સમય વેડફવો એ શું જિંદગીનું અપમાન છે?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- 'દિવસો મિત્રના વેશમાં આપણી સમક્ષ આવે છે અને કુદરતના અદ્રશ્ય હાથે લખાયેલી અમૂલ્ય બક્ષિસ લાવે છે. પણ આપણે તેનો ઉપયોગ કરીએ નહીં તો મૂંગા મૂંગા જતા રહે છે અને ફરી પાછા આવતા નથી'
* સમય વેડફવો એ શું જિંદગીનું અપમાન છે ?
* પ્રશ્નકર્તા : ચારૂ તથા વ્યોમેશ આર. પંડયા, ૪૦ ગંગામૈયા સોસાયટી, હાટકેશ્વર, ખોખરા મહેમદાવાદ, મણિનગર, અમદાવાદ - ૮
પરીક્ષાના દિવસો હતા. કેટલાક યુવાનો નફિકરા હતા. એવા ત્રણ-ચાર દોસ્તોએ કહ્યું : 'યાર ! પરીક્ષાઓ તો આવે ને જાય ! જિંદગીમાં મોજ કરવાનો અવસર જતો ન કરાય. આપણે પરીક્ષામાં પાસ થવા ઇચ્છતા જ નથી. એ.ટી.કે.ટી. આવે એટલે બસ.' એ ટોળકી મધરાત સુધી ગપ-શપ કરતી રહી અને સમયની કીમતનું સત્યનાશ વાળી નાખ્યું !
'વિભૂતિ વાણી'માં શ્રી અનુભવાનંદજીએ કેટલાંક મહત્વનાં ઉદાહરણો સમય, સદુપયોગ વિશે ટાંક્યાં છે. જે પ્રેરક અને રસપ્રદ છે. કોરલ્સ કહે છે : આપણું જીવન સમયનું જ બનેલું છે. જો તમે અનંતતાને ચાહતા હો તો સમયનો સદુપયોગ કરો. વ્યર્થતામાં વીતી ગયેલી કાલ પછી આવવાની નથી. માત્ર આ જ તમારી છે. જો આજ ગુમાવી તો આપની કાલ પણ ગુમાવી જ સમજો જે કાર્ય આજે નહીં થઇ શકે એ બે કે બાવીસ આવતી કાલથી પણ થવાનું નથી.
સમય એ દેવતા છે. આપણા ભાગ્યનો નિર્માતા છે. સમય માણસને હસાવી પણ શકે છે અને રડાવી પણ શકે છે. તારી પણ શકે છે અને ડૂબાડી પણ શકે છે. સમયને જીતનાર સાચો માણસ કોણ ? જે આજની ચોટલી પકડીને પોતાને મદદરૂપ થવાનો હૂક્મ કરી શકે તે.
જોસેફ પારકર કહે છે : આજનું કરેલું કામ બીજે દિવસે ગઇકાલનું કામ બનશે આજનું કરેલું કાર્ય જ આપણું આવતી કાલનું ચારિત્ર્ય ઘડે છે. અને આજે કરેલું કાર્ય જ આપણને આવતી કાલે કરવાનાં કાર્યોની શક્તિ આપે છે. સંત કબીરની સલાહ આપણે માનીએ.
'કાલ કરે સો
આજ કર,
આજ કરે સો અબ
પલમેં પરલૈ હોઇગી
બહુરિ કરેગા કબ.'
જો આપણે જીવને સાચા અર્થમાં ચાહતા હોઇએ તો સમયના 'ભક્ષક' નહીં પણ રક્ષક બનીએ. ઘણા લોકો પોતાનો સમય બગાડે છે તેમ બીજાનો સમય પણ બગાડે છે. ગમે ત્યારે ટપકી પડી બીજાના કાર્યમાં વિઘ્નરૂપ પણ બનતા હોય છે. આવા સમય ભક્ષકો અભિશાપરૂપ છે. ઓક્સફર્ડ એક ઘડિયાળના ચંદા પર લખેલું છે : 'કલાકોનો નાશ થાય છે અને તે આપણે નામે ચઢે છે.'
