શું આ જગતમાં મશહૂર થવાની વિવેકહીન સ્પર્ધા ચાલી રહી છે
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- નવા વર્ષે કઈ સાત આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક મશહૂર થવાની તાલાવેલી એ મહારોગ છે. એને માટે માણસ ગમે તેવું મોટું મૂલ્ય ચૂકવવા તૈયાર થાય છે. સ્વાર્થે માણસને પોતાના સોહામણા ચહેરાનંી બલિદાન આપી મહોરું ધારણ કરી જીવતો કરી દીધો છે.
શું આ જગતમાં મશહૂર થવાની વિવેકહીન સ્પર્ધા ચાલી રહી છે
પ્રશ્નકર્તા : સબીર ઇબ્રાહીમ મોમીન ટેલીકોમ શાન્તિપુરા ચોકડી, સફર હોટલની સામે, સાણંદ હાઈવે, અમદાવાદ.
મશહૂર અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રખ્યાત કે જાણીતું. માણસને આ જગતમાં સૌથી વહાલું અને પ્રિય હોય તો તે છે પોતાના નામની ખ્યાતિ અને પ્રગતિ.
માણસ સીધી રીતે પણ પ્રખ્યાત કે મશહૂર બને કે સ્ટંટ કરીને, ચિત્ર-વિચિત્ર વર્તન કરીને કે કુકર્મ દ્વારા પબ્લિસિટી મેળવીને. મશહૂર બને છે. માણસ ભગવાન કે અલ્લાહને મનોમન એક જ ઇબાદત (પ્રાર્થના) કરતો હોય છે કે હું પ્રખ્યાત બનું, મારી નામના થાય. આલમમાં મારું નામ પૂછાય. પોતાના નામની ખ્યાતિ-પ્રખ્યાતિ માટે માણસો જાતજાતનાં નૂસ્ખા અજમાવે છે.
એક ઘટિત પ્રસંગ વિશેષનું સ્મરણ થાય છે. એક જ્ઞાન ગોષ્ઠિના કાર્યક્રમ અંગે વ્યાખ્યાનનું નિમંત્રણ પાઠવવા એક 'વિદ્વાન' આચાર્યને અમે મળવા ગયા. ચપરાસી દ્વારા ચિટ્વી મોકલાવીને એ મહાનુભાવના 'દર્શન'ની અમે પ્રતીક્ષા કરવા લાગ્યા. ખાસ્સો અડધો કલાક વીતી ગયો. છતાં મળવાનું તેડું ન આવ્યું. એટલે અમે અકળાઈને એ મહાનુભાવની વ્યસ્તતા વિશે પૂછ્યું. 'બોસ'થી અસંતુષ્ટ પ્યુને કહ્યું : 'જવા દોને સાહેબ મોટા માણસો બધા જ એક નંબરના દંભી હોય છે. તમારી પર 'રોફ' છાંટવા અમારા બોસે તમને અડધો કલાક બેસાડી રાખ્યા ! હમણાં એમના કામનો કોઈ માણસ આવે તો ? ઉભી પૂછડીએ દોડે કેબિનની બહાર, સ્વાગત કરવા માટે. મને ડો.દેવેન્દ્ર શર્માનો એક નિબંધ યાદ આવી ગયો.' 'ઊંચે ચઢ કે દીખા તો એક સમાન દેખાઃ કબીરે પણ નોંધ્યુ છે કે ઊંચે ચઢકે દેખા તો ઘર ઘર એકે લેખા. તમે જેને મોટો ગણી એની આગળ ઝૂકો છો, એની કદમબોસી કરો છો, એની કૃપાદૃષ્ટિને કરુણાના દીન યાચક બનો છો એને ખુશ રાખવા ન હસવા જેવું લાગે ત્યાંય હસો છો.'
ઘરની મહેફિલમાં લાઈટનું ઝુમ્મર મોટું લાગે, રાતની કુદરતી મહેફિલમાં ચંદ્ર મોટો લાગે અને દિવસની રથયાત્રામાં સૂરજ મોટો લાગે. પણ સૂરજ પણ વિશાળ નભો મંડળમાં એક નાનકડો દીવડો જ છે ને!
કબીરે કહ્યું તેમ જરા ઊંડાણથી વિચારીએ તો દરેક 'મોટો'બીજા મોટાની કૃપાનો ભિખારી હોય છે ! પછી કોણ રાજા અને કોણ રંક ? થોડાક સમય પછી ઇ.સ.૨૦૨૪ સમાપ્ત થશે અને ૨૦૨૫ની કર્મયાત્રા શરૂ થસે ત્યારે નીચેની આચાર સંહિતા આપણે યાદ રાખીશું?
- હું સ્વમાની બનીશ, લાચાર નહીં.
- કોઈને નાનો નહીં માનું, પોતાની જાતને પણ નહીં.
- હું સત્કર્મોથી મહાન બનીશ સર્વધર્મોનું સન્માન સાચવીશ. સ્ટંટ કરીને નહીં.
- મારા દેશની શાન્તિ જોખમાય અને અસ્મિતા ઝંખવાય એવું એક પણ કાર્ય નહીં કરું.
- હું સેવા અને પ્રેમને જીવનનો આદર્શ માનીશ, વડીલો અને માતાપિતાને દેવતુલ્ય માનીશ.
- ભગવાન કે અલ્લાહની નજરમાં નીચો ઠરું એવું એક પણ કાર્ય નહીં કરું.
- હું ક્રોધ, વેરવૃત્તિ, અસંયમ અને ગેરશિસ્તથી અળગો રહી મારા દેશનું વિશ્વમાં ગૌરવ વધારીશ.
