યોગી આત્મ-ચેતનાના વિજ્ઞાનથી ટેલિપોર્ટેશન કરી શકે છે
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- કવૉન્ટમ ટેકનોલોજીથી ટેલિપોર્ટેશન દ્વારા એક સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં વ્યક્તિ કે વસ્તુઓનું સ્થાનાંતરણ થઈ શકશે
ધ ર્મ અને વિજ્ઞાન એક જ રથના બે પૈડાં છે. ધર્મ આત્મવિજ્ઞાનનું રહસ્ય ખોલે છે. જેમાં યોગાભ્યાસની જરૂર પડે છે જ્યારે વિજ્ઞાન ભૌતિક જગતનું રહસ્યોદ્ઘાટન કરે છે જેમાં બાહ્ય ઉપકરણો કામ કરે છે. યોગ એટલે ચેતનાનું વિજ્ઞાન. વિજ્ઞાન પદાર્થની અંતર્ગત થતી ઊર્જા પર પ્રયોગો કરે છે. યોગ આત્માની અંતર્ગત કાર્ય કરતી ચેતના પર પ્રયોગો કરે છે.
ઓગણીસમી સદીના શરીરવિજ્ઞાની, ચિકિત્સક ફ્રેન્ઝ હાર્ટમને (Frenz Hartmann) કહ્યું હતું - 'વિજ્ઞાન બુદ્ધિની ભેટ છે તો અધ્યાત્મ પ્રજ્ઞાની ભેટ છે. પ્રજ્ઞાનો સીધો સંબંધ ઇશ્વર સાથે છે. કલ્પના શક્તિ જેણે ભૌતિક સિદ્ધિઓને જન્મ આપ્યો તે સત્યનું પ્રત્યક્ષીકરણ કરાવનારી પ્રજ્ઞાની જ ભેટ છે. જે તર્ક બુદ્ધિનો આશ્રય લઈને પ્રકૃતિના રહસ્યોની શોધ શરૂ કરાઈ, તથ્યોને એકત્રિત કરાયા અને એને લગતી નિયમનો બન્યા, ભવિષ્યની શોધખોળ, સંશોધનોની રૂપરેખા તૈયાર થઈ, વિવિધ પદ્ધતિઓ' દ્વારા એનું નિરીક્ષણ, પરીક્ષણ થયું અને જે યોગ્ય જણાયું તેના દ્વારા સુખ-સગવડના સાધનો બનાવાયા તે બધું પ્રજ્ઞા-ચેતના રૂપી સૂર્યના કિરણની ઝલક માત્ર છે.
આ મહાન ચિકિત્સાશાસ્ત્રી, ગૂઢ વિજ્ઞાની ફ્રેન્ઝે તેના સમયે કહ્યું હતું - 'અત્યારનું વિજ્ઞાન માત્ર સપાટી પરનું જ્ઞાન, કારણો અને પ્રભાવો પર આધારિત છે. પ્રયત્નો કરવાથી અને વધારે ઊંડાણમાં જવાથી આનાથી વધારે જાણકારી મેળવી શકાય છે. પ્રવૃત્તિની રહસ્યમય શક્તિઓ અને મનુષ્યની વિલક્ષણતાઓ, પ્રજ્ઞા, મેધા જેવી સૂક્ષ્મ જગતની બાબતો જે હજુ અજ્ઞાત છે તેના રહસ્યોને વધારે ઊડાણમાં જઈને જાણી શકાય છે. ઉચ્ચસ્તરીય માનસિક ચેતનાના વિકાસથી જ આ સંભવ બની શકે છે.''
"He who cannot evolve a world within his own sould needs the external word to evolve his soul. જે એના પોતાના આત્મામાં જગતનો વિકાસ કરી શકતો નથી તનેે તેના આત્માનો વિકાસ કરવા બહારના જગતની જરૂર પડે છે.' ફ્રેન્ઝ હાર્ટમનનું આ વિધાન પણ અત્યંત પ્રસિદ્ધ છે True religion is the reailzation of truth: સાચો ધર્મ સત્યનો સાક્ષાત્કાર છે.
