Get The App

ડ્રીમ કલેરવોયન્સ અને એસ્ટ્રલ ટ્રાવેલની વિસ્મયકારી, રહસ્યમય ઘટના

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ડ્રીમ કલેરવોયન્સ અને એસ્ટ્રલ ટ્રાવેલની વિસ્મયકારી, રહસ્યમય ઘટના 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- સામાન્ય જીવન જીવનારા લોકોમાં પણ લગભગ 10 ટકા જેટલાં લોકોને એમનાં જીવનમાં સૂક્ષ્મ શરીરથી બીજા સ્થળોએ મુસાફરી કરી આવ્યાના અનુભવ થયેલા હોય છે

મ હર્ષિ પતંજલિ યોગસૂત્રમાં કહે છે કે જ્યારે માનવીનું મન ઈચ્છા મુજબ કે સ્વાભાવિક રીતે સ્મૃતિથી વિસ્મૃતિમાં, ચેતન અવસ્થામાંથી અચેતન અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે સ્વપ્નની સ્થિતિ આવે છે. આ વખતે તેનું સૂક્ષ્મ શરીર સક્રિય થાય છે અને તે દૂરના સ્થળે મુસાફરી કરી સ્થૂળ શરીરથી કરવું શક્ય ન હોય તેવું કામ સૂક્ષ્મ શરીરથી તત્કાળ કરી દે છે. કોઈ આપત્તિનો સમય આવ્યો હોય, સંકટ ઊભું થાય તેવી ચિંતાજનક સ્થિતિ ઉદ્દભવી હોય ત્યારે આવું ખાસ થતું હોય છે. યોગશાસ્ત્ર કહે છે કે આત્મચેતના કે મન બ્રહ્માડમાં ગમે ત્યાં ગમે ત્યારે આવા ગમન કરી શકે છે. નિદ્રાની ખાસ સ્થિતિમા સ્વપ્ન દરમિયાન કે ધ્યાન-સમાધિની અવસ્થામાં મન ગોચર-અગોચર બન્ને વિશ્વોમાં ભ્રમણ કરી કોઈપણ કાળની માહિતી ગ્રહણ કરી લે છે.

ઓક્ષ્ફર્ડ યુનિવર્સિટીની સાઈકોફીઝિકલ રિસર્ચ સેન્ટરના અગ્રગણ્ય પરામનોવિજ્ઞાનીઓએ એસ્ટ્રલ ટ્રાવેલ એટલે કે સૂક્ષ્મ શરીરની યાત્રા પર ઊંડુ સંશોધન કર્યું છે. તેના રિસર્ચ સાઈકોલોજિસ્ટ ડૉ. ચાર્લ્સ એમ. કીરી દર્શાવે છે કે સામાન્ય જીવન જીવનારા લોકોમાં પણ લગભગ ૧૦ ટકા જેટલાં લોકોને એમનાં જીવનમાં સૂક્ષ્મ શરીરથી બીજા સ્થળોએ મુસાફરી કરી આવ્યાના અનુભવ થયેલા હોય છે. મોટેભાગે કોઈ દુર્ઘટના થતી હોય તેવા સમયે ચેતના કે મન શાંત કે વિશ્રાંતિપૂર્ણ સ્થિતિમાં હોય ત્યારે આવી અનુભૂતિ ખાસ થતી હોય છે. કેટલીકવાર ગાઢ નિદ્રા દરમિયાન પણ ચેતના સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી સૂક્ષ્મ શરીરથી દૂર-સુદૂરના પ્રદેશોમાં મુસાફરી કરી પોતાનું કામ કરી આવે છે.

સોસાયટી ફોર સાઈકિક રિસર્ચ નામની સંસ્થાના વડા, ચૈતસિક સંશોધક હેરેવાર્ડ કેરિંગ્ટને આઉટ ઓફ બોડી એક્ષ્પિરિયન્સ અને એસ્ટ્રલ ટ્રાવેલ વિશે ખૂબ સંશોધન કર્યું છે અને આ વિષય પર અનેક પુસ્તકો લખ્યા છે. તે રીતે અમેરિકાના ગૂઢ વિજ્ઞાની (esotericist), સંશોધન કર્યું છે અને આ વિષય પર અનેક પુસ્તકો લખ્યા છે. તે રીતે સંશોધક અને લેખક સીલ્વન મુલ્ડને (Syivan muldoon) પણ આ વિષય પર ઊંડુ સંશોધન કર્યું છે. હેરેવાર્ડ કેરિંગ્ટન સાથે તેમણે લખેલું પુસ્તક 'ધ પ્રોજેક્શન ઓફ ધ એસ્ટ્રલ બોડી (The Projection of the astral Body)  આ વિષયનું સિમાચિહ્ન રૂપ પુસ્તક છે.'