એક પ્રસંગ અનુસાર એક ફકીર શહેનશાહ અકબર પાસે કશુંક માગવાને ઇરાદે ગયો હતો. તે અકબર પાસે પહોંચ્યો ત્યારે બાદશાહ અકબર ઇબાદત માટે જઈ રહ્યા હતા.
પેલા ફકીરને બેસાડી અકબરે બંદગી શરૂ કરી. 'હે પરવરદિગાર, હું તારી કૃપાનો યાચક છું. મારી સલ્તનતનો પાયો કમજોર ન બને અને આખી દુનિયા મારી તાબેદાર બને. મારાં શત્રુઓ પણ મારી સમક્ષ મસ્તક નમાવે...વગેરે વગેરે.' અકબર પોતાની મુરાદોનું લાંબું લિસ્ટ ખુદાને પાઠવી મુક્ત થયો. પોતાને મળવા આવનાર ફકીરને મળવા પાછળ નજર કરી તો પેલો ફકીર ગાયબ હતો. તેને શોધવા અકબરે ચપરાસીઓ દોડાવ્યા. એક ચપરાસીઓ થોડીવારમાં પેલા ફકીરને હાજર કર્યો. ચાલ્યા જવાનું કારણ પૂછતાં ફકીરે કહ્યું :'હું અહીં આવ્યો ત્યારે મનમાં વિચાર્યું હતું કે હું બાદશાહ પાસે જઈ રહ્યો છું. પણ અહીં આવીને જોયું કે હું એક ભિખારી પાસે જઈ રહ્યો છે. બાદશાહ, આપ પણ અલ્લાહની દુઆની ભીખ માગી રહ્યા છો. એટલે મેં વિચાર્યું કે એક ભિખારી બીજા ભિખારી પાસે ભીખ માગતો નથી !'ફકીરની વાત સાંભળી અકબરની બોલતી બંધ થઈ ગઈ.
એટલે પેલા પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે જેની પાસે આપવાની સત્તા હોય તે મોટો. મોટા માણસની વ્યંગોકિત પણ સ્વાર્થી માણસને પ્રશંસા લાગે છે. ઘમંડથી બોલાવે તો પણ સ્વાર્થી માણસ પોતાનું ગૌરવ માને છે. આવું કેમ બને છે ? જવાબ સરળ છે. જે જ્યાં ઉભો છે કે બેઠો છે તેને ત્યાંથી 'ઉપર ચઢવું' છે. ઉપર ચઢવાની પ્રક્રિયામાં મદદગાર બની શકે તેવો લાગે, તેને મોટો માની તેની વાહવાહી કરે છે.
મશહૂર થવાની તાલાવેલી એ મહારોગ છે. એને માટે માણસ ગમે તેવું મોટું મૂલ્ય ચૂકવવા તૈયાર થાય છે. સ્વાર્થે માણસ પાસેથી પોતાનો સોહામણો ચહેરો છીનવી લીધો છે અને મહોરું ધારણ કરી જીવતો કરી દીધો છે.
ચારિત્ર્યહીન માણસોને પણ પૂજવાથી ફાયદો થતો હોય તો આજના મતલબી લોકો તેનો જયજયકાર કરવા તૈયાર થાય છે. જેલમાંથી છૂટેલા કે જામીન પર મુક્ત થએલા ઘોર અપરાધીનું પણ સ્વાગત કરવા સ્વાર્થ ઘેલા માણસો દોડી જાય છે. આજના જગતનું સૂત્ર છે. જે 'વાંકો' તેનો આ જગતમાં ફાંકો.
ચારિત્ર્યહીન પણ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત હોય તો તેને વૈષ્ણવ જનની ઉપાધિ આપતા પણ ભાષણ બાજો શરમાતા નથી.
જેનામાં દીવો લઈને પણ શોધતાંય સોગંદ ખાતર એકેય સદ્ગુણ ના જડે એવા કોઈ અમીરને, કેવળ 'અ-પરસેવાની' કમાણી ખેરાત કરતો જોઈને આપણે તેને ધર્મવીર, કર્મવીર, દાનવીર, જેની સાથે 'વીર' શબ્દ જોડી શકાય એવા બધી જાતનો 'વીરા'ગણી બિરદાવવા પ્રશસ્તિપત્ર કે સન્માન સમારંભ યોજીએ છીએ !
અહીં વિલિયમ પેનના શબ્દોનું સ્મરણ થાય છે. તે કહે છે : 'હે ભગવાન, બીજાને તું મહાન બનાવજે, પણ મને તો તું નિર્દોષ જ રાખજે.' ખરી ખુમારી આ વાક્યોમાં વ્યક્ત થાય છે.
જ્યારથી માણસ નિસ્વાર્થનાનું બલિદાન આપી 'કામના' માણસને પૂજતો થયો ત્યારથી આ સૃષ્ટિનો ચહેરો વિકૃત થવા માંડયો. ભગવાન કે અલ્લાહને પોતાની ખુશામત ઇન્સાન કરે તેની પ્રતીક્ષા નથી, પણ ઇન્સાન નેક, પ્રામાણિક, પરગજુ, પ્રેમપૂર્ણ અને માતવતાવાદી બને તેની પ્રતીક્ષા છે. એને સ્વાર્થનાં સમીકરણો ગમતાં નથી.
ચાલો થયું તે થયું. ગયું તેની બાદબાકી કરો હવે શું કરવું છે ? કહેવાતી મોટાઈના છડીદાર બનવું છે કે સાચી મોટાઈના સુપાત્ર ઉપાસક બનવું છે. નવું વર્ષ આ પ્રશ્નનો ઉત્તર માગે છે.