કોઈ વાર મંદબુદ્ધિના કે માનસિક અસ્થિરતાવાળા લોકો અમુક બાબતમાં અસાધારણ પ્રતિભા ધરાવતા હોય છે!

Updated: May 28th, 2024


Google NewsGoogle News
કોઈ વાર મંદબુદ્ધિના કે માનસિક અસ્થિરતાવાળા લોકો અમુક બાબતમાં અસાધારણ પ્રતિભા ધરાવતા હોય છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- ન્યૂયોર્ક સ્ટેટ સાઈકિઆટ્રિક ઇન્સિટટયૂટના ડો.વિલિયમ હાર્વિજે સંશોધનના અંતે કહ્યું હતું, 'પ્રતિભાના અજ્ઞાત સ્રોત માનવ મગજમાં રહેલા છે, જેની કોઈ જાણકારી વિજ્ઞાન તથા મનોવિજ્ઞાનને નથી.'

મ નુષ્ય મગજ એ કુદરતે બનાવેલો એક ચમત્કારિક અવયવ છે. ત્રણ પૌંડથી પણ ઓછું વજન ધરાવતું એક મુઠ્ઠી જેટલા કદનું મગજ સુપર કોમ્પ્યૂટર કરતાં પણ અબજોગણું વધારે શક્તિશાળી છે. માનવ મગજ બે ગોળાર્ધોમાં વહેંચાયેલો અપાર અટપટી રચનાવાળો, જેના વિશે પૂરેપૂરું જાણવું કોઈનાથી શક્ય નથી એવો અખરોટ જેવા આકારનો માંસપિંડ છે. આ બે ગોળાર્ધોમાં એકને સેરિબ્રમ અને બીજાને સેરિબેલમ્ કહેવાય છે. આ માસપિંડ ચીકણા દ્રવ્યના ઘનીભૂત સ્વરૂપ જેવો છે. મગજની કાર્યવાહી જે તંત્રિકા કોશિકાઓ (Nerve Cells)  ને મળીને થાય છે તેની સંખ્યા આશરે દસ અબજ જેટલી છે. એમને એકબીજા સાથે જોડનારા તંત્રિકા તંતુઓ ( Nerve Fiber)  અને એમના ઇન્સ્યુલેશન ખોપરીમાં ખીચોખીચ ભરેલા હોય છે. એક નર્વ સેલનો વ્યાસ ૧ ઇંચના હજારમાં ભાગ કરતાં પણ ઓછો છે. તેનું વજન એક ઔંસના સાઈઠ અબજમાં ભાગ કરતાં વધારે નથી. નર્વ ફાઈબરમાંથી નીકળીને જે વિદ્યુત આવેગો (Electrical impulses)દોડે છે તે જ જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી જરૂરી સૂચનાઓ તેના કેન્દ્ર સુધી પહોંચાડે છે. આ વિદ્યુત આવેગો મસ્તિષ્કના કેટલાક અજ્ઞાત કે વિશિષ્ટ ભાગને સ્પર્શે છે ત્યારે ચમત્કારિક લાગે તેવી ક્ષમતા ઉત્પન્ન કરી દે છે.

મસ્તિષ્ક વિજ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય જાગૃતપણે જ્ઞાનમાં વધારો કરવાની સાવધતા રાખે અને તેને ગ્રહણ કરવાની ઉત્કટ અભિરૂચિ રાખે તો તેના ૭૫ વર્ષની ઉંમર સુધીમાં તેના સ્મૃતિપટ પર આશરે ૫૦ કરોડ ખર્વ સૂચનાઓ, જાણકારીઓ, ચિત્રો વગેરે અંકિત થઈ જાય છે. એમાંની મોટા ભાગની મગજના કોઈ અજ્ઞાત ક્ષેત્રમાં તિરોહિત થઈ જાય છે પણ નાશ પામતી નથી. સ્મૃતિપટલ પર અંકિત થઈ ગયેલી અને ભુલાઈ ગયેલી આ માહિતીઓને અમુક પ્રક્રિયાથી ફરીથી આવિર્ભૂત કરી પુન: સ્મૃતિમાં લાવી શકાય છે. માનવ મસ્તિષ્ક કેટલીક વાર આશ્ચર્યજનક રીતે અકલ્પ્ય સ્મરણશક્તિ, ગાણિતિક ક્ષમતા, ભાષાકીય વિશિષ્ટ ક્ષમતા, સંગીત પ્રતિભા વગેરે ઉત્પન્ન કરી દેતું હોય છે.

