Get The App

શરીર વિજ્ઞાનીઓએ દર્શાવેલી ઓટોફેગી પ્રક્રિયા અનશન-ઉપવાસ કરવાથી સિદ્ધ થઈ જાય છે !

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
શરીર વિજ્ઞાનીઓએ દર્શાવેલી ઓટોફેગી પ્રક્રિયા અનશન-ઉપવાસ કરવાથી સિદ્ધ થઈ જાય છે ! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- કોષોનો સમૂળગો નાશ કરવો એને બદલે એની ક્ષતિ કે બગાડ કાઢી એમની જગ્યાએ નવા કોષોનો જન્મ થવાં દેવો એ વધારે સારું છે.

ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનો મહિમા મુક્ત કંઠે ગાવામાં આવ્યો છે. તે રીતે દુનિયાના મોટા ભાગના ધર્મોમાં ઉપવાસ કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં ઉપવાસને અનશન પણ કહેવામાં આવે છે. અશન એટલે ભોજન કરવું અને અનશન એટલે ભોજન ન કરવું. ગુજરાતી ભાષામાં લાંઘણ શબ્દ પણ છે જેનો અર્થ થાય છે ભૂખ્યા રહેવું. મહાભારતના અનુશાસન પર્વના એકસોછઠ્ઠા અધ્યાયના પાંસઠમા શ્લોકમાં મહર્ષિ વેદવ્યાસ કહે છે- નાસ્તિ વેદાત્ પરં શાસ્ત્ર, નાસ્તિ માતૃ સમો ગુરુ :। ન ધર્માત્ પરમો લાભ : તપો ન અનશનાત્ પરમ ।। વેદથી મોટું કોઈ શાસ્ત્ર નથી, માતા સમાન કોઈ ગુરુ નથી. ધર્મથી મોટો કોઈ લાભ નથી અને અનશન (ઉપવાસ)થી મોટી કોઈ તપશ્ચર્યા નથી. શાસ્ત્રોએ ઉપવાસના અનેક લાભ બતાવ્યા છે, હવે શરીરવિજ્ઞાન એનું સમર્થન કરી રહ્યું છે.

તારીખ ૩-૧૦-૨૦૧૬ના રોજ સ્વીડનની કેરોલિન્સકા ઇન્સ્ટિટયૂટ ખાતે જાપાનમાં બાયોલોજિસ્ટ ડો. યોશિનોરી ઓસુમી  (Yoshinori ohsumi)  ને નોબલ પ્રાઈઝ ઇન ફિઝિયોલોજી ઓર મેડિસિન ના ક્ષેત્રમાં ઓટોફેગી/ ઓટોફેજી ( AutoPhagy)ની રિસર્ચ માટે આપવામાં આવ્યું. ઓટોફેગી એટલે આપણી ભાષામાં ઉપવાસ, અનશન કે લાંઘણ. ઓટોફેગીને ઓટોફેગોસાઈટોસિસ (Autophagocytosis) પણ કહેવાય છે. ઓટોફેગી શબ્દ ગ્રીક ભાષાના 'ઓટોફેગોસ' શબ્દ પરથી બન્યો છે. એનો અર્થ છે- આત્મ-લક્ષણ, પોતાને ખાવું. આ શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. જેમાં કોશિકાઓ પોતાના જુના કે ક્ષતિગ્રસ્ત, બગડેલા ભાગોને ખાઈ જાય છે અને તેને ફરી. ઉપયોગમાં લે છે. તેને શરીરની સેલુલર રીસાઈકલિંગ પ્રક્રિયા  (Cellular recycling process) કહી શકાય.

શરીરને ભોજન ન મળે ત્યારે કોષો પોતાની જાતનું ભક્ષણ કરી પોતાનો નાશ કરે છે. જો ઓટોફેગી (ઓટોફેજી)ની પ્રક્રિયા ન થાય તો ક્ષતિગ્રસ્ત, બગડેલા, અશક્ત કોષોનું પ્રમાણ વધી જાય જેને કારણે શરીર અશક્ત અને બીમાર પડી જાય. ઓટોફેગી એક રીતે એપોપ્ટોસિસ ( Apoptosis)  જેવી પ્રક્રિયા છે. જેમાં કોષોના મરણનું પ્રોગ્રામિંગ થયેલું હોય છે. કોષો અમુક વિભાજન પછી મરણ પામતા હોય છે.

સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં આ પ્રક્રિયા થવી જરૂરી છે. કોષોનો સમૂળગો નાશ કરવો ( Apoptosis) એને બદલે એની ક્ષતિ કે બગાડ કાઢી એમની જગ્યાએ નવા કોષોનો જન્મ થવાં દેવો એ વધારે સારું છે. એટલે એપોપ્ટોસિસ થાય એના કરતા ઓટોફેગી થાય તે ચડિયાતું ગણાય. એમાં સબ-સેલ્યુલર ઓર્ગેનલ્સ ( Organells)નો નાશ થાય છે અને નવા કોષ ઘટકોનું પુનબંધારણ થઈ એનું જૂનાની જગ્યાએ પ્રસ્થાપન થાય છે.

ઓટોફેગીના ચાર રૂપો ઓળખવામાં આવ્યા છે. મેક્રોઓટોફેગી, માઈક્રોઓટોફેગી, ચેપરોન-મીડિએટેડ ઓટોફેગી અને ફ્રિનોફેગી. ઓટોફેગી શબ્દ ૧૯૬૩માં બેલ્જિયમના જૈવ-રસાયણજ્ઞા (બાયોકેમિસ્ટ) ક્રિશ્ચિયન ડી ડયૂવે (Christian de Duve)એ લાઈસોસોમના કાર્યોની એમની શોધના આધારે ઉપયોગમાં લેવાયો હતો. ૧૯૯૦ના દશકમાં આથો/ખમીર ( Yeast)ઓટોફેગી સંબંધી જીનની ઓળખ થવાથી સંશોધકોને ઓટોફેગીના તંત્રને સમજવાની સ્થિતિ ઉત્પન્ન કરી જેને કારણે અંતે જાપાની સંશોધક યોશિનોરી ઓસુમી( ઓહસુમી)ને ૨૦૧૬નું મેડિસિન/ફિઝિયોલોજીનું નોબલ પ્રાઈઝ એનાયત કરાયું. યીસ્ટમાં પોષક તત્ત્વોની ઉણપથી ઉચ્ચ સ્તરની ઓટોફેગી પ્રેરિત થાય છે. એમાં અનાવશ્યક પ્રોટીનનું વિઘટન થઈ જાય છે અને એમીનો એસીડનું પુનચક્રણ (રિસાઈકલિંગ) પ્રોટીનના સંશ્લેષણ માટે થાય છે. જે જીવિત રહેવા માટે જરૂરી છે.

બોર્ડ પ્રમાણિત હૃદયરોગ વિશેષજ્ઞા ડો. લુઈઝા પેટ્રે (Luiza petre)કહે છે કે ઓટોફેગી એક વિસાકવાદી આત્મ સંરક્ષણ તંત્ર છે જેના માધ્યમથી શરીર નિષ્ક્રિય કોશિકાઓને દૂર કરી, સુધારી એના અમુક ભાગને પુનર્ચક્રિત કરી શકે છે. તે એક જ સમયે રીસાઈકલિંગ અને સફાઈ કરે છે. જેમ કોઈ યંત્રનું તંત્ર બરાબર ચાલતું ના હોય તો તેને રીસેટ બટન દબાવી એનું ખોરવાયેલું કામ ફરી કરવા તેને સક્ષમ બનાવાય છે તેમ શરીરની કોશિકાઓને તેમની ક્ષતિ દૂર કરી નવા કોષ ઘટકોને ઉત્પાદિત કરવાનું કામ ઓટોફેગી કરે છે. કોલંબિયા યુનિવર્સિટીમાંથી ન્યૂટ્રિશન (પોષણ) શિક્ષણમાં પી.એચ.ડી. કરનારા ડો.પ્રિયા ખુરાના કહે છે કે જ્યારે આપણી કોશિકાઓ તનાવગ્રસ્ત થાય છે. ત્યારે આપણા રક્ષણ માટે ઓટોફેગી વધી જાય છે જે આપણા જીવનકાળને વધારવા મદદ કરે છે. હૃદયરોગ નિષ્ણાત ડો.લુઇઝા પેટ્રે કહે છે કે ઓટોફેગી વિષાક્ત પ્રોટીનને દૂર કરે છે જે ન્યૂરોડીજનરેટિવ રોગો જેવા કે પાર્કિન્સન અને અલ્ઝાઈમર માટે જવાબદાર છે. ઓટોફેગી કેન્સરના જોખમને પણ ઓછું કરી દે છે. શરીર કેન્સરના ખલનાયકો પર નજર રાખે છે જે જગ્યાએ કંઈ ખોટું થાય તેને તે જાણી લે છે અને તેને નષ્ટ કરી સુધારતંત્રને સક્રિય કરી કેન્સરના જોખમને ઓછું કરવા યોગદાન આપે છ.

