Get The App

ચીનના બેઇજિંગની રૂટ નંબર 375ની બસનું રહસ્ય

Updated: Jun 27th, 2023


Google NewsGoogle News
ચીનના બેઇજિંગની રૂટ નંબર 375ની બસનું રહસ્ય 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- લૌકિક અને પારલૌકિક બન્ને જગત એકબીજા સાથે જોડાયેલા છે તેથી કેટલીક વાર તે એકબીજાને મળી જાય છે. આ લોકનું કોઇક પરલોકની ઝાંખી કરી આવે છે. તો પરલોકનું કોઇ આ લોકની ઝાંખી કરી જાય છે

જ ગતને રિલેટિવિટી થિયરીની ભેટ આપનાર વિશ્વના મહાન વિજ્ઞાાનીઓમાંના એક એવા આલ્બર્ટ આઈન્સ્ટાઇને કહ્યું છે - 'ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ વી કેન એક્ષ્પિરિયન્સ ઇઝ ધ મીસ્ટિરિયઝ. ઇટ ઇઝ ધ સોર્સ ઓફ ઓલ ટ્રુ આર્ટ એન્ડ સાયન્સ - સૌથી વધારે સુંદર વસ્તુ જે આપણે અનુભવી શકીએ છીએ તે છે રહસ્યમતા. તે દરેક સાચી કલા અને વિજ્ઞાાનનું ઉદ્ગમસ્થાન છે.  રહસ્ય અને રોમાંચની અનુભૂતિ બધાને ગમે છે. લૌકિક જગતના જ ઘણા રહસ્યોથી આપણે અજાણ છીએ તો પારલૌકિક જગતના રહસ્યો સુધી તો ક્યાંથી પહોંચી શકીએ ? વિજ્ઞાાનીઓ કહે છે કે આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે જાણતાં નથી તેનું પ્રમાણ વધારે છે. તત્ત્વજ્ઞાાનીઓ પણ આવી જ વાત કરે છે. ગ્રીક તત્ત્વચિંતક સોક્રેટિસ કહેતા - 'હું જાણું છું કે મારે હજુ ઘણું વધારે જાણવાનું છે.' 'મારા અજ્ઞાાનના જ્ઞાાન સિવાય મને બીજું કશું જ્ઞાાન નથી.' લૌકિક અને પારલૌકિક બન્ને જગત એકબીજા સાથે જોડાયેલા છે તેથી કેટલીક વાર તે એકબીજાને મળી જાય છે. આ લોકનું કોઇક પરલોકની ઝાંખી કરી આવે છે. તો પરલોકનું કોઇ આ લોકની ઝાંખી કરી જાય છે. આવી ઘટના આપણામાં વિસ્મય જગાવે છે અને એની રહસ્યમયતા રોમાંચિત કરે છે.

ચીનના બેઇજિંગ શહેરમાં એક પારલૌકિક ઘટના બની હોવાના અનેક અહેવાલો પ્રસિધ્ધ થયેલા છે. જે રૂટ નંબર ૩૭૫ની એક બસને લગતી છે. ૧૪ નવેમ્બર ૧૯૯૫નો એ દિવસ હતો. ગાઢ ધુમ્મસ અને ઠંડો પવન વાઈ રહ્યો હતો. તે વખતે રૂટ નંબર ૩૭૫ની રાત્રિ બસ નિર્ધારિત સમયે યુઆન મિંગ હ્યુઆન (Yuan ming Huan)ના બસ ટર્મિનસથી ઝીઆન્ગ શાન-ફ્રેગરન્ટ હીલ જવા માટે નીકળે છે. બસ નીકળી ત્યારે તો મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. જેમ જેમ સ્ટોપ આવતા ગયા તેમ તેમ મુસાફરો ઊતરતા જતા હતા. એક બસ સ્ટોપ પર બસ ખાલી થઇ ગઇ. તેમાં માત્ર બસ ડ્રાઇવર અને મહિલા કંડક્ટર જ રહ્યા. બસનું છેલ્લું સ્ટોપ ફ્રેગરન્ટ હીલ હજુ સાત સ્ટોપ પછી આવવાનું હતું. જે રસ્તેથી બસ જઇ રહી હતી તે ગામડાં અને જંગલ જેવા પ્રદેશમાંથી પસાર થતો હતો. આગળ સમય પેલેસના સ્ટોપ પર બસ ઊભી રહી. ત્યાંથી એક યુવાન દંપતી, વૃદ્ધ મહિલા અને ૧૯ વર્ષનો યુવક બસમાં ચડયાં. યુવાન પતિ-પત્ની ડ્રાઇવરની પાછળની સીટ પર બેસે છે અને પેલો યુવક બસના દરવાજાની સાઇડ તરફની એક સીટ પર અને વૃદ્ધ મહિલા એ યુવકની પાછળની સીટ પર બેસે છે. બસ આગળ ચાલવા લાગે છે. લગભગ ચારેક સ્ટોપ આગળ ગયા બાદ બસના ડ્રાઇવર અને કન્ડક્ટરને સડકની ધાર પાસે બે વ્યક્તિઓ ઊભેલી દેખાય છે. પહેલાં તો ડ્રાઇવરને ત્યાં બસ ઊભી રાખવાની ઇચ્છા ના થઇ કેમ કે ત્યાં કોઇ સ્ટોપ નહોતું. પણ મહિલા કન્ડક્ટરને દયા આવી કે આ રૂટની એ છેલ્લી બસ હતી. મધરાતનો સમય થઇ ગયો હતો એ વ્યક્તિઓ  ઘેર કેવી રીતે જશે ? એના સમજાવાથી ડ્રાઇવરે ત્યાં બસ ઊભી રાખી.