ન્યૂયોર્કમાં ઇ.સ.૧૯૩૯માં ભૂ્રણ (Embryo)ના પરિપકવ થવાના ત્રણ મહિના પહેલા પ્રિમેચ્યોર જોડિયા બાળકોનો જન્મ થયો હતો. એકનું નામ ચાર્લ્સ અને બીજાનું નામ જયોર્જ રાખવામાં આવ્યું હતું. ત્રણ વર્ષની ઉંમરે તેમનું બૌદ્ધિક પરીક્ષણ કરાયું ત્યારે તેમનો બુદ્ધિ આંક (આઈ.ક્યૂ-Intelligence Quotient))૬૦ થી ૭૦ ની વચ્ચે આવતા તેમને મંદબુદ્ધિના જાહેર કરાયા હતા. ઇ.સ.૧૯૬૩માં ન્યૂયોર્ક સ્ટેટ સાઈકિઆટ્રિક ઇન્સિટટયૂટના ડો.વિલિયમ હાર્વિજે ચાર્લ્સ અને જ્યોર્જ પર થોડા પ્રયોગો કર્યા. આ પ્રયોગો પરથી ખ્યાલ આવ્યો કે તે બન્ને સેંકડો-હજારો વર્ષો પહેલાં અમુક દિવસે કઈ તારીખ તથા મહિનો હતો. તેનો તત્કાળ જવાબ આપી દેતા હતા. એટલું જ નહીં. આવનારા સેકંડો વર્ષો પછીની જાણકારીઓ પણ બિલકુલ સાચી આપી દેતા હતા. જો કે આશ્ચર્યની વાત એ હતી કે તેમને કેલેન્ડરના નિયમોનું સહેજ પણ જ્ઞાન નહોતું. ઘણા લાંબા સમય સુધી ડો.હાર્વિજ આના કારણોની શોધ કરતા રહ્યા, પરંતુ એ મંદબુદ્ધિના બાળકોની વિલક્ષણતાનું રહસ્ય જાણી શકયા નહોતા તેમણે આ સંશોધનના અંતે કહ્યું હતું. 'પ્રતિભાના અજ્ઞાત સ્રોત માનવ મગજમાં રહેલા છે, જેની કોઈ જાણકારી વિજ્ઞાન તથા મનોવિજ્ઞાનને નથી.'

ઇંગ્લેન્ડના બ્રિસ્ટલના પાગલખાનામાં દાખલ થયેલા ત્રણ બાળકો તો માનસિક રીતે અસ્થિર અને ગાંડી વ્યક્તિની શ્રેણીમાં આવે તેવા જ હતા. તે પોતાના દિન-પ્રતિદિન કરવાના સામાન્ય કાર્યો પણ સરળતાથી કરી શકતા નહોતા. પરંતુ અદ્ભુત બાબત એ હતી કે તે ત્રણેય એક-એક વિષયમાં અસાધારણ પ્રતિભાવન હતા. તે વિષયના નિષ્ણાત તેમની પાસેથી તેનું માર્ગદર્શન પણ મેળવી શકે એટલું ઊંડુ જ્ઞાન અને આવડત તેમનામાં હતા. ચૌદ વર્ષના એક બાળકનું નામ પીટરસન હતું. તેનામાં વાયોલિન વાદનની અદ્ભુત ક્ષમતા હતી. ગમે તેવો મહાન વાયોલિનવાદક અઘરી ટયુન વગાડે તો તે માત્ર એકવાર સાંભળીને તેને ફરી વગાડી શક્તો હતો. તેમાં ક્યારેય કોઈ નાની સરખી ભૂલ પણ થતી નહોતી. વાયોલિનની કોઈ સતત દસ ધુનો પણ વગાડે તો ય તે જ ક્રમમાં ફરી તરત જ વગાડી બતાવતો. કેટલીક વાર તો શિખાઉ વાયોલિન વગાડનારની ધૂનને સુધારી તેને વધારે મધુર બનાવીને વગાડતો. તેણે જીવનમાં ક્યારેય વાયોલિન વાદનનું શાસ્ત્રીય જ્ઞાન કે તેને લગતું પ્રાથમિક જ્ઞાન પણ ક્યાંયથી ગ્રહણ કર્યું નહોતું.

