રહસ્યમય તિબેટના લામા યોગીઓની અચરજભરી યોગસિદ્ધિઓ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
રહસ્યમય તિબેટના લામા યોગીઓની અચરજભરી યોગસિદ્ધિઓ 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- કેટલાક રહસ્યવાદીઓ કહે છે કે શાંગ્રિલા, શંભલ જેવા પ્રદેશ બહારની દુનિયામાં ક્યાંય છે જ નહીં, તે ચેતનાના ઉચ્ચતર સ્તર પર આવેલા ભિન્ન આયામમાં રહેલા છે

એ કેડેમી એવોર્ડ, એમી એવાર્ડ, બાફટા એવોર્ડસ અને છ વાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ પ્રાપ્ત કરનાર અતિ નામાંકિત હોલીવુડ એકટ્રેસ અને લેખિકા શર્લી મેકલિન (Shirley Mac Laine) વર્ષો પૂર્વે ભૂતાન વગેરે પર્વતીય ક્ષેત્રોના પ્રવાસે આવી હતી ત્યારે તેણે બૌદ્ધ લામા યોગીઓની યોગસિદ્ધિઓ પ્રત્યક્ષ નિહાળી હતી. તેણે તેની નોંધપોથીમાં આ બધાનું રસપ્રદ વર્ણન પણ કર્યું છે. આમાં તેણે લખ્યું છે - 'ભૂતાન પ્રદેશમાં મેં એક ભગવા વસ્ત્ર ધારણ કરેલા લામા યોગીને આકાશમાં ઊડતા જોયા હતા. આ બાબત જરાય દ્રષ્ટિભ્રમ નહોતી. મેં જે જોયું તે માનવું અશક્ય હતું પણ એ બિલકુલ સત્ય હતું.' આ અદ્ભુત, વિલક્ષણ યોગસિદ્ધિથી વિસ્મય પામી શર્લી મેકલિને આગળ લખ્યું હતું -

'જો ન્યૂટન મારી સાથે હોત તો કેવું સારું થાત !

આ દ્રશ્ય જોઈને તે પોતાના ગુરૂત્વાકર્ષણના

સિદ્ધાંતમાં જરૂર કોઈ ફેરફાર કે સુધારો કરત !'

તિબેટન યોગમાં આ પ્રકારની સિદ્ધિને 'લંગ-ગોમ' તરીકે ઓળખવામાં આવે છે. આ શક્તિ ધરાવનાર યોગી અસાધારણ ઝડપે દોડી શકે છે અને હવામાં ઊડી પણ શકે છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનારા ગ્રેવિટેશનનું બળ ઉત્પન્ન કરનારા ગ્રેવિટોન કણોનું પ્રમાણ અત્યંત ઘટાડી એન્ટિગ્રેવિટેશન, લેવિટેશનની સ્થિતિ સર્જનારા 'લેવિટોન' કણોનું પ્રમાણ વધારી શરીરનું વજન અત્યંત હળવું ફૂલ જેવું કરી માન્યામાં ન આવે એટલી ઝડપથી દોડી શકે છે કે હવામાં ઊડી પણ શકે છે.

બેલ્જિયન - ફ્રેન્ચ સંશોધક, અધ્યાત્મવાદી, બુદ્ધિસ્ટ યોગની સાધક, લેખિકા એલકઝાન્ડ્રા ડેવિડ નીલે (Alexandra David Neel)  એના પુસ્તક 'વિથ મિસ્ટિક્સ એન્ડ મેજિસિયન્સ ઈન તિબેટ (With Mystics and Magicians in Tibet) માં પણ લંગગોમ (લંગોમ)ની સિદ્ધિ ધરાવતા લામા યોગીને પ્રત્યક્ષ નિહાળ્યા હોવાનું લખ્યું છે. એક લામા સાધુ અને યોગીએ ૨૦ મિનિટમાં ૧૯ કિલોમીટરનું અંતર દોડીને કાપી બતાવ્યું હતું. આટલી ઝડપે દોડતા લામા યોગી જાણે હવામાં ઊડતા હતા એવું જ એમને લાગ્યું હતું. એલેકઝાન્ડ્રાને એ લામા યોગીને અટકાવી, થોડીવાર ઊભા રાખી તેની સાથે પોતાનો ફોટોગ્રાફ લેવાની અને થોડી વાતચીત કરવાની ઈચ્છા થઈ પણ તેના તિબેટી ગાઈડે તેને તેમ કરતાં અટકાવી અને કહ્યું હતું - 'આટલી બધી ઝડપે દોડી રહેલા સાધુને એકદમ ઊભો રાખી દેવામાં આવે તો કદાચ તેનું મોત પણ થઈ જાય. તેથી તેની યોગ-પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે તેમાં વિક્ષેપ ના કરવો જોઈએ.' લંગગોમ શક્તિ જેમ જેમ વધતી જાય તેમ તેમ યોગી વધારે પ્રભાવક સિદ્ધિ મેળવતા જાય છે. આવા યોગી ઉત્તોલન (લેવિટેશન)ની સિદ્ધિ મેળવી પાણી ઉપર ચાલવાના, હવામાં તરતા રહેવાના અને આકાશમાં ઊડવાના પ્રયોગો પણ કરે છે. એલેકઝાન્ડ્રા ડેવિડ નીલે તિબેટમાં ચૌદ વર્ષ સુધી રહીને તિબેટન યોગ અને તુલ્પા ક્રિયેશન, તુમ્મો, લંગગોમ જેવી સાધના પદ્ધતિઓ શીખી લીધી હતી.