થોડા વર્ષો પૂર્વે વિજ્ઞાનને એમ લાગતું હતું કે ઊર્જાથી વધારે સૂક્ષ્મ સત્તા અસિત્ત્વ ધરાવે છે અને તે છે આત્મ-ચેતનાની સર્વાધિક સૂક્ષ્મતમ સત્તા. કવોન્ટમ ફિઝિક્સના ક્ષેત્રે થયેલા સંશોધનો પરથી હવે વિજ્ઞાનીઓ જ કહે છે કે બ્રહ્માડના બધા જ કણો એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજાની માહિતીની આપ-લે કરતા હોય છે.
ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની બર્નાર્ડ જી એસ્પેગ્નેટ (Bernard d'Espagnat) એમના પુસ્તક 'ધ ફિઝિસિસ્ટસ કન્સેપ્શન ઓફ નેચર (The Physicist's Conception of Nature) માં લખે છે - તાજેરમાં થયેલા પ્રયોગોએ એ સિદ્ધ કર્યું છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેને મૂળભૂત અને મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત માનતા હતા તેને આજે જો પોતે હયાત હોત તો તે બદલી નાંખવા લાચાર બનત !' અત્યારે આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે અવિભાજ્ય સમગ્રતા (Êndivided Wholeness) નો સિદ્ધાંત ભૌતિક વિજ્ઞાનના સર્વેમાન્ય એક્સસ સિદ્ધાંતોમાનો એક સિદ્ધાંત બની ગયો છે.
જ્હોન કલોસર અને સ્યુઅર્ટ ફીનમેન નામના ભૌતિકવિજ્ઞાનીઓએ 'લોરેન્સ બર્કલે લેબોરેટરી' ખાતે પ્રયોગ કરીને એવો નિષ્કર્ષ આપ્યો છે કે 'બેલના પ્રમેય'નો સિદ્ધાંત એકદમ સાચો છે. જગતના પદાર્થો એકમેક સાથે જોડાયેલા છે અને તેમની વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન સતત થતું જ રહે છે. એક કણ અને બીજા કણ વચ્ચે થતું સંવેગ અને સ્થિતિનું સંજ્ઞાન પ્રકાશ કરતા પણ વધુ ઝડપી (સુપર લ્યુમિનલ - Super luminal) થઈ જાય છે. ૧૯૮૨માં ફ્રાંસમાં આવેલા ઓરસે ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ પેરિસની ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્ટિક્સના ભૌતિક વિજ્ઞાની એલન આસ્પેક્ટે પણ કલોસર-ફીડમેનથી વધુ જટિલ પ્રયોગો કરી આ જ તારણ આપ્યું કે પરમાણુ કણો અને તેમના સમુચ્ચયોથી બનેલા સ્થૂળ પદાર્થો વચ્ચે પ્રકાશ કરતાં પણ વધુ ઝડપથી માહિતીનું આદાન-પ્રદાન થાય છે. એ રીતે યુનિવર્સિટી ઓફ વિયેનાના ઓસ્ટ્રિયન કવૉન્ટમ ફિઝિસિક્ટ એન્ટન ઝેલિન્ગરે કરેલા પ્રાયોગિક સંશોધનોએ પણ આ બાબતનું સમર્થન આપ્યું. એટલે ૪ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ જ્હોન કલોસર, એલન આસ્પેક્ટ અને એન્ટન ઝેલિન્ગરને આ સિદ્ધાંત માટે નોબલ પ્રાઈઝ મળ્યું. એનાથી 'લો ઓફ લોકલ ઈફેક્ટ'નો સિદ્ધાંત ખોટો સાબિત થયો અને દૂર દૂર રહેલા પદાર્થો એકબીજા સાથે જોડાયેલા છે અને તેમનું ટેલિપોર્ટેશન પણ થઈ શકે છે એવું પ્રસ્થાપિત થયું. આ ભૌતિકવિજ્ઞાનીઓ કહે છે કે ભવિષ્યમાં કવૉન્ટમ ટેકનોલોજીથી ટેલિપોર્ટેશન દ્વારા એક સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં વ્યક્તિ કે વસ્તુઓનું સ્થાનાંતરણ થઈ શકશે.
