જોન અનેક પૂર્વજન્મોને જાણી લેવા સક્ષમ હતી!

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
જોન અનેક પૂર્વજન્મોને જાણી લેવા સક્ષમ હતી! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- પ્રાચીન ઈજીપ્તમાં થતી કઠોર સાધના માટે સાધકોને ચાર દિવસ, ચાર રાત કબરમાં પૂરાઈ રહેવું પડતું અન અગ્નિપરીક્ષા જેવી ભારે સાત પરીક્ષાઓમાંથી પસાર થવું પડતું

લ ગભગ ૪૦ જેટલા પોતાના પૂર્વજન્મોને યાદ કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવતી અંગ્રેજ લેખિકા જોન માર્શલ ગ્રાન્ટ (Joan Marshall Grant) વિખ્યાત લેખિકા, ચૈતસિક અને પુનર્જન્મવાદી (reincarnationist) હતી. તે 'ફાર મેમરી' ની ચૈતિસક શક્તિ અને સાઈકોમિટ્રી દ્વારા માત્ર તેના જ નહીં, અન્ય લોકોના પૂર્વજન્મોની પણ સચોટ જાણકારી મેળવી લેતી હતી. જોન ગ્રાન્ટનો જન્મ લંડનમાં ૧૨ એપ્રિલ ૧૯૦૭ ના રોજ થયો હતો અને તેનું મરણ ૩ ફેબુ્રઆરી ૧૯૮૯ ના રોજ ૮૧ વર્ષની વયે થયું હતું. તેના પિતા જ્હોન ફ્રેડરિક માર્શલ યુ.એસ.અને બ્રિટિશ બન્નેની રાષ્ટ્રીયતા ધરાવતા હતા. તેના પિતા જ્હોન માર્શલ કીટવિજ્ઞાાની (entomologist) પ્રાઈઝવિનિંગ ટેનિસ પ્લેયર હતા. તેના માતા બ્લાન્ચ એમિલી હ્યુજસ (Blanche Emily Hughes)  માં પણ પેરાનોર્મલ શક્તિઓ હતી. તેમનામાં ક્લેર વોયન્સની શક્તિ હતી. અને તે છઠ્ઠી ઈન્દ્રિયથી દૂરદર્શન કરી શકતા.

જોન ગ્રાન્ટમં અનેકવિધ અતીન્દ્રિય શક્તિઓ બાળપણથી વિકસિત થઈ ગઈ હતી. તેને ભવિષ્યમાં બનનારી ઘટનાના પૂર્વાભાસ થતા અને પાછલા જન્મોની ઘટનાઓ પણ સચોટપણે, એકદમ બારીકાઈ સાથે યાદ આવતી. મહાન વિજ્ઞાાન કથા લેખક એચ.જી.વેલ્સ (હર્બર્ટ જ્યોર્જ વેલ્સ)  તેના પિતા જ્હોન માર્શલના મિત્ર હતા. તે અવારનવાર તેમના ઘેર આવતા અને તેની ચૈતસિક શક્તિઓ જોઈ વિસ્મય પણ પામતા . તે તેના પ્રશંસક જ નહીં, માર્ગદર્શક (mentor)  પણ રહ્યા હતા. તે ૧૬ વર્ષની હતી ત્યારે તેમણે તેને સલાહ આપી હતી - 'હમણાં થોડો સમય તારા પાછલા જન્મના અનુભવોની વાતો ન કરીશ. જ્યારે તું બરાબર તૈયાર થાય ત્યારે તેના વિશે વિગતવાર લખજે. તું લેખિકા બને તે જરૂરી છે.'

