શરીર વિજ્ઞાનીઓનું પ્રાયોગિક સંશોધન: સ્વપ્નો જુઓ અને સ્વસ્થ રહી વધુ જીવો
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- શરીર વિજ્ઞાનીઓ જણાવે છે કે સ્વપ્નોથી વંચિત રહેનારમાં શારીરિક માનસિક ક્ષતિ ઉદ્ભવે છે. તેની કાર્યશક્તિમાં ઘટાડો થઇ જાય છે
સ્વ પ્ન માનવ મનની અત્યંત રહસ્યમય પ્રક્રિયા છે. સ્વપ્નોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરનારા અગ્રગણ્ય વિજ્ઞાનીઓ છે - સિગ્મંડ ફ્રોઇડ, કાર્લજુંગ, નાતાનિઅલ ક્લિટમેન (Nathaniel Kleitman), વિલિયમ ડીમેન્ટ (William Dement) યુજેન આસેરિન્સ્કી, સિલિયા ગ્રીન, ઇયાન ઓસવાલ્ડ અને ક્રિસ્ટોફર ઇવાન્સ જેવા અનેક સંશોધકોએ સ્વપ્નોનો અર્વાચીન ટેકનોલોજી દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ કરી તેમના વિશે ઘણા નવા સંશોધનો કર્યો છે. સ્વપ્નોનો હેતુ સમજવા અને સ્વપ્ન દરમિયાન થતી મસ્તિષ્કીય પ્રવૃત્તિઓને જાણવા નવી નવી પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે. પ્રાણીઓમાં સ્વપ્ન અવસ્થાવાળી નિદ્રા (REM એટલે કે Rapid Eye Movement Sleep) અને સ્વપ્ન અવસ્થા વિનાની નિદ્રા (NREM એટલે કે NO Rapid Eye Movement Sleep) ના ચક્રાવા કેમ બદલાયા કરે છે તે વિશે મનોવિજ્ઞાનીઓ અને શરીર વિાનીઓએ ઘણા પ્રાયોગિક સંશોધનો કર્યા છે. આ બધા પરથી સૌથી પહેલાં તો એ જાણવા મળ્યું કે સ્વપ્નાવસ્થાવાળી નિદ્રા અને સ્વપ્નાવસ્થા વિનાની નિદ્રા બન્ને જુદા જુદા હેતુઓ સિદ્ધ કરનારી છે.
યુનિવર્સિટી ઑફ એડિનબર્ગના ડિપાર્ટમેન્ટ ઑફ સાઇકોલોજિકલ મેડિસિનના લેકચરર, રોયલ મેડિકોસાઇકોલોજિકલ એસોસિયેશનનો ગાસ્કેલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો તે નિદ્રા સંશોધક (Sleep Researcher) અને અને સાઇકિયાટ્રિસ્ટ ઇયાન ઓસ્વાલ્ડ (Ian Oswaid) ની રિસર્ચ દર્શાવે છે કે સ્વપ્નાવસ્થા વિનાની ઊંઘ વૃદ્ધિ (growth) અને માંસપેશીઓના પુનરૂત્પાદન (renewal of body tissues) ની પ્રક્રિયામાં સહાયભૂત થાય છે, જ્યારે સ્વપ્નાવસ્થાવાળી ઊંઘ મગજમાં થતી આવી જ પ્રક્રિયાને સરળ બનાવે છે અને તેમાં વૃદ્ધિ કરવા સહાયભૂત થાય છે. નિદ્રાના ચક્રાવાના ત્રીજા અને ચોથા તબક્કા દરમિયાન શરીરની ગ્રંથિઓ લોહીમાં હોર્મોન રેડવાનું કામ કરે છે અને તેમના પુનરૂત્પાદનનું કાર્ય થાય છે. સ્વપ્નાવસ્થા વિનાની ઊંઘ શરૂ થાય છે ત્યારે આ પ્રક્રિયા એકએક અટકી જાય છે.
