Get The App

પ્રેમની ઝંખનામાં સ્કોટલેન્ડમાં ભટક્તો ફ્રેન્ચ યુવતી પર્લિન જીનનો પ્રેતાત્મા

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
પ્રેમની ઝંખનામાં સ્કોટલેન્ડમાં ભટક્તો ફ્રેન્ચ યુવતી પર્લિન જીનનો પ્રેતાત્મા 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- તમે મને છોડી દીધી પણ હું તમને નહીં છોડું. તમે જીવશો ત્યાં સુધી અહીં રહીશ. તમારા મરણ બાદ પણ આ ઘરમાં જ રહીશ. 

"Love is A journey that never ends. It only ends with your life-પ્રેમ એક એવી યાત્રા છે જે ક્યારેય પૂરી થતી નથી. તે માત્ર ત્યારે જ પૂરી થાય છે જ્યારે તમારું જીવન પૂરું થાય છે.   Love Never Fails, people fail on love-પ્રેમ ક્યારેય નિષ્ફળ જતો નથી, લોકો પ્રેમની બાબતમાં નિષ્ફળ જાય છે.

પ્રેમ વિષયક આ બન્ને વિધાનોને સાર્થક કરતી સ્કોટલેન્ડની પર્લિન જીન (Perlin Jean)નામની એક યુવાન ભૂત સુંદરીની તવારીખ રોમાંચક અનુભૂતિ કરાવનારી છે. સ્કોટલેન્ડની બ્લેકએડર નદીના કિનારા પર બર્વિકશાયરમાં એલનટોન ગામ પાસે આવેલા એલનબેન્ક (Allanbank) નામનું રાજમહેલ જેવું ભવ્ય આલિશાન આવાસસ્થાન અને એની આસપાસનો વિસ્તાર ભૂત સુંદરી પર્લિન જીનનું નિવાસસ્થાન અને વિહારસ્થાન બની રહ્યું છે. આ સુંદર વિશાળ અસ્કયામતના માલિક હતા. જમીનદાર (laird) સર રોબર્ટ સ્ટુવર્ટ (Robert Stewart) જે ૧૬૮૪માં બેરોનેટ બન્યા હતા અને પર્લિન હતી પેરિસમાં રહેતી એક ફ્રેન્ચ યુવતી જે સર રોબર્ટના પ્રેમમાં પડી હતી અને તેમના દ્વારા ત્યજી દેવાયા બાદ અકસ્માતમાં મરણ પામ્યા પછી ભૂત રૂપે સ્કોટલેન્ડના તેમના ઘરમાં ભટકતી હતી.

સર રોબર્ટ સ્ટુવર્ટ યુવાન હતા ત્યારે ફ્રાન્સના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તે પેરિસની મુલાકાતે ગયા ત્યારે એક પાર્ટીમાં પર્લિન જીનનો ભેટો થઈ ગયો. યૌવનના પગથારે પગ મૂકી ચૂકેલી પર્લિન કોઈ દેવદૂત (Angel) જેવી સ્વર્ગીય સુંદરતા ધરાવતી હતી. તેને જોતાની સાથે જ રોબર્ટ તેના તરફ આકર્ષિત થઈ ગયા અને રોબર્ટના શરીર-સૌષ્ઠવ, વ્યક્તિત્વ, પ્રતિભા, પદ, પ્રતિષ્ઠા અને પૈસો એ બધાના ચુંબકીય આકર્ષણથી પર્લિન તેમના તરફ પણ આકર્ષિત થઈ ગઈ. થોડાક જ સમયમાં તે તેમના પ્રેમમાં પડી ગઈ. તેને રોબર્ટમાં પોતાનો આદર્શ કલ્પના પુરુષ દેખાવા લાગ્યો અને તે પોતાનું સર્વસ્વ સમર્પી તેમની સાથે નિકટતમ સાહચર્ય સાથે રહેવા લાગી હતી.

