ક્રિસ્ટલ બૉલમાં જોઈને સચોટ ભવિષ્યવાણી કરનાર જીન ડિકશન
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- 'તમારા પિતા બહારગામ ગયા છે તે તમારા માટે શું લાવશે ?' બીજા બાળકોએ કહ્યું - ખબર નહીં શું લાવશે. પણ લિડિયા પિંકર્ટ બોલી ઉઠી હતી - 'પિતાજી એક સુંદર સફેદ કૂતરો લાવશે'
ક્રિ સ્ટલ બોલથી ભવિષ્યવાણી કરવી એ એક પાશ્ચાત્ય પધ્ધતિ છે જેને 'સ્ક્રાઈંગ' કહેવામાં આવે છે. સ્ક્રાઈંગ (Scrying) શબ્દનો અર્થ થાય છે - ૫રાવર્તક સપાટી પર રહસ્યમય કે જાદુઈ પ્રતિબિંબોને જોવા. વિક્ટોરિયન યુગમાં ક્રિસ્ટલ ગેઝિંગ ટેકનિકનો મહદંશે ઉપયોગ થતો હતો. બ્રિટિશ મહારાણી એલિઝાબેથ-પ્રથમના સલાહકાર, જ્યોતિષી, ખગોળ વિજ્ઞાાની અને રસાયણશાસ્ત્રી જહોન ડી (John Dee) પ્રસિદ્ધ ભવિષ્યવેત્તા હતા. ક્રિસ્ટલ બોલનો ઉપયોગ કરીને તેમાં નિહાળીને તેમણે અનેક સચોટ ભવિષ્યવાણીઓ કરી હતી તેમાં સ્પેનિશ હુમલાની ભવિષ્યવાણીથી તેમને ભારે પ્રસિદ્ધિ મળી હતી. મહારાણી એલિઝાબેથના જીવનમાં એવી અનેક ઘટનાઓ બની હતી જેની જ્હોન ડી એ પહેલેથી ભવિષ્યવાણી કરી દીધી હતી.
ભવિષ્યની ઘટનાનું પૂર્વદર્શન, દૂર દર્શન, દૂર શ્રવણ વગેરે ઈન્દ્રિયાતીત જ્ઞાાનને લગતી ક્ષમતાઓ અચેતન મનના અજ્ઞાાત ક્ષેત્રમાંથી પ્રગટ થાય છે. અચેતન મન સાથે સંપર્ક સાધવા જુદા જુદા સાધનોનો ઉપયોગ કરાય છે. આ સાધનોમાં મહદંશે ક્રિસ્ટલ બોલ, ચળકતી સપાટીવાળો પથ્થર, કાચ કે સિરામિકની વસ્તુઓ, ટી કપ, પેન્ડુલમ, કાર્ડસ, વગેરેનો ઉપયોગ થાય છે. ભવિષ્યવેત્તા આ વસ્તુઓ સાથે એમના માઈન્ડનું ટયુનિંગ કરી લે છે અને એ વસ્તુઓની પરાવર્તક સપાટી પર ધ્યાનકેન્દ્રીત કરી તેની ભીતર કે પોતાના મનમાં ભવિષ્ય ઘટનાને નિહાળી લે છે કે તેનું જ્ઞાાન પ્રાપ્ત કરી લે છે.
