'ધ બ્રુકલીન એનિગ્મા' તરીકે ખ્યાતિ પામેલી મોલી ફેન્ચર અનેકવિધ અતીન્દ્રિય શક્તિઓ ધરાવતી હતી!

Updated: May 21st, 2024


Google NewsGoogle News
'ધ બ્રુકલીન એનિગ્મા' તરીકે ખ્યાતિ પામેલી મોલી ફેન્ચર અનેકવિધ અતીન્દ્રિય શક્તિઓ ધરાવતી હતી! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- ઘણીવાર મને એવું પ્રતીત થાય છે કે મસ્તિષ્કના ઉપરના ભાગમાંથી પ્રકાશ કિરણો નીકળી રહ્યા છે જે વસ્તુઓને અથડાઈને પાછા મારી સામે આવે છે જેને મારી આ ત્રીજી આંખ જોઈ લે છે

મા નવીનું મસ્તિષ્ક અનેક અકલ્પ્ય શક્તિઓનું ઉદ્દગમ સ્થાન છે. માનવીનું મન તો અનંત અલૌકિક શક્તિઓનો અખૂટ ભંડાર છે. કોઈ જન્મજાત વિશિષ્ટ શક્તિ ધરાવતો હોય તો કોઈનામાં કોઈ કારણવશાત્ અચાનક એવી શક્તિ પ્રગટ થઈ જાય એવું પણ બને. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના આરંભમાં વિશ્વભરમાં ખ્યાતિ પામેલી મેરી જે. 'મોલી ફેન્ચર ' (Mary J. 'Mollie' Fancher' જે બ્રુકલીન એનિગ્મા (Brooklyn Enigma) તરીકે પણ ઓળખાય છે તેની બાબતમાં પણ આવું જ બન્યું છે. મોલી ફેન્ચર (૧૮૪૮-૧૯૧૬)નો જન્મ બ્રુકલીન, ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટીમાં એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. તેના ઘણા મિત્રો ઘોડેસવારી કરતા તે જોઈને તેને પણ તેનો શોખ થયો. તે ૧૬ વર્ષની હતી. ત્યારે ૧૮૬૪માં પ્રોસ્પેક્ટ પાર્કમાં ઘોડેસવારી કરતા ઘોડા પરથી પડી ગઈ અને તેનું માથું ફરસ પર અથડાયું. તેના માથામાં ઈજા થઈ તે અવારનવાર મૂર્છામાં સરી જતી અને તેને માથાનો સખત દુઃખાવો થતો. એક વર્ષ પછી ૮ જૂન ૧૮૬૫ના રોજ ફલ્ટન સ્ટ્રીટ ટ્રોલી કારમાં તેનો અકસ્માત થયો. તેનાથી તેને માથામાં અને કરોડરજ્જુમાં ઈજા થઈ, તેની નર્વસ સીસ્ટમને નુકસાન થયું. તે પછી તેણે ખાવા-પીવાનું બિલકુલ બંધ કરી દીધું. તે વર્ષો સુધી આ રીતે ખાધા-પીધા વિના રહી એટલે તેને નિરાહરી-ઉપવાસી છોકરી  (Fasting girl) તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ.

૩ ફેબ્રુઆરી ૧૮૬૬ના રોજ બીજી એક ઘટના બની. તે દિવસે સવારે મોલીએ એકદમ ચીસ પાડી, તેના પગના અંગૂઠા પર ઊભી થઈ ગઈ અને ભમરડાની જેમ ગોળ ગોળ ફરવા લાગી. પછી તે આગળની તરફ વળી, તેના બન્ને હાથથી પગને પકડી લીધા અને રસોડાની ફરસ પર શરીરને પૈડાની જેમ ઘુમાવી ફેરવવા લાગી. પછી તેને પથારી પર લઈ જવામાં આવી. ત્યાં તે સૂતી તે સૂતી. પચાસ વર્ષ અને આઠ દિવસ, ફેબ્રુઆરી ૧૧  ૧૯૧૬ના રોજ મરણ પામી ત્યાં સુધી તેણે તેની પથારી છોડી નહોતી. ૩ ફેબ્રુઆરી ૧૮૬૬ના રોજ તે ટ્રાન્સમાં ઊતરી ગઈ તે પછી મહિનાઓ સુધી તેણે આંખો ખોલી ન હોતી. બીજા અકસ્માત પછી તેની જોવાની, સ્પર્શથી અનુભવ કરવાની, સ્વાદ ચાખવાની અને સુંઘવાની શક્તિ જતી રહી હતી.