જેવી બસ ઊભી રહી એ સાથે પાછળના દરવાજેથી એ લોકો અંદર દાખલ થઇ જાય છે. એમના તરફ નજર કરતાં ખ્યાલ આવે છે કે એ બે નહીં પણ ત્રણ વ્યક્તિઓ છે. બે વ્યક્તિઓએ ત્રીજી વ્યક્તિને તેમના ખભાના ટેકે ઊભો રાખ્યો છે. તેનું માથું નીચેની તરફ ઢળેલું છે. તેના વાળ એકદમ વિખરાયેલા છે અને મોં ઢંકાયેલું છે. પેલી બન્ને વ્યક્તિઓના શરીર પીળા પડી ગયા હોય તેવા છે. તેમણે ચીનના પ્રાચીન કાળના લોકો પહેરતા હતા એવા વસ્ત્રો પહેરેલા  છે. અશાંતિ ઊભી ના થાય એટલે મહિલા કન્ડક્ટરે બીજા મુસાફરોને કહ્યું - 'આ લોકો કોઈ નાટક કંપનીમાં કામ કરતા હોય એવું લાગે છે. ઉતાવળમાં એ કપડાં બદલી નહીં શક્યા હોય.'

બસ નંબર ૩૭૫ ત્યાંથી આગળ વધી. પેલી વૃદ્ધ મહિલા વારંવાર પેલા વિચિત્ર દેખાતા પાછળની છેલ્લી સીટ પર બેસી ગયેલા લોકોને જોયા કરતી હતી. આગળનું બસ સ્ટોપ આવતાં પેલું યુવાન કપલ ત્યાં ઊતરી જાય છે. બસ બે-ત્રણ કિલોમીટર આગળ જાય છે. વૃદ્ધ મહિલા ડોકુ પાછળ કરી પેલા ત્રણ લોકોને જોવા લાગી. તેણે ડોકું સીધું કરી લીધું. એકાદ મિનિટ બાદ તેણે ઊભા થઇને આગળની સીટ પર બેઠેલા ઓગણીસ વર્ષના યુવાનને ગાલ પર તમાચો મારી દીધો અને મોટેથી બરાડો પાડીને કહેવા લાગી - 'તે મારું પર્સ ચોરી લીધું છે. હું તને પોલીસને હવાલે કરી દઇશ.' તેણે ડ્રાઇવરને કહ્યું - 'બસ અહીેં જ રોકી લો.' ડ્રાઇવરે કહ્યું - 'આગલા સ્ટોપ પર ઉતરી જજો. મને નથી લાગતું કે આ છોકરાએ તમારું પર્સ ચોર્યું હોય.' પણ તે વૃદ્ધા માની નહીં. તેણે ભારે શોરબકોર કરી મૂક્યો. ડ્રાઇવરે બસ ત્યાં જ ઊભી રાખી દીધી. વૃદ્ધાએ છોકરાનો હાથ પકડી એને ઢસડીને બસની બહાર લઇ આવી. તે છોકરા સાથે આગળ ચાલવા લાગી. પેલા છોકરાએ કહ્યું - 'મેં તમારું પર્સ ચોર્યું નથી. ખાતરી ના થતી હોય તો મારી તલાશી લઇને જોઈ લો.' પેલી ઘરડી મહિલાએ તેને જવાબ આપતાં કહ્યું - 'મને ખબર છે કે તે મારું પર્સ ચોર્યું નથી.' પેલા યુવકે કહ્યું - 'તો આવું ખોટું બોલીને મને બસમાંથી કેમ ઉતારી દીધો ?'

