'ચતુર્થ આયામ'માં ગોચર વિશ્વની પાછળ વિસ્મયકારી, રહસ્યમય અગોચર વિશ્વ છુપાયેલું છે!

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
'ચતુર્થ આયામ'માં ગોચર વિશ્વની પાછળ વિસ્મયકારી, રહસ્યમય અગોચર વિશ્વ છુપાયેલું છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- દ્રશ્ય જગતમાં કોઈ વસ્તુનો નાશ થઈ ગયો હોય તેમ છતાંય તે અંતરિક્ષમાં પોતાનું અસ્તિત્ત્વ જાળવી રાખે છે. 

એ ક ગોચર વિશ્વ છે જેને આપણે આપણી ઇન્દ્રિયોથી જોઈ અને જાણી શકીએ છીએ અને એક અગોચર વિશ્વ પણ છે જેને આપણે આપણી ઇન્દ્રિયોથી જોઈ અને જાણી શકતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના ૪૨માં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ: ઇન્દ્રિયેભ્ય: પરં મન: । મનસસ્તુ પરા બુદ્ધિ: યો બુદ્ધે: પરતસ્તુ સ: ।।' ઇન્દ્રિયોને સ્થૂળ શરીરથી પર એટલે કે શ્રેષ્ઠ, બળવાન અને સૂક્ષ્મ કહેવાય છે. આ ઈન્દ્રિયોથી પર મન છે, મનથી પણ પર બુદ્ધિ છે અને જે બુદ્ધિથી પણ અત્યંત પર છે તે આત્મા છે. આપણે આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા જેટલું જોઈ-જાણી શકીએ તે ઘણું અલ્પ અને મર્યાદિત છે. એનાથી પર જે અગોચર છે તે વધારે અને અપાર છે. આપણે ગમે તેટલું જાણીએ તો પણ ઘણું બધું અજાણ જ રહે છે. અતિ આધુનિક, અત્યંત શક્તિશાળી યંત્રો થોડી વધારે જાણકારી આપી દે છે પણ પૂરેપૂરું અને સાવ સાચું પ્રત્યક્ષીકરણ થઈ શકતું નથી.

અમેરિકાના જેમ્સ ટ્રેવરે ઇન્ફારેડ મૂવી માટે વપરાતા એક ખાસ કેમેરા આઇ.આર. ૧૩૫નો ઉપયોગ કરીને કેલિફોર્નિયામાં આવેલા મોજાવે ડેઝર્ટ  (Mojave Desert) ના આકાશનું મૂવી ઉતાર્યું હતું. એ જોયું ત્યારે બધા ભારે વિસ્મયમાં મૂકાઈ ગયા હતા કેમકે એમાં એવા પક્ષીઓ જોવા મળ્યાં જે આજ સુધી કોઈએ જોયા જ નહોતા. નરી આંખે કદી જોઈ શકાય નહીં. એવા એ પક્ષીઓ ઇન્ફારેડની પકડમાં આવી ગયા. મૂવીમાં આ પક્ષીઓ પ્રેત પક્ષીઓ જેવા જ લાગે છે. અમેરિકન ભૌતિક વિજ્ઞાની, ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ અને લેખક હર્બર્ટ ગોલ્ડસ્ટિન (Herbert Goldstein)  એમના સંશોધન નિબંધ 'પ્રોપેગેશન ઓફ શોર્ટ રેડિયો વેવ્ઝ'માં જણાવે છે કે આપણી આ દુનિયા સાથે એક બીજી દુનિયા પણ જોડાયેલી છે. પણ આપણી ગોચર જગતની ઇન્દ્રિયો એને જોવા અને અનુભવવા શક્તિમાન નથી. ચેતનાની બદલાયેલી સ્થિતિ  (Altered state of Mind)  માં સિદ્ધ યોગી પુરુષો એને દિવ્ય દ્રષ્ટિ થકી જોઈ શકે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં 'વિશ્વરૂપ દર્શન યોગ' અધ્યાયના આઠમા શ્લોકમાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે - 'ન તુ માં શક્યસે દ્રષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા । દિવ્યં દદામિ તે ચક્ષુ: પશ્ય મે યોગમૈશ્વરમ્ ।। તારી પોતાની આ સ્થૂળ આંખોથી તું મને જોવા સમર્થ નથી. તેથી હું તને દિવ્ય ચક્ષુ (દ્રુષ્ટિ) આપું છું તેનાથી તું મારા યોગના ઐશ્વર્યને જો.'