બીજો પાગલ, પ્રતિભાવાન બાળક હતો. ડેવિડ કીટ, તેનામાં ચિત્રકલાની અદ્ભુત ક્ષમતા હતી. તે કેવળ એક જ વાર જોઈને સુંદર દ્રશ્યો, અટપટી ડિઝાઇનો, મોટા મકાનની સંરચનાઓ હૂબહૂ દોરી બતાવતો. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ગગનચુંબી મકાનનો ફોટો જોઈને તેણે તેનું ત્રિઆયામી ચિત્ર બનાવી આપ્યું હતું. એક વખત કોઈ દ્રશ્ય કે ચિત્ર જોયા પછી તેને તે ફરી જોવાની જરૂર પડતી નહોતી.

ત્રીજા પાગલ બાળકનું નામ સ્ટીવેન્સ હતું. તે પ્રતિભાવાન ગણિતજ્ઞા હતો. કોમ્પ્યૂટરની જેમ અઘરામાં અઘરી ગણતરીઓ તે તરત જ કરી બતાવતો હતો. પાછલાં ૭૦૦ વર્ષોના કોઈપણ દિવસનો વાર, તે દિવસે બનેલ ઘટનાઓ પણ જણાવી દેતો. ૭૦૦ વર્ષ જેટલા લાંબા સમયગાળા દરમિયાન કોઈપણ વર્ષ મહિના, તારીખે બનેલી ઘટના વિશે તેનું મસ્તિષ્ક કેવી રીતે જાણકારી મેળવી લેતું હશે તે એક વિસ્મય ઉપજાવે તેવી બાબત હતી.

એક વખત એડિનબરોનો બેન્જામિન નામનો ૭ વર્ષનો છોકરો તેના પિતાની સાથે ક્યાંક જઈ રહ્યો હતો. વાતચીત દરમિયાન તેણે તેના પતિાને પૂછ્યું- 'હું કયા દિવસે, કયા સમયે જન્મ્યો હતો ?' પિતાએ તે તારીખ અને સમય જણાવ્યો. તેની બે સેકન્ડ બાદ બેન્જામિન બોલી ઉઠયો હતો. ત્યારે તો મારા જન્મ લીધે આટલી સેકન્ડો થઈ એમ કહી તેણે લાંબા આંકડાની રકમ કહી. તેના પિતાએ આશ્ચર્યચકિત થઈ ગણતરી કરી જોઈ. તેમણે કહ્યું તે કહ્યું અને મેં ગણી જોયું તેમાં ૧,૭૨,૮૦૦નો ફરક આવે છે. તે સાંભળી બેન્જામિને હસતાં હસતાં કહ્યું 'પિતાજી, તમે ઇ.સ.૧૮૨૦ અને ૧૮૨૪ના બે લીપયરના દિવસો છોડી દીધા છે. તેમણે ફરીથી તેટલા ઘટાડીને ગણતરી કરી તો તે એ જ આંકડા આવ્યા જે બેન્જામિને માત્ર ૨ સેકન્ડમાં જણાવી દીધા હતા. મહાન મનોવિજ્ઞાની ફ્રેડરિફ વિલિયમ હેનરી માયર્સે તેમના પુસ્તક 'હ્યુમન પર્સનાલિટી એન્ડ ઇટ્સ સર્વાઈવલ ઓફ બોડિલી ડેથ''માં આ ઘટનાનું વર્ણન કરેલું છે.


Google NewsGoogle News