Get The App

શરીર વિજ્ઞાનીઓની દ્રષ્ટિએ હકારાત્મક વિચારસરણી સંજીવની ઔષધિ છે!

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
શરીર વિજ્ઞાનીઓની દ્રષ્ટિએ હકારાત્મક વિચારસરણી સંજીવની ઔષધિ છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- પ્રેમ જીવન રસાયણ છે, સ્વાસ્થ્ય સુધારનારું શ્રેષ્ઠ ઔષધ છે. પોઝિટિવીટી અમૃત સંજીવની છે જે ચમત્કારિક રીતે ગંભીર રોગોને પણ દૂર કરી દે છે

અ મેરિકન બોર્ડ ઓફ ઇન્ટર્નલ મેડિસિન તરફથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝ અને ઇન્ટર્નલ મેડિસિન માટે સર્ટિફાઈડ થયેલા વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો.હાર્વે એસ.ઝારીન (Harvey S.Zareen) કાર્ડિયાક રીહેબિલિટેશન પ્રોગ્રામના ડાયરેક્ટર છે. હાર્વે ઝારીને હૃદય રોગ અને લાગણીઓ વચ્ચે અતૂટ જોડાણ છે એવું સંશોધન કર્યું છે. તે જણાવે છે કે સામાજિક સહયોગ, જનસંપર્ક અને પ્રેમાળ સંબંધોનો અભાવ હૃદયરોગન નોતરે છે. વ્યક્તિ જ્યારે પોતાનું હૃદય ખોલે છે ત્યારે ઘણી શારીરિક તકલીફોમાંથી બચી જાય છે. એનાથી ઊલટું, કોઈ એના વિશે શુ અભિપ્રાય આપશે, કેવી ટીકા-ટિપ્પણ કરશે એવો ભય રાખી હૃદય ખોલતા નથી એટલે કે લાગણીઓને દબાવી દે છે તે આગળ જતાં હૃદયની ધમનીમાં બ્લોકેજ પેદા કરે છે. એનાથી તે હૃદય રોગનો ભોગ બને છે.

વિશ્વવિખ્યાત હાર્ટ સ્પેશિયાલિસ્ટ આ સંશોધક કાર્ડિયોલોજિસ્ટ કહે છે- પહેલાંના વખતમાં ગણિત અને વિજ્ઞાનના સમન્વયથી મેડિકલ સાયન્સ નિર્મિત થયું હતું. એમાં પ્રેમ, પ્રસન્નતા, સહયોગ, માનવતા જેવી લાગણીઓનો સમાવેશ થતો નહોતો. આજે હવે એનો સમાવેશ થવા લાગ્યો છે. હવે તેમાં 'ટનેલ વિઝન' એટલે કે સાંકડુ, સંકુચિત દર્શન રહ્યું નથી. એમાં ધીરે ધીરે સુધારો થવા લાગ્યો છે. હવે શરીર વિજ્ઞાન સ્વીકારે છે કે માત્ર દવાઓથી દર્દી સાજો થાય છે એવું નથી. એની હકારાત્મક વિચારસરણી (Positivity),શ્રદ્ધા, સહકાર, અને સહયોગની ભાવના એની બીમારી દૂર થવાની બાબતમાં ખૂબ જ ઉપયોગી બને છે.