અહીં સ્વાનુભવના બે પ્રસંગો ટાંકવા જેવા લાગે છે. ત્યારે હું લંડનના પ્રવાસે હતો. મારે યુ.કે.ના યુવાનોના મનોવલણ વિશે જાણવું હતું. એ માટે મેં શ્રી જગદીશ દવેને આમંત્રિત કર્યા હતા. મારું તે વખતનું રોકાણ લંડનના 'સેવન સિસ્ટર સ્ટેશનથી નજીક હતું. શ્રી જગદીશભાઈ મને ૩।। વાગ્યે મળવા આવવાના હતા. બરાબર સવાત્રણ વાગ્યે તેમનો ફોન આવ્યો :' હું તમારા આવાસની નીચે એક ઠેકાણે ઉભો છું. બરાબર ૩।। વાગશે એટલે મળવા આવીશ. મારાથી નિર્ધારિત સમય પહેલાં ન જ અવાય. અને બરાબર ૩।। વાગ્યે તેઓ મળવા માટે આવ્યા. આ છે સમય પાલનનું મહત્વ. સમય પાલનની બાબતમાં આપણે ઊણા ઉતરીએ છીએ. કોઇને ૩।। વાગ્યાનો સમય આપ્યો હોય અને એક કલાક રાહ જોયા બાદ આપણે સામેથી ફોન કરીએ ત્યારે જે તે મહાશય નફ્ફટાઇથી કહે : 'આજે હું નથી આવવાનો.' ન આવવાનો ફોન પણ તેમણે સમયસર ન કર્યો !
ગુજરાત કોલેજમાં પ્રો. અભ્યંકર હતા. તેઓ સમય પાલનના જબર્જસ્ત આગ્રહી. એક વાર કોઇને મળવાનો સમય આપ્યો. અને તે મુલાકાતી સવારના નવમાં એક મિનિટ બાકી હતી અને પ્રો. અભ્યંકરને મળવા પહોંચ્યો. પ્રો. અભ્યંકરે કહ્યું : 'યુ આર વન મિનિટ અર્લિયર' : તમે એક મિનિટ વહેલા છો. પેલો માણસ 'સૉરી' કહી બહાર નીકળી ગયો.
ત્યાર બાદ બે મિનિટે ફરી મળવા ગયો ત્યારે પ્રો. અભ્યંકરે કહ્યું : 'યુ આર વન મિનિટ લેટ' તમે એક મિનિટ મોડા છો.' આવી અનિયમિતતાને આપણો શિક્ષિત સમાજ દંભ ગણીને તેની પરવા કરતો નથી એ દુ:ખદ બાબત છે.
એવી જ વાત કૅન્ટ નામના તત્વચિંતકની છે. કૅન્ટ જ્યારે રસ્તા પરથી પસાર થતા ત્યારે લોકો પોતાની ઘડિયાળનો સમય મેળવી લેતા. કૅન્ટની આ સમયપાલનનો આગ્રહ સૌ માટે પ્રેરક છે.
'વિભૂતિવાણી'માં સમય પાલનના અનેક ચિંતકોના ઉદ્ધરણો નોંધવામાં આવ્યાં છે.
નોયલી પેટનના શબ્દોમાં 'માણસની જિંદગીના દરેક કલાકમાં તેનાથી બને તેવું કાસ કામ કરવાનું હોય છે. આખી જિંદગીના બીજા કોઈ કલાકમાં તે કામ થઇ શકે એવું હોતું નથી. બેકને કહ્યું છે તેમ કોઈ પણ માણસ ઉંમરમાં નાનો હોય પણ તેણે સમય ગુમાવ્યો ન હોય તો તે કલાકોમાં મોટો હોય છે.'
વર્ષો જૂનો એક પ્રસંગ યાદ આવે છે. યુવાલક્ષી કાર્યક્રમના ઉદ્ધાટન માટે અમે બરાબર ૯।। વાગ્યે તેમને આવવાની વિનંતી કરી હતી. ૯।। ને બદલે બપોરે ૧ વાગ્યે તેઓશ્રી પધાર્યા અને તેમણે જીવનમાં 'સમય પાલનનું મહત્વ' એ વિશે લેકચર ફટકાર્યું ! બોલો, કાંઈ કહેવું છે ?
રસ્કિન નામના તત્વચિંતક કહે છે 'જુવાનીનો એક પણ કલાક એવો નથી હોતો, જેમાં કાંઈ ભાવિની તક ના હોય. તપેલા લોખંડ પર એક ઘા ભૂલવામાં આવ્યો હોય તો પછી ઠંડા લોખંડ પર અનેક ઘા કરવા પડે છે ! કવિ હરિવંશરાય બચ્ચને પણ આ જ વાત કરી છે :
'ગર્મ લોહા પીટા ઠંડા પીટને કો
બહુત સારા સમય પડા હૈ''
દિવસો મિત્રના વેશમાં આપણી સમક્ષ આવે છે અને કુદરતના અદ્રશ્ય હાથે લખાયેલી અમૂલ્ય બક્ષિસ લાવે છે પણ આપણે તેનો ઉપયોગ કરીએ નહીં તો મૂંગા મૂંગા જતા રહે છે અને ફરી પાછા આવતા નથી. દરરોજના એક કલાકના સદુપયોગથી દશ વર્ષમાં ગમે તેવો અજ્ઞાની માણસ પપણ સારા જ્ઞાન વાળો થઇ શકે.