ઇયાન ઓસ્વાલ્ડ કહે છે કે દવાના ઓવરડોઝવાળા દર્દીઓના સારા થવાની સ્થિતિ અને પ્રિમેચ્યોર જન્મેલા બાળકોના સારા થવાની પ્રક્રિયા દરમિયાન સ્વપ્નાવસ્થાવાળી ઊંઘના ગાળાઓનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. આ હકીકત એમ સૂચવે છે કે સ્વપ્નાવસ્થાવાળી ઊંઘ દરમિયાન મગજની ક્ષતિનું નિવારણ અને મગજની વૃદ્ધિ એ બન્ને પ્રક્રિયાઓ સારી રીતે થાય છે. આ વાતનું સમર્થન એક બીજી બાબતથી પણ થાય છે. અનેક પ્રયોગો દરમિયાન એવું જોવામાં આવ્યું છે કે વૃદ્ધાવસ્થાને કારણે મનોદૌર્બલ્ય અનુભવતા અને માનસિક ક્ષતિવાળી લોકો જેમનામાં મગજની કાર્યવાહી મંદ કે ક્ષીણ થઇ ગઈ હોય તેવા લોકોને સ્વપ્નાવસ્થાવાળી ઊંઘ બહુ જ ઓછી આવતી હોય છે.
એ ઉપરાંત પ્રયોગો દરમિયાન એ પણ જોવામાં આવ્યું છે કે વ્યક્તિ સમક્ષ કંઇક શિખવાની યોગ્યતા કેળવવાના સંજોગો ઊભા થાય ત્યારે સ્વપ્નાવસ્થાવાળી નિદ્રાનું પ્રમાણ વધી જાય છે. એક દેશના જાસૂસને કોઈ બીજા દેશમાં તાત્કાલિક જવાનું થાય અને તેને તે દેશની ભાષા ઝડપથી શિખવી પડે એવું હોય ત્યારે તેને નિદ્રા શિક્ષણ (Sleep teaching) થકી એ ભાષા શિખવવામાં આવે છે. આ ગાળા દરમિયાન તેની રેમ (REM) સ્લિપનું પ્રમાણ વધેલું જોવા મળે છે. એક જૂૂથની વ્યક્તિઓને એવા ચશ્મા પહેરાવવામાં આવ્યા જેમાં ઉપરની વસ્તુ નીચે (Upside Down) દેખાય ત્યારે બરાબર જોવાનું શિખવા માટે તેમનામાં સ્વપ્નાવસ્થાવાળી નિદ્રાનું પ્રમાણ વધી ગયું હતું.
રેમ (REM) સ્લીપની શોધ કરનારા યુજેન આસિરિન્સ્કી અને નાતાનિઅલ ક્લિટમેન દ્વારા આવી નિદ્રાવસ્થા અંગે અનેક પ્રયોગો કરાયા હતા. પાછળથી એમાં વિલિયમ ડીમેન્ટ પણ જોડાયા હતા. ન્યૂયોર્ક મેડિકલ હોસ્પિટલમાં કરાયેલા પ્રયોગ દરમિયાન ડૉ. ક્લિટમેને એવું નોંધ્યું હતું કે નિર્ધારિત સમય કરતાં વહેલાં જન્મેલાં પ્રિમેચ્યોર બાળકો તેમનો માનસિક વિકાસ સાધવા તેમની ઊંઘનો ૮૦% ભાગ સ્વપ્નાવસ્થાવાળી ઊંઘ (REM Sleep) માં પસાર કરતા હતા.