તે પછી લગભગ નવેક વર્ષના ગાળા સુધી તે લાંબા-ટૂંકાગાળા માટે ટ્રાન્સમાં સરી જતી. આ ગાળા દરમિયાન તેણે આંખો ખોલી જ નહોતી, એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો. છ વર્ષ સુધી તો તેનું શરીર ઠંડુ અને જડ જેવું રહ્યું હતું. તે શ્વાસ લેતી હોય એવું પણ પ્રતીત થતું નહોતું. તેના ડોક્ટરોને તેની નાડીનો એકદમ આછો થડકારો અનુભવાતો હતો. ૯ વર્ષની લાંબી ટ્રાન્સના ગાળાઓના છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મોલી ફેન્ચરની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો. તે એકાદ વાર બોલી હતી અને તે તેના ડાબા હાથનું બાવડું સ્વતંત્ર રીતે થોડું ઘણું હલાવી શકતી હતી. તે સમયે તેણે ૬૫૦૦ પત્રો લખ્યા હતા, કવિતાઓ, પ્રાર્થના ગીતો વગેરે પણ લખ્યા હતા. તેણે જણાવ્યું હતું કે તે બધા પત્રો, કાવ્યો અને ગીતો પારલૌકિક સૃષ્ટિમાં રહેલા પ્રેતાત્માએ તેના માધ્યમથી લખ્યા હતા. તેમાં તેણે અવનવા રહસ્યો અનાવૃત્ત કર્યા હતા.

ફેબ્રુઆરી ૧૮૭૫માં ૯ વર્ષ પછી એકાએક તેનામાં અતીન્દ્રિય ક્ષમતાઓ (Clairvoyance) પ્રગટ થઈ ગઈ હતી. ઈન્દ્રિયાતીત જ્ઞાન દર્શનથી તે દૂર બની રહેલી ઘટનાનું યથાર્થ વર્ણન કરતી. તેના મિત્રો કે સંબંધીઓ તેનાથી પચાસ માઈલ દૂર હોય તોય તેમણે ક્યા વસ્ત્રો પહેર્યા છે અને પૂછવામાં આવે તે સમયે તે શું કરી રહ્યા છે તે સાચેસાચું કહી દેતી. તેની ચૈતસિક શક્તિથી નજીકના ભવિષ્યમાં શું બનવાનું છે તે સચોટ કહી દેતી. પછી તે પ્રમાણેની ઘટના બનતી પણ ખરી. અનેકવાર આંધી, તોફાન, વાવાઝોડા, ભૂકંપ આવે તેના કલાકો પહેલાં તે તેની ભવિષ્યવાણી કરી દેતી. ૧૮૭૫માં બ્રુકલીન યુનિવર્સિટીના ભૌતિકવિજ્ઞાની પ્રોફેસર હેનરી એમ. પાર્શ્બસ્ટ્રએ મોલીની અતીન્દ્રિય શક્તિનું પરીક્ષણ કર્યું હતું. તે બે બાબત જાણવા માંગતા હતા કે શું મોલીમાં ખરેખર અતીન્દ્રિય ક્ષમતા છે કે પછી કોઈ છળ કપટ, તરકટ કરાય છે ? બીજું એની શક્તિ સાચી હોય તો તે તેનો પ્રયોગ કઈ રીતે કરે છે ? આ માટે તેમણે પ્રયોગો કર્યા. એક કાગળ પર હેનરીએ અટપટું લખાણ લઈને તેને પરબિડીયામાં મૂકી  તે સીલ કરીને મોલીને આપ્યું. તેણે તે પરબિડીયા પર હાથ મૂકીને તેને ખોલ્યા વગર જ તે કાગળ પર શું લખ્યું છે તે બોલી બતાવ્યું હતું. તે પછી કોઈ જુની ફાઈલમાંથી અડસટ્ટે એક કાગળ કાઢી તેને પણ કવરમાં મૂકીને તે બંધ કરી મોલીને આપવામાં આવ્યો મોલીએ કવરમાં મૂકાયેલ ફાઈલના કાગળની તમામ વિગતો એક પણ ભૂલ વિના બોલી બતાવી હતી. આવા અનેક પ્રયોગો કરાયા હતા જેમાં મોલીની અતીન્દ્રિય શક્તિ સાચી સાબિત થઈ હતી. ડૉ. હેનરીએ જણાવ્યું કે અકસ્માત દરમિયાન મસ્તિષ્કના કોઈ ન્યૂરોન સક્રિય થવાથી કે મગજનું કોઈ અજ્ઞાત કેન્દ્ર જાગૃત થઈ જવાથી તેનામાં આવી શક્તિ પ્રગટ થઈ હોય એવું સંભવ છે. મોલી તેની છઠ્ઠી ઈન્દ્રિય (Sixth sense) થી જ આ બધું જાણી લે છે.