સિદ્ધયોગીઓ તો એમની યોગશક્તિથી આવું સ્થાનાંતરણ હજારો વર્ષોથી કરતા આવ્યા છે. ગૂઢ વિજ્ઞાન (Occult Science) આને 'એપોર્ટ' તરીકે ઓળખે છે. ઈ.સ. ૧૯૨૯ના એપ્રિલ મહિનામાં ફ્રાન્સના પેરિસના કેપ્ટન માર્શલ દુબો ફ્રેન્ચ સરકાર થકી અલ્જીરિયામાં વ્યાપક રીતે ફેલાયેલા ડિપ્થેરિયા રોગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા હતા તે વખતે તેમને આનો અનુભવ થયો હતો. એક દિવસ ત્યાંના એક ગામના મુખી અબ્દુલ તેમનો આભાર માનવા તેમની પાસે આવ્યા. તેમણે દૈવી ચિકિત્સા, એપોર્ટ અને અનેક યોગ સિદ્ધિઓ તે પોતે પણ ધરાવે છે એવી વાત કરી. માર્શલે તેમને કહ્યું કે તે આવી શક્તિમાં વિશ્વાસ ધરાવતા નથી. મોટેભાગે તે હાથચાલાકી, છેતરપિંડી કે દ્રષ્ટિભ્રમ જેવી જાદુગરી જ હોય છે. અબ્દુલે કહ્યું - 'ના, હંમેશાં એવું હોતું નથી. યોગ શક્તિઓ પણ અસ્તિત્ત્વ ધરાવે જ છે. તમે કહેતા હો તો હું તે અત્યારે જ પુરવાર કરી બતાઉ.' માર્શલે કહ્યું - 'સારું, તો જોઈએ. અબ્દુલે હવામાં હાથ લાંબો કર્યો અને બીજી જ પળે તેમના હાથમાં કોઈ વસ્તુ આવી ગઈ હતી. તેમણે તે માર્શલને આપી અને કહ્યું - આને તો તમે બરાબર ઓળખો જ છો. માર્શલે જોયું તો તે પેરિસમાં રહેતા તેના પિતા પિયરે દુબોના વિશાળ ઘરના દુર્લભ મ્યુઝિયમમાં રાખેલી દસ લાખ રૂપિયાની કિંમતની એક મોંઘી કલાકૃતિ હતી. અબ્દુલે તેમને કહ્યું - આ કલાકૃતિ તમારા ઘરના મ્યુઝિયમમાંથી જ અહીં આવી છે. એટલે એને તમે તમારી પાસે જ રાખો અને અહીંથી પેરિસ જાવ ત્યારે સાથે લેતા જજો. આની વધારે પાકી ખાતરી કરવા માર્શલ દુબોએ તેમના પિતા પર ટેલિગ્રામ કર્યો અને આ વિશે પૂછ્યું. તેમણે સામેથી જણાવ્યું - આ કલાકૃતિ મ્યુઝિયમની દીવાલ પરથી ગુમ થઈ ગઈ એટલે અમે પોલીસ ફરિયાદ પણ કરી છે. આ દુર્લભ કલાકૃતિ ગુમ થઈ જવાથી હું બહુ ચિંતિત છું. બારણા બંધ હોવા છતાં અને બહાર પહેરેગીર હોવા છતાં તે ત્યાંથી કેવી રીતે અદ્રશ્ય થઈ ગઈ તે મને સમજાતું નથી. પછી માર્શલે અબ્દુલને કહ્યું - હું આને સાથે લઈને બધે ક્યાં ફરું ! તમે જે રીતે ત્યાંથી એને અહીં લાવ્યા તે રીતે હવે આને પાછી અહીંથી મારા પિતાના મ્યુઝિયમમાં પહોંચાડી દો. અબ્દુલે એક જ પળમાં તેને ત્યાંથી અદ્રશ્ય કરી દીધી અને અલ્જીરિયાથી પેરિસના મ્યુઝિયમમાં પહોંચાડી દીધી હતી.'