અમેરિકન વિજ્ઞાનીઓએ ઇન્ફ્રારેડ કેમેરાથી ક્યુબામાં રાખેલા રશિયન પ્રક્ષેપાસ્ત્રોના ફોટોગ્રાફસ લીધા ત્યારે તેમણે જોયું કે તેમાં તે સળગતી સિગારેટસના ફોટાઓ પણ આવી ગયા હતા જે ત્યાંના કર્મચારીઓએ ૨૪ કલાક પહેલાં સળગાવી હતી અને થોડી મિનિટો પછી ઓલવાઇ પણ ગઈ હતી. આના ઉપરથી વિજ્ઞાનીઓને જાણવાં મળ્યું કે દ્રશ્ય જગતમાં કોઈ વસ્તુનો નાશ થઈ ગયો હોય તેમ છતાંય તે અંતરિક્ષમાં પોતાનું અસ્તિત્ત્વ જાળવી રાખે છે. માન્યામાં ન આવે તેવી આ હકીકત આપણે ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે ઊભી કરેલી રેખાને મિટાવી દે છે. આવિર્ભૂત ક્રમમાં જે વસ્તુ પૂરી થઈ ગઈ હોય કે જે વસ્તુ નાશ પામી ચૂકી હોય તે તિરોહિત ક્રમ (Implicate Order) માં અંતરિક્ષમાં ક્યાંક વર્તમાનની જેમ અસ્તિત્વ ધરાવતી હોય છે.

સામાન્ય રીતે આપણી જાણકારી પદાર્થના ત્રણ આયામો - લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સુધી મર્યાદિત રહે છે. એમાં સમયનો આયામ હવે ચોથા આયામ રૂપે ઉમેરાયો છે. નોબેલપ્રાઇઝ વિજેતા ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને સાપેક્ષવાદની થિયરી સમજાવતા કહ્યું હતું કે આ ભૌતિક જગત ખરેખર તો સંયુક્ત ચતુ:વિસ્તારીય દિક્ કાલ જગત છે. આઇન્સ્ટાઇન સમય અને સ્થળની વર્તમાન માન્યતાઓને સાપેક્ષ, અપૂર્ણ અને અવાસ્તવિક માને છે. ૧૮૮૦માં ચાર્લ્સ હોવર્ડ હિંટને 'વોટ ઇઝ ધ ફોર્થ ડાઇમેન્શન' શીર્ષક આપી એક નિબંધમાં આની સરસ અવધારણા આપી હતી. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતને ચતુર્થ આયામી અંતરિક્ષમાં તૈયાર કરાયો છે, યૂક્લિડિયન ફોર્થ ડાઇમેન્શન અવકાશમાં નહીં. આઇન્સ્ટાઇનની સ્પેશ-ટાઇમની અવધારણામાં શ્લેફલી  (Schlafli) ના યૂક્લિડિયન ફોર્થ ડાઇમેન્શન અવકાશના ચાર સમમિત સ્થાનિક આયામોને બદલે ત્રણ સ્થાનિક આયામો અને એક અસ્થાયી આયામની સાથે એક ગેર-યૂક્લિડિયન જ્યોમેટ્રી પર આધારિત 'મિંકોસ્વ્કી સ્ટ્રકચર' છે. આની સાથે હાયપર સ્પેસ  (Hyperspace) નો સિદ્ધાંત પણ જોડાયેલો છે. આ ઉચ્ચ આયામોની સાથે સાથે સમાનાન્તર બ્રહ્માંડ(Parallel Uiniverse) અને અંતરતારકીય યાત્રા (intersteller travel)  ની ફાસ્ટર ધેન લાઇટ (FTL) પદ્ધતિ સાથે સંબંધિત અવધારણા છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિજ્ઞાની ડૉ. રોબર્ટ સિરગી એમની ફોર્થ ડાઇમેન્શનને લગતી રિસર્ચના આધારે કહે છે કે આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ એનાથી વધારે ઘણી દિશાઓ દુનિયાઓ છે. આપણે તો માત્ર ત્રણ આયામોની પરિધિમાં આવનારા પદાર્થોનો જ અનુભવ કરી શકીએ છીએ પણ હકીકત એ છે કે એનાથી પણ આગળ અન્ય વિસ્મયકારી, વિચિત્ર દુનિયા છે. દ્રશ્ય વસ્તુનું અદ્રશ્ય થઈ જવું અને અદ્રશ્ય વસ્તુનું દ્રશ્ય થઈ જવું બિલકુલ સંભવ છે. કોઈક કારણસર આ ચોથું આયામ ખૂલી જાય તો અગોચર વિશ્વ ગોચર થઈ શકે છે કે સાવ અકલ્પ્ય લાગે એવી રહસ્યમય રીતે દ્રશ્ય વસ્તુ એકાએક અદ્રશ્ય આયામમાં જતી રહે એવું બની શકે છે.