જીન ડિક્સન વીસમી સદીની અત્યંત પ્રસિદ્ધ અમેરિકન ભવિષ્યવેત્તા હતી જેની અનેક ભવિષ્યવાણીઓ બિલકુલ સાચી પડી હતી. તેનામાં બાળપણથી જ ભવિષ્ય જાણી લેવાની શક્તિ હતી. તે ૬ વર્ષની ઉંમરની હતી ત્યારે તેની માતા. લુઈસ જોહાન એમ્માએ તેના બાળકોને પૂછયું હતું - 'તમારા પિતા બહારગામ ગયા છે તે તમારા માટે શું લાવશે ?' બીજા બાળકોએ કહ્યું - ખબર નહીં શું લાવશે. પણ લિડિયા પિંકર્ટ બોલી ઉઠી હતી - 'પિતાજી એક સુંદર સફેદ કૂતરો લાવશે' તેણે આ વાત કહી ત્યારે તેના પિતા રિચર્ડ ફ્રેન્ઝ પિંકર્ટ હજાર માઈલ દૂર હતા. પણ જ્યારે તે ઘેર પાછા ફર્યા ત્યારે તેમના હાથમાં એક સુંદર સફેદ કૂતરો હતો. જીન ડિક્સનનું બાળપણનું નામ લિડિયા પિંકટ (Lydia Pinckert) હતું લિડીયાએ કહેલી વાત બિલકુલ સાચી પડી તે જોઈ બધા વિસ્મય પામી ગયા હતા.
જીન ડિક્સન (૫-૧-૧૯૦૪/૨૫-૧-૧૯૯૭) ભવિષ્ય જોવા માટે મોટેભાગે ક્રિસ્ટલ બોલનો ઉપયોગ કરતી હતી. ડિક્સને પોતે જણાવ્યું હતું કે કેલિફોર્નિયામાં તે મોટી થતી હતી તે દરમિયાન એક જિપ્સીએ તેને ક્રિસ્ટલ બોલ આપ્યો હતો અને તેના થકી કેવી રીતે ભવિષ્ય જોવું તે શીખવ્યું હતું. તે સાથે તેનો હાથ જોઈને તેના વિશે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું - 'તું એક અતિ પ્રસિદ્ધ દ્રષ્ટા અને ભવિષ્યવેત્તા બનીશ અને નામાંકિત લોકોને સલાહ આપનારી બનીશ.' હકીકતમાં તેમ જ બન્યું હતું.
૧૯૪૪માં તેણે તે સમયના એમરિકાના પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ વિશે કરેલી ભવિષ્યવાણીઓએ તેને ભારે ખ્યાતિ અપાવી હતી. આ ભવિષ્યવાણી તેણે પોતે રૂઝવેલ્ટની ઓફિસમાં જઈને તેમને જ કહી હતી. તેણે પોતાનો પરિચય આપ્યા બાદ કહ્યું હતું - 'મને તમારા વિશે જે જોવા મળ્યું છે તે સારું નથી.' રૂઝવેલ્ટે કહ્યું હતું - 'તે જે હોય તે તમારે કહી નાંખવું જોઈએ.' જીન ડિક્સને કહ્યું - 'આગામી વર્ષના મધ્યભાગ સુધીમાં તમારા મહત્વના કાર્યો પૂરા કરી લેજો. તે અરસામાં તમારું મૃત્યુ થશે એ નક્કી છે.' હકીકતમાં તેમ જ બન્યું હતું. તે. યુ.એસ.એ. ના જ્યોર્જિયાના લિટલ વ્હાઈટ હાઉસ હિસ્ટોરિક સાઈટ પર હતા ત્યારે ૧૨ એપ્રિલ ૧૯૪૫ના રોજ સેરિબ્રલ હેમરેજથી કોલેપ્સ થઈ મરણ પામ્યા હતા. ડિક્સને હેરી ટ્રુમેન (લ્લચિિઅ ્િેસચહ) ને એક ક્લબમાં કહ્યું હતું રૂઝવેલ્ટ પછી તમે જ પ્રેસિડેન્ટ બનશો - અને વાસ્તવમાં તેમ જ થયું હતું.
કેટલાક પત્રકારોએ ડિક્સનને ચર્ચિલ વિશે ભવિષ્યવાણી કરવાનો આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું હતું - ''બીજા વિશ્વયુદ્ધ પછી તે રાષ્ટ્રપ્રમુખ નહીં રહે. પણ ૧૯૫૨ પછી તે ફરીથી પાછા પૂર્વ હોદ્દાને પ્રાપ્ત કરશે.'' તે વાત સાચી સાબિત થઈ હતી. યુદ્ધ પછી ચર્ચિલની પડતી થઈ હતી, તેમણે પોતાનું સ્થાન ગુમાવવું પડયું હતું અને ૧૯૫૨ પછી તેમણે પાછું પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું.