ઓટોફેગીની સ્થિતિ લાવવા આંતરાયિક ઉપવાસ (Intermittent Fasting) અને કીટોજેનિક આહાર ( Ketogenic Diet)નો પણ પ્રયોગ કરાય છે. ઇન્ચરમિટેંટ ફાસ્ટિંગમાં થોડા કલાકો સુધી ઉપવાસ કરી પછી ભોજન લેવામાં આવે છે. આ એક પ્રકારનું ફુડ પ્લાનિંગ છે. એક પદ્ધતિ એવી છે જેમાં ૧૬ કલાક ભૂખ્યા રહી ૮ કલાક ખોરાક લઈ શકાય છે. બીજી પદ્ધતિ એવી છે જેમાં અઠવાડિયાના પાંચ દિવસ ભોજન લેવાય છે અને બે દિવસ ભૂખ્યા રહેવાનું હોય છે. જો કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ અને કીટો ડાયેટ કરતાં ઓટોફેગી વધારે અસરકારક છે. એવું ડો.લુઇઝા પેટ્રે કહે છે. કેટલાક લોકો કેલેરીને લગતું રિસ્ટ્રીક્શન કે અમુક પોષક તત્ત્વોની પરહેજ રાખે છે, પણ એ અનશાન જેટલું લાભકારક નથી. ગ્લુકાગોન એ ઇન્સ્યુલિનનું વિરુધ્ધ હોર્મોન છે. જો ઇન્સ્યુલિન વધે તો ગ્લુકાગોન ઘટે છે. જો ઇન્સ્યુલિન ઘટે તો ગ્લુકાગોનનો ઘટાડો થાય છે. એથી ઉલટું આપણે ઉપવાસ કરીએ ત્યારે ગ્લુકાગોન વધે છે અને ઇન્સ્યુલિન ઘટે છે. ગ્લુકાગોનમાં વધારો થાય ત્યારે ઓટોફેગીની પ્રક્રિયા વધારે ક્રિયાન્વિત થઈ બળવત્તર બને છે, આમ, કેલેરી રિસ્ટ્રીકશન કે ન્યુટ્રિઅન્ટ ચોઈસ કરતાં ઉપવાસ વધારે અસરકારક સાબિત થાય છે. ઓટોફેગીના નિષ્ણાત સંશોધકો કહે છે કે અવારનવાર સરસ, સ્વાદિષ્ટ અને પુષ્ટિદાયક ભોજન કરો તો કશો વાંધો નથી. અઠવાડિયે કે પખવાડિયે એકાદ બે વાર સાવ નિરાહાર રહો તો તે ખૂબ જ લાભકારક સાબિત થશે. એટલે જ દુનિયાના મોટાભાગના ધર્મો કે સંપ્રદાયોમાં વ્રત સાથે ઉપવાસ કરવાનું વિધિ-વિધાન નક્કી કરાયું છે. અહીં જે ઉપવાસની વાત છે તે નક્કોરડા ઉપવાસને લગતી છે, ફરાળી વસ્તુઓ ખાઈને કરાતા ઉપવાસની વાત નથી. ઓટોફેગીના તજજ્ઞાો કહે છે કે જો મિષ્ટાન્નવાળું ભોજન( Feast)અને અનશન (Fast)વચ્ચેનું સંતુલન જળવાઈ રહે તો ઉત્તમ સ્વાસ્થ્ય સંપાદિત થાય છે. અનશન એટલે કે નક્કોરડા ઉપવાસ પાર્કિન્સન, અલ્ઝાઈમર, કેન્સર જેવા અનેક રોગોને કાબૂમાં લેવા ઉપચારક બની રહે છે.


Google NewsGoogle News