તિબેટ રહસ્યમય શક્તિઓ અને સિદ્ધિઓનું કેન્દ્રસ્થાન રહ્યું છે. તેના લામા યોગીઓ અલૌકિક શક્તિઓ ધરાવતા જોવા મળ્યા છે. પ્રાચીન ગ્રંથોમાં શાંગ્રિલા અને શંભલ નામના પ્રદેશોનો ઉલ્લેખ જોવા મળે છે. એવું મનાય છે કે આ પ્રદેશમાં અતિ માનવો, સિદ્ધ યોગીઓ વસતા હતા. જોકે આ પ્રદેશ અને ત્યાંની ગૂઢ દુનિયા સામાન્ય માણસોથી શોધી શકાય એમ નથી. તે અસ્તિત્વના એવા આયામમાં જ્યાં અમુક સાધના પછી જ પ્રવેશી શકાય છે. કેટલાક મંદિરો અને મઠોના ભોંયરાની નીચે આવેલી ગુપ્ત નહેરો આવી રહસ્યમય ભૂમિમાં લઈ જાય છે જેનો સંબંધ દલાઈ લામાના સ્થાન પોટાલા સાથે છે. તાઓ ધર્મની પૌરાણિક માન્યતા પ્રમાણે આવી રહસ્યમય ભૂમિને 'ટેબુ' નામથી ઓળખવામાં આવતી હતી. અને તે તિબેટ અને ઝેચવાન (Szechwan) ની વચ્ચે ક્યાંક આવેલી હતી. મધ્ય પૂર્વીય અને ગ્રીક ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ ઈતિહાસકાર જ્યોફ્રે એશ (Geoffrey Ashe)   માનતા હતા કે આ ભૂમિ ઘણે આગળ ઉત્તરમાં જ્યાં દક્ષિણ રશિયા અને ઉત્તર પૂર્વ મોંગોલિયા આવેલું છે ત્યાં અલતાઈ પર્વતોની પાસેના તે દેશની સરહદો નજીક આવેલું હતું. થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક માદામ બ્લાવેટ્સ્કી માનતા હતા કે આ સ્થાન દક્ષિણીય મોંગોલિયાનું ગોબી ડેઝર્ટ તરીકે ઓળખાતું જે સ્થળ છે તે હોવું જોઈએ. હંગેરિયન સંશોધક કોસ્મા ડી કોરોસ માનતા હતા કે પશ્ચિમમાં આવેલ કઝાકિસ્તાનનો સીર દરિયા પ્રદેશ આ ગૂઢ ભૂમિ હશે. કેટલાક રહસ્યવાદીઓ કહે છે કે શાંગ્રિલા, શંભલ જેવા પ્રદેશ બહારની દુનિયામાં ક્યાંય છે જ નહીં, તે ચેતનાના ઉચ્ચતર સ્તર પર આવેલા ભિન્ન આયામમાં રહેલા છે. તેથી બહાર ગમે તેટલી રઝળપાટ કરવા છતાં તે મળે તેમ નથી. હિમાલયના જ્ઞાાનગંજ જેવા સિદ્ધાશ્રમોની બાબતમાં પણ તેવું જ છે.

તિબેટના લોકો વિશે એક રહસ્યની વાત એ પણ જાણવા મળી છે કે ત્યાંની ઝોપા (Dzopa) જાતિ 'સિરિયસ  (Sirius) ' નામના તારા પરથી આવેલ પરગ્રહવાસીઓના સાંકર્યથી ઉદ્ભવેલી છે. ૨.૬૪ પારસેક (૮.૬ પ્રકાશવર્ષ)ના અંતરે રહેલો સિરિયસ પૃથ્વીના નિકટતમ પડોસીઓમાંનો એક છે. સિરિયસને બોલચાલની ભાષામાં 'ડોગ સ્ટાર' તરીકે ઓળખવામાં આવે છે જે એના નક્ષત્ર કેનિસ મેજર (ગ્રેટર ડોગ)માં એની પ્રમુખતા બતાવે છે. ઈ.સ. ૧૦૧૭ની સાલમાં સિરિયસ તારા પરથી પરગ્રહવાસીઓ  (Aliens)  અહીં આવ્યા હતા એવું માનવામાં આવે છે. આ જાતિના લોકો પાસે એક એવી 'મેટલ ડિસ્ક' છે જેને અત્યારે 'લોલાડોફ  (Lolladoff) પ્લેટ' તરીકે ઓળખવામાં આવે છે તે અનેક રીતે રહસ્યમય છે. તે પોતાની મેળે વજન વધારે છે અને ઘટાડે છે. તેમાં ગૂઢ લિપિમાં સંદેશો આલેખાયેલો છે જે હજુ સુધી ઉકેલાયો નથી. ઓક્ષ્ફર્ડ સ્કોલર ડૉ. કારીલ રોબિન ઈવાન્સ આ લોલાડોફ પ્લેટ પર રીસર્ચ કરી રહ્યા છે. લગભગ ૧૨,૦૦૦ વર્ષ જુની પથ્થરની આ ડિસ્ક યુફો (ઊડતી રકાબી)ના આકારની છે. નેપાળમાંથી મળી આવેલી આ ડિસ્ક પર દોરાયેલ એક આકૃતિ ગ્રે એલિયન  (Grey Alien) ને બિલકુલ મળતી આવે છે. આ પ્લેટ એવું પ્રમાણ છે જે એમ દર્શાવે છે કે સિરિયસ પરથી આવેલા એલિયન્સના પૃથ્વીવાસી સ્ત્રીઓ સાથે થયેલા જાતીય સંબંધથી તિબેટની ઝોપા જાતિના આદિમ પૂર્વજો જન્મ્યા હતા. કેટલાક સંશોધકોએ રજૂ કરેલી આ વાત રોમાંચક વિસ્મય ઉપજાવે તેવી છે.


Google NewsGoogle News