જીન ડિક્સન (Jean Dixon)ની તમામ ભવિષ્યવાણીઓમાં સૌથી વધુ મહત્વપૂર્ણ ભવિષ્યવાણી હતી કેનેડી કુટુંબના ત્રણ ભાઈઓમાંથી બેની હત્યા અને એકના અકસ્માતને લગતી. જ્હોન એફ કેનેડી ૨૨ નવેમ્બર ૧૯૬૩ના રોજ ગોળીઓથી વીંધાઈ ગયા તેના ૧૧ વર્ષ પહેલાં જીન ડિક્સનને તેનું પૂર્વજ્ઞાાન થઈ ગયું હતું. હલ્લે નામની તેની મિત્રના કુટુંબને પ્રેસિડેન્ટ કેનેડીના કુટુંબ સાથે સારી ઓળખાણી હતી. તેના દ્વારા પણ ડિક્સને આની ચેતવણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમાં સફળતા મળી નહોતી. કેનેડી પર ગોળી ચલાવનાર વ્યક્તિ હતો લી હાર્વે ઓસ્વાલ્ડ. જીન ડિક્સને તેના નામના અક્ષરો પણ તેના ક્રિસ્ટલ બોલમાં જોયા હતા.
લોસ એન્જિલસની એમ્બેસેડર હોટલમાં જીન ડિક્સન અનેક નામાંકિત લોકો સાથે બેસીને ચર્ચા વિચારણા કરી હતી ત્યારે એક વ્યક્તિએ તેને પ્રશ્ન પૂછયો હતો - 'શું રોબર્ટ કેનેડી પ્રેસિડેન્ટ બની શકશે ખરા ?' તેનો જવાબ આપતાં જીન ડિક્સને કહ્યું હતું - 'ના, તે ક્યારેય પ્રેસિડેન્ટ નહીં બની શકે. કેમ કે આ જ હોટલમાં તે થોડા સમય બાદ ગોળીઓથી વીંધાઈને મરણ પામશે. ૪ જૂન ૧૯૬૮ના રોજ તે જ હોટલમાં તે ગોળીઓથી ઘવાયા હતા અને ૬ જૂન ૧૯૬૮ના રોજ તેમનું મરણ થઈ ગયું હતું. જીન ડિક્સને સેનેટર એડવર્ટ કેનેડીને પણ બે અઠવાડિયા સુધી ખાનગી વિમાનોથી દૂર રહેવા સલાહ આપી હતી પણ તેમણે તે માની નહોતી. ચાર્ટર્ડ વિમાનમાં તે બીજા દિવસે મુસાફરી કરતાં હતા ત્યારે વિમાન તૂટી જતા તેમને પીઠના ભાગમાં ભારે ઈજાઓ થઈ હતી.
જીન ડિક્સને ૧૯૪૫માં ભારતના આર્મી ઓફિસર નવાબજાદા શેરઅલીને ભારત વિશે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું - 'માત્ર ૨ વર્ષમાં જ ભારતના ભાગલા પડશે વધારે ચોક્કસ કહું તો ફેબુ્રઆરી ૨૦ ૧૯૪૭માં એ પ્રમાણે બનશે. ૧૯૪૮માં એક ઝનૂની મહાત્મા ગાંધીજીની હત્યા કરશે. તેણે ૧૯૬૪માં થનારા જવાહરલાલ નહેરુંના મરણની ભવિષ્યવાણી પણ કરી હતી અને તે પછી લાલબહાદૂર શાસ્ત્રી ભારતના વડાપ્રધાન બનશે તેમ પણ કહ્યું હતુ. આવી તો બીજી અનેક સચોટ ભવિષ્યવાણીઓ જીન ડિક્સને કરી હતી.'