એસ્મન્ડ નામની વ્યક્તિ સાથે જોનના વિવાહ થયા. તેને વ્યવસાય અર્થે છ મહિના માટે ફ્રાન્સ જવાનું થયું. જ્યારે તે જોનને મળીને નીકળી રહ્યો હતો ત્યારે તેને પૂર્વાભાસ થયો. તેના કાનમાં કોઈનો અસ્પષ્ટ અવાજ ગૂંજ્યો - 'એસ્મન્ડને સમજાવ કે તે ફ્રાન્સ ના જાય. જો તે જશે તો તું એને ક્યારેય ફરી જોઈ નહીં શકે -' તેણે એસ્મન્ડને ફ્રાન્સની મુલાકાત રદ કરવા સમજાવ્યો પણ તે ન માન્યો. વાસ્તવમાં એવું જ થયું. તે ઈંગ્લેન્ડ પાછો આવવા માટે નીકળવાનો હતો તેની એક રાત્રિ પૂર્વે પેરિસની શૂટિંગ ગેલેરી ખાતે દુર્ઘટનાગ્રસ્ત બની મરણ પામ્યો હતો. તેને એવો ખ્યાલ હતો કે ગન ખાલી છે પણ તે ભરેલી હતી. તેમાંથી ગોળી છૂટતાં તેનું આકસ્મિક મરણ થઈ ગયું હતું. જોનને વારંવાર પૂર્વાભાસી સ્વપ્નો પણ આવતા. એક સ્વપ્નમાં તેને પૂર્વે સંભળાયો હતો તે અવાજ ફરી સંભળાયો. તેણે જોનને કહ્યું - 'તું લેસ્લીને મળજે. તે તારો મિત્ર, મદદગાર અને માર્ગદર્શક બનશે.' તે લેસ્લીને મળી અને ૩૦ નવેમ્બર ૧૯૨૭ના રોજ તેની ૨૦ વર્ષના વયે તેના તેની સાથે લગ્ન થઈ ગયા. તે તેનો સાચો સાથી અને સહાયક બન્યો. તે તેના સ્વપ્નોની નોંધ કરવા લાગ્યો. લેસ્લી સાથે ઈજીપ્તના પ્રાચીન સ્થાપત્યો અને ઈરાનની ઐતિહાસિક ધરોહરોના ફોટોગ્રાફ્સ લેવા અને સંશોધન કરવા સાથે જોડાઈ.

તે પછી જોને નિદ્રા અને જાગૃતિ વચ્ચેનું સ્તર કેવી રીતે બદલવું તે શીખી લીધું. તેનાથી ઘટનાઓ વચ્ચેનું સૂત્ર તૂટતું નહોતું. તેનાથી તે બહુ દૂરની સ્મૃતિ (far memory) ધરાવતા સ્વપ્નો જોવા લાગી જે સમય અને આકાશનું અતિક્રમણ કરી જતા. આવા સ્વપ્નોની સાથે સાથે જોને ભૂતકાળ સાથે જોડાણ પ્રાપ્ત કરવાનો એક નવો તરીકો શીખી લીધો. તે સાથે તેણે સાઈકોમિટ્રીની શક્તિ પણ વિકસાવી. આ ચૈતસિક શક્તિથી તે કોઈપણ વસ્તુ સાથે તેનું મન જોડી તેની સાથે જોડાયેલ ઘટના કે વ્યક્તિઓ વિશે જાણકારી મેળવી લેતી હતી.

૧૯૩૬માં એક પ્રયોગ કરાયો ત્યારે તેણે એક પ્રકારના ઊડતા જીવડા (Scarab)  ને હાથમાં લઈ એની સાથે મન જોડયું, તે વખતે તેને ઈજીપ્તમાં થયેલ તેના પૂર્વજન્મો યાદ આવવા લાગ્યા હતા. આવી ૨૦૦ બેઠકો યોજાઈ હતી. તે દરમિયાન તેણે ફેરો (Pharaoh) ની પુત્રી સેકીતા (Sakeeta)  તરીકેના તેના પૂર્વજન્મની અદ્ભુત ઘટનાઓની દિલચસ્પ દાસ્તાન રજૂ કરી હતી. તેને શબ્દશ:  નોંધી લેવામાં આવી હતી. ૧૨૦,૦૦૦ શબ્દો ધરાવતી આ કથની હતી. જોન ગ્રાન્ટ તેને 'સેકીતાની મરણોત્તર આત્મકથા'તરીકે જુએ છે. ૧૯૩૭માં પ્રકાશિત થયેલી જોન ગ્રાન્ટની નવલકથા 'વિંગ્ડ ફેરો (Winged Pharaoh)એ જોનની સેકીતા તરીકેના પૂર્વજન્મની જ કથની છે. જોન જણાવે છે કે તેને જે બહુ દૂરની સ્મૃતિ શક્તિ પ્રાપ્ત થઈ છે તે તેના પૂર્વના સેકીતા તરીકેના જન્મની જ ભેટ છે. તે કહે છે કે આ તે વખતની એક સાધના અને તપશ્ચર્યાનું ફળ છે. જેમને સાધના દરમિયાન એક વિશિષ્ટ તાલીમ મળતી તે પોતાના અનેક જન્મોની ઘટનાઓને યાદ રાખી શકતા. તે અત્યંત દૂરના ભૂતકાળને જાણી શકતા. પ્રાચીન ઈજીપ્તમાં થતી આવી કઠોર સાધના માટે સાધકોને ચાર દિવસ અને ચાર રાત કબરમાં પૂરાઈ રહેવું પડતું અને  અગ્નિ પરીક્ષા જેવી ભારે સાત પરીક્ષાઓમાંથી પસાર થવું પડતું. તેણે સેકીતા રૂપે એટલે જ સાધના કરી હતી, વિશિષ્ટ તાલીમ લીધી હતી એટલે જ એના અનેક પુનર્જન્મો થયા તે પછી પણ જોનના રૂપે અત્યારે જન્મ થયો છે ત્યારે તે અત્યંત દૂરના ભૂતકાળને જાણી લેવની શક્તિ ધરાવે છે. જોને જણાવ્યું હતું કે તેનો સેકીતા તરીકે પૂર્વજન્મ હતો તે પછી પાદરી ફેરો તરીકેનો પણ જન્મ થયો હતો. ત્યાર બાદ તેના બીજા ઘણા જન્મ્ થયા.