સ્વપ્ન અતીન્દ્રિય દર્શન (ડ્રીમ કલેરવોયન્સ) અને સૂક્ષ્મ શરીર યાત્રા (એસ્ટ્રલ ટ્રાવેલ) બન્ને સાથે ઘટિત થઈ હોય એવી એક અદ્દભુત ઘટના ૧૮૬૩માં બની હતી. ટેટ અને વિલ્મોટ નામના બે અમેરિકન નાગરિકો સમુદ્રમાં એક જહાજમાં સાથે મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે રાત્રિના સમયે એમનું જહાજ એટલાન્ટિક મહાસાગરમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે એક વાવાઝોડું આવ્યું. જહાજ હાલવા - ડોલવા લાગ્યું. વિલ્મોટ તે સમયે ગાઢ નિદ્રામાં હતો અને ટેટ રૂમના એક ખૂણામાં બેસીને વાંચી રહ્યો હતો.

તે સમયે અચાનક એક ઘટના બની. કોઈકના પગલાનો અવાજ સંભળાયો. ટેટે દરવાજા તરફ જોયું તો દરવાજે તો બંધ જ હતો પણ એક મહિલા જેણે નાઈટડ્રેસ તરીકેનું ગાઉન પહેર્યું હતું તે ત્યાં ઊભી હતી ! દરવાજો ખોલ્યા વિના તે અંદર કેવી રીતે આવી તેનું તેને આશ્વર્ય થયું. તેણે ટેટને જોયો અને સૂઈ રહેલા વિલ્મોટને પણ જોયો. ટેટની ઉપસ્થિતિથી તે થોડી ખચકાઈ પણ પછી તેના તરફ વધારે ધ્યાન આપ્યા વગર તે વિલ્મોટ પાસે પહોંચી ગઈ. તેણે વિલ્મોટના માથે પ્રેમથી હાથ મૂક્યો, વાંકા વળી તેના કાનમાં કંઈક કહ્યું અને ત્યાંથી પાછી ફરી દરવાજા પાસે આવી અદ્રશ્ય થઈ ગઈ. ટેટને તેનો ધીમો અવાજ પણ સંભળાયો હતો પણ તેણે  વિલ્મોટને શું કહ્યું તે સ્પષ્ટ સમજાયું નહીં. બરાબર આ જ સમયે વિલ્મોટ ઊંઘમાંથી જાગી ગયો - તેને બેઠો થઈ ગયેલો જોઈ ટેટ તેની પાસે આવ્યો અને પૂછવા લાગ્યો - કેમ બેઠો થઈ ગયો ? શું થયું ? વિલ્મોટે તેને જવાબ આપતાં કહ્યું - મેં હમણાં એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં મારી પત્ની અહીં મારી પાસે આવી હતી અને મારા માથે હાથ ફેરવવા લાગી હતી. તેણે મારા કાનમાં સમુદ્રના વાવાઝોડા, તોફાનને લગતી કંઈક વાત કરી, મારું ધ્યાન રાખવાનું જણાવ્યું અને પછી એકાએક અહીંથી જતી રહી હતી.