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે સ્લીપ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરનારા, સ્લીપ મેડિસિન ક્ષેત્રના પાયોનિયર ગણાતા, નિદ્રા વિશે સંશોધન કરવા નેશનલ સ્લીપ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરનારા ડૉ. વિલમય ડીમેન્ટ (William Dement) દ્વારા ન્યૂયોર્કની માઉન્ટ સિનાઇ હોસ્પિટલ ખાતે નિદ્રાપહરણ નિદ્રાના અભાવ (Sleep Deperivation) ને લગતા પ્રયોગો કરાયા હતા. આ પ્રયોગોમાં પ્રયોગપાત્રને નિદ્રાથી વંચિત રાખવામાં આવે છે અને તે વખતે તેના મગજમાં કેવા તરંગો ઉત્પન્ન થાય છે તેનો આલેખ તૈયાર કરાય છે. ડૉ. ડીમેન્ટે આવો એક પ્રયોગ બિલાડી પર પણ કર્યો હતો. નિદ્રા સંશોધન માટે બિલાડી સારું પ્રયોગ પાત્ર ગણાય છે કેમ કે તે કોઈપણ સ્થાને નિદ્રાધીન થઇ શકે છે. કેટલીક બિલાડીઓને ૭૦ દિવસ સુધી નિદ્રાથી વંચિત રાખવામાં આવી હતી તેનાથી તેમનું વર્તન બદલાઈ ગયું હતું. જે બિલાડીઓને સ્વપ્નાવસ્થાવાળી નિદ્રા (REM Sleep) થી વધારે સમય માટે વંચિત રાખવામાં આવી તેમનું મરણ થઈ ગયું હતું. આના પરથી સાબિત થયું હતું કે પ્રાણીઓ માટે સ્વપ્ન અવસ્થાવાળી રેમ સ્લીપ કેટલી મહત્વની છે. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનારા રેન્ડી ગાર્ડનર નામના સત્તર વર્ષના અમેરિકન યુવકે ડિસેમ્બર ૧૯૬૩ના છેલ્લા દિવસોથી જાન્યુઆરી ૧૯૬૪ના શરૂઆતના દિવસો સુધી ૧૧ દિવસ અને ૨૪ મિનિટ (૨૬૪.૪ કલાક સુધી વિલિયમ ડીમેન્ટની પ્રયોગશાળામાં જાગતા રહેવાનો પ્રયોગ કર્યો હતો. તે વખતે ડૉ. ડીમેન્ટે જોયું હતું કે રાત્રિ દરમિયાન REM Sleep ના મળવાને કારણે તેનું મન ભારે ભ્રમ, વિભ્રમ અનુભવતું હતું અને તેની યાદ શક્તિ એકદમ ઓછી થઇ ગઈ હતી. પ્રયોગ બાદ તેણે ૧૪ કલાક ૪૬ મિનિટની સળંગ ઊંઘ લીધી હતી અને તેમાં REM Sleep નો ગાળો સૌથી વધુ પ્રમાણમાં હતો.
શરીર વિજ્ઞાનીઓ જણાવે છે કે સ્વપ્નોથી વંચિત રહેનારમાં શારીરિક માનસિક ક્ષતિ ઉદ્ભવે છે. તેની કાર્યશક્તિમાં ઘટાડો થઇ જાય છે. તે માનસિક રીતે અવિકસિત અને રૂગ્ણ બની જાય છે. તેનું વર્તન-વ્યવહાર વિચિત્ર બની જાય છે અને અનિયંત્રિત થઇ જાય છે. સ્વપ્નોવાળી નિદ્રા રોગોને આપમેળે સારા થવામાં મદદરૂપ બને છે. વાસિલી નિકોલાયેવિચ કસાન્કિન નામના રશિયન મનોચિકિત્સકે રોગ, સ્વપ્ન સંકેત અને સ્વાસ્થ્ય વિશે ગહન સંશોધન કર્યું છે. 'એ થિયરી ઑફ ડ્રીમ્સ' નામના પુસ્તકમાં તેમણે આ વિશે વિસ્તૃત સમજૂતી આપી છે. સ્વપ્નઓ શરીર મનને વધુ સ્વસ્થ રાખે છે. સ્વપ્નોવાળી નિદ્રા આયુષ્યને વધારે છે.