ડો.હાર્વે ઝારીને ટફટસ યુનિવર્સિટીમાં એક માસના રોટેશનમાં એક નવો કોર્સ શરૂ કર્યો છે. કાર્ડિયોલોજી એઝ અ હિલિંગ આર્ટ (Cardiology as a Healing Art). એમાં તેમણે મેડિકલ ટ્રીટમેન્ટ ઉપરાંત પ્રેમ, પ્રસન્નતા, સહયોગ, સહકાર અને સમત્વભાવનો પણ સમાવેશ કર્યો છે. આ કોર્સમાં માનવીય સંબંધ મહત્વની ભૂમિકા ભજવે છે. ડો.હાર્વે કહે છે કે માનવી એક સામાજિક પ્રાણી છે. એ એકલો-અટુલો પડી જાય તો એનું ભાવનાતંત્ર વેરવિખેર થઈ જાય છે. એની કુંઠિત, વિક્ષિપ્ત ભાવનાઓને લીધે શારીરિક રોગો ઉદ્ભવે છે. અમેરિકન સંસ્કૃતિ વ્યકિતગતતા, વૈયક્તિક્તા પર વધારે ધ્યાન આપે છે. સામૂહિકતા પર એનું ધ્યાન બહુ ઓછું હોય છે. જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું પણ તેમને જરાય ગમતું નથી. ત્યાં લોકો લાગણી ભૂખ્યા રહીને તરફડે છે. પ્રેમની ભૂખનો તરફરાટ અને સહયોગની તરસનો ટળવળાટ, ચિંતા, ઉદ્વેગ, વિષાદ એમની ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડે છે. જ્યારે પોઝિટિવિટી એમના રોગ-પ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. ડો.હાર્વે સૂચન કરે છે કે ડોક્ટરોએ પણ દર્દીઓ સાથે સહયોગ સાધી એમની વાત સાંભળવી જોઈએ. એને બદલે ઘણું ખરું કરીને એમનું ધ્યાન દર્દીઓને કેસ કેટલો જલદીથી પતાવવો તેના પર જ હોય છે. એટલે એ દર્દીઓને પૂરતું બોલવા પણ દેતા નથી, એમની સાથે પ્રેમાળ વાતચીત તો બહુ દૂરની વાત થઈ જાય છે.

વૈકલ્પિક ચિકિત્સાના પુરસ્કર્તા અમેરિકન શરીરવિજ્ઞાની ડો.લેરી ડોસે (ડોસી) એ યુનિવર્સિટી ઓફ ટેકસાસ સાઉથ વેસ્ટર્ન મેડિકલ સેન્ટર, ડલાસથી ડોક્ટર ઓફ મેડિસિન (M.D) ની ડીગ્રી મેળવી હતી. તેમણે પ્રાર્થના અને અધ્યાત્મને મેડિકલ સાયન્સ સાથે જોડવાનું ભગીરથ કામ કર્યું છે. ડો.લેરી ડોસે (Larry Dossey)એમના બેસ્ટ સેલર પુસ્તક 'હિલિંગ વર્ડસઃ ધ પાવર ઓફ પ્રેયર એન્ડ પ્રેકિટ્સ ઓફ મેડિસિન (Healing Words; The Power of prayer and Practice Of Medicine)માં કહે છે કે તંદુરસ્તી પર શબ્દોની ભારે અસર પડે છે. પ્રેમાળ શબ્દો, યોગ્ય વાણી અને વ્યવહાર અને પ્રાર્થના વ્યક્તિની ચેતનામાં ભારે પરિવર્તન લાવે છે. આપણે દૂર રહીને પ્રાર્થના દ્વારા સંદેશા આપીને અન્ય વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકીએ છીએ. પ્રેમાળ અને જીવન પોષક વિચારો, હકારાત્મક વિચાર શૈલી (Positivity)બીજા મનુષ્યની બાયોલોજિક્લ સિસ્ટમ પર પણ અસર કરી શકે છે. આ બાબત પુરવાર કરવા તેમણે ૧૩૦ અભ્યાસો રજૂ કર્યા છે. તે કહે છે- જેમ ભૌતિક વસ્તુનું અસ્તિત્વ છે, ઊર્જાનું અસ્તિત્વ છે તેમ વૈશ્વિક ચેતના (Cosmoic Consciousness)નું પણ અસ્તિત્વ છે. ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં અધ્યાત્મનો પ્રવેશ થયો છે. તેમ મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં પણ અધ્યાત્મનો પ્રવેશ થયો છે.  ‘One Mind : How our Individual Mind is a part of a greater Consciousness and way it matters'નામના ૨૦૧૩માં પ્રકાશિત થયેલા એમના પુસ્તકમાં કહે છે - '૧૯૩૩નું ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનારા કર્વોન્ટમ ભૌતિકવિજ્ઞાની ઇરવિન શ્રોડિન્જરે અધિકૃત રીતે જાહેર કર્યું હતું- There is only one mind  (વિશ્વમાં માત્ર એક જ મન છે) ભૌતિક વિજ્ઞાની ડેવિડ બોહમ પણ કહે છે- 'ઊંડે ઊંડે માનવીની ચેતના એક જ છે' તે રીતે મેડિકલ ક્ષેત્રે પણ હોલિસ્ટિક (Holistic)  અભિગમ અપનાવવો જરૂરી છે. જ્યારે આપણું ધ્યાન 'સર્વૈક્ય' અને 'એકત્વ' તરફ કેન્દ્રિત થાય છે અને આપણે ખંડિતતા અને પૃથકતા (જુદાપણા)ની ભાવનાથી દૂર થઈએ છીએ ત્યારે સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય છે. ભૌતિકવિજ્ઞાને Undivided Wholeness અને Connected Universe નો સિદ્ધાંત આપીને જગતની દરેક વસ્તુનો અન્ય વસ્તુ સાથે પરસ્પર સંબંધ પ્રસ્થાપિત કર્યો છે. એટલે વૈશ્વિક ચેતનાથી હીલરની ઊર્જા અને તેની પ્રાર્થનાના શબ્દોની ઊર્જા બીમાર વ્યક્તિના શરીરના કોષો સુધી પહોંચે છે.