વિલ્મોટના સ્વપ્નની આ વાત સાંભળી ટેટ વિસ્મય સાથે તેની સામે જોવા ભાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો - તને જે સ્વપ્નમાં દેખાયું તેને તો મેં અહીં વાસ્તવમાં પ્રત્યક્ષ જોયું. થોડીવાર પહેલાં અહીં આ વિચિત્ર ઘટના બની હતી. એક સ્ત્રી અચાનક જ આ રૂમના બારણા આગળ પ્રગટ થઈને ઊભી રહી ગઈ. તેણે મને જોયો એટલે થોડી ખચકાઈ પણ ખરી. તેણે રાત્રે પહેરવાનો આછો પારદર્શક કાળા રંગનો ગાઉન પહેર્યો હતો. તે નાઈટ ગાઉન થોડો વધારે ખૂલતો હતો. એના ગળા પાસેના આગળના ભાગમાં ફૂલ અને વેલની સફેદ રંગની એમ્બ્રોઈડરી પણ ગૂંથેલી હતી. તેણે તારી પાસે આવી તારા માથે હાથે ફેરવ્યો હતો અને વાંડી વળી તારા કાનમાં કશું કહેવા લાગી હતી. મને તેનો ધીમો અવાજ સંભળાયો હતો પણ તેના શબ્દો સ્પષ્ટ થયા નહોતા. પછી તે પાછી ફરી બારણા પાસેથી જ અદ્રશ્ય થઈ ગઈ હતી. તે જે સ્વપ્નની વાત કરી તેના પરથી લાગે છે કે તે તારી પત્ની જ હતી. આ સાભળી વિલ્મોટને પણ આશ્વર્ય થયું કેમ કે સ્વપ્નમાં તેણે જે જોયું તે જ ટેટે વર્ણન કર્યું હતું. તેની નાઈટ ગાઉનવાળી વાત પણ બિલકુલ સાચી હતી. તેની પત્ની રોજ રાત્રે એવો જ આછો પારદર્શક, ફૂલ અને વેલની સફેદ એમ્બ્રોઈડરી ગૂંથેલો, કાળા રંગનો થોડો ઘણો આગળથી ખુલતો નાઈટ ગાઉન જ પહેરતી હતી.

થોડા સમય પછી ઘેર આવ્યા બાદ વિલ્મોટે તેની પત્નીને આ સ્વપ્નવાળી અને ટેટે પ્રત્યક્ષ જોઈ હતી તે ઘટના કરી. તેની પત્ની કહેવા લાગી - મને પણ એવો જ અદ્દભુત અનુભવ થયો હતો. મેં જ્યારે એ રાતે સમાચાર સાંભળ્યા કે એટલાન્ટિક મહાસાગરમાં તોફાન આવ્યું છે ત્યારે હું ચિંતિત થઈ ગઈ હતી. તારો વિચાર કરતાં કરતાં હું ઊંઘી ગઈ હતી. ઊંઘમાં મેં એક સ્વપ્ન જોયું એટલું જ નહીં મને જાણે એવું જ લાગ્યું કે હું તારા જહાજના રૂમમાં આવી પહોંચી છું. તું ગાઢ નિદ્રામાં સૂતેલો છે. એક વ્યક્તિ રૂમના ખૂણામાં બેસીને પુસ્તક વાંચી રહ્યો છે. હું તારી પાસે જઈને તારા માથા પર પ્રેમથી હાથ ફેરવું છું. તારા કાનમાં કહું છું - વિલ્મોટ, તું કુશળ તો છે ને ? તોફાનમાં તને કંઈ થયું તો નથી ને ? તારું ધ્યાન રાખજે. પછી હું ત્યાંથી પાછી ફરી જઉ છું.

આ અદ્દભુત ઘટનામાં વિલ્મોટને અને તેની પત્નીને ડ્રીમ કલેરવોયન્સ થાય છે. સ્વપ્નમાં અતીન્દ્રિય જ્ઞાન અને ટેલિપથી તો થાય છે, તે સાથે વિલ્મોટની પત્નીને દેહાતીત અનુભૂતિ (Out of Body Experience) થતાં એસ્ટ્રલ પ્રોજેક્શન અને એસ્ટ્રલ ટ્રાવલ પણ થઈ જાય છે. એટલે જ ટેટને તે પ્રત્યક્ષ દેખાઈ પણ હતી અને તેનો અવાજ પણ સંભળાયો હતો. તેનું સૂક્ષ્મ શરીર દેશ-કાળની સીમા ઉલ્લંઘીને હજારો માઈલ દૂર એટલાન્ટિક મહાસાગરના જહાજના રૂમમાં પહોંચી ગયું હતું.


Google NewsGoogle News