રોબર્ટને પર્લિન માટે હૃદયથી ઉદ્ભવેલો ઊંડો અને સાચો પ્રેમ નહોતો. તે તો માત્ર એક શારીરિક આકર્ષણ હતું. એટલે તેમણે તેના તરફ દ્યાન આપવાનું ઓછું કરી દીધું. એક દિવસ તે સખત ઝગડો કરીને પર્લિનને છોડીને જવા લાગ્યા. તે ઘોડાગાડીમાં જઈને બેસી ગયા. પર્લિન તેમને મનાવવા તેમની પાછળ ગઈ. રોબર્ટે કોચમેનને ઘોડાગાડી ચલાવવાનો આદેશ કર્યો. પર્લિન તેની સાથે સાથે ચાલવા-દોડવા લાગી. તેણે ચાલુ ઘોડાગાડીએ એનું બારણું ખોલવાનો પ્રયાસ કર્યો. એમાં તે પડી ગઈ અને તેના પૈડા નીચે તેનું માથું આવી ગયું. કે કચડાઈને મરણ પામી. મરણ પામતા પહેલાં તેણે રોબર્ટને કહ્યું હતું- ‘I Will be in scotland befor you _  તમે સ્કોટલેન્ડ પહોંચો તે પહેલાં હું પહોંચી ગઈ હોઈશ.'

વાસ્તવમાં તવું જ થયું. રોબર્ટ ફ્રાન્સનો પ્રવાસ અને થોડો રહેવાસ ટૂંકાવી સ્કોટલેન્ડ પાછા આવ્યા ત્યારે પર્લિન જીન ભૂત બનીને તેમના એલનબેન્ક આવાસમાં તેમની રાહ જોઈને બેઠેલી જ હતી. ઘરમાં પ્રવેશ્યા પછી રોબર્ટે સૌથી પહેલાં તેને જ જોઈ ! પર્લિન ઘરમાં જ છે તેવો તેમને અનેક રીતે અહેસાસ થવા લાગ્યો. ઘરના દાદરા પર કોઈ પગથિયા ચડતું હોય તેવો અવાજ સંભળાય, બારણા પર ટકોરા પડતા હોય તેવો અવાજ સંભળાય. ઘણીવાર તો તે તેના અસલ સ્વરૂપે પ્રગટ થઈ નરી આંખો દેખાય પણ ખરી. તે રોબર્ટને કહે : 'તમે પ્રેમમાં વિશ્વાસઘાત કર્યો ? મારી સાથે છેતરપિંડી કરી. મને કેમ છોડી દીધી ? મારામાં શું ખોટ કે ખરાબી હતી ? તમે મને જોઈ, મારી બૂમો સાંભળી તોય ઘોડાગાડી ઉભી ના રખાવી. તમે ઘોડાગાડી ઉભી રખાવી હોત તો હું એની સાથે દોડત નહીં. હું કચડાઈ ગઈ ના હતો. તમને મારા પર પ્રેમ હતો જ નહીં. પણ મને તો તમારા પર સાચો પ્રેમ હતો. તમે મને છોડી દીધી પણ હું તમને નહીં છોડું. તમે જીવશો ત્યાં સુધી અહીં રહીશ. તમારા મરણ બાદ પણ આ ઘરમાં જ રહીશ. આ ઘર અને આ વિસ્તાર મને બહુ ગમી ગયા છે.