રોગો માટે પેનિસિનિલ જેવી દવાની જેટલી જરૂર છે. એટલી પ્રાર્થના અને પોઝિટીવિટીની પણ જરૂર છે. પ્રેમ જીવન રસાયણ છે, સ્વાસ્થ્ય સુધારનારું શ્રેષ્ઠ ઔષધ છે. પોઝિટિવીટી અમૃત સંજીવની છે જે ચમત્કારિક રીતે ગંભીર રોગોને પણ દૂર કરી દે છે. લેરી ડોસેની દ્રષ્ટિએ પ્રેમનું વિરોધી તત્વ ઘૃણા નથી, પણ વ્યક્તિગતપણું છે.  (Hate is not the opposite of love, the opposite of love is individuality). આપણી નકારાત્મક વૃત્તિઓ, અવસાદ, વિષાદ, ખિન્નતા, ગમગીની પ્રવૃદ્ધ લાગણીજન્ય ગ્રહણશીલતા (Increased susceptibility) તરફ લઈ જાય છે જે ઇન્ફેક્શન અને કેન્સર થવાનું કારણ બને છે. પસાર થતા સમયનું પ્રત્યક્ષીકરણ જેને આપણે બહારના ઘડિયાળથી જોઈએ છીએ એ આપણા આંતરિક ઘડિયાળને વધારે ઝડપથી ચાલવા પ્રવૃત્ત કરે છે. આનું પ્રમાણ વધી જાય તો ઉતાવળની બીમારી  (Hurry Sicknees)  થઈ જાય છે. જે હાઈબ્લડપ્રેશર અને હૃદયરોગ રૂપે પરિણમે છે. લેરી ડોસેએ 'ઓસ્ટરનેટિવ થેરાપિઝ ઇન હેલ્થ એન્ડ મેડિસિન' નામનું પુસ્તક પણ લખ્યું છે. લેરી ડોસે કહે છે- 'મનના ભાવો અને રોગો વચ્ચેનો સંબંધ ખોરાક અને પોષણ જેટલો જ પરસ્પરાવલંબી છે. એટલે પોઝિટિવ રહેશો તો જરૂર સ્વસ્થ બની રહેશો.'


Google NewsGoogle News