લગભગ ૧૦૦૦ વર્ષ પછી તે રા-અબ-હોતેય નામના પુરુષ રૂપે જન્મી હતી. 'આઈઝ ઓફ હોરસ (Eyes of the Horus)' અને 'લોર્ડ ઓફ ધ હોરાઈઝન (Lord of the Horizon)' નામના તેના લખેલા બે પુસ્તકોમાં જોને તે પૂર્વજન્મની ઘટનાઓ આલેખી છે.'સો મોઝિસ વોઝ બોર્ન (So Moses was Born) નામના પુસ્તકમાં જોન ગ્રાન્ટે પોતે પૂર્વે રામેસિસ-સેકન્ડના સમકાલીન તરીકે પુરુષ રૂપે જન્મ લીધો તેની વિગતો રજૂ કરી છે.

સોળમી સદીમાં જોન ગ્રાન્ટે ઈટાલીમાં ૪મે ૧૫૧૦ના રોજ કેરોલા ડી લુડોવિસી તરીકે જન્મ લીધો હતો. તે જન્મમાં તે સુંદર ગાયિકા હતી. માત્ર ૨૭ વર્ષની ઉંમરે તેનું મરણ થયું હતું. પછી તે અંગ્રેજ કન્યા લેવિનિયા તરીકે પણ જન્મી હતી. ઘોડી પરથી પડી જતા તેને પીઠમાં સખત વાગ્યું હતું અને કરોડરજ્જૂની તકલીફ થઈ હતી. તેણે જણાવ્યું હતું કે લેવિનિયા તરીકે જન્મી હતી તે જન્મમાં તેનું મરણ ૧૮૭૫માં થયું હતું. તે પછી ૧૯૦૭માં ઈગ્લેન્ડમાં જોન ગ્રાન્ટ તરીકે જન્મી. તેના બીજા લગ્ન ૧૯૪૦માં ચાર્લ્સ બેટ્ટી સાથે થયા હતા. તેના ત્રીજા લગ્ન ૧૯૬૦માં સાઈકિયાટ્રિસ્ટ ડૉ. ડેનિસ કેલ્સી (Denys Kelsey) સાથે થયા હતા. લેસ્લીની જેમ તે પણ તેના સાચા મિત્ર, માર્ગદર્શક અને મદદગાર બની રહ્યા હતા. તે બન્નેએ સંયુક્ત સંશોધન થકી એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે વ્યક્તિઓમાં જે વિકૃત ડર (phobia) અને ઉન્માદ, ધૂન, પાગલપન (mania)  હોય છે તેના મૂળ મોટેભાગે તેના પાછળના જન્મની ઘટના પર નિર્ભર હોય છે. જોનને નાન અળસિયા અને સરિસૃપનો બહુ ડર (herpetophobia)  હતો. સાપનો તો ભયંકર ડર  (Ophidiophobia)  હતો. તેણે far - memoryથી પૂર્વજન્મોના આધારે શોધી કાઢ્યું હતું કે તેને પાછલા જન્મોમાં ત્રણ વાર સાપ કરડયા હતા જેમાંથી બે વાર તો તેના લીધે જ તેનું મરણ થયું હતું. તેનાથી જ તેને અળસિયા, સરિસૃપ તથા સાપનો ડર પછીના જન્મોમાં આવ્યો હતો. યોગ્ય સમજ કેળવી તેણે તે ડર દૂર કરી લીધો હતો.


Google NewsGoogle News