચો હોદ્દો ધરાવનાર કર્મચારીઓ છોકરો વટભેર કારમાં બેસી સ્કૂલે જતો હતો. પેલો સાયકલ સવાર થઈ સ્કૂલે જતા છોકરાએ કારમાં સ્કૂલે આવતા છોકરાને પૂછ્યું : ''તારા પપ્પા પાસે કાર ક્યાંથી ? તેમનો પગાર તો મારા પપ્પાના પગાર કરતાં પણ ઓછો છે.''

પેલા છોકરાએ કહ્યું : ''મારા પપ્પા કહેતા હતા કે તારા પપ્પા બુદ્ધુ છે. તેમને આ યુગ પ્રમાણે જીવતાં નથી આવડતું.''

આજના કહેવાતા હનુમાનો સત્તાની લંકા ભણી કૂદકા મારે છે, પરંતુ ઈમાનદાર સત્તારૂપી સીતાની ભાળ મેળવવા માટે નહીં પણ રાવણનું ટયૂશન રાખવા ! આજના માણસને માત્ર સિદ્ધ ખપે છે. સાધનાં નહીં : એટલે બધું અરજન્ટ જોઈએ છે. ''આપણે રહ્યા બુદ્ધિજીવી'' માણસ.

આપણને તમારી જેમ ભાવનાત્મક વાતો કરવાનું ન પાલવે. જેઓ હ્ય્દયથી વાતો વધુ સાંભળે છે અને બુદ્ધિની વાતો સાંભળતા નથી બુદ્ધિ તેને આકરી સજા કરે છે. પોતાને મળવા આવેલા એક સીધા-સાદા માણસને પ્રભાવિત કરવા એક 'બુધ્ધિજીવી' પોતાની બુદ્ધિનું શાબ્દિક પ્રદર્શન કરી રહ્યા હતા.

બુદ્ધિ અને હ્ય્દય બન્નેનું સંતુલન કરી વિવેકદ્રષ્ટિને હેમખેમ રાખવી એ જીવન સામેનો બહુ મોટો પડકાર છે. બુદ્ધિ એ ભાવનાની સપત્ની (શોક્ય) નથી ! બન્ને પડોશણો છે. એક ચિત્તની વિભૂતિ છે, બીજી હ્ય્દયની વિભૂતિ.

આજના માણસ કરતાં પહેલાંનો માણસ વધુ સુખી હતો. કારણ કે એ બુદ્ધિ અને ભાવનાનું સંતુલન રાખી શકતો હતો. બુદ્ધિ અંગેના ભ્રમે આજે માણસને અહંકારી, દંભી, આત્મકેન્દ્રી અને વિતંડાવાદી ગણતરીબાજ બનાવી દીધો છે. પરિણામે માહિતીપ્રચૂર લોકો વધ્યા છે અને સાચા અર્થમાં જ્ઞાન ડહાપણના વૈભવથી વિભૂષિત લોકો ઘટી રહ્યા છે. જેની બુદ્ધિ માટે આપણને માન ઉપજે એવા લોકોનું નૈતિક અધ:પતન થતાં તેઓ સ્વાર્થના કિલ્લામાં ષડયંત્રોની શતરંજ ખેલી રહ્યા છે.

માણસની ખરી મોટાઈ તેણે પ્રાપ્ત કરેલું પદ નથી પણ તેણે વિકસાવેલી સંતુલિત જીવન દ્રષ્ટિ છે. સ્વ. મુકુલભાઈ કલાર્થીએ જ્યોર્જ વોશિંગ્ટનની જીવનની વાત કરતાં નોંધ્યું હતું કે જ્યોર્જે તલવારની બન્ને બાજુએ બે પાયાની વાતો કોતરાવી હતી :

૧. સત્ય આચાર ૨. નિર્ભયતા. આ ઉપરાંત એમણે જીવન વ્યવહારને ઉન્નત બનાવે એવા અઢાર સૂત્રો પણ સૂચવ્યાં હતાં, જે જીવનને સંતુલિત અને ઉન્નત બનાવવા માટે દીવાદાંડી રૂપ છે :- ૧. પ્રત્યેક કાર્ય હાજર રહેલી વ્યક્તિઓ પ્રત્યે આદર દર્શાવીને જ કરવું ૨. ખુશામતખોર બનવું નહીં. જેને રમવું ગમતું ન હોય તેની સાથે રમવું નહીં. ૩. બધાંની સાથે મંડળીમાં બેઠા હોઈએ ત્યારે છાપું કે પુસ્તક વાંચવું નહીં. ૪. કોઈ લખવા બેઠું હોય ત્યારે તેના કાગળ કે પુસ્તક પાસે જવું નહીં. ૫. ચહેરો હંમેશાં હસમુખો રાખવો. પરંતુ ગંભીર પ્રસંગે ગંભીરતા રાખવી. ૬. બીજાની સાથે વાત ટૂંકમાં પતાવવી. નિરર્થક લંબાણ ન કરવું. ૭. બીજાને પહેલા બોલવા દેવા એ સારી રીતભાતની નિશાની છે. ૮. કોઈ માણસ બનતું કરી છૂટે તોય સફળતા ન મળે તો તેને ઠપકો ન આપવો. ૯. કોઈના સલાહ-સૂચનનો આભારપૂર્વક સ્વીકાર કરવો. ૧૦. કોઈના વિશે નુકસાનકારક ખોટા ગપાટા સાંભળીએ તો એકદમ માની લેવા નહીં. ૧૧. કપડાં હંમેશા સાદાં પહેરવાં અને પોતાની સ્થિતિને છાજે એવાં પહેરવાં. ૧૨. મોરની પેઠે જાતને નિહાળીને ફૂલાવું નહીં. ૧૩. ખરાબ સોબતમાં રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું. ૧૪. કોઈની સાથે વાત કરીએ તો તે ઈર્ષ્યા અને દ્વેષથી મુક્ત રાખવી. ૧૫. આપણા કોઈ મિત્રને બીજાની છૂપી વાત શોધી કાઢવા દબાણ કરવું નહીં ૧૬. કોઈને ગમ્મતમાં મજા ન પડતી હોય તો તે ઠેકાણે ગમ્મત કરવી નહીં. ૧૭. બીજાના દોષ જોવા નહી ૧૮. કોઈ બોલતું હોય ત્યારે તેની વાત ધ્યાનપૂર્વક સાંભળવી.

જ્યોર્જ વોશિંગ્ટને સૂચવેલી આ આચાર સંહિતા વ્યક્તિના અંગત વર્તન, સમતોલપૂર્ણ દ્રષ્ટિકોણ અને જાહેર વર્તનને ઉદાત્ત બનાવનારું એક અસરકારક રસાયણ છે. 


Google NewsGoogle News