ભૌતિક વિજ્ઞાનના અગ્રગણ્ય વિજ્ઞાની પ્રોફેસર ઇલિંગવર્થ એમના મિત્ર પ્રોફેસર જ્હોન એસ. વોકર સાથે પદાર્થની પ્લાઝમા સ્થિતિ પર ચર્ચા કરી રહ્યા હતા. ઇલિંગ વર્થ કહી રહ્યા હતા કે પ્લાઝમા અને પદાર્થના ઊંર્જા રૂપાંતરણ વચ્ચે એક અન્ય અવસ્થા હોવી જોઈએ. જ્યારે વોકર એનો વિરોધ કરતાં કહી રહ્યા હતા કે ના, મને નથી લાગતું કે એ બન્નેની વચ્ચે બીજી કોઈ અવસ્થા હોય. બરાબર આ જ સમયે એક અકલ્પ્ય, વિચિત્ર ઘટના બની. ઇલિંગવર્થ, એમની પત્ની અને અન્ય ઉપસ્થિત લોકોની નજર સામે જ જ્હોન વૉકર એમની જગ્યાએથી એકાએક અદ્રશ્ય થઈ ગયા. ઇલિંગવર્થ અને એમની પત્નીએ આખું ઘર ફંફોળી કાઢ્યું, ઘરની બહાર પણ બધે શોધ આદરી પણ ક્યાંય એમનો પત્તો ન મળ્યો. એ ઘડી પછી દુનિયામાં ક્યાંયથી જ્હોન વોકર જીવતા કે મરેલા મળી આવ્યા નહોતા. અત્યંત અચરજભરી બાબત એ હતી કે જ્હોન વોકર બધાની નજર સામેથી વાર્તાલાપ કરતાં કરતાં એકદમ અલોપ થઈ ગયા હતા ! નેધર લેન્ડસના સાઉથ હોલેન્ડ પ્રોવિન્સના હેગ  (Hague)  શહેરમાં આ ઘટના બની હતી. ૧૮૫૬માં ૩૫૦ ફ્રેંચ સૈનિકોનું એક જૂથ થોડે દૂર આવેલી જર્મન ચોકી પર હુમલો કરવા આગળ ધપી રહ્યું હતું. બધા સૈનિકો શસ્ત્ર સજ્જ જ હતા. અચાનક જાણે હવાની એક લહેર આવી અને ૫૫ સૈનિકોને ઉઠાવી કોઈ અદ્રશ્ય દુનિયામાં લઈ ગઈ. ત્યાં કોઈ ખડકો નહોતો કે ખાઈ નહોતી કે જેમાં તે પડી ગયા હોય. તે દુનિયામાંથી કાયમ માટે ગાયબ થઈ ગયા હતા.


Google NewsGoogle News