મોલી ફેન્ચરે પોતે જ એકવાર કહ્યું હતું - મને એવું લાગે છે કે જાણે હું મારી બન્ને ભ્રમરની વચ્ચે રહેલી ત્રીજી આંખથી જોઈ રહી છું. ઘણીવાર મને એવું પ્રતીત થાય છે કે મસ્તિષ્કના ઉપરના ભાગમાંથી પ્રકાશ કિરણો નીકળી રહ્યા છે જે વસ્તુઓને અથડાઈને પાછા મારી સામે આવે છે જેને મારી આ ત્રીજી આંખ જોઈ લે છે. અમેરિકાની વેસ્ટ વર્જિનિયા ઈન્ટરમોન્ટ કોલેજના મનોવિજ્ઞાની જેમણે હોલોગ્રાફિક મોડેલ ઓફ ધ યુનિવર્સ પર નોંધમાત્ર સંશોધનો કર્યા છે તે કીથ ફ્લોઈડ  (Keith Floyd)  તેમના ઓફ ટાઈમ એન્ડ માઈન્ડ (Of Time and mind) નામના પુસ્તકમાં દર્શાવે છે કે મસ્તિષ્ક જ્યારે ઉચ્ચ પ્રકારની અસાધારણ કાર્યવાહી કરે છે ત્યારે તેની ઓપ્ટિકલ સીસ્ટમમાં એવી પ્રક્રિયા થાય છે જેનાથી મસ્તિષ્કમાં એક જુદા જ પ્રકારનો અલૌકિક, દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થાય છે. આ પ્રકાશને જીવ-દીપ્તિ (Bioluminescence)  તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી આંખ (Third Eye)  થી જોનારા કલેરવોયન્સની શક્તિ ધરાવતા ચૈતસિકો આ પ્રકાશથી જ ભવિષ્યદર્શન કે દૂરદર્શન કરતા હોવા જોઈએ. મોલી ફેન્ચર જે મસ્તિષ્કના પ્રકાશની વાત કરે છે તે આ જ હશે. વર્ષો સુધી ભોજન કે પ્રવાહી સુધ્ધાં ન લેનારી અને કલેરવોયન્સ પાવર ધરાવતી મોલી ફેન્ચર ધ બ્રુકલીન એનિગ્મા તરીકે ખ્યાતિ પામેલી છે.


Google NewsGoogle News