રોબર્ટ, તેમની પત્ની, ઘરના નોકર-ચાકર, અન્ય રહેવાસી તથા તે વિસ્તારના લોકોને પર્લિન જીનનું ભૂત વારંવાર દેખાતું. કોઈવાર પ્રેમીને મળવા જતી અભિસારિકાના રૂપમાં દેખાતી. બે હાથ લાંબા અને પહોળા કરી પોતાના પ્રેમી રોબર્ટને આલિંગન આપવા જતી એની પ્રેમિકાના રૂપમાં દેખાતી તો કોઈવાર માથું ફૂટી જવાથી અને મોઢું ચગદાઈ જવાથી લોહીલુહાણ થઈ ગયેલી યુવતીના રૂપમાં દેખાતી. ચર્ચ ઓફ ધ રિફોર્મડ ફેઈથના સાત પાદરીઓને બોલાવી ઘરને પ્રેતાત્માના પ્રભાવથી મુક્ત કરવાની ધાર્મિક વિધિ પણ કરાવી તોય તેના પ્રેતને ત્યાંથી દૂર ના કરી શકાયું. સર રોબર્ટને રોજ પર્લિન જીનના અવનવા અનુભવો થતા. કોઈક વાર તેમને એવું લાગતું કે જાણે તે તેમના શરીર પર પ્રેમથી હાથ ફેરવી રહી છે. તેના મખમલ જેવા સુંવાળા હાથનો તેમને સ્પર્શ અનુભવાતો. કોઈવાર તેમના હોઠ પર હોઠ ભીંસીને તસતસતું ચુંબન કરતી હોય તેવું લાગતું. કોઈકવાર તેમના શરીર પર તેનું શરીર નાંખી એટલો બધો ભાર વધારી દેતી કે તે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં ઉભા થઈ શક્તા નહોતા. હવે તે પર્લિનને પ્રેમ અને આદર આપે છે. તેવું બતાવવા તેમણે તેમની અને તેમની પત્નીની તસ્વીરોની વચ્ચે પર્લિનની મોટી તસવીર પણ મૂકાવી હતી. પણ તેમની પત્નીએ ઇર્ષાથી તે ત્યાંથી ખસેડી લેવડાવી હતી. ૧૬૯૭ની પૂર્વેથી ચાલ્યો આવતો પર્લિનના પ્રેતનો ઉપદ્રવ બે-ત્રણ સદીઓ સુધી ચાલુ રહ્યો હતો. ઓગણીસમી સદીમાં તેના પર કવિતાઓ પણ લખાઈ ‘ opearlin Jean, O pearlin Jean, She haunts the house, she haunts the green, and glowers on us awi' her Wullcat e'en. for all the silver in English bank, Nor yet for all the gold, Would i pass through the hall of Allanbank, When the midnight bell has toll'd.

એકવાર એક યુવાને રોબર્ટના આવાસ પાસે તેની ગર્લફ્રેન્ડને મળવાનું નક્કી કર્યુ. તેણે તેને ત્યાં બોલાવી જેથી તેઓ એકાંતમાં સમય વીતાવી શકે અને પ્રેમ કરી શકે. તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ત્યાં આછા અજવાળામાં તેની પ્રેમિકા ઉભી છે અને ઇશારો કરીને તેને તેની પાસે બોલાવી રહી છે. તે ઝડપથી ત્યાં પહોંચી ગયો અને તેની ગર્લફેન્ડે તેનો હાથ પકડી લીધો અને તેને આલિંગન પણ આપી દીધું.ત્યાં એકાએક પાછળથી તેની ગર્લફ્રેન્ડનો અવાજ આવ્યો. તેણે ચમકીને પેલી યુવતીને છોડી દીધી અને પૂછ્યું- કોણ છે તું ? તેણે જવાબ આપ્યો- 'પર્લિન જીન'. પર્લિનનું નામ સાંભળી તે યુવકની કરોડરજ્જૂમાંથી વીજળી પસાર થઈ ગઈ. તેણે તેની ગર્લફ્રેન્ડને કહ્યું- મને તો એમ થયું હતું ક તું ત્યાં આવીને ઉભી છે. જ્યારે એ તો પર્લિનનું ભૂત હતું ! તે બન્ને ત્યાંથી ભાગી છૂટયા હતા. પોતાના પ્રેમીને પ્રાપ્ત કરવાની ઝંખનામાં ભૂત થઈને ભટકતી પર્લિન જીન બીજા કરતાં પ્રેમી યુગલોને વદારે દેખાતી હતી. અને આવી ભ્રમજાળ ઉભી કરી પ્રેમ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતી. ૧૯મી સદીમાં એ ભૂતિયા ઘરને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું.


Google NewsGoogle News