પેલી વૃદ્ધાએ તેને જણાવ્યું - 'હું પેલા ત્રણ માણસોથી બચવા માંગતી હતી અને તને પણ બચાવવા માંગતી હતી. જૂના જમાનાના વિચિત્ર કપડાં પહેરેલા એ ત્રણ ભૂત હતા. છેલ્લે મેં તેમના તરફ જોયું તો મને દેખાયું કે તેમના શરીર પર નીચે પગ જ નહોતા !' તેમને શંકા ન પડે એટલે મે ઝગડવાનું નાટક કર્યું અને બસ સ્ટોપ વગર જ તને લઇને નીચે ઊતરી ગઈ. પછી તે બન્નેએ પોલીસ સ્ટેશન જઇને જે બન્યું હતું તેની જાણકારી આપી અને છેવટે જેમ તેમ કરીને પોતપોતાના ઘેર પહોંચ્યા.

બીજે દિવસે ૧૫ નવેમ્બરના રોજ સવારે પોલીસને ખબર મળી કે ૧૪ નવેમ્બરની રાત્રે યુઆન મિંગ હ્યુઆનથી નીકળેલી રૂટ નંબર ૩૭૫ની બસ છેલ્લા ટર્મિનસ ફ્રેગરન્ટ હીલ પહોંચી જ નથી. એની ચારે બાજુ તપાસ કરી પણ તે ક્યાંય ન મળી. રસ્તા પરના છેલ્લા સ્ટોપના કેમેરા તપાસ્યા પણ તેમાંય તે જોવા ન મળી. પોલીસને પેલી વૃદ્ધાની વાત તો યાદ જ હતી. તેને થયું કે જરૂર કંઇક રહસ્યમય બન્યું છે. ૧૬ નવેમ્બરે પોલીસને ખબર મળી કે ફ્રેગરન્ટ હીલથી ૧૦૦ કિલોમીટર આગળ આવેલા એક સરોવરમાં કોઇ બસ ડૂબેલી છે. ક્રેનની મદદથી એ બસને બહાર કાઢવામાં આવે છે. તો ખબર પડે છે કે તે બસ નંબર ૩૭૫ જ છે. તેમાંથી ૫ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા. એ પાંચમાંથી બે પેલી બસના ડ્રાઇવર અને મહિલા કન્ડક્ટરના મૃતદેહ તરીકે ઓળખાઈ ગયા. તેમના મૃતદેહ બે દિવસ પહેલાં મરણ પામ્યા હોય એવા હતા. જ્યારે ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ નિષ્ણાતોએ જણાવ્યું કે બાકીના ત્રણ મૃતદેહો સેંકડો વર્ષો પહેલાં મરણ પામ્યા હોય તેવા અત્યંત સડી ગયેલા હતા. એ પાંચેય એક જ બસમાં સવાર હતા અને સાથે મરણ પામ્યા હતા તો એમની સડવાની પ્રક્રિયામાં આટલો બધો તફાવત કેવી રીતે હોઈ શકે ? બસ ડેપોનો સંપર્ક કરાયો ત્યારે ખબર પડી કે બસની ફ્યુઅલ ટાંકીમાં જરૂર જેટલું જ પેટ્રોલ ભરાયેલું હતું. છેલ્લા ટર્મિનસથી ૧૦૦ કિલોમીટર આગળ જાય તેટલું ફ્યુઅલ તેમાં હતું જ નહીં. જ્યારે ડૂબેલી બસની ફ્યુઅલ ટાંકી ખોલવામાં આવી તો જે જોયું તેનાથી બધાના હોશ ઊડી ગયા. તેમાં તાજું માનવ રક્ત ભરાયેલું હતું. આ બધા પરથી લોકોને ખ્યાલ આવી ગયો કે પ્રેતાત્માની દુનિયામાંથી આવેલા તે ત્રણ ભૂતોએ જ રૂટ બસ નંબર ૩૭૫ને ડૂબાડી દીધી હતી.


Google NewsGoogle News