સ્વપ્નો રોગનિદાન સાથે રોગ-ઉપચાર માટે પણ મદદરૂપ બની શકે છે!

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
સ્વપ્નો રોગનિદાન સાથે રોગ-ઉપચાર માટે પણ મદદરૂપ બની શકે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- અત્યાર સુધી એવું મનાતું હતું કે સ્વપ્ન ન આવે તે નિદ્રા સારી. પણ તે વાત સાચી નથી. અત્યારનું શરીરવિજ્ઞાન કહે છે કે સ્વપ્નો આવે એ નિદ્રા સારી

સ્વ પ્ન નિદ્રા સમયે થતી એક રહસ્યમય પ્રક્રિયા છે. સ્વપ્ન મન અને ચેતનાને ગોચર પ્રક્રિયા છે. જે રીતે જાગૃત અવસ્થામાં મનુષ્ય પોતાના વિચાર, ભાવ, સમજ અનુસાર કલ્પના વિહાર કરે છે તે રીતે નિદ્રા અવસ્થામાં સ્વપ્ન દર્શન કરે છે. સ્વપ્નમાં આંતર જગતની થોડી ઝલક જોવા મળી જાય છે. સ્વપ્નમાં ઝલકથી તેને અનાગતનું દર્શન થઈ જાય છે. તે વ્યક્તિની અંત:સ્થિતિનું પણ સત્ય દર્શન કરી લે છે. વ્યર્થ, નિરર્થક અને જુદા જણાતા સપના અર્થપૂર્ણ, સાર્થક અને સાચા સાબિત થઈ જતા હોય છે. તેનાથી સત્યની પ્રાપ્તિ થઈ જાય છે. કેકયૂલે સ્ટ્રક્ચર ઓફ બેન્ઝિનની શોધ કરનાર મહાન જર્મન રસાયણ વિજ્ઞાની ફ્રેડરિક ઓગસ્ટ કેક્યૂલેનું સ્વપ્ન વિષયક વિધાન અર્થપૂર્ણ હતું - ''લેટ અસ લર્ન ટુ ડ્રીમ ઓ જેન્ટલમેન, ધેન વી મે પરહેપ્સ ફાઈન્ડ ધ ટ્રુથ (Letus learn to dream o gentlemen, then we may perhaps find the truth) હે સજ્જનો, ચાલો આપણે સ્વપ્નો  જોતાં શીખીએ, એ પછી જ કદાચ આપણે સત્ય શોધી શકીશું.'' નિદ્રાના ઝરુખા પરથી સ્પપ્ન સૃષ્ટિમાં કરેલા એક ડોકિયાથી એ બધું જોઈ-જાણી-સમજી શકાય છે જે જાગૃત જગતના વિચાર વિશ્લેષણ અને પરીક્ષણથી જોવું - જાણવું - સમજવું શક્ય નથી હોતું.

પ્રસિદ્ધ રશિયન મનોચિકિત્સક અને શરીરવિજ્ઞાની વાસિલી નિકોલાયેવિચ કસાટિકન (Vasily Nikolayevich Kasatkin) તેમના ત્રીસ વર્ષોના સશોધનોને આધારે કહે છે - 'મસ્તિષ્કમાં એવી અદ્દભુત શક્તિ છે કે તે શરીરની અંદર ચાલી રહેલી રુગ્ણ ગતિવિધિઓને એ શરીર પર પ્રગટ થાય તે પહેલાં જાણી લે છે અને સ્વપ્નના પ્રતીકો દ્વારા એ સંકેતો આપે છે કે અત્યારે સ્વાસ્થ્યની સ્થિતિ કેવી છે અને તે આગળ જતાં કેવું રૂપ ધારણ કરશે. સ્વપ્ન ન આવવા એ બીમારીની નિશાની છે.' અત્યાર સુધી એવું મનાતું હતું કે સ્વપ્ન ન આવે તે નિદ્રા સારી. પણ તે વાત સાચી નથી. અત્યારનું શરીરવિજ્ઞાન કહે છે કે સ્વપ્નો આવે એ નિદ્રા સારી. ડૉ. વાસિલી કસાત્કિને રોગ, સ્વપ્ન સંકેત અને સ્વાસ્થ્ય વિશે ગહન સંશોધન કર્યું છે. લેનિનગ્રાડ ન્યુરોસર્જિકલ ઈન્સ્ટિટયુટના સાઈકીઆટ્રિસ્ટ તરીકે કામ કરતાં ડૉ. કસાત્કિને ૪૦ વર્ષ સુધી ૧૨૦૦ વ્યક્તિઓના ૧૦,૨૪૦ સ્વપ્નોનો અભ્યાસ કરીને પ્રતિપાદિત કર્યું કે રોગના લક્ષણ શરીર પર પ્રગટ થતાં પહેલા જ સ્વપ્નો દ્વારા રોગ પોતાના આગમનની સૂચના આપી દે છે. તે કહે છે -‘‘Dreams are sentries that watch over our health. There are nerves coming to the brain from every part of the body-and they relay signals of imptnding illness into dreams.'' એ થિયરી ઓફ ડ્રીમ્સ(A Theoru of Dreams) નામના તેમના પુસ્તકમાં તેમણે આ વિષયની વિસ્તૃત છણાવટ કરી તેના વિશે ઊંડી સમજ આપી છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયા પર જર્મનીના વારંવાર હુમલા થતા હતા ત્યારે વાસિલી કસાત્કિન એક ચિકિત્સક તરીકે લેનિનગ્રાડમાં નિયુક્ત કરાયા હતા. એમના દર્દીઓના કેટલાક સ્વપ્નોની વિગતો જાણી તેમને તે વિશે સંશોધન કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. તેના આધારે તે અર્થઘટન કરતા અને સ્વપ્નો રોગોનો સંકેત કેવી રીતે આપે છે તે જાણવાનો પ્રયત્ન કરતા. એક સ્ત્રીને એવું સ્વપ્ન આવતું હતું કે તે રેતીના એક ઢગલા પર સૂતેલી છે. તે વખતે એક રેતાળ પથ્થરની શિલાનો થોડો ભાગ તૂટીને ઉપરથી નીચે પડે છે. તેની નીચે તેનો ચહેરો દબાઈ જાય છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ડૉ. કસાત્કિને તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો તો તેમાં ખબર પડી કે તેનું ફેફસું ટી.બી.ને કારણે ખરાબ થઈ ગયું છે. થોડા સમય બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી હતી. સ્વપ્નમાં અનુભવાતી પથ્થરની શિલા હેઠળ દબાઈ જવાથી થતી શ્વાસની રુંધામણ એ એના ફેફસામાં થઈ રહેલા ક્ષય રોગનો ગૂઢ સંકેત હતો.

એક વ્યક્તિને એક અઠવાડિયાથી દરરોજ એક જ પ્રકારનું સ્વપ્ન આવતું. તેમાં તેને એવું દેખાતું કે એક કરચલો તેના પેટ પર ચઢી, પેટની ચામડી ચીરીને અંદર ઘુસી વ્યક્તિના પેટમાં જરૂર કોઈ ગંભીર રોગ આકાર લઈ રહ્યો છે. તે રોગના લક્ષણ હજુ શરીરમાં દેખાતા નથી પણ તે એકદમ પ્રારંભિક દશામાં છે. તેના અચેતન મને તેની જાણકારી મેળવી સ્વપ્ન સંકેતોથી બતાવવા માંડી છે. તેમણે રોજ તેનું શારીરિક પરીક્ષણ કરવાનું ચાલુ રાખ્યું. થોડા જ સમય પછી તેના પેટમાં કેન્સરની ગાંઠ બનતી જોવા મળી. કેન્સર એટલે કરચલો. કેન્સર રોગનો સંકેત એના સાચા પ્રતીક કરચલા દ્વારા જ મન દ્વારા સ્વપ્નમાં સૂચવવામાં આવ્યો ! ડૉ.કસાન્તિકન કહે છે - 'સ્વપ્નો દ્વારા ટોન્સિલ્સ, એપેન્ડિસાઈટિસ, પાચન તંત્રના રોગો અને કેન્સર જેવા રોગોની જાણકારી તેની શરૂઆત થવાના ઘણા સમય પહેલાં મેળવી શકાય છે. બ્રેઈન ટયુમરની ખબર તો એક વર્ષ પહેલા જ સ્વપ્નો દ્વારા મળી શકે છે.'

આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનું ધ્યાન આ દિશામાં હવે ગયું છે, પરંતુ આયુર્વેદમાં રોગ નિદાન માટે સ્વપ્નોને પહેલાં જ ઘણું મહત્વ આપવામાં આવ્યું હતું. આચાર્ય વરાહમિહિરે 'કલા પ્રકાશિકા'માં સ્વપ્નો દ્વારા ત્રિદોષ જ્ઞાનનું સવિસ્તર વિવેચન કર્યું છે. આયુર્વેદ પ્રમાણે વાત, પિત્ત અને કફ આ ત્રિદોષ જ બધા રોગોના મૂળ કારણ છે. કલા પ્રકાશિકામાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પવનના વાવાઝોડાથી અને અગ્નિથી ઘેરાયેલ દ્રશ્યો સ્વપ્નમાં જુએ છે તેનામાં અનુક્રમે વાત અને પિત્તની અસર વધેલી જોવા મળે છે. શરીરના અમુકભાગ પર અને કપાળ પર ગરમી અનુભવ થતી જોવા મળે તો તેનામાં પિત્ત વિકાર હોવાનું નિદાન કરાયું છે. એ જ રીતે લાલ રંગની વસ્તુઓ અને અગ્નિજવાળા રક્તવિકારનું અને અગ્નિ સાથે પુષ્પ શ્લેષમાનું સૂચન કરે છે.

આયુર્વેદાચાર્ય વૈદ્યરાજ સુશ્રુતે 'સુશ્રુત સંહિતા'માં લખ્યું છે - 'સ્વપ્નથી જરૂર રોગનિદાનમાં તો સહાયતા મળે જ છે, તે સાથે રોગીના રોગના વધારા-ઘટાડાની, રોગ વધારે વકર્યો છે કે તેમાં સુધારો આવી રહ્યો છે તેની પણ સચોટ જાણકારી મેળવી શકાય છે. પ્રમેહ તથા અતિસારના રોગીને જો પાણી પીવાના સ્વપ્ન દેખાય તો તે તેનો રોગ વધશે, વધારે વકરશે તેનું સૂચન કરે છે અને વાસ્તવમાં તેમ થતું જોવા પણ મળે છે. શ્વાસના રોગીને એવું સ્વપ્ન આવે કે તે ઝડપથી ચાલી રહ્યો છે. કે દોડી રહ્યો છે તો તે પણ તેનો રોગ વધારે તીવ્ર બનશે એવું સૂચન કરે છે. અર્વાચીન મનોવિજ્ઞાન જણાવે છે કે રોગના નિદાનમાં સ્વપ્નો જેમ મોટી ભૂમિકા ભજવે છે તેમ રોગની ચિકિત્સામાં પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. ડ્રીમ થેરેપી થકી નિદ્રાની વિશિષ્ટ સ્થિતિમાં તેના સબ લિમિનલ સ્તર પર સૂચનો આપી રોગોનું કાયમી નિવારણ કરી શકાય છે.'


Google NewsGoogle News